આ છે રિયલ મર્દાની

08 February, 2026 04:38 PM IST  |  Mumbai | Rashmin Shah

અન્ડરકવર રહ્યા પછી જે માહિતી મળી હતી એ માહિતીને નક્કર રીતે પેપર પર લાવવાની હતી અને એ આરોપીઓને શોધવાના હતા જે આ આખી ઘટના સાથે જોડાયેલા હતા, અને એનાથી પણ અગત્યનું કામ એ હતું કે એ બાળકોને શોધવાનાં હતાં જે ગામમાંથી ગાયબ થયાં હતાં.

મલ્લિકા બૅનરજી

માલિશવાલી મૅડમ માલિશવાળી મૅડમને બદલે પોલીસ-વર્દીમાં મલ્લિકા બૅનરજીને જીપમાંથી પહેલી વાર ઊતરતાં લોકોએ જોયાં ત્યારે કેટલીયે મહિલાઓની આંખો ફાટી ગઈ હતી તો કેટલીક આવીને મલ્લિકાજીની માફી પણ માગવા માંડી હતી. જોકે મલ્લિકાજીએ બધાને કહ્યું કે હું હજી પણ તમારી માલિશવાલી મૅડમ જ છું.

ફિલ્મમાં મહિલા આૅફિસરને અન્યાય અને ક્રાઇમ સામે લડતી જોઈને આપણે ખુશ થતા હોઈએ છીએ, પણ હકીકતમાં જો તે આંખ સામે આવી જાય તો-તો એ ખુશી અચરજ બનીને આંખોને ચાર કરી જાય. જોકે રિયલ મર્દાની એવાં છત્તીસગઢનાં IPS આૅફિસર મલ્લિકા બૅનરજીએ ૨૦૦+ દીકરીઓનો માબાપ સાથે કઈ રીતે ફરી મેળાપ કરાવ્યો એ જાણશો તો તમારી આંખો આશ્ચર્યથી ચોવીસ થઈ જશે એની ગૅરન્ટી

ફિલ્મ ‘મર્દાની’ જોઈને કેટલાયના હાંજા ગગડી જાય છે તો કેટલાય એવું પણ કહે છે કે આ દેશને આ પ્રકારની રિયલ મર્દાનીની જરૂર છે. જો આ વાત છત્તીસગઢમાં કહેવા આવે તો ત્યાંની જનતા એક જ અવાજે કહે કે અમારી પાસે એવી જ મર્દાની છે અને તેમની વાતમાં સચ્ચાઈ પણ છે.

છત્તીસગઢમાં ડ્યુટી કરતાં ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઑફિસર મલ્લિકા બૅનરજી એવી જ લેડી છે જેની પ્રેરણા લઈને અનેક લોકોએ ફિલ્મ અને વેબ-સિરીઝની દિશામાં કામ કર્યું છે.
માનવ-તસ્કરીનું દેશમાં જે ષડ‍્યંત્ર ચાલે છે એ ષડ‍્યંત્રને ખોલવા માટે મલ્લિકા બૅનરજીએ રીતસર જમીન-આસમાન એક કર્યાં હતાં. જે IPS ઑફિસર ઑફિસમાં બેસીને ઑર્ડર છોડતા હોય છે, જે પોતાના સ્ટાફ વિના એક પગલું નથી માંડતા એવા પુરુષ પોલીસ-ઑફિસરો માટે મલ્લિકા બૅનરજી આદર્શ અધિકારી છે.

છત્તીસગઢ લેડી પોલીસ ઑફિસરનાં એકીશ્વાસે વખાણ કરે છે તો સેંકડો એવાં ઘર છે જ્યાં તેમનો ફોટો ભગવાનની સાથે મૂકવામાં આવ્યો છે અને સાક્ષાત્ દેવી સમાન માનીને તેમની પૂજા કરવામાં આવે છે. કરે પણ શું કામ નહીં, વર્ષોથી જે દીકરીઓ ગુમ થઈ હતી તેમને માબાપ પાસે પાછી લાવવાનું કામ તેમણે કર્યું છે.

