દસમા અને બારમા પછી કરીઅરનો નિર્ણય કરીઅરને જોઈને નહીં, પોતાને જોઈને લો

12 May, 2026 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભીડને અનુસરવાની માનસિકતા આજે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. બીજાઓ શું કરે છે? એ આધારે લેવાયેલા નિર્ણયો ઘણી વાર વિદ્યાર્થીઓને સ્ટ્રેસ, અસંતોષ અને ગેરમાર્ગદર્શન તરફ દોરી જાય છે.

હિરેન પાસડ

દસમા-બારમાની બોર્ડ એક્ઝામનાં પરિણામો આવી ગયાં છે ત્યારે રિઝલ્ટ આવવાની સાથે જ કૉલેજના ઍડ્‍મિશનની શરૂઆત થઈ જશે. હવે કરીઅરમાં આગળ શું કરવું? આ સ્ટુડન્ટ્સના જીવનનો સૌથી મહત્ત્વનો નિર્ણય હોય છે. આ સમયે લીધેલો તેમનો નિર્ણય તેમના સમગ્ર ભવિષ્યને પ્રભાવિત કરે છે. આમ છતાં આ મહત્ત્વના નિર્ણયનું મહત્ત્વ સમજ્યા વગર ઘણા વિદ્યાર્થીઓ અને માતા-પિતા આ નિર્ણય માર્ક્સ, સમાજના દબાણ અથવા ચાલતા ટ્રેન્ડને આધારે લેતાં હોય છે જે ઘણી વાર તેમને ખોટી દિશામાં લઈ જાય છે. કઈ કરીઅર સારી? આ સવાલનો જવાબ ગોતવા તેઓ આખી દુનિયામાં નીકળી પડે છે. આજુબાજુ, સગાંવહાલાં, સ્કૂલ તથા ક્લાસિસના શિક્ષકો વગેરેને પૂછે છે અને આ બધા લોકો તેમને અલગ-અલગ સલાહ પણ આપે છે. આ બધી સલાહથી તેઓ વધારે ને વધારે મૂંઝાય છે.

કઈ કરીઅર મારા માટે સારી? બહુ ઓછા લોકો આ સવાલનો જવાબ પોતાની જાતને પૂછતા હોય છે. કઈ કરીઅર સારી એને બદલે પોતે કઈ કરીઅર માટે સારા છે? સાચી રીતે તો કરીઅરની પસંદગીનો આધાર કરીઅર શું છે એના પર નહીં પણ વિદ્યાર્થી કોણ છે એના પર હોય છે. દરેક વિદ્યાર્થીમાં અલગ-અલગ ક્ષમતાઓ, રસ અને વ્યક્તિત્વ હોય છે. તેથી એકસરખો રસ્તો બધા માટે યોગ્ય હોઈ શકે નહીં.

આજે પણ ઘણા લોકો વધારે ટકા હોય તો સાયન્સ, થોડા ઓછા હોય તો કૉમર્સ અને એકદમ ઓછા હોય તો આર્ટ્‍સ લેવાનું નક્કી કરતા હોય છે. આ વિચારધારા અધૂરી અને ખોટી છે. માર્ક્સ માત્ર એક માપદંડ છે, પરંતુ વિદ્યાર્થીની આંતરિક શક્તિ અને રસ વધુ મહત્ત્વપૂર્ણ છે.

ભીડને અનુસરવાની માનસિકતા આજે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. બીજાઓ શું કરે છે? એ આધારે લેવાયેલા નિર્ણયો ઘણી વાર વિદ્યાર્થીઓને સ્ટ્રેસ, અસંતોષ અને ગેરમાર્ગદર્શન તરફ દોરી જાય છે.

આવા સમયે સાયન્ટિફિક કરીઅર કાઉન્સેલિંગ અને યોગ્ય મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થી પોતાની સાચી ક્ષમતાઓ અને યોગ્ય દિશા જાણી શકે છે. આ પ્રક્રિયા વિદ્યાર્થીઓને કરીઅરની સાથે-સાથે આત્મવિશ્વાસ વધારવામાં પણ મદદ કરે છે. અંતમાં, કરીઅરનો નિર્ણય એક એવો નિર્ણય છે જે વિદ્યાર્થીના સંપૂર્ણ ભવિષ્ય પર અસર કરે છે. કોઈ ટ્રેન્ડ, માર્ક્સ કે દબાણને જોઈને નહીં પણ પોતાની ઓળખ, ક્ષમતા અને રસને સમજીને એ નિર્ણય લેવો જોઈએ.

- હિરેન પાસડ

હિરેન પાસડ છેલ્લાં ૨૬ વર્ષથી કરીઅર અને એજ્યુકેશનલ કાઉન્સેલર, ટ્રેઇનર અને હૅન્ડરાઇટિંગ એક્સપર્ટ છે. તેમને મહારાષ્ટ્રના શ્રેષ્ઠ કાઉન્સેલરનો અવૉર્ડ પણ એનાયત થયો છે.

columnists gujarati mid day gujarati community news exclusive career tips