01 March, 2026 01:21 PM IST | Mumbai | Rashmin Shah
બેનામી ગર્લફ્રેન્ડના કારણે અલ મેન્ચોને મારવામાં મેક્સિકન આર્મીને સફળતા મળી હતી. અલ મેન્ચોની પોતાની સેના હતી અને એ સેના અત્યાધુનિક હથિયારો અને બખ્તરબંધ ગાડીઓથી સજ્જ રહેતી હતી.
એક અંદાજ મુજબ કોલંબિયન ડ્રગ કાર્ટેલ્સ દર વર્ષે ૧૦ અબજથી ૧પ અબજ ડૉલર એટલે કે આશરે ૮૩,૦૦૦ કરોડથી ૧.૨પ લાખ કરોડ રૂપિયા જેટલી કમાણી માત્ર અમેરિકામાં ડ્રગ્સ વેચીને કરે છે.
એક અંદાજ મુજબ મેક્સિકન ડ્રગ કાર્ટેલ્સ દર વર્ષે ૧૯ અબજથી ૨૯ અબજ ડૉલર એટલે કે આશરે ૧.૫ લાખ કરોડથી ૨.૪ લાખ કરોડ રૂપિયા જેટલી કમાણી માત્ર અમેરિકામાં ડ્રગ્સ વેચીને કરે છે.
૧પ મિલ્યન ડૉલર.
આ આંકડાને જો તમે રૂપિયામાં કન્વર્ટ કરો તો કૅલ્ક્યુલેટર કહેશે કે અંદાજે ૧૩પ કરોડ રૂપિયા થાય. આ જે રકમ છે એ રકમ વૉન્ટેડ એવા મેક્સિકોના ડ્રગ માફિયા અલ મેન્ચો પર જાહેર થઈ હતી. અમેરિકાના ટોચના પાંચ મોસ્ટ વૉન્ટેડ પૈકીના એક એવા અલ મેન્ચોને ગયા રવિવારે મેક્સિકો આર્મીએ હણી નાખ્યો અને ત્યારથી હવે બધાનું ધ્યાન એ દિશામાં છે કે ઇનામની આ રકમ લેવા માટે કોણ આગળ આવે છે.
આ વાત પર નજર રાખવાનું ખાસ કારણ છે અલ મેન્ચોની ગૅન્ગ. દુનિયા આખીને ખબર છે કે અલ મેન્ચોની ગૅન્ગ હવે એ ખબરીને જીવતો કે જીવતી નહીં રહેવા દે. અમેરિકાના ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ સત્તાવારપણે જાહેર કર્યું છે કે એને મેન્ચોના ખાનગી રહેઠાણ વિશે માહિતી મળી અને મેક્સિકો આર્મીએ ઑપરેશન કરીને મેન્ચોનું કામ પૂરું કર્યું. જોકે મેન્ચોને માર્યા પછી મેક્સિકોમાં જબરદસ્ત ટેન્શન ઊભું થઈ ગયું. ૩૩ સ્ટેટ ધરાવતા મેક્સિકોનાં ૧૩ સ્ટેટમાં કરફ્યુ જાહેર કરવામાં આવ્યો કારણ કે મેન્ચોને મસીહા માનનારા હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. વિદ્રોહ પર ઊતરી આવેલા લોકોએ મેક્સિકોની ૧૯ બૅન્કોની શાખા સળગાવી નાખી તો સવાસોથી વધારે સરકારી વાહનો બાળ્યાં. અનેક પ્રાઇવેટ શોરૂમ અને મૉલમાં તોડફોડ કરી. બગડેલી પરિસ્થિતિ વચ્ચે અમેરિકન ગવર્નમેન્ટે ઇન્ડિયા, કૅનેડા અને બ્રિટન સરકારને સૂચના પણ મોકલી કે મેક્સિકોમાં રહેતા તેમના નાગરિકોને અત્યારે ઘરની બહાર નીકળવાની મનાઈ કરી દે.
એક ડ્રગ માફિયાની આ તાકાત, આ ક્ષમતા કેવી રીતે ઊભી થઈ એ સમજતાં પહેલાં અલ મેન્ચોને એક વાર નજીકથી જાણી લેવો જોઈએ.