કઈ રીતે અને કેવા સંજોગોમાં આ કામ કરવામાં આવ્યું એ જાણવા માટે આપણે થોડા ફ્લૅશબૅકમાં જવું પડશે.

છોકરીઓનો ઉપયોગ શેમાં થતો?

હ્યુમન-ટ્રાફિકિંગ કરીને લાવવામાં આવેલી છોકરીઓનું ત્રણ રીતે શોષણ થતું.

ઘરકામ : સૌથી વધુ છોકરીઓને દિલ્હી જેવાં શહેરોમાં મોટાં ઘરોમાં કામ કરવા માટે વેચી દેવામાં આવતી. તેમની પાસે સવારથી રાત સુધી સખત મજૂરી કરાવવામાં આવતી, પૂરી રાખવામાં આવતી અને પગાર પણ આપવામાં આવતો નહીં. આઠથી ૧૪ વર્ષના બાળક પાસે આ કામ કરાવવામાં આવતું.

બળજબરીથી લગ્ન : હરિયાણા અને પંજાબ જેવાં રાજ્યોમાં જ્યાં સેક્સ-રેશિયો ઓછો છે ત્યાં આ આદિવાસી છોકરીઓને મોટી ઉંમરના પુરુષોને વેચી દેવામાં આવતી અને તેમની સાથે બળજબરીથી લગ્ન કરાવવામાં આવતાં. ૧૪થી ૧૮ વર્ષની યુવતી પાસે આ કામ કરાવવામાં આવતું.

દેહવિક્રય : ઘણી કમનસીબ છોકરીઓને મોટા શહેરોના રેડ લાઇટ એરિયામાં ધકેલી દેવામાં આવતી હતી. દેખાવડી અને માંસલ દેહ ધરાવતી યુવતીને આ નરકમાં ધકેલવામાં આવતી.

એજન્ટ ૮ વર્ષથી નાનાં બાળકોને પણ છોડતા નહીં. આ બાળકોને ભીખ માગવાના રૅકેટમાં તો કોઈ વાર ડ્રગ્સ સપ્લાય કરવાના કામમાં લગાડી દેવામાં આવતાં. એજન્ટોની બીજી પણ એક ખાસિયત હતી. તેઓ ૧૮ વર્ષની યુવતીને ઓછામાં ઓછી પસંદ કરતા. સામાન્ય રીતે છથી પંદર-સોળ વર્ષની છોકરી જ પસંદ થતી, કારણ કે અભણ એવી એ છોકરી ઘરનું ઍડ્રેસ કે ફોન-નંબર યાદ રાખવાનું હજી શીખી ન હોય.

અન્ડરકવરનો યાદગાર કિસ્સો 

મલ્લિકા બૅનરજીનું એ અન્ડરકવર ઑપરેશન ભારતીય પોલિસિંગના ઇતિહાસમાં એક વિશિષ્ટ ઉદાહરણ માનવામાં આવે છે. તેમણે જે રીતે ગ્રાઉન્ડ લેવલ પર જઈને કામ કર્યું એનાં વખાણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ કર્યાં છે. પોતાના અન્ડરકવર ઑપરેશન દરમ્યાન બનેલી એક ઘટના મલ્લિકાજીને આજે પણ યાદ છે.
પોતે સેલ્સવુમન બનીને ઘરે-ઘરે જઈ સ્ત્રીઓના માથામાં તેલમાલિશ કરી આપવાની ઑફર કરતાં. એ માલિશ દરમિયાન સ્ત્રીઓ હળવી થતી અને વાતોએ વળગતી. એક વખત એવું બન્યું કે એક માજી માલિશ કરાવતાં-કરાવતાં રડી પડ્યાં અને કહ્યું કે મારી દીકરીને પણ આવી જ રીતે એક એજન્ટ ભણાવવાનું કહીને લઈ ગયો હતો, પણ આજે ૭ વર્ષ થયાં તેના કોઈ સમાચાર નથી; જો તે અત્યારે હોત તો તારા જેવડી જ હોત ને મને આમ જ તેલ નાખી દેતી હોત.
એ માજીની વાત સાંભળીને મલ્લિકા બૅનરજીની આંખો ભીની થઈ ગઈ હતી પણ તે ડ્યુટી પર હતાં એટલે ઇમોશન કાબૂમાં રાખીને તેમણે એ માજી પાસેથી એજન્ટનું નામ કઢાવી લીધું. 
આદિવાસીઓ સાથે તેમની સ્થાનિક બોલી એટલે કે સાદરી અને છત્તીસગઢીમાં વાત કરવામાં આવે તો તેમને ઘરોબો લાગે જ્યારે મલ્લિકાજી તો બંગાળી હતાં એટલે તેમણે સાદરી અને છત્તીસગઢી શીખવા માટે ૭ દિવસ ફાળવ્યા હતા. આ ૭ દિવસ દરમ્યાન તેમણે ફક્ત ને ફક્ત ભાષા પર કમાન્ડ મેળવ્યો.

