11 December, 2025 02:18 PM IST | Mumbai | Heena Patel
૯૭ વર્ષના ધીરુભાઈ ડગલી ૯૧ વર્ષનાં પત્ની મંજુબહેન સાથે
જીવનની ઊંડી સમજણ સાથે સાદું જીવન, સ્વસ્થ શરીરમાં સકારાત્મક વિચાર અને વધતી ઉંમરે પણ આત્મવિશ્વાસ સાથે જીવતા ૯૭ વર્ષના ધીરુભાઈ ડગલી પાસેથી ઘણુંબધું શીખવા અને સમજવા જેવું છે. આ ઉંમરે પણ તેઓ તેમનું જીવન સ્વતંત્ર રીતે, નિયમપૂર્વક અને આનંદથી જીવે છે.
ડેઇલી રૂટીન
અત્યારે ધીરુભાઈ તેમની ઉંમર પ્રમાણે સાદું જીવન જીવી રહ્યા છે. તેમના દૈનિક જીવન વિશે જણાવતાં તેઓ કહે છે, ‘હું સવારે સાડાસાતથી આઠની વચ્ચે ઊઠી જાઉં. ઊઠીને ફ્રેશ થઈ જાઉં. એ પછી અડધો કલાક ભગવાનનું નામ લઉં. મારા ભગવાનને પહેલાં યાદ કરી લઉં. એ પછી ચા-નાસ્તો કરવા બેસું. મને ગાંઠિયા, પાપડી, પૌંઆનો ચેવડો ખાવાં ગમે. નાસ્તો પતાવ્યા બાદ છાપું વાંચવા બેસું. આંખેથી ઝાંખું દેખાય છે એટલે મૅગ્નિફાઇંગ ગ્લાસથી પેપર વાંચું. અક્ષર મોટા થઈ જાય એટલે વંચાઈ જાય. એમ છતાં હું છાપાનો અક્ષરેઅક્ષર વાંચી જાઉં. આટલું કરીએ ત્યાં બપોરના બાર વાગી જાય એટલે પછી જમવા બેસી જાઉં. જમવામાં દાળ-ભાત, શાક-રોટલી હોય. હું જરાય તીખું નથી ખાતો. તીખું ખાવાનું ટાળો તો આયુષ્ય વધે. મારે ઉપરના દાંત છે. નીચે ચોકઠું છે. જોકે હું ચોકઠા વગર પણ બધું ખાઈ શકું છું. હું ચાવવામાં કઠણ વસ્તુ નથી ખાતો. પાંદડાંવાળી ભાજી ઓછી ખાઉં કારણ કે એના રેષા બે દાંત વચ્ચે ફસાઈ જાય. બાકી બધા જ પ્રકારની શાકભાજી હું ખાઉં. એમાં જ બધાં વિટામિન અને મિનરલ્સ છે. બધામાં કંઈક ને કંઈક એવાં પોષક તત્ત્વો છે જે આપણા શરીરને શક્તિ આપે. એનાથી જ મારું શરીર સારું છે. જમીને બપોરે પછી સૂઈ જાઉં. આરામથી ચાર-પાંચ વાગ્યે ઊઠું. ઊઠ્યા પછી એમ લાગે કે કંઈક ખાવું છે, પેટ કહે કે નાસ્તા માટે જગ્યા છે તો જ ખાવાનું નહીંતર ચા કે જૂસ પી લઉં. નાસ્તો જોઈએ જ એવું નહીં. હું માનું છું કે ગમે એ ખોરાક રુચિ હોય તો જ ખાવાનો. રુચિ ન હોય તો તમારી સામે ગમે એવું સારામાં સારું ખાવાનું આવે એને ત્યજી દો. સાંજે ટીવી જોવા બેસું. મને ક્રિકેટ મૅચ જોવી બહુ ગમે. એ પછી જમીને સૂઈ જાઉં. ઘણી વાર રાત્રે ઊંઘ આવે કે અડધી રાત્રે ઉઠાઈ ગયું હોય તો હું ભગવાનની માળા કરું. એ સાધન એવું છે કે તમને સુખ, સંતોષ, શાંતિ આપે.’
હજી ઇન્ડિપેન્ડન્ટ
ધીરુભાઈ આ ઉંમરે પણ બની શકે એટલા ઇન્ડિપેન્ડન્ટ રહેવામાં માને છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘વર્ષોથી મારી આદત છે કે સ્નાન કર્યા પછી હું મારાં કપડાં જાતે જ ધોઉં. કોઈ બીજા મારાં કપડાં ધોવે એ મને ન ગમે. હજી પણ હું એટલાં સરસ રીતે કપડાં ધોઉં કે સુકાઈ ગયા પછી ઇસ્ત્રી બાદ એ એકદમ નવાં જેવાં જ લાગે. એ સિવાય નજીકમાં ક્યાંય જવાનું હોય તો હું એકલો લાકડી લઈને બહાર નીકળી શકું છું. બધા મને કહે કે તમે એકલા બહાર નહીં નીકળો, પડી જશો; પણ હું મનથી મક્કમ હોઉં કે હું નહીં પડું. વચ્ચે એક વાર હું ઢોળાવ પર લપસી પડેલો, પણ ત્યારે મારી પાસે લાકડી નહોતી. એટલે ત્યારથી મેં નક્કી કર્યું કે ચાલવું તો લાકડી લઈને. લાકડી હોય તો વાંધો ન આવે. બીજા આપણને ધ્યાન રખાવે એ અલગ વસ્તુ છે, પણ આપણે પોતે પણ ચાલતી વખતે સારી રીતે ધ્યાન રાખવાનું. હું વધારે દવા લેવામાં પણ નથી માનતો. હું માનું છું કે આપણા શરીરમાં એક કેમિકલ ફૅક્ટરી છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એટલું જ સામે શરીરમાંથી નીકળવું જોઈએ. સ્નાયુઓ જ્યાં સુધી બરાબર કામ કરે ત્યાં સુધી કોઈ રોગ ન થાય. યુરિન બરાબર પાસ થતું હોય, બરાબર પેટ સાફ રહેતું હોય તો રોગ ક્યાંથી થાય. એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું કામ આપણું છે. મને ગળપણ બહુ ભાવે. કેરીનો રસ, કાજુકતરી, શ્રીખંડ, દૂધપાક બધું જ ખાઉં છું. મને વર્ષો પહેલાં એક વાર શુગર વધી ગયેલી આવેલી એટલે મેં ગળપણ બંધ કર્યું, થોડાક ઉપવાસ કર્યા અને ખાવામાં ભાજીનું સેવન વધાર્યું. અઠવાડિયા-પંદર દિવસમાં મેં એને કન્ટ્રોલમાં લાવી દીધી. એ પછીથી મારી શુગર ૧૦૦ની આસપાસ જ રહે છે.’
