ડાળખીએ મહેક હળવી સાચવી

29 January, 2023 03:56 PM IST  |  Mumbai | Hiten Anandpara

વર્તમાનમાં સાચવતાં શીખીએ તો ભવિષ્યમાં સમય આપણને સાચવી શકે. શું સાચવવાનું?

પ્રતીકાત્મક તસવીર

વર્તમાનમાં સાચવતાં શીખીએ તો ભવિષ્યમાં સમય આપણને સાચવી શકે. શું સાચવવાનું? પૈસો તો ખરો જ, કારણ કે જ્યારે જાત નહીં ચાલે ત્યારે પણ શ્વાસ તો ચલાવવો જ પડશે. બીજી મૂડી આપણા સંબંધો છે જે સુખદુઃખમાં આપણો સધિયારો બનીને ઊભા રહે. કેટલાય વરિષ્ઠ નાગરિકોની હાલત એવી હોય છે કે જિંદગીનાં અંતિમ વર્ષોમાં કોઈ સ્વજન સાથે ન હોય અને આર્થિક સ્થિતિ પણ સાવ સરાસરી હોય. આવી સ્થિતિ આંસુ અને અફસોસ તરફ દોરી જાય. પ્રણવ પંડ્યા સાચવણની મહત્તા દર્શાવે છે...

તૃણ સાચવ અને તરુ સાચવ
ઝાડની સાથે ઝાંખરું સાચવ
ભાદર્યું કે અવાવરું સાચવ
નહીં રહે કૈં અણોસરું, સાચવ

આપણામાં કહેવત છે કે સંઘર્યો સાપ પણ કામ લાગે. બીજી તરફ નકામી ચીજવસ્તુઓનો ઢગલો લબાચામાં ફેરવાઈ શકે એ વ્યવધાન પણ ખરું. આ બે વચ્ચે સંતુલન જાળવવું અનિવાર્ય બને. આપણી આંખો જે દૃશ્યો સાચવી રાખે એ આપણી સ્મરણસંપદા બની જાય. જૂની ડાયરીમાં ગોઠવાયેલું મોરપીંછ અતીતને સાચવીને બેઠું હોય. અલમારીમાં પડેલો બાળપણનો ભમરડો શૈશવને સાચવીને બેઠો હોય. પ્રિયજન સાથે પહેલી વાર મળેલી આંખમાં કહાનીનો આરંભ સચવાયો હોય. અર્પણ ક્રિસ્ટી મનગમતી ગલીમાં લઈ જાય છે...

ઊડતાં તારાં સ્મરણ તારા પછી
જેમ ઊડતી ધૂળ, ગુજરે ધણ પછી
આંગળીઓ સાચવી મૂકી દીધી
મેં તને સ્પર્શી હતી એ ક્ષણ પછી

પ્રિયજનનો પ્રથમ સ્પર્શ આંગળીને ઐશ્વર્ય બક્ષે. બગીચામાં લચી પડેલી ડાળીના ફૂલને સ્પર્શીએ ત્યારે આંગળીમાં સુગંધ પરોવાઈ જાય. દરિયામાં બોટિંગ કરતી વખતે હાથ ઝબોળીએ ત્યારે પાણી આંગળી ઝાલી લે. હાથમાંથી દાણા ચણતી વખતે કબૂતરની ચાંચ આપણી હથેળીને સ્પર્શે ત્યારે હથેળી કૌતુકની કટોરી બની જાય. રોમાંચ શબ્દનો અનુભવ આવી નાની-નાની અનુભૂતિઓમાં છુપાયેલો હોય છે. હિમલ પંડ્યા કેટલીક મહામૂલી ક્ષણોને આલેખે છે...

છૂટાછવાયા શેર લખો, સાચવો ભલે
આખી ગઝલ લખાયને! ત્યારે જીવાય છે
તારા થઈ જવાથી મને એ ખબર પડી
તારા થઈ જવાયને! ત્યારે જિવાય છે

કોઈના થઈ જઈએ પછી એ ટકાવી રહેવા માટે ઘણુંબધું સાચવવું પડે. ઈગોને ગો કહેવું પડે. એક જણની ખુશી બીજાની વેદના બને તો એમાં ખારાશ ભળતી જાય. જેમણે લાંબી સફર સાથે કાપી છે તેમને અનુભવ હશે કે જિંદગીના પાછલા પડાવે આરંભના સમયની અનબન, છણકા, રુસણાં વગેરે કંઈ જ મહત્ત્વનાં નથી રહેતાં. જે મૅટર કરે છે એ છે કાળજી અને પ્રેમ. બાકી બધું સમયના પ્રવાહમાં ક્યાં તણાઈ જાય છે એની ખબર રહેતી નથી. જિતુ પુરોહિત દોટૂક સલાહ આપે છે...

રાત વીતે તો ભલે વીતી જવા દે
તું ઊઠી પ્રાતઃ સ્મરણને સાચવી લે
છોડ ચિંતાઓ બીજાના મૃત્યુની
તું પ્રથમ તારા મરણને સાચવી લે

પ્રિયજનની ચિંતા હોવી જ જોઈએ, પણ એ ચિંતાથી સારવારમાં કે સ્થિતિમાં કોઈ ફરક ન પડતો હોય તો એને કોરાણે મૂકવી પડે, નહીંતર બેઉનું બગડે. એક જણે તો સ્વસ્થ અને મક્કમ રહેવું પડે તો બીજાને સાચવી શકે. અહીં પ્રેમને સાચવવાનો છે, પણ પીડાને ‘આવો, પધારો મારે દેશ’ કહીને આમંત્રણ આપવાનું નથી. ઉર્વીશ વસાવડા કોની પીડા સાચવવાનું કહે છે એ સમજીએ...

કેટલાં વ્હાણો સ્મરણનાં આવ-જા કરતાં રહે
ને છતાં આ મન કંઈ બંદર નથી, બારું નથી
સાચવી છે કૈંક વાદળની પીડાઓ સામટી
નીર દરિયાનું અકારણ આટલું ખારું નથી

જિંદગી ખારા-ખાટા અને મીઠા-તૂરા અનુભવોનું મિશ્રણ છે. મીઠાઈ પણ અમુક હદ સુધી સારી અને મરચું પણ અમુક હદ સુધી સારું. સમયને સાચવવાની વાત ઘણા કવિઓએ કરી છે તો જતાં-જતાં મહેન્દ્ર સમીરની વાત પણ સાંભળી લઈએ...

સારું થયું હે કાળ! સમય સાચવી ગયો
અમ આબરૂ તો તારા પ્રહારે રહી ગઈ
લાવીને માંડ આયખું મંઝિલ ઉપર ‘સમીર’
જો જોયું તો હસરતો જ ઉતારે રહી ગઈ 

columnists hiten anandpara