મૅજિકલ મંડલા

24 May, 2022 06:31 PM IST  |  Mumbai | Rupali Shah

મંડલા આર્ટની વર્તુળમાં દોરાયેલી સપ્રમાણ આકૃતિઓ અને એમાં ભરાતા રંગ એક થેરપી જેવું કામ કરે છે અને તમારી પર્સનાલિટીમાં સંપૂર્ણતા અને સ્થિરતા લાવવામાં મદદ કરે છે

મૅજિકલ મંડલા

મંડલા આર્ટની વર્તુળમાં દોરાયેલી સપ્રમાણ આકૃતિઓ અને એમાં ભરાતા રંગ એક થેરપી જેવું કામ કરે છે અને તમારી પર્સનાલિટીમાં સંપૂર્ણતા અને સ્થિરતા લાવવામાં મદદ કરે છે. વ્યક્તિના મનની સ્થિતિને રિવીલ કરતી આ આર્ટ કેવી-કેવી સ્થિતિમાં થેરપ્યુટિક બની શકે છે એ જાણીએ નિષ્ણાતો પાસેથી

ડોમ્બિવલીની ૩૨ વર્ષની ડિવૉર્સી મીતાને છેલ્લા થોડા વખતથી માથાનો દુખાવો રહેતો. સાવ નાની અમથી વાતમાં કોઈના કહેવાથી ખરાબ લાગી જતું અને રડવું આવી જતું. તે અનિદ્રાનો ભોગ પણ બની હતી. તેને એક થેરપી સજેસ્ટ કરવામાં આવી. મીતાને મંડલા ડ્રોઇંગમાં લાલ, પીળો, લીલો, વાદળી, જાંબલી જેવા વિવિધ રંગ ભરવાની ઍક્ટિવિટી આપવામાં આવી. રંગ ભરેલી આ મંડલા આકૃતિ તેણે પથારી નીચે રાખીને સૂવાનું હતું. થોડા જ દિવસોમાં એકંદરે તે ૬૦ ટકા જેટલી વધુ શાંત થઈ. હવે તેને જલદીથી ખરાબ લાગતું નહોતું.  
ભૂલનો પસ્તાવો, કોઈને માફ ન કરી શકવું, મારી સાથે જ કેમ આવું થયું જેવા પ્રશ્નો, ડર, ટેન્શન, ચિંતા, સંબંધોમાં ખટરાગ, જાતને પ્રેમ કરવાનો અભાવ જેવા અનેક બ્લૉકેજિસ આમ તો વિવિધ થેરપીઓથી દૂર કરી શકાય છે. આર્ટના માધ્યમથી થતી આવી જ એક થેરપી એટલે મંડલા આર્ટ. નિષ્ણાતોનું કહેવું છે કે એન્શિયન્ટ આર્ટ મંડલા માનસિક સ્વાસ્થ્યમાં થેરાપ્યુટિક રોલ ભજવે છે. આવો, જાણીએ કે શું છે આ મંડલા આર્ટ થેરપી અને એ કેવી રીતે કામ કરે છે એ આ વિષયના એક્સપર્ટ્સ પાસેથી. 
હીલિંગ ટેક્નિક
૧૪ વર્ષથી સાઇકોલૉજી અને કાઉન્સેલિંગના ક્ષેત્રે કાર્યરત ખારનાં સેજલ મહેતા ખાસ નેપાલની યુનિવર્સિટીમાંથી મંડલા આર્ટ થેરપી શીખ્યાં છે. વિવિધ મૉડર્ન તેમ જ ટ્રેડિશનલ ટેક્નિક્સ દ્વારા હીલિંગ કરતાં સેજલ મહેતા કહે છે, ‘મંડલાના બે અર્થ છે. સંસ્કૃતમાં ‘મંડલા’ એટલે ‘વર્તુળ.’ જે એક બિંદુમાત્રમાં સમાઈ જાય અને જેને અનંત સુધી વિસ્તારી પણ શકાય. મેટાફિઝિક્સ કે આધ્યાત્મિક ભાષામાં ‘મન-ડહ-લા’ એટલે તમારા હૃદય-તમારા યુનિવર્સનું સેન્ટર પૉઇન્ટ. બહારની દુનિયામાં સફર કરો, પણ ખુદના હૃદયના કેન્દ્ર સુધી પહોંચવું જરૂરી છે. જ્યારે તમે મંડલા કરો છો ત્યારે તમે ખુદના ઇનર સોલ સુધી પહોંચો છો.’ 
