14 November, 2025 02:57 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
બાળપણ ક્યારેય ફરી પાછું આવતું નથી અને એની યાદો ક્યારેય ભૂંસાતી નથી. વરસાદની એ ખુશ્બૂમાં, પુસ્તકનાં એ પાનાંમાં, જૂની એ વસ્તુમાં, વીસરાઈ ગયેલી એ રમતમાં, સ્કૂલના એ દિવસોમાં આપણે બાળપણને શોધીએ છીએ; પણ બાળપણ મળતું નથી, ફક્ત એની યાદો મળે છે. આજે ચિલ્ડ્રન્સ ડે પર આપણે કેટલાક લોકો પાસેથી તેમના બાળપણના અનુભવો જાણીએ અને ફરી એક વખત યાદોમાં ખોવાઈને બાળક બની જઈએ...
ગામમાં દરિયાકાંઠે રમવાનું અને બહેનપણીઓ સાથે વ્રતોની ઉજવણી કરવાની : પૂજા ટોપરાણી
ઘાટકોપરમાં રહેતાં પંચાવન વર્ષનાં પૂજા ટોપરાણીનો ઉછેર કચ્છના મુંદ્રામાં થયો છે એટલે પોતાના ગામ અને બાળપણ સાથે જોડાયેલી વાતોને યાદ કરતાં તેઓ કહે છે, ‘અમે બાળપણને ખૂબ માણ્યું છે. અમારા ઘરની નજીક ભૂખી નદી હતી. નદીકિનારે આજુબાજુ ખારેક અને ખાટી આમલીનાં વૃક્ષો હતાં. એ વૃક્ષોની આસપાસ રમવાની એક અલગ મજા હતી. મોળાકત અને જયા પાર્વતીની ઉજવણી કરતાં. મોળાકતનું જાગરણ હોય ત્યારે અમે ગરબા ગાઈએ અને ખોખો, પકડદાવ, આંધળોપાટો જેવી રમતો રમીએ. જયા પાર્વતી હોય ત્યારે બધી બહેનપણીઓ સાથે મળીને મોળાં એકટાણાં કરીએ. કોઈ પોતાના ઘરેથી ફળો, કોઈ ડ્રાયફ્રૂટ્સ તો કોઈ ખજૂર લઈ આવે. બધા ભેગા મળીને ખાઈએ. એ પછી ભેગા મળીને પત્તાં રમીએ, પાચીકા રમીએ, અષ્ટપગડો રમીએ. જયા પાર્વતીનું જાગરણ હોય ત્યારે શેરીમાં છોકરીઓ જુદા-જુદા વેશ લે. કોઈ કૃષ્ણ બને, કોઈ રાધા બને તો કોઈ ગોપી બને. સ્કૂલમાં જઈએ તો પણ હસતાં-રમતાં દફ્તર લઈને જઈએ. સ્કૂલથી આવીને ઘરે દફતર ફેંકીને સીધા શેરીમાં રમવા ઊપડી જઈએ. લેસન કરવાનું કોઈ ટેન્શન નહોતું. એ જીવન એકદમ શાંત અને આનંદભર્યું હતું. અમારું ગામ પણ સાવ નાનુંએવું હતું. ફક્ત એક હાઈ સ્કૂલ હતી અને ત્રણ પ્રાથમિક સ્કૂલો હતી. એ નાના ગામમાં પણ અમે ખૂબ મજા કરતાં.’
