પંડિત શિવકુમાર શર્માએ પહેલી જ મુલાકાતમાં મને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું

22 May, 2022 04:17 PM IST  |  Mumbai | Rajani Mehta

મને બરાબર યાદ છે ૨૦૦૬ની પાંચમી ઑક્ટોબરનો એ દિવસ, જ્યારે પહેલી વાર તેમની સાથે મુલાકાત થઈ

પંડિત શિવકુમાર શર્માએ પહેલી જ મુલાકાતમાં મને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું

‘આપકી સોચ કો મૈં દાદ દેતા હૂં. આપકે કાર્યક્રમ મેં આના મેરે લિએ બડી ખુશી કી બાત હોગી. આપ કલ ઘર પે આઇયે. આરામ સે હમ બાત કરેંગે.’ પંડિતજી સાથેની પહેલી જ મુલાકાતમાં તેમણે મને આમંત્રણ આપ્યું અને હું ધન્ય થઈ ગયો.
જી હાં, હું વાત કરું છું વિખ્યાત સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્માજીની, જેમનું થોડા દિવસ પહેલાં નિધન થયું. અમેરિકાના પ્રવાસ કરવાના દિવસે આ સમાચાર મળ્યા એટલે  તેમનાં અંતિમ દર્શન કરવાનો મોકો ન મળ્યો એનો વસવસો સદાય રહેશે. લગભગ બે મહિના પહેલાં જ તેમની સાથે વાત થઈ ત્યારે તેમણે અમારી સંસ્થા ‘સંકેત’ની પ્રવૃત્તિ વિશે પૂછપરછ કરી હતી. મેં કહ્યું કે ઘણા સમયથી મળ્યા નથી તો કહ્યું કે હમણાં કિડનીની તકલીફને કારણે ઘરમાં જ ડાયાલિસિસ ચાલે છે. થોડા દિવસ બાદ જરૂર મળીએ, પરંતુ આપણી ઘડિયાળ અને ઈશ્વરની ઘડિયાળનો સમય કદી એકસરખો હોતો નથી. 
મને બરાબર યાદ છે ૨૦૦૬ની પાંચમી ઑક્ટોબરનો એ દિવસ, જ્યારે પહેલી વાર તેમની સાથે મુલાકાત થઈ. અનેક વાર તેમના સ્ટેજ-પર્ફોર્મન્સને દિલથી માણ્યા હતા. તેમનાં આલબમ અને ફિલ્મ-સંગીતનો હું મોટો ચાહક છું, પરંતુ કદી રૂબરૂ મુલાકાત નહોતી થઈ. એટલે જ જ્યારે એનસીપીએમાં તેમની એક દિવસની ‘મ્યુઝિક એપ્રિશિએશન’ની વર્કશૉપ વિશે  ફિલ્મ-સંગીતના વિવેચક અને મિત્ર માણેક પ્રેમચંદ સાથે વાત થઈ ત્યારે મેં તરત હા પાડી. એ દિવસે એક એવા વ્યક્તિત્વનો પરિચય થયો જેની મેં કલ્પના નહોતી કરી. સંગીતની અલભ્ય જાણકારી, અસ્ખલિત વાણી અને સહજ ભાષામાં, ‘પ્રૅક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન’ સાથે, તેઓ જે રીતે  સંગીતની એક-એક બારીકીઓને સમજાવી રહ્યા હતા એ કાબિલેદાદ હતું.
લગભગ ચાર કલાકનું સવારનું સેશન પૂરું થયું અને લંચ-બ્રેક થયો. તેમની વાતો સાંભળીને મારા મનમાં એક વિચાર રમતો હતો. એ તેમની સાથે શેર કરવો કે નહીં એ વિશે હું અવઢવમાં હતો. એ દિવસે સંગીતની દુનિયાના અનેક દિગ્ગજો એ વર્કશૉપમાં હાજર હતા. પંડિતજી દરેક સાથે વાત કરી રહ્યા હતા. તેમની વાતોમાં ખલેલ પાડવાની ગુસ્તાખી મારે નહોતી કરવી. 