વર્ષ ૨૦૧પ

વર્ષ ૨૦૧૩માં IPS માટે ક્વૉલિફાય થયેલાં મલ્લિકા બૅનરજી ૨૦૧૬ના આરંભમાં છત્તીસગઢના જશપુર જિલ્લામાં ઍડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ તરીકે ટ્રાન્સફર થયાં અને તેમણે જૂની ફાઇલો ઊથલાવવાનું શરૂ કર્યું. જૂના કેસ ચકાસતાં તેમને ૨૦ કેસ એવા દેખાયા જેમાં બાળકો ગુમ થયાની ફરિયાદ હતી. તેમણે એ કેસ રીઓપન કર્યા અને માબાપને મળવા બોલાવ્યાં. ગુમ થયેલાં એ બાળકોની ઉંમર ૮થી ૧૪ વર્ષની હતી. મલ્લિકાજીને ઝાટકો એ સમયે લાગ્યો જ્યારે મળવા આવેલા પેરન્ટ્સમાંથી ૯૦ ટકા પેરન્ટ્સે એવું કહી દીધું કે અમારાં બાળકોને શોધવાનાં નથી, અમારે વાત થઈ ગઈ. વધારે વિગતો પૂછી તો તેમની પાસે બીજા કોઈ જવાબો નહોતા પણ બસ, એ લોકો એક જ વાતનો કક્કો પકડીને બેસી ગયા હતા કે તપાસ કરવાની નથી.

પેરન્ટ્સનું આ પ્રકારનું વર્તન મલ્લિકાજીને અજુગતું લાગ્યું અને તેમણે જુનિયર્સની સાથે મીટિંગ લીધી જેમાં તેમને ખબર પડી કે ફરિયાદ ૨૦ આવી છે પણ ચાલીસથી પચાસ બાળકો ગુમ થયાં છે, બીજા પેરન્ટ્સ કમ્પ્લેઇન્ટ કરવા રાજી નથી. સ્વાભાવિક છે કે મલ્લિકા બૅનરજીને ઝાટકો લાગ્યો અને તેમણે બેઝિક તપાસનો આરંભ કર્યો.

તપાસનું પરિણામ

મલ્લિકા બૅનરજીને ખબર પડી કે છત્તીસગઢના જશપુર જિલ્લામાં રહેલી ગરીબીના કારણે કેટલાક એજન્ટો અને તેના મળતિયા નિયમિત રીતે આ જિલ્લાનાં ગામડાંઓમાં જઈને લોકોને તેમની દીકરીઓને વધારે સારી રીતે અભ્યાસ કરવાની કે પછી જૉબની લાલચ આપીને શહેરમાં મોકલવા માટે સમજાવતા રહેતા હોય છે. દીકરીઓના ફોટોગ્રાફ્સ પણ લેવામાં આવે અને આ જ એજન્ટ ત્યાર પછી છોકરીઓના બદલામાં પાંચથી ૧૦ હજાર રૂપિયા આપે અને છોકરીઓને શહેરમાં લઈ જાય.

