14 September, 2026 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજન ધરોડ
યુવા ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં BComથી લઈને BE જેવી ઉચ્ચ ડિગ્રી હોવા છતાં શિક્ષણના પ્રમાણમાં યોગ્ય નોકરી ન મળવાના અથવા લાયકાત મુજબનું કામ ન મળવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. તાજેતરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે થયેલી ચર્ચા દરમ્યાન જાણવા મળ્યું કે આજની યુવા પેઢીમાં કન્વેન્શનલ (પરંપરાગત) ડિગ્રી મેળવવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. BE, BAF, BMS, MBA તરફ વિદ્યાર્થીઓનો ઝુકાવ દર વર્ષે વધતો જોવા મળે છે. જોકે આ ડિગ્રીઓ મેળવ્યા બાદ પણ ઘણા યુવાનો વર્તમાન ઉદ્યોગોની જરૂરિયાત મુજબની સ્કિલ ધરાવતા નથી. આ સ્કિલ-ગૅપને કારણે તેઓ ઇચ્છિત નોકરી મેળવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. કૌશલ્ય એટલે માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં, કામ કરવાની એવી ક્ષમતા જેના દ્વારા જ્ઞાનનો પ્રૅક્ટિકલ રીતે ઉપયોગ કરીને ઉદ્યોગોમાં યોગ્ય સેવા આપી શકાય. સામાન્ય અને પરંપરાગત અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને આ પ્રાયોગિક જ્ઞાન આપવામાં ક્યાંક પાછા પડે છે. જે. પી. મૉર્ગન ચેઝના અહેવાલ મુજબ ભારત લગભગ ૩૯ કરોડ યુવાનોની વસ્તી સાથે વિશ્વમાં સૌથી મોટી કાર્યશીલ વસ્તી ધરાવે છે, પરંતુ ચિંતાની વાત એ છે કે આમાંથી આશરે પાંચ કરોડ જેટલા યુવાનો સ્કિલ્ડ ન હોવાને કારણે યોગ્ય નોકરીથી વંચિત રહે એવી સંભાવના છે.
ભારત સરકારે આ સ્કિલ-ગૅપને સમયસર પારખી લીધો છે અને નવી શિક્ષણનીતિમાં કૌશલ્ય-આધારિત અભ્યાસક્રમોને વિશેષ મહત્ત્વ આપવાનું નક્કી કર્યું છે જે સરહાનીય પગલું છે. આ નીતિ અંતર્ગત વર્તમાન ઉદ્યોગજગતને ભાગીદાર બનાવીને નવા પ્રાયોગિક અભ્યાસક્રમો શરૂ કરવાની યોજના અપનાવવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે ભારત સરકારની આ નવી શિક્ષણનીતિને અનુસરીને કાલિનાસ્થિત મુંબઈ યુનિવર્સિટી કૅમ્પસમાં આવેલી ગરવારે ઇન્સ્ટિટ્યૂટ ઑફ કરીઅર ડેવલપમેન્ટમાં ડિપ્લોમા અભ્યાસક્રમોમાં મોટા ફેરફાર કર્યા છે. ત્યાં હવે ત્રણથી ૪ વર્ષના ડિગ્રી અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ૬ મહિનાની ફરજિયાત ઇન્ટર્નશિપ અને ટ્રેઇનિંગનો સમાવેશ થાય છે. એવી જ રીતે વિદ્યાર્થીઓની ક્ષમતા વધારવા માટે આશરે ૧૨૦૦ કરોડ રૂપિયાના ફન્ડિંગ સાથે મહારાષ્ટ્ર સરકારે નવી મુંબઈ ખાતે રતન તાતા સ્કિલ સેટ યુનિવર્સિટીની શરૂઆત કરી છે. આ બન્ને યુનિવર્સિટીના રોજગારલક્ષી અભ્યાસક્રમો યુવાનોને આર્થિક રીતે પગભર થવામાં અને યોગ્ય નોકરી મેળવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ રહ્યા છે. સંસ્થાના કાર્યક્રમોમાં ‘યુવા પેઢીને વર્તમાન સમયમાં આર્થિક રીતે સધ્ધર થવા માટે શું વધુ જરૂરી છે, ડિગ્રી કે સ્કિલ?’ આ વિષય પર ચર્ચા થાય છે જેથી વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીનો નિર્ણય લેતી વખતે શાંતિથી અને ગંભીરતાથી વિચારીને આગળ વધી શકે. સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓએ પણ આગળ આવીને સ્કિલ-બેઝ્ડ અભ્યાસક્રમો વિશે સમાજમાં વ્યાપક જાગૃતતા ફેલાવવી અનિવાર્ય બની ગઈ છે, કારણ કે પ્રાયોગિક કૌશલ્ય જ અસલી સફળતા અપાવે છે.
-રાજન ધરોડ