અમે જમતા હતા એનાથી થોડા દૂરના ટેબલ પર પંડિતજી બેઠા હતા. હું હિંમત કરીને તેમની પાસે ગયો અને કહ્યું કે ‘બે મિનિટ વાત કરી શકું?’ તો કહે, ‘ઝુરૂર.’ અને તેમની બાજુમાં બેઠેલા એક શાગિર્દને કહ્યું, ‘મેરે લિયે પાની લે આના...’ તે ઊઠ્યો (ના, મારા માટે પંડિતજીએ જગ્યા ખાલી કરાવી આપી) એટલે મને કહ્યું, ‘આપ બૈઠિયે.’
મેં કહ્યું, ‘અમારી સંસ્થામાં આજ સુધીમાં દિગ્ગજ કલાકારો જેવા કે નૌશાદ, મન્ના ડે, આણંદજીભાઈ, અમીન સાયાની, ઓ. પી. નૈયરનું અમે સન્માન કર્યું છે, પરંતુ ફિલ્મ-સંગીતના પડદા પાછળના કલાકારોનું સન્માન કરવાનો અમને મોકો નથી મળ્યો. સંતૂર અને આપ એકમેકના પર્યાય છો. મારી ઇચ્છા છે કે આપનું અભિવાદન કરીએ. એ પ્રસંગે તમે જે ગીતોને  સંતૂરથી સજાવીને અમર કર્યાં છે એ ગીતોની રજૂઆત કરીએ. સંગીતપ્રેમીઓને એ વાતની ઓછી જાણકારી છે કે અનેક લોકપ્રિય ધૂનો પાછળ આપ જેવા ધૂરંધર વાદ્યકલાકારોનો અમૂલ્ય ફાળો છે.’
તેમના ચહેરા પર પ્રસન્નતા આવી અને કહે, ‘આપકી સોચ કો દાદ દેતા હૂં. આજ તક ઇસકે બારે મેં કિસીને સોચા હી નહીં હૈ. હરિજી, (હરિપ્રસાદ ચૌરસિયા - બાંસુરી), રામ નારાયણજી (સારંગી) બિસ્મિલ્લા ખાં (શહનાઈ), રવિશંકરજી (સિતાર) ઔર અનગીનત  કલાકારોં ને ફિલ્મ-સંગીત કો એક ઐસા મકામ દિયા હૈ જિસકી કોઈ બાત હી નહીં કરતા. આપકે કાર્યક્રમ મેં આના મેરે લિએ બડી ખુશી કી બાત હોગી. આપ કલ ઘર પર આઇયે. હમ આરામ સે બાત કરેંગે.’
મારા માટે તો ‘બગાસું ખાતાં પતાસું મળ્યું’ જેવી ઘટના બની. મેં ધાર્યું નહોતું કે  વર્કશૉપ દરમ્યાન આવેલો એક વિચાર આટલી સરળતાથી અને આટલી ઝડપથી સાકાર થશે. બાંદરા કાર્ટર રોડ પરનો ભવ્ય ટેરેસ ગાર્ડન અટેચ્ડ ફ્લૅટ તેમના ઋજુ વ્યક્તિત્વને અનુરૂપ   સજાવેલો હતો. પંડિતજીએ જે ઉષ્માથી મને આવકાર આપ્યો એ અવિસ્મરણીય હતો. મારી સમજ પ્રમાણે હું ગીતોનું લાંબું લિસ્ટ લઈને ગયો હતો, જેમાં તેમનું સંતૂરવાદન હતું. મને કહે, ‘તમારી મ્યુઝિકલ સેન્સ બહુ સારી છે. મોટા ભાગનાં ગીતોમાં મારું સંતૂરવાદન છે, સિવાય ત્રણ-ચાર ગીતોમાં.’ (અફસોસ, એ ગીતોનું લિસ્ટ અત્યારે હાથવગું નથી) એમ કહીને તેમણે બીજાં અનેક ગીતો યાદ દેવડાવ્યાં, જેમાં બીજા દિગ્ગજ કલાકારોએ સંતૂર વગાડ્યું હોય. 