પોતાની તપાસ દરમ્યાન મલ્લિકા બૅનરજીને એ સમજાઈ ગયું કે આ કોઈ મોટું રૅકેટ છે પણ એ રૅકેટને ઓપન કરવા માટે પરંપરાગત રીત નહીં ચાલે. મલ્લિકા બૅનરજીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘ગુનો ત્યારે જ મોટો બને જ્યારે અત્યાચાર સહન કરનારો સામે ન આવે. એવું જ બન્યું હતું. ઇન્ક્વાયરી દરમ્યાન મને લાગ્યું કે અમારી પાસે જે ફરિયાદ છે એ ૨૦ ફરિયાદ તો કદાચ બહુ ઓછી છે, સાચો આંકડો એનાથી ખાસ્સો મોટો હશે. અમે નવી રીતે તપાસ કરવાનું નક્કી કર્યું.’

નવી કઈ રીતે તપાસ કરવી એ વિશે પુષ્કળ વિચારણા થઈ અને એ વિચારણાના અંતે નક્કી થયું એક અન્ડરકવર ઑપરેશન કરવું અને એમાં ખુદ મલ્લિકા બૅનરજીએ પોતે જ ઊતરવું. ૨૦૧૬ના જુલાઈ-ઑગસ્ટની વાત છે. મલ્લિકાજી કહે છે, ‘લોકલ લેડી સ્ટાફ તો સ્થાનિક હતો એટલે તેમના પર રિસ્ક લઈ શકાય એમ નહોતું અને હું કંઈ ખાસ પબ્લિક ફંક્શનમાં હજી ગઈ નહોતી એટલે મારો ફેસ પૉપ્યુલર નહોતો. બીજું કે અભણ અને દેહાતી લોકો સાથે ડીલ કરવાનું હતું એટલે એ રીતે પણ તે મને ઓળખે એવી શક્યતા નહોતી; પણ હા, એવું કરવામાં રિસ્ક હતું.’

કામ શરૂ થયું અને એ કામે છત્તીસગઢ જ નહીં, છેક દિલ્હી સુધી પડઘા પાડ્યા.

આૅપરેશન અન્ડરકવર

આ ઑપરેશનમાં મલ્લિકા બૅનરજીએ સેલ્સવુમન બનવાનું હતું અને ઘરે-ઘરે જઈને કૉસ્મેટિક્સ, હેરઑઇલ અને એવો સામાન વેચવાનો હતો. તેમનો ઇરાદો એવો હતો કે ઘરની મહિલાઓ સાથે ઘરોબો કેળવી તેમની પાસેથી વાતો કઢાવે. જોકે બે જ દિવસમાં ખબર પડી ગઈ કે જેમને
ખાવા-પીવાના સાંસા છે એવા લોકો ૧૦ રૂપિયાની તેલની બૉટલ કે પાંચ રૂપિયાનું વેસલિનનું પાઉચ ક્યાંથી ખરીદવાના? જે પાંચ હજારમાં પોતાની ૮ અને ૯ વર્ષની દીકરી આપી દેતા હોય તે કેવી રીતે ૨૦ રૂપિયાની સાબુની ગોટી ખરીદવાના?

મલ્લિકા બૅનરજીએ માહિતી કઢાવવાની પોતાની મોડસ-ઑપરેન્ડી રાતોરાત ચેન્જ કરી નાખી અને બીજા દિવસથી તેમણ ઘરે-ઘરે જઈને કહેવાનું શરૂ કર્યું કે અમારી કંપનીએ સ્કીમ કાઢી છે કે માથામાં તેલ નાખી આપવાનું, જો તમને મજા આવે તો જ તમારે તેલ ખરીદવાનું; ઑઇલ-મસાજનો કોઈ ચાર્જ નથી.

