ગાડા નીચેના શ્વાન બનીને બહુ જીવ્યા, હવે પરિવારના સભ્ય બનીને જીવન જીવો

19 April, 2024 07:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફૅમિલી જ પહેલાં હોય, કારણ કે ICUની બહાર બેસી ભગવાનને પ્રાર્થના એ જ કરવાની છે.

ધર્મેશ વ્યાસની તસવીર

સૉરી મલ્હાર.

મલ્હાર, મારો દીકરો. મલ્હારને સૉરી કહેવાનું કારણ પણ કહી દઉં. બુધવારે મલ્હારનો બર્થ-ડે હતો અને હું પહેલી વાર મલ્હારનો બર્થ-ડે ભૂલી ગયો! પહેલી વાર. મલ્હાર કંઈ બાળક નથી, મલ્ટિનૅશનલ કંપનીમાં જૉબ કરે છે અને મહિનાના દસ દિવસ ફૉરેન ઉડાઉડ કરતો હોય છે પણ મારા માટે તો તે હજી પણ નાનો ગટુડો જ છે. શરૂઆતનાં વર્ષોમાં એવું હતું કે મલ્હાર સાથે મહિના પહેલાં તેના બર્થ-ડેનું પ્લાનિંગ કરવામાં હું અને મારી વાઇફ સુરભિ લાગી જતાં. પછી તે મોટો થવા માંડ્યો એટલે વીક પહેલાં પ્લાનિંગ કરતાં. પછી કૉલેજમાં તે ભણવા માટે બહાર ગયો, પણ એમાં પણ તેની ટ્રાય એવી હોય કે તે બર્થ-ડેના દિવસે અમારી પાસે આવે. પણ જૉબ શરૂ થઈ એટલે નૅચરલી એ રૂટીનમાં પણ ચેન્જ આવ્યો, પણ આટલાં વર્ષોમાં એક ચેન્જ નહોતો આવ્યો. એ હતો રાતે બાર વાગ્યે મલ્હારને બર્થ-ડે વિશ કરવાનો. સાથે હતાં તો જગાડીને કરતો અને દૂર હોઉં તો ડૉટ બાર વાગ્યે તેને મારો ફોન પહોંચી જાય અને હવે તો તેને પણ આ આદત હતી, પણ આ બર્થ-ડેમાં બુધવારે મારી લાઇફનું સૌથી મોટું બ્લન્ડર લાગી ગયું.

હું અને સુરભિ બન્ને એટલાં કામમાં કે અમારી વચ્ચે પણ એ વિશે કોઈ વાત થઈ નહીં અને છેક બપોર પૂરી થતી હતી ત્યારે વાત-વાતમાં સુરભિએ મને પૂછ્યું કે રાતે મલ્હાર શું બોલ્યો? (બાય ધ વે, મલ્હાર અત્યારે જર્મનીમાં છે એ કહી દઉં.) મારે કોઈ વાત થઈ નથી એવું કહ્યું અને બીજી મિનિટે મને ખબર પડી કે આજે મલ્હારનો બર્થ-ડે છે અને મેં...એ પછી તો મેં તરત મલ્હારને ફોન કરી દીધો. વાત થઈ અને તેને સૉરી પણ કહી દીધું, મલ્હારે પણ ઇશ્યુ બનાવ્યા વિના જ વાતને સહજ રીતે લઈ લીધી પણ તે એક વાત બોલ્યો એ મને દિલ પર ચોંટી ગઈ. પપ્પા, રાતથી તમારી રાહ જોતો હતો.

એ આખી ઘટનાથી મને એક વાત સમજાઈ કે લાઇફમાં એટલા ન ભાગવું કે જેમાં તમે તમારા જ વહાલા લોકોને વીસરી જાઓ. ટચ વુડ. લૉકડાઉન પછી મારી પાસે એટલું કામ આવ્યું અને હું એ બધાં કામ લેતો રહ્યો, જેને કારણે મને એકસામટા પાંચ દિવસની રજા નથી મળી. સિરિયલનું શૂટિંગ, ત્યાંથી ફિલ્મના સેટ પર, પછી ત્યાંથી નાટકનાં રિહર્સલ્સમાં, ત્યાંથી રાઇટર્સ મીટિંગમાં. સાવ નાની કહેવાય એવી આ બર્થ-ડે ભૂલવાની વાતે મને રિયલાઇઝ કરાવ્યું કે આટલા ભાગવું જરૂરી નથી. ગાડા નીચેના શ્વાન બનવું પણ જરૂરી નથી કે ભાર તો બધો આપણા પર જ છે. ફૅમિલી જ પહેલાં હોય, કારણ કે ICUની બહાર બેસી ભગવાનને પ્રાર્થના એ જ કરવાની છે.

columnists life and style