છેલ્લાં અઢી વર્ષમાં એક પણ વાર બીમાર નથી પડી એનો જશ યોગને જાય છે

24 May, 2022 06:44 PM IST  |  Mumbai | Rashmin Shah

‘ઉતરન’, ‘કોઈ આને કો હૈ’, ‘કર્મફલ દાતા શનિ’, ‘ડાયન’ જેવી હિન્દી સિરિયલો, બંગાળી સિરિયલો, ફિલ્મો, રિયલિટી શોઝ અને વેબ-સિરીઝમાં કામ કરી ચૂકેલી ટીના દત્તા માટે ફિટનેસની બાબતમાં લૉકડાઉન લાઇફ-ચેન્જિંગ પુરવાર થયું અને એટલે જ તે આ વાત બહુ પ્રાઉડલી કહે છે

છેલ્લાં અઢી વર્ષમાં એક પણ વાર બીમાર નથી પડી એનો જશ યોગને જાય છે

હેલ્ધી હોવાનું ઇમ્પોટર્ન્સ તમને ત્યારે જ સમજાય જ્યારે તમે બીમાર પડો. એવો અનુભવ એક વાર નહીં પણ અનેક વાર મને થઈ ચૂક્યો છે. બહુ નાની ઉંમરથી કામ કરું છું એટલે ફિટ દેખાવું અને ફિટ હોવું એ બન્ને મારા માટે જરૂરી હોય એ સ્વાભાવિક છે, પરંતુ એ પછી પણ હું કહીશ કે મહિનામાં એકાદ વાર બીમાર પડવું, તાવ આવવો કે પછી હેડેક રહેવું એ મારા માટે સામાન્ય બાબત હતી. જે ઇન્ડસ્ટ્રીમાં હું છું ત્યાં તમારા કામના કલાકો ખરેખર બહુ ચૅલેન્જિંગ હોય છે. તમે સતત જો કામ પર જ હો અને અમુક ઉંમર પણ એવી હોય જ્યાં ઓછામાં ઓછા સમયમાં તમારે ઘણું અચીવ કરવું છે એ ઉત્સાહ જબરદસ્ત હોય. ઍક્ટ્રેસ હોવાના નાતે લુક પર સતત ધ્યાન આપતા રહેવું પડે, કારણ કે તમારા સ્ક્રીન અપીરન્સથી જ ઑડિયન્સ સાથે તમે કનેક્ટેડ હો છો. 
એવો એક સમય હતો જ્યારે સારા દેખાવું એ જ મારી ફિટનેસની વ્યાખ્યા હતી. અલબત્ત, એ પછી ધીમે-ધીમે સમજાવા માંડ્યું કે ના, માત્ર લુક નહીં; તમારી ઓવરઑલ પર્સનાલિટી, તમારી હેલ્થ, તમારી મેન્ટલ સ્ટેટ પણ બહુ જ મહત્ત્વનાં છે અને એના આધારે જ સક્સેસ ડિઝાઇન થતી હોય છે.
યોગથી આવ્યું ટ્રાન્સફૉર્મેશન | વર્ષો પહેલાં થોડો સમય માટે હું જિમમાં વર્કઆઉટ કરી ચૂકી છું પણ અત્યારે તો મારી લાઇફને ૩૬૦ ડિગ્રી પર બદલવાનું શ્રેય હું યોગને આપીશ. અત્યારે સોમથી શુક્ર હું રોજ સવારે સ્વિમિંગ કરું છું. બાકીના ત્રણ દિવસ પિલાટેઝ કરું અને સાતેસાત દિવસ હું યોગ કરું. એના ટાઇમિંગ નક્કી પણ કેટલો સમય હું કરું એ મારા મૂડ પર હોય અને એમ છતાં પણ હું મિનિમમ પિસ્તાલીસ મિનિટ તો યોગને આપું જ આપું. 
