કોવિડ કેર : ફરીથી મહામારીએ ઉછાળો માર્યો છે ત્યારે તમારી સલામતી તમારા હાથમાં છે

26 October, 2021 05:43 PM IST  |  Mumbai | Manoj Joshi

કોવિડની વાત ચાલે છે ત્યારે જ કોવિડ દ્વારા ફેલાયેલા પેન્ડેમિકના સમાચાર પણ આવવાના શરૂ થઈ ગયા છે. ચાઇનાએ તેના એક શહેરમાં લૉકડાઉન કરી દીધું તો રશિયા પણ પોતાના અમુક વિસ્તારોને લૉકડાઉનમાં લઈ જવાનું વિચારે છે. બ્રિટનમાં પણ એકાએક કેસમાં ઉછાળો આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

કોવિડની વાત ચાલે છે ત્યારે જ કોવિડ દ્વારા ફેલાયેલા પેન્ડેમિકના સમાચાર પણ આવવાના શરૂ થઈ ગયા છે. ચાઇનાએ તેના એક શહેરમાં લૉકડાઉન કરી દીધું તો રશિયા પણ પોતાના અમુક વિસ્તારોને લૉકડાઉનમાં લઈ જવાનું વિચારે છે. બ્રિટનમાં પણ એકાએક કેસમાં ઉછાળો આવ્યો છે. જોકે બ્રિટિશ ગવર્નમેન્ટ હજી લૉકડાઉન વિશે વિચારતી નથી અને અમેરિકામાં પણ કેસ વધવાના શરૂ થયા છે. કબૂલ, આપણે વૅક્સિનની બાબતમાં ૧૦૦ કરોડનો આંકડો ક્રૉસ કરી ગયા છીએ, પણ તમારી જાણ ખાતર, જે દેશમાં કોવિડના નવા કેસ આવવાના શરૂ થયા છે એ દેશોમાં પણ વૅક્સિનની સાઇકલ પૂરી થઈ ગઈ હતી અને એ પછી પણ ત્યાં કોવિડના નવા કેસ જોવા મળ્યા છે.

ચાઇના તો વૅક્સિનેશનમાં સૌથી આગળ હતું અને દુનિયાભરમાં સૌથી સુરક્ષિત થનારો પહેલો દેશ હતો અને એ પછી પણ ચાઇનામાં નવેસરથી કોવિડ દેખાયો છે, જે આપણને સૌને જાગ્રત કરવાનું કામ કરે છે. તમને યાદ હશે કે બ્રિટન સાથે તો આપણે વૅક્સિન માટે લડી પણ ચૂક્યા છીએ, બ્રિટને એવો દાવો કર્યો હતો કે એની વૅક્સિન ઇન્ડિયન વૅક્સિન કરતાં વધારે બહેતર છે. એ બહેતર વૅક્સિન લીધેલા બ્રિટનવાસીઓને અત્યારે કોવિડ થઈ રહ્યો છે અને એ ખરેખર ચિંતાનો વિષય છે.

આજે આપણે કોવિડની વાત એટલા માટે કરવાની છે કે આપણે જરા વધારેપડતા કૉન્ફિડન્ટ થઈને ફરીએ છીએ. તમે જુઓ બહાર. માત્ર મુંબઈ નહીં, તમે ક્યાંય પણ નજર નાખી લો. જો તમે ક્યાંય જોવા ન જઈ શકતા હો તો ટીવી પર જોઈ લો, પણ એક વાર જુઓ. તમને દેખાશે કે કોઈને હવે બીક જ નથી રહી કોવિડની. સાઇકોલૉજિકલી સારી વાત છે આ, પણ સોશ્યલી બહુ ખરાબ સાઇન છે આ. જેની બીક હોવી જોઈએ એની બીક રહેવી જોઈએ અને એ આવશ્યક પણ છે.

કોવિડ જે રીતે બ્રિટન, રશિયા અને ચાઇનામાં દેખાવો શરૂ થયો છે એ પુરવાર કરે છે કે ફરીથી એ આવી શકે છે. કબૂલ કે આપણે વૅક્સિનથી હવે સજ્જ છીએ. કબૂલ કે આપણે અત્યારે હર્ડ ઇમ્યુનિટીથી પણ સુસજ્જ છીએ, પણ એવું જરાય નહોતું કે જે કહ્યા એ દેશો સજ્જ નહોતા. સજ્જ હતા જ અને એ પછી પણ ત્યાં કોવિડ જાગ્યો છે. કોવિડ આપણે જગાડવો નથી. આપણી પાસે એ ક્ષમતા પણ નથી. કોવિડની ખરાબ અસર હવે સહન થઈ શકે એમ છે પણ નહીં. વ્યક્તિગત પણ હવે ક્ષમતા નથી અને સામાજિક દૃષ્ટિકોણથી પણ હવે એ સહન કરવાની ક્ષમતા રહી નથી. કોવિડને નાથવો પડશે અને આપણે એને માટે જાગ્રત થવું પડશે. જો જાગૃતિ હશે તો જ હવે એને અટકાવવાનું શક્ય બનશે. કોવિડ થકી હવે આપણે દુખી થવાનું આવતું નથી. કહ્યું એમ, દુખી થવાની હવે ક્ષમતા પણ રહી નથી. દેશની ઇકૉનૉમી પણ આ માર સહન કરવાની ક્ષમતા ધરાવતી નથી અને દેશનો એકેએક વેપારી પણ એ પીડાનો ફરી અનુભવ કરવા રાજી નથી ત્યારે જરાસરખી બેદરકારી જો આપણા દેશમાં કોવિડને જગાડવાનું કામ કરી જવાની હોય તો સાહેબ, ફટ છે આપણી સમજદારીને.

manoj joshi columnists