નૃત્ય મારો શ્વાસ

18 May, 2022 12:17 PM IST  |  Mumbai | Varsha Chitaliya

અર્ધનારીશ્વર જેવી પાવરફુલ થીમને નૃત્યના માધ્યમથી ઑડિયન્સ સુધી પહોંચાડવા પોતાનું સમસ્ત જીવન સમર્પિત કરનારાં જુહુનાં ઓડિસી નૃત્યાંગના દક્ષા મશરૂવાલાનું કહેવું છે કે હવા-પાણી અને આહારની જેમ નૃત્ય પણ તેમના માટે સહજ છે

ઓડિસી નૃત્યાંગના દક્ષા મશરૂવાલા

ભગવાન જગન્નાથજીની મધુરાભક્તિ ભાવપ્રધાન નૃત્યશૈલી ઉપરાંત પૌરાણિક કથાઓ, મા દુર્ગા, શક્તિ તેમ જ અર્ધનારીશ્વર જેવી પાવરફુલ થીમને નૃત્યના માધ્યમથી ઑડિયન્સ સુધી પહોંચાડવા પોતાનું સમસ્ત જીવન સમર્પિત કરનારાં જુહુનાં ઓડિસી નૃત્યાંગના દક્ષા મશરૂવાલાનું કહેવું છે કે હવા-પાણી અને આહારની જેમ નૃત્ય પણ તેમના માટે સહજ છે