મેક્સિકોઃ ડ્રગ્સ માટે આટલું કુખ્યાત કેમ?
મેક્સિકોમાં ડ્રગ્સનું માર્કેટ અને કાર્ટેલ્સનું વર્ચસ્વ આટલું મોટું હોવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે, જે પૈકીનાં કેટલાંક કારણોની ચર્ચા કરીએ.
અમેરિકાનું પાડોશી
મેક્સિકોની સરહદ દુનિયાના સૌથી મોટા ડ્રગ્સ-કસ્ટમર એવા અમેરિકા સાથે જોડાયેલી છે. અમેરિકામાં ડ્રગ્સની માગ ખૂબ મોટી છે, જે સપ્લાય કરવા માટેનો સૌથી સરળ ગેટવે મેક્સિકો છે.
ભારોભાર ગરીબી
મેક્સિકોના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ વધારે છે. સાદી ભાષામાં સમજાવું તો ત્યાંનો ગામડાનો માણસ રોજના બે રૂપિયા કમાય છે. હવે તમે જ વિચારો કે બે રૂપિયામાં એક માણસ કેવી રીતે જીવનનિર્વાહ ચલાવે? પરિણામે સામાન્ય ખેતી કે મજૂરી કરવાને બદલે લોકો ડ્રગ્સનો વેપાર ઝડપી પૈસા કમાવવાની દૃષ્ટિએ જુએ છે. ઘણી વાર આખેઆખાં ગામડાંઓ કાર્ટેલ્સના રક્ષણ હેઠળ અફીણ કે ગાંજાની ખેતી કરે છે. આવું હજારો હેક્ટરમાં થાય છે.
નબળો કાયદો
મેક્સિકોમાં ભ્રષ્ટાચાર એક મોટી સમસ્યા છે. અલ મેન્ચો જેવા માફિયાઓએ સ્થાનિક પોલીસ, લશ્કરના અધિકારીઓ અને રાજકારણીઓને લાંચ આપીને ખરીદી લીધા છે. કહે છે કે મેક્સિકોની ૭૦ ટકા પોલીસ સરકારનો પગાર પણ લે છે અને કાર્ટેલના પગારદાર બનીને ડિલિવરી પણ કરે છે. આની માટે મેક્સિકોમાં એક વાક્ય છેઃ Plata o Plomo એટલે કે ચાંદી અથવા સીસું. મતલબ નક્કી તમે કરો કે તમને પૈસા જોઈએ છે કે ગોળી ખાવી છે.
પોતાની જ સેના
મેક્સિકન કાર્ટેલ્સ માત્ર સાધારણ ગૅન્ગસ્ટરો નથી, તેમની પાસે લશ્કરી તાલીમ પામેલી સેના છે. એ અમેરિકાથી ગેરકાયદેસર હથિયારો મગાવે છે જેમાં રૉકેટ-લૉન્ચર્સથી લઈને બખ્તરબંધ ગાડીઓ અને ડ્રોન્સનો પણ સમાવેશ થાય છે. આના કારણે એ સ્થાનિક સેનાનો સામનો પણ આસાનીથી કરે છે.
સિન્થેટિક ડ્રગ્સનો ઉદય
એક સમયે માત્ર અફીણ, કોકેન જેવાં કુદરતી ડ્રગ્સનો જ વેપાર થતો, પણ હવે ફેન્ટાનાઇલ અને મેથામ્ફેટામાઇન જેવાં કેમિકલ ડ્રગ્સનું ઉત્પાદન વધ્યું છે. આ ડ્રગ્સ લૅબમાં સરળતાથી બનાવી શકાય છે અને એની થોડી માત્રા પણ ખૂબ કીમતી હોય છે, જેનાથી પ્રૉફિટ-માર્જિન અનેકગણો વધી ગયો છે. મેક્સિકોમાં હજારોની માત્રામાં આ પ્રકારની કેમિકલ ફૅક્ટરીઓ છે.
કોણ હતો આ અલ મેન્ચો?