ડ્રોઇંગ મંડલા અને એની ડિઝાઇનમાં ઉમેરાતા રંગ મનને શાંત કરે છે. સાઇકોલૉજિકલ રિસર્ચ મુજબ મંડલા સ્ટ્રેસ દૂર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. થેરપિસ્ટ ક્લાયન્ટ પાસે મંડલા દોરાવીને તેમની એ સમયની લાગણીઓને જાણવાનો પ્રયત્ન કરે છે. 
કાંદિવલીનાં કાઉન્સેલર, કન્સલ્ટન્ટ અને ફૅસિલિટેટર અર્ચના પરીખ અનેક વર્કશૉપ કરે છે. મંડલા ઍનૅલિસિસમાં નિપુણ એવાં અર્ચના કહે છે, ‘કોઈ પોતાની મનની સ્થિતિ રજૂ ન કરી શકે એવા વખતે મંડલા તેમની પરિસ્થિતિ બયાન કરી દે છે. કન્સલ્ટન્ટ તરીકે આ થેરપીથી મારું કામ સરળ થઈ જાય છે. તમે સબકૉન્શિયસ માઇન્ડથી વર્તુળની અંદર અમુક પૅટર્ન ક્રીએટ કરો છો. અમુક વાર એ પૅટર્ન રિપીટ થતી હોય છે, ઘણી વાર સાત ચક્ર સાથે રિલેટ થાય છે. એ વખતે દોરનાર વ્યક્તિની બધી ફીલિંગ પેપર પર ઊતરે છે. એના દોરેલાં ફૉર્મેશન અને પૅટર્ન પરથી વ્યક્તિની આંતરિક મનઃસ્થિતિ તમે ગેજ કરી શકો છો.’
થેરપીનો ઉપયોગ કેવી રીતે?
મંડલા બનાવવારી વ્યક્તિ હકીકતમાં પોતાની લાગણીઓ રજૂ કરે છે. વ્યક્તિની ભય, ચિંતા, નિરાશા, હતાશા, થાક, ગુસ્સો જેવી નકારાત્મક લાગણીઓ સમાવી લેવા શક્તિશાળી સાધન કે મનોવૈજ્ઞાનિક રોગપ્રતિકારક શક્તિ તરીકે મંડલાઓનો ઉપયોગ થાય છે. કાંદિવલીના અને હાલમાં દિલ્હી રહેતા ઇનર પાવર એક્સપર્ટ અને થેરાપ્યુટિક આર્ટ લાઇફ કોચ મેઘના કહે છે, ‘મંડલા તમારી સાઇકોલૉજી, તમારા માઇન્ડ, તમારી ઑરા પર કામ કરવાનું ચાલુ કરે છે અને પછી ધીમે-ધીમે તમે પોતે જ તમારો માર્ગ ક્રીએટ કરવા માંડો છો.’ 
મંડાલામાં પુરાતા રંગ નેગેટિવિટીને ઘટાડે છે. આ પ્રક્રિયામાંથી પસાર થતી વ્યક્તિ રાહત, હળવાશ અને આનંદ અનુભવે છે. એ ઝડપથી સ્વસ્થ થવામાં મદદરૂપ બને છે. અર્ચના કહે છે, ‘સતત ઘસાતાં ક્રૅયોન અને રંગો તમારી નેગેટિવ એનર્જી દૂર કરવાનું કામ કરે છે. આની રેગ્યુલર પ્રૅક્ટિસથી વ્યક્તિગત રીતે પર્સનાલિટીમાં પણ ઘણો સુધાર આવે છે. નૉર્મલ વ્યક્તિ પણ સૂતાં પહેલાં અડધું મંડલા કરે તો એ પણ હેલ્પફુલ રહે છે.’ 
સમસ્યા પ્રમાણે થેરપી
વ્યક્તિની સમસ્યા શોધવાના ત્રણ રસ્તા છે. પહેલાં મંડલા દોરવાનું કહેવામાં આવે અને ત્યાર પછી કયા ચક્રમાં બ્લૉકેજ છે એનું ઍનૅલિસિસ થાય. બીજું, તેમની પાસે મંડલા આકૃતિની પસંદગી કરાવાય અને એમાં તેમને ગમતા રંગ ભરવાનું કહેવામાં આવે. તેઓ કઈ આકૃતિ અને કલર પસંદ કરે છે એના પરથી તેમના કોર ઇશ્યુ અને ઇમોશન્સની ખબર પડે છે. અને ત્રીજું, તમે કોઈ ખાસ મંડાલા તેમને થેરાપ્યુટિક હીલિંગ માટે આપો. મંડલા ૧૭ પ્રકારના છે. આ આર્ટની પ્રૅક્ટિસ ઘણાં વર્ષો જૂની છે. ઊંડાણમાં વાત કરતાં સેજલ કહે છે, ‘સંગ્રહ કરવાની આદત, લેટ-ગો ન કરી શકનારા કે સાફસફાઈ જેવા ઑબ્સેશનવાળી વ્યક્તિ માટે બુદ્ધિષ્ઠ મંડલા ઇફેક્ટિવ રહે છે. આનાથી વ્યક્તિ આપી દેતાં, ભૂંસી નાખતાં કે છોડતાં શીખે છે. એવી જ રીતે ચક્ર મંડલાના દરેક ચક્રના ચોક્કસ આકાર અને રંગ છે. થ્રોટ ચક્રનો રંગ બ્લુ છે. કોઈને થ્રોટ ચક્રમાં બ્લૉકેજ છે અને એ ચક્રમાં તે લાલ રંગ ભરે તો ખબર પડે કે તેણે પોતાનો ગુસ્સો દબાવી રાખ્યો છે.’
તમારું પ્રતિબિંબ
તમે પાન દોરો છો તો એ પાન કઈ દિશામાં જઈ રહ્યું છે, એનો વળાંક કઈ રીતનો છે એ તમારા મનની સ્થિતિ દર્શાવે છે. આકૃતિમાં વધુ ડૉટ્સ કરનારાઓ આ મુશ્કેલીમાંથી કઈ રીતે બહાર આવું એવી મનઃસ્થિતિ દર્શાવે છે. વધુ ત્રિકોણ આધ્યાત્મિકતા અને કોઈ ડિવાઇન લાઇટને આકર્ષવાની કન્ડિશન દર્શાવે છે. મેઘના કહે છે, ‘રિલેશનશિપને સ્ટ્રૉન્ગ કરવી હોય તો યિન યાંગ મંડલા ઇફેક્ટિવ છે પછી એ સંબંધ મા-દીકરાનો, પતિ-પત્ની હોય કે સ્વ સાથેનો હોય.’ એમાં ઉમેરો કરતાં અર્ચના કહે છે, ‘વ્યક્તિ કઈ રીતે, કેવા ફૉર્મેશન બનાવે છે એ પ્રમાણે ઍનૅલિસિસ થાય છે.’
સમયાંતરે થયેલા તબીબી અભ્યાસ મુજબ મંડલા આર્ટ રોગ પ્રતિકારકશક્તિ વધારે છે, તનાવ અને વ્યગ્રતામાં ઘટાડો કરે છે, બ્લડ-પ્રેશરને કન્ટ્રોલ કરે છે અને ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ કરે છે. આ મૅનિફેસ્ટેશન થેરપી પણ છે. સેજલ કહે છે, ‘સ્પેશ્યલી કૅન્સર પેશન્ટ કે જેમને કીમોને કારણે માથાના, આઇબ્રોના વાળ જતા રહ્યા હોય તેમને સેલ્ટિક મંડલા અને જિનોક્રેમિક મંડલા કરાવ્યા પછી પોતાના પાછળથી નવા ઊગેલા વાળ વધુ ગમવા લાગે છે. ધિસ ઇઝ માઇન્ડ ઓવર મૅટર. તમે તમારા મનને જીતવા લાગો છો.’ 
‍બન્ને મગજનો ઉપયોગ
ચમત્કારથી ઓછા ન કહી શકાય એવા અમુક કેસનો પણ એક્સપર્ટ્સ દાવો કરે છે. મિચલ બ્યુકેર નામના ખ્યાતનામ લેખકની ‘The Art of Mandala Meditation’ પુસ્તક પ્રમાણે સામાન્ય રીતે વ્યક્તિનું ડાબું મગજ વિચાર અને વિશ્લેષણની ક્રિયા કરે છે, જ્યારે જમણું મગજ કલ્પનાઓને અને લાગણીઓને સાંકળે છે. સેજલ કહે છે, ‘આજની બિઝી લાઇફમાં આપણે ડાબા મગજનો ઉપયોગ વધુ અને ઇમોશનને સપ્રેસ કરતાં હોઈએ છીએ. ડ્રોઇંગ કરતી વખતે પણ ડાબું મગજ કામ કરતું હોય છે, પણ ફ્રીહૅન્ડ કે કલર કરતી વખતે તમારું જમણું મગજ કાર્યરત થાય છે. મંડલાથી બન્ને મગજ અને હૉર્મોન્સનું સંતુલન અદ્ભુત રીતે જળવાઈ રહે છે એટલે પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ કે ગાયનેકોલૉજીની સમસ્યા ધરાવનારી સ્ત્રીઓમાં પણ આ થેરપીથી ખાસ્સો ફરક દેખાય છે.’