પારિજાતનાં પુષ્પો રાત્રે ખીલે છે અને સૂરજ ઊગતાંની સાથે ખરી જાય છે. ધરતી પર વેરાયેલાં આ સુંદર અને સુગંધિત પુષ્પો ભગવાનના ચરણે અર્પણ કરવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર સત્યભામાના આંગણામાં ઊગેલાં પારિજાતના વૃક્ષનાં પુષ્પો દેવી રુક્મિણીના આંગણામાં પડતાં તેઓ એની સુગંધથી મોહિત થઈ ગયાં. ત્યાર બાદ પારિજાતનું વૃક્ષ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા દેવી રુક્મિણીને આપવામાં આવ્યું હતું. આ વાત જાણીને સત્યભામા ક્રોધિત થઈ ગયાં અને શ્રીકૃષ્ણ પાસેથી વૃક્ષ પાછું લેવાનો આગ્રહ શરૂ કર્યો. 
થોડા દિવસ અગાઉ આયોજિત કાર્યક્રમમાં પારિજાત સાથે સંકળાયેલી આ કથાને નૃત્યના માધ્યમથી પ્રસ્તુત કરનારાં જુહુનાં ૬૮ વર્ષનાં ઓડિસી નૃત્યાંગના દક્ષા મશરૂવાલા સાથે આજે મુલાકાત કરીએ. 
પૅટલ્સ સ્ટોરીઝ
કાર્યક્રમ વિશે માહિતી આપતાં દક્ષાબહેન કહે છે, ‘પૅટલ્સ સ્ટોરીઝમાં અમે બે આર્ટિસ્ટોએ કૉલેબરેટ કર્યું હતું. મારી સાથે ભરતનાટ્યમ અને રબિન્દર નૃત્ય આર્ટિસ્ટ અનુશ્રી બૅનરજી હતાં. નૃત્યનાટિકામાં પાંચ ફૂલોની રસપ્રદ કથા છે. પારિજાત એકમાત્ર એવું ફૂલ છે જેને ધરતી પરથી ઉપાડીને પ્રભુના ચરણમાં અર્પણ કરી શકાય છે. આ ફૂલ પ્રેમ અને સમર્પણનું પ્રતીક છે. કહાણીમાં રુક્મિણી અને સત્યભામા વચ્ચે પારિજાતના વૃક્ષના કારણે થયેલા મનભેદનું વર્ણન છે. ચંપાનું ફૂલ માતા અને બાળક વચ્ચેના પ્રેમાળ સંબંધને પ્રસ્તુત કરે છે. આ વાર્તા કવિ રવીન્દ્રનાથ ટાગોરની કવિતાથી પ્રેરિત છે. ડેઇઝી ફ્લાવર દ્વારા ખલીલ જિબ્રાનની મહત્ત્વાકાંક્ષાઓની રજૂઆત કરી છે. જાસૂદના ફૂલના માધ્યમથી મા કાલીની કથા પ્રસ્તુત કરવામાં આવી. છેલ્લે કમળના ફૂલ થકી ઇમોશન્સ અને પેઇનની પ્રસ્તુતિ છે. ભૂતકાળમાં અન્ય પ્રોડક્શનમાં વર્લ્ડ માઇથોલૉજી આધારિત નૃત્યના કાર્યક્રમો પણ કર્યા છે. આપણી રહેણીકરણી અને આહાર પદ્ધતિમાં સમયની સાથે પરિવર્તન આવ્યું એમ કળાના ક્ષેત્રમાં પણ બદલાવ આવ્યો છે. કલ્ચરલ ઇન્ટરૅક્શન વધારવા નૃત્યમાં નવાં ક્રીએશન લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એમાં આર્ટિસ્ટ અને ઑડિયન્સ બન્નેને મજા આવે છે.’
ઓડિશાની નૃત્યશૈલી  
પરંપરાગત ભારતીય નૃત્યનાં મૂળ નાટ્યશાસ્ત્રમાં છે. શાસ્ત્રીય નૃત્ય ભારતનાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ પર આધારિત છે. પરંપરા અને નૃત્ય એકબીજાના પર્યાય છે એવી વાત કરતાં તેઓ કહે છે, ‘ઓડિસી નૃત્યશૈલી ઓડિશાની છે. ભગવાન જગન્નાથજીના મંદિરમાંથી જ એની ઉત્પત્તિ થઈ છે. નૃત્યના માધ્યમથી મધુરાભક્તિ ભાવપ્રધાન પ્રગટ કરવામાં આવે છે. ઓડિસી સૉફ્ટ અને ગ્રેસફુલ સ્ટાઇલ છે. ભક્તિરસની સાથે તાંડવ નૃત્ય પણ હોય છે. મા દુર્ગા, શક્તિ અથવા અર્ધનારીશ્વર જેવી પાવરફુલ થીમ આધારિત નૃત્યને ગ્રેસફુલ બનાવવા કન્ટ્રોલ્ડ એનર્જીની જરૂર પડે છે. કલ્ચર અને ભાષા આધારિત શાસ્ત્રીય નૃત્યમાં હાવભાવ અને અભિનયનું અદકેરું મહત્ત્વ છે. ગુરુ-શિષ્ય પરંપરામાં તાલીમ દરમિયાન મહિનાઓ સુધી ગુરુજીના ઘરમાં રહેવાનું થતું. વર્ષોથી મુંબઈમાં રહીને આપણને મરાઠી આવડી ગઈ છે એવી જ રીતે ઓડિશામાં લાંબો સમય વિતાવ્યો હોવાથી ઓરિયા ભાષા સમજી શકું છું.’
ટર્નિંગ પૉઇન્ટ
તેમનું બાળપણ ગુજરાતના અમદાવાદમાં વીત્યું છે. એ જમાનામાં દીકરી નૃત્ય કરે એવો વિચાર કોઈ પેરન્ટ્સ કરતા નહીં, પરંતુ તેમની ફૅમિલી બ્રૉડ માઇન્ડેડ હોવાથી દક્ષાબહેનને ભરતનાટ્યમ શીખવા મોકલ્યાં. આ સંદર્ભે વાત કરતાં તેઓ કહે છે, ‘નાનપણથી નૃત્ય અને શાસ્ત્રીય સંગીત માટે અતિશય લગાવ હતો. ભરતનાટ્યમની પ્રારંભિક તાલીમ ગુજરાતની પ્રતિષ્ઠિત દર્પણ ડાન્સ ઍકૅડમીમાં મૃણાલિની સારાભાઈના માર્ગદર્શનમાં લીધી. લગ્ન બાદ મુંબઈ આવવાનું થયું. એ વખતે મારા હસબન્ડનું કામકાજ આમ્બિવલી (ટિટવાલા બાજુ) હતું. આ વિસ્તારમાં કોઈ ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ ન હોવાથી શૉર્ટ બ્રેક લેવો પડ્યો. ત્યાર બાદ અમે જુહુ આવી ગયા. એંસીના દાયકાના અંતમાં નાલંદાની મુલાકાત લીધા બાદ મારા નૃત્યના ભંડારને વધુ સમૃદ્ધ બનાવવાની સાથે ભારતીય શાસ્ત્રીય નૃત્યના બહુવિધ સ્તરોને ઊંડાણથી શીખવાની ઇચ્છા થઈ. દર્પણ અને નાલંદામાં ભરતનાટ્યમની તાલીમમાં તફાવત હોવાથી ઓડિસી નૃત્યમાં રુચિ વધી. આ ટર્નિંગ પૉઇન્ટ હતો. માતા-પિતાની જેમ સાસરીમાં પણ ખૂબ સપોર્ટ મળ્યો. અહીં બધા ગાંધીવાદી વિચારધારાને અનુસરે છે. સામાન્ય જીવન જીવવાનું અને તમારા વિચારો ઊંચા રાખવાના.’
કોરિયોગ્રાફીમાં ફોકસ
 આર્ટ એવું ફીલ્ડ છે જે તમારા જીવન સાથે વણાઈ જાય પછી ઑક્સિજનનું કામ કરે. હવાપાણી અને આહારની જેમ નૃત્ય પણ સ્વાભાવિક પ્રક્રિયા બની જાય એવી વાત કરતાં તેઓ કહે છે, ‘નૃત્ય મારા જીવનનો હિસ્સો છે. સવારે ઊઠીને આપણે દૈનિક કાર્યમાં જોતરાઈ જઈએ છીએ એવી જ રીતે નૃત્ય સહજ રીતે મારા જીવન સાથે જોડાઈ ગયું છે. આટલાં વર્ષોથી પર્ફોર્મન્સ તો આપું જ છું, હવે કોરિયોગ્રાફીમાં ફોકસ વધાર્યું છે. મારી પોતાની સંસ્થા કૈશિકીમાં આવતા વિદ્યાર્થીઓને તાલીમ આપવાની સાથે નાલંદાના સ્ટુડન્ટ્સને પણ શીખવું છું. ટીચિંગ, પર્ફોર્મિંગ ઍન્ડ કોરિયોગ્રાફી એમ વિવિધ રોલમાં આનંદ આવે છે.’
સંગીત અને ટ્રાવેલિંગ તેમનું પૅશન છે. જુદા-જુદા સ્થળ અને ત્યાંના કલ્ચર વિશે જાણવામાં દક્ષાબહેનને રસ બહુ પડે. દેશ-વિદેશમાં તેઓ ખૂબ ફર્યાં છે. ફિટનેસ માટે એક્સરસાઇઝ અને યોગ પણ કરે છે.