ડ્રગ્સ વર્લ્ડમાં જો અત્યાર સુધીનો કોઈ ખૂનખાર ડ્રગ માફિયા હોય તો એ કોલંબિયાનો પાબ્લો એસ્કોબાર હતો પણ અલ મેન્ચો એનાથી ક્યાંય ચડિયાતો પુરવાર થયો. અલ મેન્ચોએ પોતાની આખી આર્મી ઊભી કરી હતી તો એ આર્મીમાં રૉકેટ-લૉન્ચરથી માંડીને તોપ સુધ્ધાં તેણે વસાવી હતી. અલ મેન્ચોનું સાચું નામ નેમેસિયો ઓસેગુએરા સર્વાન્ટેસ, પણ મેક્સિકોમાં વ્યક્તિના કદ-કાઠી મુજબ તેના હુલામણા નામ પડી જતાં હોય છે. ઊંચાઈમાં બટકો પણ એક મુક્કે સામેવાળાને ધૂળ ચાટતો કરી દે એવી તાકાત ધરાવતા નેમેસિયોનું નામ અલ મેન્ચો પડી ગયું. આ અલ મેન્ચોની લાઇફનો સ્ટડી કર્યા પછી કોઈ પણ સામાન્ય માણસ કહી શકે કે તેના પર એક હજાર ટકા વેબ-સિરીઝ કે ડૉક્યુમેન્ટરી બનશે, કારણ કે મેન્ચોનું જીવન કોઈ હૉલીવુડ ક્રાઇમ-થ્રિલરથી સહેજ પણ ઓછું ઊતરતું નહોતું.
અલ મેન્ચોનું શાનદાર ઘર.
૧૯૬૬ની ૧૭ જુલાઈએ મેક્સિકોના મિચોઆકન નામના સ્ટેટના એક નાના ગામમાં જન્મેલા મેન્ચોને પાંચ ભાઈઓ હતા. ઘરમાં હાંડલાં કુસ્તી કરતાં એટલે બાપ પાસે ફી ભરવાના પૈસા નહોતા, પરિણામે તેણે પાંચમા ધોરણથી ભણવાનું છોડી દીધું અને પપ્પા સાથે ખેતરમાં કામે લાગી ગયો. મેન્ચોની ફૅમિલીની પૈતૃક જમીન હતી, જેમાં અવાકાડો ઉગાડવામાં આવતાં. અવાકાડો તમારા દેશમાં મોંઘાં છે પણ અમેરિકામાં તો હૈડ-હૈડ થાય છે. અવાકાડોની ખેતીથી કંઈ વળવાનું નથી એવું ધારીને મેન્ચોએ એ જ ખેતરમાં અફીણની ખેતી શરૂ કરી દીધી.
મેક્સિકોમાં અફીણ ઉગાડવાની છૂટ છે પણ એ પાક સરકારને આપવો એવો નિયમ છે, પણ મેન્ચો જે પાક લેતો હતો એના માટે તેણે સરકારની પરમિશન લીધી નહોતી એટલે સરકારને માલ વેચવાની વાત જ નહોતી આવતી. ખેતરમાં ઊગતું અફીણ મેન્ચો વેચતો અને મોટી રકમ કમાતો. મેન્ચોને રસ્તો મળી ગયો અને એ જ રસ્તાને તેણે જીવન બનાવી લીધું.
એંસીના દશકમાં મેન્ચો ઇલ્લીગલી અમેરિકામાં દાખલ થયો અને કૅલિફૉર્નિયામાં રહેવા માંડ્યો. કૅલિફૉર્નિયામાં તે ડ્રગ્સ વેચતો અને અહીંથી જ તેણે પોતાની કાર્ટેલ બનાવવાની શરૂ કરી. મેન્ચો પોતાની નીચે માણસો રાખતો. તે હોલસેલમાં જ એ માણસોને ડ્રગ્સ આપે અને પેલા માણસો રીટેલમાં કસ્ટમરને એ માલ વેચે. ૧૯૯પ સુધી મેન્ચો અમેરિકામાં રહ્યો, જેમાં એક વાર તેની અરેસ્ટ થઈ પણ સાક્ષીના અભાવે મેન્ચો છૂટી ગયો. જોકે ૧૯૯૨માં સગા ભાઈ અબ્રાહમ પાસેથી હેરોઇન પકડાયું અને અબ્રાહમે મેન્ચોનું નામ આપી દીધું એટલે મેન્ચોને ત્રણ વર્ષની જેલ થઈ અને એ પછી તેને મેક્સિકો ડિપોર્ટ કરી દેવામાં આવ્યો.
