04 March, 2026 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડોમ્બિવલીમાં રહેતો હેનિક ગાલા ઈ-વેસ્ટ મૅનેજ કરતા સ્ટાર્ટઅપ સ્ક્રૅપજીનો કો-ફાઉન્ડર છે
મુંબઈની ઓળખ હવે સિટી ઑફ ડ્રીમ્સમાંથી બદલાઈને સિટી ઑફ સ્મૉગ બની રહી છે. આપણે રસ્તાની ધૂળ કે કન્સ્ટ્રક્શનને જવાબદાર માનીએ છીએ પણ અસલી વિલન તો આપણા ઘરનો કચરો છે. મુંબઈના આકાશમાં છવાયેલું આ ઝેરી પડ માત્ર હવામાન નથી, લૅન્ડફિલ્સમાં એટલે કે ડમ્પિંગ ગ્રાઉન્ડમાંથી સળગતા મિશ્ર કચરામાંથી નીકળતાં ઘાતક ડાયોક્સિન્સનું મિશ્રણ છે.
મુખ્ય મુશ્કેલી ભીના અને સૂકા કચરાના ઝેરી કૉમ્બિનેશનમાં છે. જ્યારે આપણે પેપર, પ્લાસ્ટિક, કાર્ડબોર્ડ કે ઈ-વેસ્ટને રસોડાના ભીના કચરા સાથે એક જ ડબ્બામાં પધરાવીએ છીએ ત્યારે એ રીસાઇકલ કરવા લાયક રહેતા નથી. આ કચરો જ્યારે ડમ્પિંગ ગ્રાઉન્ડમાં સળગે છે ત્યારે એ આપણી હવામાં ઝેર ઘોળે છે. આનો ઉકેલ એકદમ સિમ્પલ છે : જો આપણે રીસાઇકલ કરી શકાય એવા કચરાને સ્વચ્છ અને અલગ રાખીએ તો આપણે માત્ર હવાની ગુણવત્તા નથી સુધારતા, કચરો વીણતા કામદારોને વધુ સારું વળતર અપાવવામાં અને સર્ક્યુલર ઇકૉનૉમી એટલે ફરી વાપરી શકાય એવી ચીજોને ટેકો આપવામાં પણ મદદરૂપ થઈએ છીએ.
આપણે હવે ખૂબ જ ઝડપથી જાગવાની જરૂર છે. જ્યારે આપણે ભીનો અને સૂકો કચરો અલગ કરીએ છીએ ત્યારે ભીના કચરામાંથી ઉત્કૃષ્ટ જૈવિક ખાતર બની શકે છે અને સૂકા કચરાને રીસાઇકલ કરીને નવી ચીજવસ્તુઓ બનાવી શકાય છે. આ માત્ર પર્યાવરણની રક્ષા નથી પણ આર્થિક રીતે પણ ફાયદાકારક છે. જો આપણે આજે નહીં જાગીએ તો આવનારી પેઢીને આપણે વારસામાં માત્ર કચરાના પહાડો જ આપીશું.
ઘણી વાર આપણે એવું વિચારીએ છીએ કે મારા એકના કરવાથી શું બદલાશે? પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે મુંબઈ જેવા મહાનગરમાં દરેક વ્યક્તિનો નાનો પ્રયાસ એક મોટી ક્રાન્તિ લાવી શકે છે. હાઉસિંગ સોસાયટીઓએ હવે માત્ર નિયમો પાળવા પૂરતું મર્યાદિત રહેવાને બદલે પોતે ઝીરો વેસ્ટ મૉડલ અપનાવવું પડશે. કચરાનું વર્ગીકરણ કોઈ અઘરું કામ નથી, બસ એના માટે થોડી જાગૃતતા અને ઇચ્છાશક્તિની જરૂર છે.
આગામી પહેલી એપ્રિલથી તમામ હાઉસિંગ સોસાયટીઓ અને નાગરિકો માટે કચરાના વ્યવસ્થાપનના નિયમો અત્યંત કડક થવા જઈ રહ્યા છે. આ હવે કોઈ ઑપ્શન નથી પણ આપણી સિવિક ડ્યુટી એટલે કે નાગરિક ફરજ છે. સિસ્ટમનો વાંક કાઢવાને બદલે આપણી આદતો બદલવાનો આ સાચો સમય છે. ચાલો મુંબઈને ફરીથી શ્વાસ લેવા લાયક અને ભારતને સ્વસ્થ બનાવીએ.