અમને ખાતરી હતી કે ભવ્ય કંઈક ભવ્ય કરીને દેખાડશે

25 December, 2025 12:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયન ઍર ફોર્સમાં ફ્લાઇંગ આૅફિસર તરીકે સિલેક્ટ થયેલા કચ્છી યુવાનના પ્રાઉડ પેરન્ટ્સે વાત કરી મિડ-ડે સાથે

મમ્મી-પપ્પા હેમલતા અને પ્રકાશ નાગડા તથા નાના ભાઈ ધવલ સાથે ભવ્ય

પુણેમાં રહેતા ભવ્ય શાહના પરિવારમાં દેશભક્તિ વણાયેલી છે. તેના પરદાદા અને નાના બન્ને સ્વાતંય સેનાની હતા અને ફોઈ પણ NCC વતી રિપબ્લિક ડેની પરેડમાં સામેલ થઈ ચૂક્યાં છે. એક સમયે ફિટનેસ ટ્રેઇનર તરીકે અને મૅક્ડોનલ્ડ્સમાં પણ કામ કરી ચૂકેલા ભવ્યએ દેશ માટે કંઈક કરી છૂટવાની પરિવારના સભ્યોની અદમ્ય ઝંખનાને ઍર ફોર્સમાં જોડાઈને સાર્થક કરી દેખાડી એની રસપ્રદ વાતો જાણીએ.

સપનાં જોવાં સરળ છે પરંતુ એને પૂરાં કરવા માટે દિવસ-રાત મથવું પડતું હોય છે. મહેનત અને ધગશ સાથે કરેલા કામમાં સફળતા મળે જ મળે અને આ જ વાત પુણેમાં રહેતા ભવ્ય શાહ (નાગડા)માં તેના પેરન્ટ્સે જોઈ છે. તેમણે ભવ્યની નિષ્ઠા અને ગમે તે સંજોગોમાં ટકી રહેવાની દૃઢતા જોઈ છે. તેમણે ભવ્યની મહેનત અને સંઘર્ષોનો સામનો કરવાની હિંમત જોઈ છે. તેમણે ભવ્યની વાસ્તવિકતા સાથે આગળ વધવાની અને એક જ ધ્યેયને વળગી રહેવાની મક્કમતા જોઈ છે. કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના કદાચ પહેલવહેલા યુવાન એવા ભવ્યની આખરે ઇન્ડિયન ઍર ફોર્સમાં ફ્લાઇંગ ઑફિસર તરીકે પસંદગી થઈ ગઈ છે અને હવે આ યુવાન ફાઇટર પ્લેન કેમ ઉડાડાય અને ફાઇટર પ્લેન સાથે દેશ માટે લડવું પડે તો કેમ આગળ વધાય એની ટ્રેઇનિંગ લેવા માટે કર્ણાટક જઈ રહ્યો છે. તેના પેરન્ટ્સ માટે પોતાના દીકરાની આ નવી જર્નીની સફળતાપૂર્વક થયેલી શરૂઆત ગૌરવ આપનારી બની રહી છે ત્યારે તે આ દિશામાં કઈ રીતે આગળ વધ્યો અને કેવા પડકારો વચ્ચે પણ તે ટકી રહ્યો એની રસપ્રદ જર્ની જાણીએ.