મસ્તી ભાઈ કરે ત્યારે ફરિયાદ લઈને શિક્ષક મારી પાસે આવે : અવનિ જોશી
મારું બાળપણ મારાં નાનાં ભાઈ-બહેનને કારણે વધુ યાદગાર બન્યું છે એમ જણાવીને નાલાસોપારામાં રહેતી અને BComના બીજા વર્ષમાં ભણતી ૨૧ વર્ષની અવનિ જોશી કહે છે, ‘મારાથી બે વર્ષ નાની બહેન ચાંદની અને ૩ વર્ષ નાનો ભાઈ જય છે. એમાં પણ મારો નાનો ભાઈ વધારે પડતો મસ્તીખોર હતો એટલે તેની ફરિયાદો શિક્ષકો મને બોલાવીને કરે. અમે ત્રણેય સાથે સ્કૂલમાં જતાં. રસ્તામાં મારે બન્નેનું ધ્યાન રાખવાનું હોય. ઘણી વાર એવું થાય કે બન્ને વચ્ચે ઝઘડો થતો થઈ જાય એટલે મારે વચ્ચે પડવું પડે. તે બન્નેના સ્કૂલના જે પ્રોજેક્ટ્સ હોય એ પણ મારે બનાવીને આપવાના હોય. અમે કોઈ ટ્યુશન કે ક્લાસ રખાવ્યાં નહોતાં એટલે બન્નેને ભણાવવાનું કામ પણ મારું જ હતું. એ સિવાય રિસેસના સમયે ખોખો અને લંગડી જેવી રમતો રમવી; ટીકુજીની વાડી, રૉયલ રિસૉર્ટમાં પિકનિક જવું; ઘરે આવતી વખતે ગોળા-ટીકડા, પેપ્પી-કુલ્ફીની મજા માણવી જેવી અનેક યાદો બાળપણ સાથે જોડાયેલી છે. પરીક્ષાનો સમય અમને વધારે ગમતો, કારણ કે ૩ કલાકમાં છૂટી જતા. દરરોજની જેમ પાંચ કલાક બેસવું ન પડે. બાળમંદિરમાં જે બાળગીતો ગવડાવતાં કે સ્કૂલમાં જે પ્રાર્થના થતી એ હજી સુધી યાદ છે. સ્કૂલમાં કોઈ ફ્રેન્ડ ફૅન્સી બૅગ, શાર્પનર, ઇરેઝર, કમ્પાસ, બૉટલ, ડબ્બો લઈને આવ્યો હોય તો ઘરે આવીને જીદ કરતા કે અમને પણ એ જોઈએ છે. એ સમયે નહોતી ખબર કે એ જીવન મોટા થયા પછી અમૂલ્ય યાદો બની જશે.’
સ્કૂલમાં પહોંચવામાં મોડું થાય અને બેસવા ન દે તો પિક્ચર જોવા ચાલ્યા જતા : મનોજ શાહ
કચ્છના અંજારમાં બાળપણ વિતાવનાર ઘાટકોપરના કપડાંના ૫૭ વર્ષના વેપારી મનોજ શાહ કહે છે, ‘અમે બધી દેશી રમતો રમીને મોટા થયા છીએ. એ સમયે ભણવાનું એટલું મહત્ત્વ નહોતું. પપ્પા જબરદસ્તી સ્કૂલમાં ભણવા મોકલતા. સ્કૂલની બાજુ થિયેટર હતું. ઘણી વાર સ્કૂલમાં પહોંચવામાં મોડું થયું હોય અને શિક્ષક ક્લાસમાં બેસવા ન દે તો અમે સીધા પિક્ચર જોવા પહોંચી જતા. એ સમયે ૨૫ પૈસા અને ૭૫ પૈસામાં ટિકિટ મળતી. ઘણી વાર સ્કૂલમાં પહોંચવામાં મોડું થયું હોય ત્યારે સજારૂપે સ્કૂલના ગ્રાઉન્ડમાંથી પથ્થર વીણી-વીણીને સાઇડમાં જમા કરવાનું કહેવામાં આવતું. સવારે અમે સમયસર ઊઠી ન શકતા એટલે પપ્પા સવારે આવીને સીધી લાત મારતા. લાત મારે એટલે સમજી જવાનું કે સ્કૂલનો સમય થઈ ગયો છે. રવિવારે અમે બધા મિત્રો ક્રિકેટ રમતા. એમાં પણ એવું હતું કે પપ્પાનો આગ્રહ એવો કે અમે ફરજિયાત વ્યાખ્યાન સાંભળવા જઈએ, જ્યારે ટીમનો કૅપ્ટન કહેતો કે તમે રમવા નહીં આવો તો પાવલી દંડ થશે. હું ભણવામાં એટલો હોશિયાર નહોતો. SSCમાં ત્રણ વાર ફેલ થયો. પપ્પાને તો LLB બનાવવો હતો. મને યાદ છે કે એકાદ-બે વિષયમાં માર્ક ખૂટતા તો પણ પાસ કરીને આગળના ધોરણમાં મોકલી દેતા. રિઝલ્ટમાં ‘ચઢાવ્યો’ એવો શબ્દ લખતા તે લોકો. નવમા ધોરણમાં એ રીતે પાસ કરીને દસમા ધોરણમાં મોકલ્યો હતો કે ‘અંગ્રેજી છોડવાની શરતે’. અંગ્રેજીમાં ખૂબ ઓછા માર્ક આવેલા એટલે દસમા ધોરણમાં જો આગળ જવું હોય તો અંગ્રેજી વગર જઈ શકો, પણ એ વિષય જોઈતો હોય તો ફરી નવમું ધોરણ કરવું પડે. જોકે હું ગણિત અને વિજ્ઞાનમાં હોશિયાર હતો. દર વખતે ફર્સ્ટ ક્લાસથી જ પાસ થતો.’
