ભ્રષ્ટાચારમુક્ત ભારત : આ સપનું પૂરું કરવા માટે દેશવાસીઓએ શું કરવું જોઈએ?

23 May, 2022 07:30 PM IST  |  Mumbai | Manoj Joshi

સીધો જવાબ છે - તેમણે સુધરવું જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

સીધો જવાબ છે - તેમણે સુધરવું જોઈએ.
હા, જો તમે ભ્રષ્ટાચારમુક્ત ભારત ઇચ્છતા હો, આ સપનાને સાકાર કરવા માગતા હો તો એનો સીધો અને સરળ આ એક જ જવાબ છે; કારણ કે ભ્રષ્ટ બનવું એ માનવીય સ્વભાવની મર્યાદા છે કે પછી કહો કે એ માનવીય સ્વભાવની કુટેવ છે. આ કુટેવ કાઢવાનું કામ સૌથી પહેલાં તો ઘરમાંથી જ થવું જોઈએ અને પરિવારે જ એ બાબતમાં જાગ્રત થવું પડે. હું કહીશ કે એક પણ ભ્રષ્ટાચારી નેતા કે અધિકારી એવો નથી કે તેના પરિવારને, તેની વાઇફને, તેનાં સંતાનોને કે પછી તેના પેરન્ટ્સને તેના આ કુપાત્રના કાંડ ખબર ન હોય. અનીતિના રસ્તે ઘરમાં આવતો પૈસો ક્યારેય ચૂપ નથી રહેતો. ક્યાંક ને ક્યાંક એમાં પરિવારના સભ્યો સંકળાયેલા છે ને છે જ. ધારો કે તમે એ પૈસાને હાથ ન લગાડતા હો, પણ એ સંઘરવામાં તો તમે ભૂલથી પણ મદદરૂપ થઈ જ રહ્યા છો. ધારો કે તમે ખૂબ પ્રામાણિક છો અને અનીતિથી આવેલા એ પૈસાની જાહોજલાલી ન ભોગવતા હો અને તો પણ તમે ઘરમાં આવેલા આ અનીતિના પૈસા વિશે ચૂપકીદી કેળવીને પણ આ ખોટા કામમાં સાથ પુરાવી જ રહ્યા છો. અહીં વાલિયા અને તેના પરિવારનું દૃષ્ટાંત મને યાદ આવે છે.
હું કહીશ કે વાલિયાના પરિવાર કરતાં પણ આ ભ્રષ્ટ પરિવાર આ ભ્રષ્ટાચારી અધિકારીઓનો છે. ધારો કે ભ્રષ્ટ અધિકારીને કોઈ સાધુ મળી પણ જાય અને એ જ પ્રશ્ન પૂછી લે જે પ્રશ્ન વાલિયાને પૂછવામાં આવ્યો હતો તો વાલિયો સુધરી જાય, પણ એનો પરિવાર એમાં પણ સાથ નહીં આપે. બંધ કરી દો દીકરો કે પતિ કે પિતાને ઘરમાં આ ખોટો પૈસો લઈ આવતા. ના પાડી દો. આ તમારો હક છે, તમારી નીતિમત્તા આમાંથી ઝળકે છે. જો એક વખત ના પાડશો તો તે મહાપુરુષને પણ સમજાશે કે તે ખોટું કરી રહ્યો છે. પ્રશ્ન અહીંથી જ શરૂ થયો છે. બહાર તે મહાપુરુષની આંખ ખોલવાનું કામ કરવાની કોઈનામાં હિંમત નથી અને ઘરમાં, પરિવારમાં આવું કહીને સાચું બોલવાની કોઈને ઇચ્છા નથી. જો સાચું કહી દેવામાં આવે તો દીકરીના હાથમાં લૉન્ચ થનારો આઇફોન આવે નહીં, દીકરાને નવી બીએમડબ્લ્યુ કે ઑડી મળે નહીં અને વાઇફના ગળામાં રિયલ ડાયમન્ડનો હાર ટિંગાય નહીં. હાર ટિંગાડવા અને ઑડી ચલાવવા માટે જ પતિનાં ખોટાં કામોમાં મૂક સંમતિ આપી દેવામાં આવે છે. હસબન્ડ ખોટું કરે છે, ભાઈ ખોટું કરે છે, દીકરો ખોટું કરે છે એ ખબર હોવા છતાં પણ ચૂપ રહેવું એ પણ કર્મના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. ધર્મના આચરણમાં એને પણ પાપ ગણવામાં આવ્યું છે. આ પાપ ક્યાંક ને ક્યાંક તમારી કુંડળીમાં પણ ગોઠવાઈ રહ્યું છે અને કુંડળીમાં ગોઠવાઈ ગયેલા પાપનો હિસાબ તમારે જ આપવાનો હોય છે. ચિત્રગુપ્તને બે જ વાતની ખબર પડે છે - સાચું અને ખોટું. કોઈએ કરેલા ખોટા કર્મને ચિત્રગુપ્ત બૅલૅન્સ તરીકે ઊભું નહીં રાખે. તે તો તમારો હિસાબ તમારી સાથે જ સમજશે અને એની સજા તમને જ આપશે. એ સજા ન ભોગવવી હોય તો પહેલું અને અંતિમ એક જ કામ તમારે કરવાનું છે. ઘરમાં આવતો અનીતિનો પૈસો રોકી દો. પતિ સાથે ભાગીદારી સંતાનોમાં હોય, તેના પાપમાં નહીં.

columnists manoj joshi