લાઇફમાં શૉર્ટકટ શોધવા કરતાં સિસ્ટમ બનાવો

19 March, 2026 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્ક અને લાઇફ વચ્ચે બાઉન્ડરી હોવી બહુ જરૂરી છે. જો આયોજન બરાબર હોય તો ક્યાંય કૉમ્પ્રોમાઇઝ કરવાની જરૂર પડતી નથી.

થાણેમાં રહેતી હિના જેઠવા ૯ વર્ષથી કેમિકલ એન્જિનિયરિંગના ફીલ્ડમાં સિનિયર પ્રોસેસ એન્જિનિયર તરીકે કામ કરે છે.

જો તમારું પ્લાનિંગ અને એક્ઝિક્યુશન પાવરફુલ હશે તો તમારે કરીઅર કે ફૅમિલી આ બેમાંથી એક પણ જગ્યાએ સમાધાન કરવાની જરૂર નહીં પડે અને આ જ મારી લાઇફની ફિલોસૉફી છે. એક કેમિકલ એન્જિનિયર તરીકે છેલ્લાં ૯ વર્ષથી પ્રોસેસ પ્લાન્ટ્સ અને ટેક્નિકલ પડકારો વચ્ચે કામ કરતાં મેં એ અનુભવ્યું છે કે જો તમારામાં હિંમત હોય તો તમે તમારી શરતો પર સફળતા મેળવી શકો છો.

ઘણી વાર આપણને શીખવવામાં આવે છે કે કરીઅર માટે પર્સનલ લાઇફ જતી કરવી પડે અથવા ફૅમિલી માટે સપનાં છોડવાં પડે, પણ મારો અનુભવ અલગ છે. હું માનું છું કે દરેક વ્યક્તિ પાસે પોતાનાં ડ્રીમ્સ પૂરાં કરવાનો પાવર હોય છે, બસ જરૂર છે તો માત્ર સેલ્ફ-કૉન્ફિડન્સ અને પૉઝિટિવ અપ્રોચની. વર્કપ્લેસ પર ગમેતેટલું પ્રેશર હોય કે લૉન્ગ વર્કિંગ અવર્સ હોય, મેં હંમેશાં મારી મેન્ટલ પીસ અને ફૅમિલીને પ્રાયોરિટી આપી છે. મારા મતે સાચી સક્સેસ એ નથી કે તમે કેટલા કમાયા, પણ એ છે કે તમે કેટલા ખુશ અને હેલ્ધી છો.

વર્ક અને લાઇફ વચ્ચે બાઉન્ડરી હોવી બહુ જરૂરી છે. જો આયોજન બરાબર હોય તો ક્યાંય કૉમ્પ્રોમાઇઝ કરવાની જરૂર પડતી નથી. ઑફિસનું કામ ડેસ્ક પર મૂકીને જ્યારે હું ઘરે જાઉં છું ત્યારે હું માત્ર એક પત્ની અને મા હોઉં છું. આ સ્પષ્ટ રેખા જ માનસિક શાંતિ આપે છે. બાળકને માત્ર સુખ-સુવિધાઓ આપવી પૂરતી નથી, તેને તમારા સંસ્કાર અને સમય આપવા વધુ જરૂરી છે. જ્યારે બાળક પોતાની માતાને સપનાં સાકાર કરતી અને મહેનત કરતી જુએ છે ત્યારે તે પોતે પણ લાઇફનાં બેસ્ટ લેસન્સ શીખે છે. ફૅમિલી સપોર્ટ અને પ્રૉપર ટાઇમટેબલને કારણે મમ્મી તરીકેની જવાબદારી અને પ્રોફેશનલ ટાર્ગેટ્સ વચ્ચે સુંદર સંતુલન જાળવવું શક્ય છે.

આ બધી દોડધામ વચ્ચે હું એક વાત ક્યારેય નથી ભૂલતી અને એ છે મારો પોતાનો સમય. ઘણી વાર સ્ત્રીઓ ફૅમિલી અને કરીઅર પાછળ એટલી પાગલ હોય છે કે પોતાનું અસ્તિત્વ ક્યાંક ખોઈ બેસે છે. પણ મેં અનુભવ્યું છે કે જો હું અંદરથી ખુશ અને સંતુષ્ટ હોઈશ તો જ હું મારા પરિવાર અને કામને ન્યાય આપી શકીશ. એટલે જ ગમેતેટલું બિઝી શેડ્યુલ હોય, હું મારા શોખ, મારા રીડિંગ અને હેલ્થ માટે સમય કાઢું જ છું. જ્યારે તમે તમારી જાતને પ્રેમ કરો છો ત્યારે જ તમે બીજાને પ્રેમ અને પૉઝિટિવિટી આપી શકો છો.

એન્જિનિયરિંગ જેવા ટફ ફીલ્ડમાં રહીને ઘર સંભાળવું અઘરું છે, પણ મને લાગે છે કે બધો ખેલ તમારા માઇન્ડસેટનો છે. મેં ક્યારેય સામાજિક રૂઢિઓને મારાં સપનાં વચ્ચે આવવા નથી દીધી. હા, આ સફરમાં મારા પરિવારનો સપોર્ટ બૅકબોન જેવો રહ્યો છે, પણ એ સપોર્ટ મેળવવા માટે પણ તમારે તમારી પ્રાયોરિટીઝ ક્લિયર રાખવી પડે છે. અંતે તો સ્ત્રી હોવું એ કોઈ મર્યાદા નથી, પણ એક સુપરપાવર છે જેનાથી તમે મલ્ટિપલ રોલ્સ એકસાથે પર્ફેક્શન સાથે નિભાવી શકો છો.

columnists exclusive gujarati mid day