એ ત્રણ કલાકની મુલાકાત મારા માટે આગળના દિવસની વર્કશૉપનું એક્સટેન્શન હતી. તેમના જીવનના અને ફિલ્મજગતના અઢળક કિસ્સા જાણવા મળ્યા. મન્ના ડે, નૌશાદ અને ઓ. પી. નૈયર સાથેના મારા અનુભવો મેં તેમની સાથે શૅર કર્યા. મને કહે, ‘નૈયરસા’બ કિસી સે મિલતે નહીં હૈ. આપ કૈસે ઉન તક પહોંચ ગયે. મૈં ભી બરસોં સે મિલા નહીં હૂં. ઉનકા નંબર દિજિયે.’ પોતે એક દિગ્ગજ કલાકાર છે એનો અહેસાસ કરાવ્યા વિના તેઓ સહજ રીતે વાતો કરતા હતા. ૨૦૦૬ની ૧૧ ડિસેમ્બરની સાંજે ‘સંકેત’ આયોજિત ‘દિલ કા ભંવર કરે પુકાર’ કાર્યક્રમમાં છેવટ સુધી ઉપસ્થિત રહીને તેમણે અમારી પ્રવૃત્તિઓને દિલથી બિરદાવી. ત્યાર બાદ તેમની સાથે સમયાંતરે મુલાકાતો થતી રહી. એ દરમ્યાન જે સંગીતમય સત્સંગ થયો એની વાતો લખવા બેસું તો એક પુસ્તક લખાય. આજે તેમના વિશેના બહુ ઓછા જાણીતા કિસ્સા તમારી સાથે શૅર કરીને તેમને શબ્દાંજલિ અર્પિત કરવી છે.  
તમને નવાઈ લાગશે કે પંડિતજીએ સંતૂરની પદ્ધતિસરની તાલીમ લેવાની શરૂઆત ૧૭  વર્ષે શરૂ કરી. તેમના પિતા ઉમા દત્ત શર્મા જાણીતા ‘વોકલિસ્ટ’ હતા. પંડિતજીનો પહેલો પ્રેમ હતો તબલાવાદનનો. નાની વયમાં જ તેમનું નામ એક કુશળ તબલચી તરીકે જાણીતું થઈ ગયું હતું. આકાશવાણીના જમ્મુ રેડિયો સ્ટેશન પર તેઓ નિયમિત શાસ્ત્રીય સંગીતના નામી કલાકારો સાથે સંગત કરતા. 
પિતાજીને એ વાતનો ગર્વ હતો કે પુત્ર તબલાવાદક તરીકે નામ કમાઈ રહ્યો છે. એક વાતનું તેમને દુઃખ હતું. એક વાદ્ય તરીકે સંતૂરની ઓળખ ‘કશ્મીરિયત’ સાથે જોડાયેલી હતી,  પરંતુ એ કેવળ મહેફિલમાં સંગતના વાદ્ય તરીકે જાણીતું હતું. એક સ્વતંત્ર વાદ્ય તરીકે એની કોઈ ઓળખ નહોતી. એટલું જ નહીં, એમાં નિપુણતા ધરાવતા કલાકારોની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જતી હતી. તેમને ભય હતો કે સમય જતાં સંતૂર સંગીતની દુનિયામાં ‘લુપ્ત થતી પ્રજાતિ’ બનીને કેવળ ઇતિહાસના પાના પર રહી જશે.
પિતાજીની આ પીડા પુત્ર શિવકુમારથી છાની નહોતી. અંતે તેમણે નિર્ણય કર્યો કે  સંતૂરને એક સ્વતંત્ર વાદ્ય તરીકે સ્થાપિત કરીને એની ગરિમા ઉજ્જ્વળ કરવી પડશે. આમ તેમની સંતૂરયાત્રાની શરૂઆત થઈ. મૂળ પર્શિયાથી આવેલા આ વાદ્યમાં અનેક ‘ટેક્નિકલ’ ફેરફાર કરીને એક ભારતીય વાદ્ય તરીકે સંતૂરની ઓળખ તેમણે સ્થાપિત કરી.  