મેન્ચો, ધ પોલીસમૅન
આપણે ત્યાં ચાલતા ક્રાઇમમાં મોટા ભાગે ભૂતપૂર્વ પોલીસકર્મીઓ ઇન્વૉલ્વ હોય છે. જોકે એવું આપણે ત્યાં જ નથી, જગત આખાની ખાખીની આ જ ફિતરત હોતી હશે. ક્રાઇમની દુનિયાને નજીકથી જોઈ શકનારા આ પોલીસકર્મીને છટકબારીઓ ખબર હોતી હશે એટલે જ કદાચ એ વટ કે સાથ ગુનાઓની દુનિયામાં દાખલ થઈ જતા હશે.
મેક્સિકો પાછા આવ્યા પછી મેન્ચોને ટોમાટલાન નામના શહેરમાં પોલીસ-ઑફિસર તરીકે નોકરી મળી. કહે છે કે આ જૉબ પણ તેણે પૈસા ખવડાવીને લીધી હતી. મેન્ચોની ઇચ્છા એક જ હતી કે તે ડ્રગ કાર્ટેલ્સના નેટવર્ક અને સિસ્ટમની નબળાઈઓને નજીકથી જોઈ-સમજી શકે. છ વર્ષ મેન્ચોએ જૉબ કરી અને એ પછી જૉબ છોડીને મેન્ચો એ સમયની સૌથી મોટી ગણાતી મિલેનિયો કાર્ટેલમાં જોડાયો. આ કાર્ટેલમાં જઈને પણ મેન્ચોએ કામ તો એ જ કર્યું જે તેને કરવું હતું. મેન્ચોએ મિલેનિયોના લોકોને ફોડવાનું અને પોતાની ગૅન્ગમાં સામેલ કરવાનું શરૂ કરી દીધું.
૨૦૧૦માં મિલેનિયો કાર્ટેલના ૮૦ ટકા લોકો પકડાયા કે માર્યા ગયા અને એ પછી અલ મેન્ચોએ પોતાની નવી ગૅન્ગ કાટેલ જેલિસ્કો ન્યુ જનરેશન શરૂ કરી, જે CJNGના ટૂંકા નામે ઓળખાવા માંડી. મેન્ચોની બુદ્ધિ જુઓ, તેણે માત્ર કાર્ટેલ બનાવી નહીં પણ અગાઉની કાર્ટેલે જે ભૂલ કરી હતી એ ભૂલો પણ સુધારી અને તેણે લશ્કરી તાલીમ પામેલા લડવૈયાઓની ફોજ ઊભી કરી. છેલ્લે જ્યારે તે માર્યો ગયો ત્યારે મેન્ચોની આ ફોજમાં ૧૬૦૦ જવાન હતા. મેન્ચો પોતે રાજા હોય એ પ્રકારના તેના ઠાઠ હતા અને તેની સેના મેન્ચોના રાજનું ધ્યાન રાખતી.
મેન્ચોએ માત્ર પોતાની કાર્ટેલ ચલાવી જ નહીં, તેણે આજુબાજુમાં રહેલી નાની કાર્ટેલને ખતમ કરવાનું પણ કામ કર્યું. ગુસ્સો કાઢવામાં મેન્ચો અત્યંત ક્રૂર હતો. મેન્ચો તેના દુશ્મન કે હરીફને જાહેરમાં મારતો. સેંકડો લોકોની હાજરીમાં તે તેને જીવતા સળગાવતો અને રસ્તા પર દોડાવતો. ગાડીની પાછળ બાંધીને ગાડી ભગાડતો અને એ ગાડી પાછળ પાળેલાં ભૂખ્યાં વરુઓને દોડાવતો. અરે, એક પોલીસ-ઑફિસર મેન્ચોની સામે પડ્યો ત્યારે મેન્ચોએ એ અધિકારી સહિત તેની વાઇફ અને તેનાં બાળકોને પણ જાહેરમાં મારી નાખ્યાં અને પછી એ લાશને જાહેરમાં રસ્તા પર લટકાવી. જોકે આ બધા કરતાં પણ એક ઘટના એવી ખતરનાક બની કે અમેરિકા સફાળું બેઠું થઈ ગયું.