ગરીબ મહિલાઓ બિચારી તો આ સાંભળીને રાજી-રાજી થઈ ગઈ. મનમાં એમ જ હતું કે આ બહાને તેલમાલિશ કરાવી લેવી અને બૅનરજીનું તીર નિશાન પર લાગી ગયું. દરેક ઘરમાં, દરેક ઝૂંપડામાં મલ્લિકાજીને એન્ટ્રી મળવા માંડી. ચોથા દિવસે તો એવી હાલત થઈ ગઈ કે રસ્તા પર કોઈ મહિલા મળે તો તે મલ્લિકાજીને તેની ગલીમાં આવવા માટે ફોર્સફુલી આમંત્રણ આપી આવે. એ મહિલાઓ માટે તો આ એક સામાન્ય સેલ્સવુમન હતી, જે તેને તેલમાલિશ કરી આપતી હતી.

આ દિવસોમાં મલ્લિકા બૅનરજી એક પણ દિવસ પોતાની ઑફિસ ગયાં નહીં. તે સતત સેલ્સવુમન જ બની રહ્યાં. આટલો લાંબો સમય એક IPS ઑફિસર પોતાના પ્રોટોકૉલ તોડીને જીવ જોખમમાં મૂકે અને સિક્યૉરિટી ગાર્ડ્સ વિના બધાની વચ્ચે ફરે એ બહુ મોટી વાત કહેવાય અને એ પણ મહિલા ઑફિસર માટે.

અન્ડરકવર અવસ્થામાં મલ્લિકા બૅનરજી જશપુર જિલ્લાના બગીચા, કાંસાબેલ અને કુનકુરી જેવાં અંતરિયાળ આદિવાસી ગામડાંઓમાં પણ ફર્યાં. પોતાના આ પિરિયડમાં તેમણે ક્યાંય કોઈ સરકારી ગેસ્ટહાઉસનો ઉપયોગ કર્યો નહોતો તો પોતાની શાહુકારી પણ ન દેખાય એ વાતનું પણ ધ્યાન રાખીને ટૅક્સી કે પ્રાઇવેટ વ્હીકલનો ઉપયોગ પણ નહોતો કર્યો. મોટા ભાગે તે ચાલીને જ જતાં જેથી લોકોને વિશ્વાસ આવે કે આ બાઈ એક સામાન્ય સેલ્સવુમન છે.

અંદરની વાત બહાર

ઑલમોસ્ટ ૨૦ દિવસ સુધી મલ્લિકા બૅનરજી સેલ્સવુમન બનીને ફર્યાં અને મહિલાઓને ચંપી કરી તેમની લાગણી જીતવાનું કામ કર્યું. તેલમાલિશ દરમિયાન તે એક જ કામ કરતાં, ધીમેકથી વિશ્વાસ અને દિલ જીતી જે-તે વ્યક્તિ પાસેથી માહિતી કઢાવતાં રહે. પોતાના આ ૨૦ દિવસના સંઘર્ષ પછી એક દિવસ એવો આવ્યો કે તેમની સામે આખું વિકરાળ પિક્ચર ક્લિયર થઈ ગયું. તેમને સમજાયું કે ફરિયાદ ૨૦ બાળકો ગુમ થયાની આવી છે, ડિપાર્ટમેન્ટ ૪૦ બાળકો માને છે પણ હકીકત સાવ જુદી છે. જિલ્લામાંથી ૨૦૦થી વધુ બાળકો ગુમ થયાં છે, એ પણ છેલ્લાં ૪ વર્ષમાં અને શરમની વાત તો એ છે કે એ પછી પણ આ પ્રક્રિયા અત્યારે પણ ચાલુ છે.

અન્ડરકવર રહ્યા પછી જે માહિતી મળી હતી એ માહિતીને નક્કર રીતે પેપર પર લાવવાની હતી અને એ આરોપીઓને શોધવાના હતા જે આ આખી ઘટના સાથે જોડાયેલા હતા, અને એનાથી પણ અગત્યનું કામ એ હતું કે એ બાળકોને શોધવાનાં હતાં જે ગામમાંથી ગાયબ થયાં હતાં.