આ ત્રણ વસ્તુ ન પૂછવી

આ ઉંમરે તમારી ઊર્જાનું રહસ્ય શું છે? આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે થોડી નારાજગી વ્યક્ત કરતાં તેઓ બોલ્યાં, ‘આર્ટિસ્ટની એજ પર ભાર આપવો યોગ્ય નથી. ડાન્સરને તેની એજ, જેન્ડર અને રિલિજન ક્યારેય ન પૂછવાં જોઈએ. નૃત્યને આ બાબતો સાથે કોઈ લેવાદેવા નથી. યુવાનો સરસ ડાન્સ કરી શકે એ માન્યતા પણ ખોટી છે. વાસ્તવમાં ઉંમર અને અનુભવ વધે એમ નૃત્ય, ભાવ, અભિનય અને અંગોમાં એવી વસ્તુ આવે જેને તમે યંગ એજમાં પ્રદર્શિત નથી કરી શકતા.’

તાલીમ અને અવૉર્ડ્સ
દક્ષા મશરૂવાલા ઉસ્તાદ પદ્મવિભૂષણ સ્વર્ગીય ગુરુ કેલુચરણ મહાપાત્રાનાં શિષ્યા છે. આ સમૃદ્ધ કલાની બારીકાઈ શીખવા માટે અને પરંપરાઓને આગળ ધપાવવા માટે પોતાની જાતને સમર્પિત કરી છે. છેલ્લા બે દાયકાથી નૃત્ય પ્રદર્શન અને વર્કશૉપ દ્વારા ભારતમાં અને વિદેશમાં પ્રેક્ષકોને રાજી કર્યા છે. વિવિધ ઉત્સવોમાં તેમના પર્ફોર્મન્સની નોંધ લઈ ધ સેન્ટર ઑફ વર્લ્ડ મ્યુઝિક, સૅન ડિએગો અને કૅનેડિયન મ્યુઝિયમ ઑફ સિવિલાઇઝેશન, ઓટાવા દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યાં છે. બે દાયકાથી તેઓ પર્ફોર્મર, ટીચર અને કોરિયોગ્રાફરની ભૂમિકા અદા કરી રહ્યાં છે. દક્ષાબહેનના ડાન્સ ઇન્સ્ટિ​ટ્યૂટ કૈશિકીમાં પ્રતિભાશાળી યુવા ડાન્સરોને તાલીમ આપવામાં આવે છે.

columnists Varsha Chitaliya