વાત ૨૦૧પની છે. મેક્સિકન આર્મીએ જ્યારે તેને પકડવા માટે મેક્સિકોના જંગલમાં હેલિકૉપ્ટરથી ઊતરવાની કોશિશ કરી ત્યારે મેન્ચોની સેનાએ રૉકેટ-લૉન્ચરથી મેક્સિકન આર્મીનું હેલિકૉપ્ટર તોડી પાડ્યું અને આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ.
નેટવર્ક અનલિમિટેડ
મેન્ચોનું ડ્રગ્સ નેટવર્ક માત્ર મેક્સિકો પૂરતું જ સીમિત નહોતું. એ છેક એશિયાના ચાઇના અને વિયેટનામ સુધી ડ્રગ્સ બનાવવાનાં પ્રતિબંધિત કેમિકલ્સ મોકલતો અને સાથોસાથ ત્યાં પણ રીટેલ માર્કેટ ચલાવતો. ૨૦૧૮ સુધીમાં એવો તબક્કો આવી ગયો કે મેન્ચો ડ્રગ્સ બનાવવામાં સૌથી મહત્ત્વના કહેવાય એવાં કેમિકલ ફેન્ટાનાઇલ અને મેથામ્ફેટામાઇનનો અમેરિકાનો સૌથી મોટો સપ્લાયર બની ગયો અને આ જ કારણે અમેરિકા ગવર્નમેન્ટ સફાળી જાગી ગઈ. એવું પણ કહેવાય છે કે મેન્ચોની નજર હવે એશિયાના સૌથી મોટા એવા હિન્દુસ્તાન પર હતી અને એની માટે તેણે ઑલરેડી જ્યોગ્રાફિકલ સ્ટડીની સાથોસાથ એવા લોકોને મળવાનું પણ શરૂ કરી દીધું હતું જે હિન્દુસ્તાનમાં ખોટી રીતે દાખલ થવાની પ્રક્રિયામાં એક્સપર્ટ છે.
આ અધ્યાય પૂરો કરતાં પહેલાં કહેવાનું, મેન્ચોને હણવામાં આવ્યો ત્યાં સુધીમાં તેની સંપત્તિ એક અબજ ડૉલર એટલે કે ૮૩૦૦ કરોડ રૂપિયાને આંબી ગઈ હતી.
ડ્રગ-માફિયા હણાયો છે એની ખબર ફેલાતાં મેક્સિકોમાં ઠેર-ઠેર હિંસા ફાટી નીકળી હતી.
કોલંબિયા પણ આટલું બદનામ કેમ?
ડ્રગ્સની બાબતમાં કોલંબિયા પણ દુનિયાભરમાં બદનામ છે. કોલંબિયા ડ્રગ્સની બાબતમાં કેમ કુખ્યાત છે એ પણ જાણી લઈએ.
કોકા માટે બેસ્ટ
કોલંબિયામાં ખાસ કરીને કોકેનના ઉત્પાદન અને વેપારનું પ્રમાણ આટલું મોટું હોવા પાછળનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એ કે કોલંબિયાની આબોહવા અને જમીન. કોકેનના ઉત્પાદન માટે કોકાના છોડનું જે વાવેતર થાય એની માટે કોલંબિયાને વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યોગ્રાફિકલી અહીંના પહાડી વિસ્તારો અને ગાઢ જંગલો એટલાં દુર્ગમ છે કે ત્યાં પોલીસ કે આર્મી માટે પહોંચવું અને ડ્રગ-લૅબ્સ શોધવી અત્યંત મુશ્કેલ બની જાય છે. દુનિયામાં તૈયાર થતા કોકેનમાંથી ૭૦ ટકા કોકેન કોલંબિયામાં તૈયાર થાય છે.
આ કોકેન જ્યારે કોલંબિયામાં છે ત્યારે એનો એક કિલોનો ભાવ ૨૦૦૦ ડૉલર છે, મેક્સિકો પહોંચતાં સુધીમાં એની કિંમત ૧૦થી ૧પ હજાર ડૉલર થાય છે અને અમેરિકા પહોંચતાં સુધીમાં એની પ્રાઇસ ૩૦થી ૬૦ હજાર ડૉલર થઈ જાય છે. કોઈ પણ જાતની એક્સ્ટ્રા પ્રોસેસ વિના.