મુંબઈથી પુણે

લગભગ બારેક વર્ષ પહેલાં પુણેમાં વિવિધ ખાદ્યસમાગ્રીને લગતા વેપારની નવી તક દેખાતાં પ્રકાશ નાગડા મુંબઈથી પુણે શિફ્ટ થઈ ગયા. એ પહેલાં મુલુંડમાં રહેતા આ પરિવારના સ્વજનો આજે પણ મુલુંડમાં જ રહે છે અને એ સિવાય પણ તેમના નજીકના સંબંધીઓ મુંબઈના જુદા-જુદા વિસ્તારમાં રહે છે. બે દીકરા અને પત્ની સાથે પુણેમાં રહેતા પ્રકાશભાઈ ભવ્યની ઍર ફોર્સમાં થયેલી પસંદગી માટે કહે છે, ‘બાળપણથી જ દેશ માટે કંઈક કરવાની ભવ્યની ઇચ્છા હતી.  જોકે પુણે શિફ્ટ થયા પછી કૉલેજ ભણવા માટે હૉસ્ટેલમાં ગયો ત્યારે તેને એવું ફ્રેન્ડ-સર્કલ મળ્યું અને ફોઈના પગલે NCC (નૅશનલ કૅડેટ કૉર્ઝ)માં જૉઇન થયો. ત્રણ વર્ષની NCCની ટ્રેઇનિંગ પૂરી કર્યા પછી તેણે ઍર ફોર્સમાં ભરતી થવાની તૈયારીઓ શરૂ કરી. એના માટે એક્ઝામ્સ પણ આપી અને સિલેક્ટ થયા પછી તેણે દોઢ વર્ષની આકરી ટ્રેઇનિંગ પણ પાસ કરી. દોઢ વર્ષની ટ્રેઇનિંગ ખરેખર આકરી હતી. સવારે સાડાચારથી રાતે ૧૦ વાગ્યા સુધી સતત ફિઝિકલ પ્રૅક્ટિસિસ કરતા રહેવાની. ૬ મહિને એક વાર ૧૦ દિવસ માટે ઘરે આવવા મળે અને અઠવાડિયામાં એક વાર બે મિનિટ માટે ઘરે ફોન પર વાત કરવા મળે. એ સિવાય તમે ફોનનો ઉપયોગ ન કરી શકો. સોશ્યલ મીડિયાથી સંપૂર્ણ કટઑફ હો. મજાની વાત એ કે લગભગ પાંચ હજાર જેટલા લોકો આ એક્ઝામ માટે અપીઅર કરે જેમાંથી ટ્રેઇનિંગમાં લગભગ ૨૫૦ પાર્ટિસિપન્ટ્સ જ પાસ થાય. આ ૨૫૦માં આપણો ભવ્ય છે. ભવ્યની ફ્લાઇંગ ઑફિસર તરીકે નિયુક્તિ થઈ એ અમારા માટે પણ અકલ્પનીયપણે પ્રાઉડ મોમેન્ટ છે.’

જીન્સમાં છે દેશપ્રેમ

આમ તો દરેક ભારતીય માટે દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય જ છે. જોકે ભવ્યના ફૅમિલી-બૅકગ્રાઉન્ડમાં પણ આ વાત વહેતી આવી છે. પ્રકાશભાઈ કહે છે, ‘મારા દાદા અને મારા સસરા સ્વાતંત્ર્યસેનાની હતા. સુભાષ ચંદ્ર બોઝની આઝાદ હિન્દ સેનામાં જોડાવાની તેમને પારાવાર ઇચ્છા હતી. તેઓ પોતે તો એમાં જોડાઈ ન શક્યા પરંતુ કચ્છના અનેક યુવાનોને પ્રેરિત કરીને દેશહિતનાં કાર્યોમાં તેમણે જોડ્યા હતા. આ જ બાબતને પકડી રાખીને મારી બહેને વર્ષો પહેલાં NCC જૉઇન કર્યું હતું જેમાં તે રિપબ્લિક ડેની પરેડમાં પણ જોડાઈ હતી. તેને પણ ઍર ફોર્સમાં જવાની ઇચ્છા હતી પરંતુ પૂરી ન થઈ શકી. ભવ્ય કટિબદ્ધ હતો. નાનપણથી ફિઝિકલ ટ્રેઇનિંગ અને ડિસિપ્લિનની આદત તેણે પાડી હતી. અમારા ઘરમાં અમે બધા જ ભવ્ય પાસેથી સતત શીખતા રહ્યા છીએ.’