હ્યુમન મંડલા

સ્કૂલમાં કાઉન્સેલર તરીકે સક્રિય સેજલ સ્કૂલનાં બાળકોને હ્યુમન મંડલા કરાવે છે. આમાં સ્ટુડન્ટ્સના હાથ, પગ કે માથાની મદદથી જુદાં-જુદાં ફ્લાવર્સ અને ફૉર્મેશન બનાવાય છે. આવી ઍક્ટિવિટીથી ક્રીએટિવિટી, એક્સરસાઇઝની સાથે બાળકો કશુંક નક્કર કરવામાં એન્ગેજ રહે છે. પ્યુબર્ટી એજ, એજ્યુકેશન સ્ટ્રેસ, હૉર્મોનલ ચેન્જિસ, ગુસ્સો, સેક્સ્યુઅલ અર્જીસ, મેમરી, એકાગ્રતા જેવી તમામ બાબતે મંડલા વર્ક્‍સ વન્ડર.

મંડલામાં એવું શું છે જે બધાને ગમે છે?

મંડલા આર્ટ નૉન-થ્રેટનિંગ છે. કોઈ મોટી કંપનીનો સીઈઓ હોય કે નાનકડું બાળક; બધા જ મંડલા દિલથી કરે છે, કારણ કે આમાં કોઈ તેમને જજ નથી કરતું. આ આર્ટ કરતી વખતે તમે ફરી પાછું તમારું બાળપણ અને તમારી ક્રીએટિવિટીને જીવો છો. આમાં વ્યક્તિની દબાયેલી ઇચ્છાઓ રિલીઝ થઈ જાય છે.

columnists