ગરીબી પારાવાર
કોલંબિયાના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો પાસે કાયદેસરની ખેતીના પાક જેવા કે કૉફી કે મકાઈમાંથી ખાસ કમાણી થતી નથી. ડ્રગ કાર્ટેલ્સ આ ખેડૂતોને અન્ય પાકો કરતાં કોકાના વાવેતર માટે મોટી રકમ આપે છે. ગરીબીના કારણે મોટા ભાગના કોલંબિયન આ ગેરકાયદેસર વ્યવસાયમાં જોડાઈ ગયા છે.
આંતરિક અશાંતિ
કોલંબિયામાં દાયકાઓ સુધી સરકાર અને બળવાખોર જૂથો વચ્ચે સંઘર્ષ છે. આ બળવાખોર જૂથોએ પોતાનાં હથિયારો અને સંગઠન ચલાવવા માટે ડ્રગ્સના વેપારને જ કમાણીનું મુખ્ય સાધન બનાવ્યું છે.
અઢળક ભ્રષ્ટાચાર
કોલંબિયાના ઇતિહાસમાં ડ્રગ કાર્ટેલ્સ એટલી શક્તિશાળી રહી છે કે તેણે રાજકારણીઓ, પોલીસ-અધિકારીઓ અને ન્યાયાધીશોને લાંચ આપીને અથવા ડરાવીને આખો વહીવટ પોતાના હાથમાં રાખ્યો છે.
વૈશ્વિક માગ
કોલંબિયન કોકેનની ક્વૉલિટી એટલી ઉમદા માનવામાં આવે છે કે દુનિયા આખી એ ખરીદવા માટે તૈયાર રહે છે. અન્ય દેશના કોકેન કરતાં કોલંબિયન કોકેનના ભાવ ચારથી પાંચ ગણા મળે છે એટલે કોકાનું વાવેતર અકબંધ રહ્યું છે.
અંતિમ વર્ષોની વાત
૨૦૨૦થી મેન્ચો ક્યાંય જાહેરમાં જોવા મળ્યો નહોતો. મેન્ચોએ પોતાની કાર્ટેલ બનાવતાંની સાથે જ જે એક મોટો ચેન્જ કર્યો હતો તે એ કે તેણે મીડિયા સામે આવવાનું બંધ કરી દીધું હતું. મેક્સિકોના અગાઉના માફિયાઓ સેલિબ્રિટી બની મીડિયાની સામે પણ અવરજવર કરતા અને અવારનવાર પાર્ટીઓ પણ કરતા અને એને લીધે તેમની સેફ્ટી જોખમમાં મુકાતી પણ મેન્ચોના ખુરાફાતી દિમાગમાં સ્પષ્ટ હતું કે લૉર્ડ ઑફ ડ્રગ્સ બનીને રહેવું હોય તો લૉર્ડ જેવી જ માનસિકતા રાખવી પડે, જાહેરમાં દેખાવાનું નહીં.
૨૦૨૦થી મેન્ચો મરાયો ત્યાં સુધી તે મેક્સિકોના ગીચ પહાડી અને જંગલ વિસ્તારમાં જ રહ્યો. મેન્ચો ક્યારેય ફોનનો ઉપયોગ નહોતો કરતો, તે પોતાના માણસો દ્વારા મેસેજની આપલે કરતો અને માણસોને મેસેજ આપવા માટે પણ તે સાદી કુરિયર સર્વિસનો ઉપયોગ કરતો, જે સર્વિસ પણ તેણે જ પોતાના પૂરતી ચાલુ કરી હતી.
મેન્ચોનું જે ઘર હતું એ ઘર પણ સિત્તેર ટકા જમીનની અંદર હતું એટલે સીધી રીતે નજરે ચડતું નહીં. કહે છે કે મેન્ચોને છેલ્લા મહિનાઓમાં કિડનીની ગંભીર બીમારી લાગુ પડી હતી, જેના માટે તેણે પોતાના ઘર પાસે જ ખાસ હૉસ્પિટલ બનાવડાવી હતી. એ હૉસ્પિટલમાં આવનારો સ્ટાફ ક્યારેય પાછો જઈ શકતો નહીં અને કરમની કઠણાઈ જુઓ, મેન્ચો પણ એ ઘરમાંથી ક્યારેય પાછો જઈ શક્યો નહીં. ૧૧૦૦ માણસોની મેક્સિકન સેનાએ તેનો ખાતમો બોલાવ્યો અને એ પછી સત્તાવાર જાહેરાત કરી કે અલ મેન્ચો હવે હયાત નથી.