આ એ સમયની વાત છે જે સમયે હ્યુમન-ટ્રાફિકિંગ એટલે કે માનવતસ્કરી છત્તીસગઢ માટે અત્યંત સંવેદનશીલ માનવામાં આવતી, જેની પાછળનું મુખ્ય કારણ એ વિસ્તારની ગરીબી હતી તો બીજું પણ એક કારણ હતું. ગરીબી વચ્ચે પણ આ એરિયાની છોકરીઓ હૃષ્ટપુષ્ટ અને પ્રમાણમાં દેખાવડી લાગતી. તેમનું આ સુંદર દેખાવું જ આ છોકરીઓ માટે અભિશાપ બન્યું હતું. મલ્લિકા બૅનરજીએ સૌથી પહેલાં એક એજન્ટ અને તેની ટીમને પકડી અને એ બધાને પકડવા માટે પણ તેમણે અન્ડરકવર ઑપરેશન જ કર્યું. મેઇન એજન્ટની સામે એવું રજૂ કરવામાં આવ્યું કે પોતે ફૉરેનમાં સેટલ થયેલાં છે પણ હવે તે એક એવા બાળકને સાથે લઈ જવા માગે છે જે ઘરમાં સર્વન્ટ બનીને રહે.

એજન્ટ તેમની વાતમાં આવી ગયો અને ઘરેથી મલ્લિકાજી સાથે રવાના થયો. વચ્ચે એજન્ટોને પણ લીધા અને પછી આખો કાફલો ઊભો રહ્યો સરકારી ગેસ્ટ હાઉસ પર. થોડો અમસ્તો
શારીરિક ખર્ચો આપ્યો ત્યાં તો બધા પોપટ બની ગયા અને મલ્લિકા બૅનરજીને મળેલી એ માહિતીના આધારે ૨૦૧૬ના ઑક્ટોબર મહિનામાં છત્તીસગઢની ટીમે દિલ્હીમાં મોટા પાયે ઑપરેશન કર્યું અને વીસથી વધુ બાળકોને એકસાથે મુક્ત કરાવ્યાં. બસ, પત્યું કામ. મલ્લિકા બૅનરજી પોતાના કામ પર લાગી ગયાં અને આખું ઑપરેશન માત્ર છત્તીસગઢ જ નહીં, બીજાં રાજ્યો સુધી પણ લંબાયું.

નોકરીની લાલચ આપીને છોકરીઓ વેચવાનું કામ કરતી ગેરકાયદે એવી ૨પ પ્લેસમેન્ટ એજન્સી અને એના ઑપરેટરને પકડવામાં આવ્યા તો એજન્સી વતી કામ કરતાં એંસીથી વધુ વચેટિયાની અરેસ્ટ થઈ. પ્લેસમેન્ટ એજન્સીના સ્વાંગમાં હ્યુમન-ટ્રાફિકિંગ કરતા એજન્ટ દિલ્હી, હરિયાણા, પંજાબ અને ચંડીગઢમાં આ છોકરીઓને મોકલતા.

કામગીરી શરૂ થઈ એટલે માબાપ પણ સામે આવવાનાં શરૂ થયાં. હવે તમે જોજો, ઑપરેશન શરૂ થયું ત્યાં સુધીમાં ૧૦૦ કમ્પ્લેઇન્ટ આવી અને મલ્લિકા બૅનરજી પોતાના ઑપરેશન દરમ્યાન ૨૦૦થી વધુ બાળકો અને યુવતીઓને રેસ્ક્યુ કરીને છત્તીસગઢ પાછી લાવ્યાં.

મલ્લિકા બૅનરજીનું થોડું પર્સનલ 

પોતાના આ ઑપરેશનથી અઢળક લોકચાહના મેળવનારાં મલ્લિકા બૅનરજી મૂળ બંગાળી છે. તે કલકત્તામાં જ રહ્યાં અને ભણ્યાં પણ ત્યાં જ. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષાની સખત મહેનત બાદ ૨૦૧૩ના બૅચમાં તે IPSની પરીક્ષામાં સફળ થયાં અને તેમને છત્તીસગઢ કૅડર ફાળવવામાં આવી જ્યાં તેમણે જશપુર, રાયગઢ અને સુરગુજા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ડ્યુટી કરી મલ્લિકા બૅનરજી મૅરિડ છે. તેમના હસબન્ડ પણ સિવિલ સર્વિસમાં જોડાયેલા છે પણ પર્સનલ વાત જાહેરમાં આવે એ તેમને પસંદ નથી એટલે તે એ વિશે વધારે વાત કરવા રાજી નથી હોતાં.
નવરાશના સમયમાં મલ્લિકા પેઇન્ટિંગ અને સ્કેચિંગ કરે છે તો સાહિત્ય પણ તેમનો શોખ છે. બંગાળી તેમ જ હિન્દી સાહિત્યમાં ખાસ્સો રસ ધરાવે છે.