હું બહુ જ બોલકણી હતી એટલે ટીચર ફર્સ્ટ બેન્ચ પર જ બેસાડતા : દેવાંશી મહેતા
કાંદિવલીમાં રહેતી અને બૅન્કમાં સર્વિસ મૅનેજર તરીકે કામ કરતી ૩૦ વર્ષની દેવાંશી મહેતા બાળપણની યાદોને વાગોળતાં કહે છે, ‘મમ્મી દરરોજ ગરમાગરમ નાસ્તો બનાવીને સ્કૂલમાં મોકલતી. એમાં પણ આપણને ભાવતી કોઈ વસ્તુ હોય તો-તો ભૂખ બમણી થઈ જાય. રિસેસ સુધીની વેઇટ પણ ન થાય. ઘણી વાર અમે ચાલુ ક્લાસમાં પણ ડબ્બો ખોલીને ખાધો છે. ઘણી વાર મમ્મી પૈસા પણ આપતી અને કહેતી કે કૅન્ટીનમાંથી કંઈક ખાઈ લેજે. એ દિવસોમાં તો કૅન્ટીનમાં ખાવું એટલે જાણે એક લક્ઝરી હતી. સ્કૂલની બહારથી એક રૂપિયાની પેપ્સી ખરીદીને ખાવાની કે પછી સ્કૂલની બહાર ફેરિયાઓ પેરુમાં મસાલો ભરીને આપતા એ ખાવાની બહુ મજા પડતી. હું બહુ વાતોડિયણ છું, ઉપરથી મારી હાઇટ પણ ઓછી છે એટલે ટીચર મને હંમેશાં આગળની બેન્ચ પર જ બેસાડતા. એમ છતાં હું કોઈની ને કોઈની સાથે વાતોએ તો વળગી જ જતી. ટીચર વઢે તો વઢ ખાઈ લેતી. મારી મોટી બહેન પણ છે. આમ તો અમે બન્ને નાની-નાની વાતોને લઈને ઝઘડતી જ રહેતી. જોકે એક વાર હું સ્કૂલમાંથી ઘરે જતાં પડી ગઈ હતી. હાથમાં ફ્રૅક્ચર આવ્યું હતું. મારા હાથમાં પટ્ટો બાંધેલો હતો. એટલે થોડા દિવસ સુધી બિચારી તે મારી બૅગ ઊંચકીને મારી સાથે-સાથે બધી જગ્યાએ આવતી. બાળપણમાં દરરોજ માથામાં તેલ નાખવું પડે અને બે ચોટલા વાળીને સ્કૂલમાં જવું પડે. એ વખતે એમ થાય કે ક્યારે રજાનો દિવસ આવે અને હેરવૉશ કરવા મળે. હું સ્કૂલમાં તો દરરોજ જતી. મારી ૧૦૦ ટકા અટેન્ડન્સ હોય. જોકે ભણવાના મામલે હું ચોર હતી. પરીક્ષાના આડે થોડા દિવસો હોય ત્યારે મને ભણવાનું સૂઝે. જોકે ગમે એમ કરીને હું પાસ તો થઈ જ જતી. હું સ્કૂલમાં અમારી ડૉજબૉલ ટીમની કૅપ્ટન પણ હતી. અમારી ટીમ ઇન્ટરસ્કૂલ કૉમ્પિટિશનમાં જીતી પણ છે.’