ખબર કેવી રીતે પડી?
કહે છે કે મેન્ચો સુધી પહોંચવા માટે મેક્સિકન સેનાએ તેની ગર્લફ્રેન્ડ પર નજર રાખી હતી. આ ગર્લફ્રેન્ડ ટાપાલ્પાના પહાડી વિસ્તારમાં પહોંચી અને તેની ફુટપ્રિન્ટ પર સેના પણ ત્યાં પહોંચી. એ ગર્લફ્રેન્ડનું નામ ક્યારેય સામે આવે એવું લાગતું નથી. સોશ્યલ મીડિયા પર મારિયા જુલિસા નામની મૉડલનું નામ બહુ ઊડ્યું હતું, પણ મારિયા બિચારીએ સત્તાવાર રીતે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જાહેરાત કરવી પડી કે ભાઈ, એ હું નથી.
દુનિયાના ખૂનખાર પાંચ ડ્રગ્સ માફિયા કોણ?
અલ મેન્ચોના એન્કાઉન્ટર પછી જે પાંચ ડ્રગ માફિયા સૌથી વધુ સક્રિય અને ખતરનાક ગણાય છે એની ટૂંકી વિગતો આ રહી...
ઇસ્માઇલ અલ માયો ઝામ્બાડા
મેક્સિકોનો આ ડ્રગ માફિયા સિનાલોઆ કાર્ટેલનો સહ-સ્થાપક છે. દાયકાઓથી મોસ્ટ વૉન્ટેડ હોવા છતાં તે ક્યારેય પકડાયો નથી કે જેલમાં ગયો નથી. તેની મોટામાં મોટી તાકાત જો કોઈ હોય તો એ છે ખૂબ જ શાંતિથી રહેવું અને ક્યારેય બહાર ન આવવું. ઇસ્માઇલને મેક્સિકોના પહાડી વિસ્તારો અને સ્થાનિક લોકોનું મજબૂત સમર્થન છે.
અલ મેન્ચોના મોત પછી હવે તે મેક્સિકોનો સૌથી અનુભવી અને શક્તિશાળી ડ્રગ લૉર્ડ ગણાય છે.
ઇવાન આર્કિવાલ્ડો ગુઝમેન સાલાઝાર
મેક્સિકોનો ઇવાન કુખ્યાત અલ ચાપોનો મોટો દીકરો છે અને લોસ ચેપિટોસ નામની કાર્ટેલનો હેડ છે. ઇવાન તેના બાપ કરતાં પણ વધુ આધુનિક અને હિંસક છે. તે અમેરિકામાં ફેન્ટાનાઇલ મોકલવાનું મુખ્ય કામ કરે છે. તેણે મેક્સિકોનાં ઘણાં શહેરોમાં આધુનિક શસ્ત્રો અને ડ્રોન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે.
ઇવાનનું કામ મેક્સિકોમાં ચાલે છે પણ મોટા ભાગે તે દરિયામાં અને ખાસ કરીને નો-મૅન્સ સી એટલે કે કોઈની સરહદ ન ગણાય એવા દરિયામાં રહે છે.
સી ચી લોપ
કૅનેડા અને ચીનમાં અઢળક વેપાર કરતા સી ચી લોપને એશિયાનો અલ ચાપો કહેવામાં આવે છે. તે ધ કંપની નામની એક વિશાળ એશિયન સિન્ડિકેટનો હેડ છે. લોપનું નેટવર્ક જપાનથી લઈને ઑસ્ટ્રેલિયા સુધી ફેલાયેલું છે. એ મોટા ભાગે આઇસ એટલે કે મેથામ્ફિટામાઇનનો બિઝનેસ કરે છે.
વર્ષે અંદાજે ૮થી ૧૭ અબજ ડૉલરનો બિઝનેસ કરતાં લોપની અરેસ્ટ થઈ ગઈ છે પણ એનું નેટવર્ક હજી પણ ચાલુ છે.