ફિલોસૉફી
ધીરુભાઈનાં પત્ની મંજુબહેનને પણ ૯૧ વર્ષ થયાં છે. બન્ને પતિ-પત્ની સુખેથી તેમનું જીવન વિતાવે છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘અમારાં લગ્નને ૭૦ વર્ષ થયાં છે. મને જેમ જોવામાં તકલીફ છે એમ મારાં પત્નીને થોડું ઓછું સંભળાય છે એટલે તે મારી આંખ બનીને અને હું તેનો કાન બનીને એકબીજાનો સહારો બની જીવન વિતાવીએ છીએ. અમારે વન રૂમ-કિચનની નાની રૂમ છે. મારો દીકરો ઘણી વાર કહે કે આપણે મોટી રૂમ લઈએ, પણ મારાં પત્નીને ચાલવામાં તકલીફ પડે એટલે નાની રૂમ હોય તો તે આસપાસની બધી વસ્તુને પકડી-પકડીને ચાલ્યા કરે. સાથે રહેવું અને સમતોલપણું સાચવવું બહુ અઘરું છે, કારણ કે ઉતાર-ચડાવ આવતા રહેવાના છે અને એમાં શાંતિ રાખીને રસ્તો કાઢતા રહેવું પડે. ઘણી વાર બોલાચાલી થાય, પણ એને વધારે યાદ રાખવાનું નહીં; તો જ તમારું જીવન આગળ વધી શકે. અત્યારે લોકોમાં મને કૌટુંબિક ભાવનાનો અભાવ દેખાય છે. જો મા-બાપ બાળપણથી જ તેમનાં સંતાનોમાં આ ભાવના જગાવે તો આગળ જઈને પરિવારમાં ભંગાણ ન સર્જાય. બીજું એ કે જીવન એ રીતે જીવો કે બીજાને મદદમાં આવી શકાય. ભગવાને તમને બધું આપ્યું હોય તો એનો ઉપયોગ કરો. ભગવાન તમને આપ્યા જ કરશે જો તમે એનો ઉપયોગ કરતા રહેશો તો. તમે ઉપયોગ નહીં કરો તો કુદરત તમને નહીં આપે. કુદરતનો સિદ્ધાંત છે કે જેટલું આપો એટલું તમારા હાથમાં આવે. ખબર પણ નહીં પડે એમ કુદરત ક્યાંક ને ક્યાંકથી તમને આપતી રહેશે.’
પરિવાર
ધીરુભાઈને પરિવારમાં દીકરો છે અને તેને પણ બે દીકરીઓ છે અને તેમના ઘરે પણ સંતાનો છે. દીકરો ડૉ. રાજેશ ન્યુરોલૉજિસ્ટ અને ન્યુરોરેડિયોલૉજિસ્ટ છે. તે પણ અત્યારે રિટાયર્ડ છે. બધા અમેરિકામાં રહે છે. રાજેશભાઈ વર્ષમાં ત્રણ-ચાર વાર મુંબઈ તેમનાં માતા-પિતા પાસે આવતા રહે છે. તેમનાં માતા-પિતા વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારા પપ્પા બૅન્કમાં કામ કરતા હતા. રિટાયર થયા પછીથી બન્ને મારી સાથે અમેરિકામાં રહેતાં. મારા પપ્પાએ ડ્રાઇવિંગ પણ શીખેલું. કાર લઈને ટ્રાવેલ કરવા તે જતા રહે. જોકે ધીમે-ધીમે તેમને દેખાવાનું ઓછું થતું ગયું એટલે ડ્રાઇવિંગ છૂટી ગયું. એ પછીથી તેમનું ઘરે રહેવાનું વધારે થતું. તેમની સોશ્યલ લાઇફ એટલી નહોતી. તેમને ત્યાં રહેવામાં કંટાળો આવવા લાગ્યો. ભારતમાં અમારા પરિવાર અને તેમના મિત્રો હતા એટલે પછી ૨૦૧૮માં તેઓ ભારતમાં શિફ્ટ થઈ ગયા. અહીં પરિવારના લોકો તેમની પાસે મળવા આવતા રહે. તેમના મિત્રો આવતા-જતા રહે. તેમની સાથે પત્તાં રમવાનું, વાતો કરવાનું થતું રહે એટલે તેમનો દિવસ પસાર થતો રહે. બન્ને આનંદ અને સંતોષથી પોતાનું જીવન જીવે છે. તેમને તો જીવનની સદી પૂરી કરવાની ઇચ્છા છે.’