ભવ્યનાં મમ્મી હેમલતાબહેન ગૃહિણી છે. દીકરો ઍર ફોર્સમાં જોડાઈ ગયો અને ફાઇટર પ્લેન ઉડાડશે એ વાત સાથે જોખમ પણ સંકળાયેલું છે, એ વાતનો તમને ડર નથી લાગતો? આ સવાલના જવાબમાં તેઓ કહે છે, ‘ના, જરાય નહીં. જીવનું જોખમ તો દરેક ક્ષેત્રમાં છે. ભવ્ય ભણવામાં સારો હતો અને સાથે જ તેના વિચારો સ્પષ્ટ હતા. તેને જીવનમાં શું કરવું છે એ બાબતને લઈને તેની ક્લૅરિટી જોઈને અમને પહેલાંથી જ ખબર હતી કે તે કંઈક અલગ કરશે. યસ, દીકરાથી દૂર રહેવું પડે છે અને અમે તેને મિસ કરી રહ્યાં છીએ, પરંતુ અમારી લાગણી તેના પગની બેડી ન બનવી જોઈએ. આજે કેટલાય પેરન્ટ્સ પોતાના સંતાનને વિદેશ ભણવા મોકલે છે અને સંતાનો કાયમ માટે ફૉરેન સેટલ થઈ જાય છે અને તેના ગ્રોથ માટે મા-બાપ એ વિરહ સહી લેતાં હોય છે, જ્યારે અહીં તો દીકરો દેશસેવામાં મચેલો રહેવાનો છે. એ વાત ડર નહીં પણ પ્રાઉડ જ ફીલ કરાવે છે. ઇન ફૅક્ટ અમે જ નહીં પણ મારો નાનો દીકરો ધવલ જે અત્યારે તેના પપ્પાના બિઝનેસમાં જોડાયો છે એ પણ ભવ્યને પૂરો સપોર્ટ આપે છે. તે ભવ્ય વતી અમને સમજાવતો હોય છે.’

પ્લાન B તૈયાર હતો

ઍર ફોર્સમાં ભરતી થવાની પ્રોસેસ અઘરી હોય છે અને એમાં નિષ્ફળ થવાના ચાન્સિસ વધારે હોય છે એ વાત ભવ્ય જાણતો હતો. તે કેટલો પ્રૅક્ટિકલ છે એનો દાખલો આપતાં તેના પિતા પ્રકાશભાઈ કહે છે, ‘ભવ્ય સાયન્સમાં ગ્રૅજ્યુએશન કરી રહ્યો હતો ત્યારે જ તેણે ધારો કે ઍર ફોર્સમાં ન જવા મળ્યું તો શું એ વિચારી લીધું હતું. એના ભાગરૂપે જ તેણે ફિટનેસ ટ્રેઇનરની ટ્રેઇનિંગ લઈને એનું કામ શરૂ કરી દીધું હતું. પુણેની ટૉપ ગ્રેડની ફિટનેસ ફૅસિલિટીમાં તે ટ્રેઇનર તરીકે સક્રિય હતો. ઘણી સેલિબ્રિટીઝને તેણે ટ્રેઇન કર્યા છે. એ સિવાય દરેક કામ માટે તૈયાર રહેવું એ માનસિક તૈયારી માટે અને દરેક ક્ષણનો ઉપયોગ થવો જોઈએ એ માનસિકતા સાથે જીવવા માટે તેણે ખાસ મૅક્ડોનલ્ડ્સમાં જૉબ કરી. તેને ખરેખર એ જૉબની જરૂર નહોતી પરંતુ તક મળી અને એ તક સાથે તેના વ્યક્તિત્વવિકાસ માટે જરૂરી બાબતો શીખવા મળશે એવું તેને લાગ્યું એટલે તેણે એ કામ પણ સ્વીકારી લીધું. આમ તમે જોશો તો સમજાશે કે પચીસ વર્ષની ઉંમરમાં અનુભવ મેળવવાની દૃષ્ટિએ તેની જર્ની ખૂબ ઝડપી રહી અને ઓછા સમયમાં વધુ અનુભવ તેણે ગેઇન કરી લીધો હતો.’

તગડા રહો

નૅશનલ કૅડેટ કૉર્ઝની આ ટૅગલાઇન ભવ્યનો જીવનમંત્ર છે અને એ જ મંત્ર સાથે તેણે ઍર ફોર્સમાં જોડાવા સુધીની યાત્રા પાર પાડી છે.

kutchi community gujaratis of mumbai indian air force pune columnists