ઓટોનિયલ
કોલંબિયાના સૌથી મોટા પૅરામિલિટરી ડ્રગ ગ્રુપ ગલ્ફ ક્લેનના હેડ એવા ઓટોનિયલની પોતાની સેના છે અને તેનું પોતાનું પ્રાઇવેટ જેટ છે. ઓટોનિયલ જંગલોમાંથી કોકેનનું ઉત્પાદન અને સપ્લાય કન્ટ્રોલ કરતો હતો.
કોલંબિયાએ ઓટોનિયલ અમેરિકાને સોંપી દીધો છે પણ તેની ગૅન્ગ હજી પણ કોલંબિયા અને વેનેઝુએલાના બૉર્ડર વિસ્તારોમાં અત્યંત સક્રિય અને ખતરનાક છે અને અમેરિકા પોતે સ્વીકારે છે કે ઓટોનિયલ ભલે જેલમાં રહ્યો પણ તેનું નેટવર્ક અકબંધ છે.
ઓલ્ગા મારિઆનો
દક્ષિણ અમેરિકામાં અત્યારે મહિલા માફિયાઓનું વર્ચસ્વ પણ વધી રહ્યું છે, જેમાં બ્રાઝિલની આ ઓલ્ગાનું નામ મોખરે છે. બ્રાઝિલના PCC સંગઠનની હેડ એવી ઓલ્ગા માત્ર બ્રાઝિલ નહીં પણ સાઉથ અમેરિકા અને યુરોપ સુધી કોકેન સપ્લાય કરે છે. ઓલ્ગાએ કોલંબિયામાં સેંકડો હેક્ટર જગ્યા ખરીદી છે અને એમાં કોકેનનું વાવેતર કરે છે. ઓલ્ગા જેલમાં રહીને પણ પોતાના નેટવર્કને ઑપરેટ કરવાની ક્ષમતા ધરાવે છે.
જો FBIના દાવાને સાચો માનીએ તો મેન્ચોની એ ગર્લફ્રેન્ડને ફોડવાનું કામ FBIએ કર્યું હતું. FBએ છોકરીને ખાતરી આપી છે કે ઇનામની રકમ સાથે તેને અન્ય દેશમાં સ્થાયી કરી આપવામાં આવશે અને નવી ઓળખ પણ આપવામાં આવશે. બાય ધ વે, એ કહેવાનું રહી ગયું કે મેન્ચોનાં મૅરેજ થઈ ગયાં હતાં. રોઝાલિન્ડા ગોન્ઝાલેઝ વેલેન્સિયા નામની મેન્ચોની વાઇફનું હુલામણું નામ લા જેફા હતું, ૨૦૧૮માં તે મેન્ચોથી અલગ પડી ગઈ અને મેન્ચોની લાઇફમાં નવી છોકરી, પેલી બેનામી ગર્લફ્રેન્ડ આવી.
મેન્ચો અને જેફાનાં મૅરેજથી મેન્ચોને બે દીકરી અને એક દીકરો છે. મેક્સિકન ગવર્નમેન્ટ કહે છે કે એ ત્રણેત્રણ પણ ક્રાઇમની દુનિયામાં છે. મોટી દીકરી જેસિકા મેન્ચોના બ્લૅકના પૈસા વાઇટ કરવાની જવાબદારી સંભાળે છે તો વચેટ દીકરો રુબેન મેન્ચો પછીના ક્રમે એટલે કે કાર્ટેલનો વાઇસ પ્રેસિડન્ટ છે, જ્યારે નાની દીકરી લાઇશા તેની મમ્મી એટલે કે લા જેફા સાથે રહે છે પણ થોડા સમય પહેલાં નેવી ઑફિસરના દીકરાના કિડનૅપિંગના કેસમાં તેની અરેસ્ટ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તે ભલે રહે મમ્મી સાથે, પણ કામ તો પપ્પાના બિઝનેસનું જ કરે છે. મેન્ચોના ઑપરેશન પછી આ ત્રણ સંતાનો ક્યાં છે એના વિશે મેક્સિકન ગવર્નમેન્ટે કોઈ સ્પષ્ટતા નથી કરી.