ભલે સંતૂરને કારણે પંડિતજી દુનિયાભરમાં મશહૂર થયા, પરંતુ તબલાવાદન ભુલાયું નહોતું. ફિલ્મ ‘ગાઇડ’નું એક લોકપ્રિય ગીત છે, ‘મોસે છલ કિયે જાય, હાય રે હાય, દેખો સૈયાં બેઇમાન’. એનો કિસ્સો પંડિતજીના શબ્દોમાં પ્રસ્તુત છે, ‘આ ગીતમાં તબલાવાદક તરીકે પંડિત સામતાપ્રસાદજી આવવાના હતા. રેકૉર્ડિંગના દિવસે સૌ તેમની રાહ જોઈને બેઠા હતા ત્યાં સમાચાર મળ્યા કે તેમની તબિયત અચાનક ખરાબ છે એટલે તેઓ નહીં આવે. રેકૉર્ડિંગ કૅન્સલ થાય એમ નહોતું. પંચમ મને કહે, ‘તું સંતૂર છોડી તબલાં વગાડ.’ મેં ના પાડી. પંચમે સચિનદાને કહ્યું. તેમણે કહ્યું, ‘શિવ, હમ તેરેકુ બોલતા હૈ. આજ તુ તબલા બજા.’ મેં કહ્યું, ‘દાદા, તબલા છોડે બરસોં હો ગયે. મેરા બિલકુલ રિયાઝ નહીં હૈ.’ સચિનદા કહે, ‘જો અસલી કલાકાર હોતા હૈ ઉસકો રિયાઝ કા ઝુરૂરત નહીં. મેરે કો ભરોસા હૈ, તુ ઠીક બજાએગા.’ (સચિનદાની આ ટિપિકલ ભાષા હતી.)
પંડિતજીની ‘ટાવરિંગ પર્સનાલિટી’થી તમે પહેલાં તો અંજાઈ જાઓ, પરંતુ થોડા જ સમયમાં એ વાતનો અહેસાસ થાય કે તેમના વ્યક્તિત્વમાં એક એવું ઋષિત્વ છે જે તમને  સુકૂન આપે. કાર્યક્રમ બાદ તેમની સાથે સમયાંતરે વાત થતી. એક દિવસ તેમનો ટેલિફોન આવ્યો. ઔપચારિક વાતો કરતાં બોલ્યા, ‘રજનીભાઈ, રાહુલ કી શાદી કા નિમંત્રણ ભેજા હૈ. આપકો ઝુરૂર આના હૈ.’ મારા માટે આ મોટી ઘટના હતી. બાંદરા તાજ લૅન્ડ’સ એન્ડની એ રાતે પંડિતજીના યજમાન સ્વરૂપનો પરિચય થયો. ત્યાં અનેક દિગ્ગજોની હાજરી હતી. દરેકને મળતા અને આગ્રહ કરતા પંડિતજીએ અમને જોયા એટલે અમે નમસ્કાર કર્યા. થોડી વારમાં અમારી પાસે આવીને કહે, ‘આપ આયે મુઝે બહુત ખુશી હુઇ. ભોજન કિયે બિના નહીં જાના. ઉસ દિન કાર્યક્રમ મેં આપને બહુત અચ્છા નમકીન ખિલાયા થા.’ 
એ દિવસે મને એક નહીં, બે ફાયદા થયા. સંગીતકાર પ્યારેલાલ સાથે એકાદ-બે વાર અછડતી મુલાકાત થઈ હતી, નિકટનો પરિચય નહોતો. એ દિવસે તેમની સાથે નિરાંતે બેસીને વાતો કરતો હતો ત્યાં પંડિતજી પ્યારેલાલજીને મળવા આવ્યા. તેમને કહે, ‘રજનીભાઈ ફિલ્મ સંગીત કા એન્સાઇક્લોપીડિયા હૈ. ઐસે કિસ્સે સુનાયેંગે, આપ કભી બોર નહીં હોંગે.’ એ દિવસથી પ્યારેલાલજી સાથે મારો ઘરોબો બંધાયો. 
એ દિવસે અનુપ જલોટા સાથે પણ બેસીને થોડો સમય વિતાવ્યો. ૧૯૯૮ની ૨૫ ફેબ્રુઆરીએ તેમના ‘ભજનમ મધુરમ, ગઝલમ મધુરમ’ કાર્યક્રમમાં ભજન અને ગઝલનું  સંયોજન કર્યું હતું. વાત-વાતમાં તેમણે કહ્યું, ‘આપ હમેશા કુછ નયા સોચતે હૈં, કોઈ નયા  કન્સેપ્ટ લેકર એક પ્રોગ્રામ કરતે હૈં.’ ઈશ્વરકૃપાએ મને તરત એક વિચાર આવ્યો. અનુપ જલોટા યુવાનવયે કારકિર્દીની શરૂઆતમાં નાના-મોટા ફંક્શનમાં ફિલ્મી ગીતોની રજૂઆત કરતા હતા. ત્યાર બાદ તેમની પૂરી ગાયકી ભજન-સમર્પિત થઈ અને તેમને ભજનસમ્રાટનું બિરુદ મળ્યું. મેં કહ્યું, ‘એક કાર્યક્રમ કરીએ જેમાં તમારી પસંદગીનાં ફિલ્મી ગીતોની રજૂઆત કરીએ.’ હસતાં-હસતાં તેઓ બોલ્યા, ‘મેરી ભજન કી દુકાન બંધ કરાને કા ઇરાદા હૈ કયા?’ મેં કહ્યું, ‘આપકા વો રંગ ભી દુનિયા કો પતા ચલના ચાહિએ.’ અને આમ ૨૦૦૮ની ૨૪ એપ્રિલે ‘કુછ તો લોગ કહેંગે’ કાર્યક્રમનું આયોજન થયું જેમાં અનુપ જલોટાએ કેવળ ફિલ્મી ગીતોની રજૂઆત કરી (ત્યાર બાદ અનેક આયોજકોએ તેમને આવા કાર્યક્રમ માટે વિનંતી કરી, પણ તેમણે ઇનકાર કર્યો હતો).  