હું કહીશ કે જેને ટ્રાવેલિંગ રહેતું હોય એના માટે યોગ વધારે ઉપયોગી છે; કારણ કે બીજી સિટીમાં સેલ્ફ-ડિપેન્ડન્ટ થઈને તમે શરીરને સરસ રીતે કસી શકો, મનને પણ કસી શકો અને સાથે-સાથે કામ કરી શકો એવું કંઈક શ્રેષ્ઠ આ દુનિયામાં હોય તો મારી દૃષ્ટિએ યોગ અને માત્ર યોગ છે. કોવિડના સમયમાં આ વાત મને બરાબર સમજાઈ. કોવિડ પહેલાં હું ફ્રીક્વન્ટ્લી બીમાર પડતી. મહિનામાં એકાદબે વાર તાવ આવે જ આવે. લૉકડાઉન આવ્યું એ વખતે પણ એકાદ વાર હેલ્થ બગડી હતી. એ પછી મારા એક ફ્રેન્ડ પાસે યોગની ટ્રેઇનિંગ શરૂ કરી. તેની પોતાની યોગશાળા છે. 
તમે માનશો નહીં કે જ્યારથી યોગ કરવાનું શરૂ કર્યું ત્યારથી મારી બીમાર પડવાની ફ્રીક્વન્સી ઑલમોસ્ટ બંધ થઈ ગઈ. છેલ્લાં ત્રણ વર્ષમાં મને તાવ આવ્યો હોય એવું બન્યું નથી, જે જનરલી દર મહિનાનો કાર્યક્રમ હતો. અઢી વર્ષમાં અમુક ડસ્ટ ઍલર્જીને કારણે એક વાર શરદી-ખાંસી થયેલી, એ પણ બે-ત્રણ દિવસમાં મટી ગયેલી. યોગ મારા માટે એ રીતે જીવનમંત્ર બની ગયો છે. શારીરિક અને માનસિક સ્તર પર જબરદસ્ત ટ્રાન્સફૉર્મેશન યોગને કારણે મારામાં આવ્યું છે.
ખાવાની છું જબરી શોખીન | બંગાળી છું અને ટ્રેડિશનલ બંગાળી ખાવાનું બહુ જ ગમે. જોકે કોઈ પણ પ્રકારનું સ્વાદિષ્ટ ખાવાનું આપો, હું આર્ગ્યુમેન્ટ કર્યા વિના ખાઈ લઈશ. મને લાગે છે કે હું ખાવા માટે જન્મી છું. ફૂડ મારી વીકનેસ છે. સવારે એક કૉફી, જૂસ, વેજિટેબલ સૅન્ડવિચથી મારો બ્રેકફાસ્ટ થાય. મમ્મી હોય તો મને બહુ જ હેલ્ધી બંગાળી ખાવાનું મળી જાય. ડિનર થોડુંક લાઇટ હોય છે મારું. 
ભૂખ લાગે ત્યારે નટ્સ ખાવાના, ફ્રૂટ્સ નિયમિત ખાવાનાં, વિટામિન-સીનું પ્રમાણ વધારે હોય એવાં ફ્રૂટ્સનાં જૂસ, ઘરનું ખાવાનું અને સમયસર ખાવાનું.
ડાયટમાં આ પાંચ બાબતો હું ફૉલો કરું છું. સાંજે સાડાસાતથી આઠ વચ્ચે મારું ડિનર પતી જાય. એ પછી તો મારી ભૂખ જ મરી જાય છે. બહુ જ ગર્વથી કહીશ કે હું ફૂડી છું અને પછી પણ હેલ્ધી ડાયટને ફૉલો કરું છું. ફૂડી હોવું એટલે અનહેલ્ધી ખાવું એવું જરાય નથી. ટેસ્ટી ફૂડ હેલ્ધી હોઈ શકે એ વાત હું મારાં મમ્મી પાસેથી શીખી છું અને એટલે જ ઘરનું ખાઉં છું. હા, મહિનામાં એકાદ વાર પૂરી-ભાજી જેવું કંઈક પ્રમાણમાં વધારે ઑઇલી ફૂડ ખાઈ લઉં છું.

columnists