સચ્ચાઈ, પ્રામાણિકતા અને કુશળતાથી જવાબદારીઓ સમજો તો દેશ સ્વર્ગ બને

30 January, 2022 01:31 PM IST  |  Mumbai | Swami Satchidananda

આ માણસો ઇંગ્લૅન્ડ-અમેરિકા જાય તો સમયસર પહોંચતા થઈ જાય છે, કારણ કે ત્યાં ચલાવી લેવાતું નથી.

મિડ-ડે લોગો

ગયા સોમવારે કહ્યું એમ, અત્યંત ઘોંઘાટ કરનારી અને ઘોંઘાટમાં જીવનારી પ્રજા ઐતિહાસિક પ્રજા નથી થઈ શકતી. શાંત રહેનારી, ધીમું બોલનારી અને ઓછું બોલનારી પ્રજા ઇતિહાસની સર્જક બને. ચકલાં અને કાબર જેટલો ઘોંઘાટ કરે એટલો સિંહ નથી કરતા. અઠવાડિયામાં એકાદ વાર એ ગર્જના કરે. બસ, પર્યાપ્ત છે. હૉર્નનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. માત્ર સહેજ અવાજ કરીને બંધ કરી દેવો જોઈએ. જ્યારે વાહનવ્યવહાર કોઈ અકસ્માતને કારણે અટકી ગયો હોય ત્યારે શિસ્તબદ્ધ પોતાની લાઇનમાં વાહન રાખવું. જેટલી ઉતાવળ તમને છે એટલી જ ઉતાવળ પ્રથમ વાહનચાલકને પણ છે. જગ્યા મળતાં જ તે ચાલવાનો છે. ધીરજ રાખો, આવવાનો માર્ગ ન અવરોધો. જો એવું કરશો તો વાહનવ્યવહાર વધુ જૅમ થશે. મુખ્ય માર્ગ ઉપર નાના માર્ગથી પ્રવેશવું હોય ત્યારે ઝટ દઈને પેસી ન જવાય, જગ્યા મળે ત્યારે પ્રવેશ કરાય. નિયમોને જાણવા પુસ્તિકા વાંચો, સમજો. સ્ટિયરિંગ હાથમાં આવવાથી ઉત્તમ ચાલક નથી થવાતું.
ચાલો હવે ઑફિસની કુટેવ જોઈએ. સમય કરતાં બને એમ મોડા આવવાની તથા સમય કરતાં વહેલા ચાલ્યા જવાની કુટેવ હવે રુઆબ તથા સામર્થ્યનું પ્રતીક બની ગઈ છે. ૧૧ વાગી ગયા, પણ દેખાય છે કોઈ? સૌને મોડું થવાનું કારણ હોય છે. 
આ માણસો ઇંગ્લૅન્ડ-અમેરિકા જાય તો સમયસર પહોંચતા થઈ જાય છે, કારણ કે ત્યાં ચલાવી લેવાતું નથી. ચાલો, મોડા આવ્યા તો કંઈ નહીં, પણ હવે ઝડપથી કામે વળગો અને કામ પતાવો. ના રે, હજી તો ઘરની, રાજકારણની અને કોરોનાની વાતો થશે, પછી જોયું જશે. પેલાં બહેનને જુઓ, ખુરસી પર ઊંઘી ગયાં છે અને આ સાહેબ ઝોકાં ખાઈ રહ્યા છે, તેઓ એમ સમજી બેઠા છે કે ઑફિસમાં આવીને ઊંઘી જવાની કામગીરી બજાવવાનો જ પગાર તેમને મળે છે. 
ઑફિસમાં કામ કરાવવા જનારની ઉપેક્ષા, તોછડાઈ, તિરસ્કાર, વારંવાર ધક્કા, અત્યંત વિલંબ જેવી અનેક કુટેવોથી આપણે ખદબદી રહ્યા છીએ. આનાથી આપણી શક્તિનો ક્ષય થાય છે, કાર્યોમાં અવરોધ થાય છે અને પ્રજાજીવનમાં નિરાશા તથા આક્રોશ ફેલાય છે. જો આ કુટેવોને છોડી શકાય અને પ્રત્યેક વ્યક્તિ નિર્ધારિત સમયે કામે લાગી જાય; સચ્ચાઈ, પ્રામાણિકતા અને પૂરી કુશળતાથી પોતાની જવાબદારીઓ પાર પાડે તો આ દેશ સ્વર્ગ બની જાય. આ દેશને નરક બનાવવામાં સૌથી વધુ ફાળો આ ખુરસીઓ આપી રહી છે. જો તેને કુટેવોથી મુક્ત કરી શકાય તો બાકીનું બધું આપોઆપ થઈ જશે. 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.)

columnists swami sachchidananda