પંડિતજી સાથે સમયાંતરે વાતો થતી ત્યારે તેમનો પહેલો પ્રશ્ન હોય, ‘સંકેત’માં શું કરી રહ્યા છો.’ જે કાર્યક્રમ થયા હોય એ વિશે હું વાત કરું અને તેઓ રાજીપો વ્યક્ત કરતાં કહે, ‘જે કામ ઇન્ડસ્ટ્રીએ કરવું જોઈએ એ તમે કરી રહ્યા છો. મારી અઢળક શુભેચ્છા તમારી સાથે છે.’ તેમની એ વાત કેવળ કહેવા પૂરતી નહોતી એની પ્રતીતિ તેમણે મને થોડા દિવસોમાં કરાવી હતી. 
સંગીતકાર પ્યારેલાલજી સાથે પાંચ-છ મહિના થાય એટલે તેમના ઘરે મારી મુલાકાત થાય. એક દિવસ અમે વાતો કરતા બેઠા હતા ત્યાં પંડિતજીનો ફોન આવ્યો (એક મ્યુઝિશ્યન તરીકે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યા બાદ પંડિતજી કેવળ લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ સાથે છેવટ સુધી સંકળાયેલા હતા). પ્યારેલાલજી સાથે તેમની કામની વાતો પૂરી થઈ અને પ્યારેલાલજીએ કહ્યું, ‘હમારે મિત્ર યહાં બૈઠે હૈં, ઇનસે બાત કિજિયે.’
મારો અવાજ સાંભળતાં તેઓ બોલ્યા, ‘આપ બહુત લકી હૈ. પ્યારેભાઈ કિસી ઐરેગૈરે કો ઘર નહીં બુલાતે. ઔર બતાઈએ. કૌન સા નયા પ્રોજેક્ટ સોચ રહે હો?’ મેં કહ્યું, ‘ખૈયામસા’બ કા સન્માન કરને કા ઇરાદા હૈ, પર બાત જમ નહીં રહી હૈ. દેખતે હૈં, ક્યા હોતા હૈ.’ 
તેમણે કહ્યું, ‘આપ બહોત અચ્છા કર રહે હો. ઇનકે જૈસે ગુણી સંગીતકાર કો જો ઇઝ્ઝત મિલની ચાહિએ, વો નહીં મિલી હૈ. આપ જૈસે કદરદાન લોગ હી ઐસા સોચ સકતે હૈં આપ કો મેરી શુભકામનાએં. મૈં ભી કાર્યક્રમ મેં આને કી કોશિશ કરુંગા.’
હું મનમાં વિચારતો હતો કે કાશ, આ કાર્યક્રમ નક્કી થઈ જાય તો સારું. કાર્યક્રમ માટે ખૈયામ સાથે મારી મુલાકાત થઈ ચૂકી હતી, પરંતુ એમાં એક અડચણ હતી. મને લાગતું હતું કે કાર્યક્રમ કરવો મુશ્કેલ છે. જ્યારે પંડિતજીએ કાર્યક્રમ માટે શુભેચ્છા આપી ત્યારે તેઓ કેવળ ‘લિપ સિમ્પથી’ નહોતા આપી રહ્યા. તેમણે એક એવું કામ કર્યું હતું કે ચમત્કાર થયો. ‘સંકેત’ અને મારા માટે એ મોટો શિરપાવ હતો. એ વાત વિગતવાર આવતા રવિવારે. 

columnists rajani mehta