મોડસ આૅપરૅન્ડી શું?

એજન્ટોની મોડસ ઑપરૅન્ડીમાં શાતિર-બદમાશી ભારોભાર હતી. ગરીબ માબાપને છોકરીના બદલામાં પાંચથી ૧૦ હજાર રૂપિયા આપવામાં આવતા અને પ્રૉમિસ કરાતું કે તેમની દીકરીને મોટા શહેરમાં ભણાવવામાં આવશે અને ત્રણ મહિનામાં સારામાં સારી જૉબ પણ મળી જશે. એક વાર છોકરી ગામની બહાર જાય એટલે તેનો સંપર્ક પરિવારથી કાપી નાખવામાં આવતો. જો માબાપ આગ્રહ કરે તો શરૂઆતના એક-બે મહિના તેની સાથે વાત કરાવવામાં આવતી, પણ એ વાત કરતી વખતે છોકરી પાસે પણ એજન્ટનો માણસ ઊભો રહેતો જેથી પેલી કંઈ બોલી ન દે.

છોકરીઓ આપી દેવા પાછળ માબાપની બીજી કોઈ લાલચ નહોતી પણ એજન્ટ પરનો વિશ્વાસ હતો અને દીકરીના સારા ભવિષ્યની લાલસા હતી. જો કોઈ માબાપ વારંવાર દીકરી સાથે વાત કરાવવાની માગ કરે તો એજન્ટનાં બહાનાંઓ શરૂ થઈ જતાં અને રીતસર નાટક કરતા. માબાપ ફોન કરે ત્યારે એજન્ટો કાં તો એવું કહે કે શેઠાણી સાથે બહાર ગઈ છે અને કાં તો એવું કહે કે સાહેબને ગમતું નથી કે તમે વારંવાર તેને ફોન કરો છો, આવું કરશો તો તેની નોકરી જશે. એક કારણ તો હંમેશાં રહેતું, તમારી દીકરીનો મોબાઇલ ખરાબ થઈ ગયો છે.

જો છોકરીની નોકરી જાય તો ઍડ્વાન્સ આપેલા પૈસા પાછા આપવા પડે એ મુજબના લખાણ પર એજન્ટો અંગૂઠો પણ મરાવી લેતા. પૈસા પાછા આપવાની ત્રેવડ હોય નહીં એટલે માબાપ બિચારાં ચૂપ થઈ જતાં. એજન્ટ એવું પણ કહેતા કે જો પોલીસ પાસે જશો તો તમારી દીકરી બીજા રાજ્યની પોલીસમાં અટવાશે એટલે એ રસ્તો પણ માબાપનો બંધ થઈ જતો.

નિષ્કર્ષ શું આવ્યો?

મલ્લિકા બૅનરજીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે યુનિફૉર્મ પહેરીને તમે રોફ જમાવી શકો પણ જો તમારે માહિતી જોઈતી હોય તો તેમની વચ્ચે જ જવું પડે. આ વાત માત્ર તે કહેતાં નથી, તેમણે સાબિત કરીને દેખાડી પણ દીધું છે કે લોકો વચ્ચે તે ગયાં અને ૨૦૦થી વધુ દીકરીઓને તે ઘરે પાછી લાવી શક્યાં.

પાછી આવેલી કેટલીક દીકરીઓનો ફેસ પણ તેમનાં માબાપ ભૂલી ગયાં હતાં.

columnists mardaani gujarati mid day Rashmin Shah lifestyle news life and style Protection of Children from Sexual Offences Act POCSO