યે બાત સચ હૈ, સબ જાનતે હૈ તુમ કો ભી હૈ યે યકીન

24 September, 2021 05:01 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

‘દિલ હૈ કિ માનતા નહીં’નું ટાઇટલ-સૉન્ગ હકીકતમાં ‘આશિકી’ માટે તૈયાર કરવામાં આવ્યું હતું, પણ એમાં કોઈ સિચુએશન બનતી નહોતી એટલે ડિરેક્ટર મહેશ ભટ્ટે એ વાપરવાની ના પાડી દીધી અને પછી એનો ઉપયોગ ‘દિલ હૈ કિ માનતા નહીં’માં કરવામાં આવ્યો

યે બાત સચ હૈ, સબ જાનતે હૈ તુમ કો ભી હૈ યે યકીન

દિલ તો યે ચાહે, હર પલ તુમ્હે હમ
બસ યુહીં દેખા કરે...
મર કે ભી હમ ના, તુમ સે જુદા હો
આઓ કુછ એસા કરે...
મુઝ મેં સમા જા, આ પાસ આજા
હમદમ મેરે હમનશીં...
આપણે વાત કરીએ છીએ આમિર ખાન અને પૂજા ભટ્ટની ફિલ્મ ‘દિલ હૈ કિ માનતા નહીં’ના ટાઇટલ-સૉન્ગની, તરબૂચવાળા ટાઇટલ-સૉન્ગની. ગયા શુક્રવારે આપણે પહેલા અંતરાની વાત કરી. આ વખતે હવે વાત કરવાની છે બીજા અંતરાની, પણ એની વાત કરીએ એ પહેલાં આ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક બીજી વાતો કરીએ.
ટી-સિરીઝને એસ્ટૅબ્લિશ કરવાનું કામ જે કોઈ મ્યુઝિક દ્વારા થયું એ પૈકીનું એક મ્યુઝિક એટલે ‘દિલ હૈ કિ માનતા નહીં’નું મ્યુઝિક. એમ છતાં અગત્યની વાત જો કોઈ કહેવાય તો એ કે ટી-સિરીઝની ફિલ્મો આ ફિલ્મથી વધારે સિરિયસ રીતે લેવાતી થઈ. એ પહેલાં કેટલીક વિડિયો ફિલ્મ એ લોકોએ બનાવી હતી, એનું મ્યુઝિક પણ સુપરહિટ હતું તો ‘આશિકી’ જેવી એકાદ-બે ફિલ્મ આવી પણ ગઈ હતી જેનું મ્યુઝિક પણ સુપરહિટ થયું હતું; પણ એ બિગ સ્ક્રીનની ફિલ્મોની સ્ટોરીથી માંડીને ઍક્ટર્સ લોકોને ખાસ ગમ્યાં નહોતાં. એ વાત જુદી કે ટી-સિરીઝે ફિલ્મમાંથી કમાવાનું હતું જ નહીં. એ તો મ્યુઝિકમાંથી જ તિજોરી ભરતી હતી. જોકે એક વર્ગ એવો પણ ખરો જેને આખી ગુજરાતી થાળીની દરેક આઇટમ પરફેક્ટ જોઈએ. મ્યુઝિક સારું જોઈએ, સ્ટોરી પણ જોઈએ, ઍક્ટિંગ પણ અવ્વલ દરજ્જાની જોઈએ અને ઍક્ટરો પણ જાણીતા અને ગમે એવા જોઈએ. 
‘દિલ હૈ કિ માનતા નહીં’ પરફેક્ટ ગુજરાતી થાળી હતી જેણે ટી-સિરીઝને બધી રીતે એસ્ટૅબ્લિશ કરવાનું કામ કર્યું. હું દાવા સાથે કહી શકું કે ‘દિલ હૈ કિ માનતા નહીં’ પછી પ્રોડક્શન હાઉસે ટી-સિરીઝની નોંધ ગંભીરતાથી લેવાની શરૂ કરી દીધી જે આજ સુધી અકબંધ રહ્યું છે.
દિલ હૈ કિ માનતા નહીં
મુશ્કિલ બડી હૈ રસ્મ-એ-મોહબ્બત
યે જાનતા હી નહીં...
‘દિલ હૈ કી માનતા નહીં’નું આ ટાઇટલ-સૉન્ગ હકીકતમાં આ ફિલ્મ માટે લખાયું જ નહોતું. આ ગીત હકીકતમાં ‘આશિકી’ માટે લખાયું હતું, પણ મહેશ ભટ્ટને ફિલ્મમાં આ સૉન્ગ માટે કોઈ સિચુએશન બનતી નહોતી એટલે તેમણે નાછૂટકે આ ગીત પડતું મુકાવ્યું. જોકે એ સમયે જ તેમણે મ્યુઝિક ડિરેક્ટર નદીમ-શ્રવણ અને ગુલશનકુમાર પાસે આ સૉન્ગ બૅન્કમાં મુકાવીને પ્રૉમિસ લઈ લીધું કે આ ગીત તે જ વાપરશે એટલે બીજા કોઈને આપવાનું નહીં. નદીમ-શ્રવણ પૈકીના નદીમની એવી કોઈ ઇચ્છા નહોતી. તેણે દલીલ ખૂબ કરી, પણ મહેશ ભટ્ટે બધા વચ્ચે પ્રૉમિસ કર્યું કે આ સૉન્ગને એ છે એનાથી વધારે નવી ઊંચાઈ પર લઈ જશે, બસ ભરોસો રાખે. ગુલશનકુમારે ઑર્ડર કરી દીધો કે આ સૉન્ગના રાઇટ્સ હવે મહેશ ભટ્ટના એટલે પછી બીજી કોઈ આર્ગ્યુમેન્ટનો સવાલ નહોતો. નક્કી થઈ ગયું કે આ સૉન્ગ હવે મહેશ ભટ્ટ જ પોતાની નવી ફિલ્મમાં વાપરશે.
મહેશ ભટ્ટ એ સમયે ટી-સિરીઝ માટે એક ફિલ્મ કરતા હતા, પણ એની સ્ટોરીથી માંડીને કાસ્ટ કંઈ નક્કી નહોતું એટલે સૉન્ગ બૅન્કમાં ગયું અને દોઢ વર્ષ પછી આ સૉન્ગે અનેક રીતે લોકોનાં દિલ જીતી લીધાં.
‘દિલ હૈ કિ માનતા નહીં’ બહુ સહજ કહેવાય એવી લાઇન છે અને વારંવાર લોકો વાપરતા પણ હોય છે. આટલી સરળ અને સહજ લાઇન કેવી રીતે મળી અને કોને મળી એ પણ જાણવા જેવું છે. બન્યું એમાં એવું કે ‘આશિકી’ના મ્યુઝિકની પ્રોસેસ ચાલતી હતી એ દરમ્યાન નદીમ-શ્રવણ બન્ને ઑલમોસ્ટ ચોવીસ કલાક સાથે રહેતા અને વધારેમાં વધારે સાથે રહી શકાય એવા પ્રોગ્રામ પણ બનાવે. મોડે સુધી રાતે ડિસ્કશન થઈ શકે એવા હેતુથી એક વાર નદીમે નક્કી કર્યું કે શ્રવણ તેના ઘરે જમવા આવી જાય. 
શ્રવણ નદીમ ખાનના ઘરે જમવા ગયો. જમવાનો કોઈ હેતુ નહોતો, પણ ફૂડ બહુ સરસ હતું એટલે ભૂખ ઊઘડી બરાબરની. શ્રવણે પેટ ભરીને ખાધું. ના, સૉરી; એવું કહેવું જોઈએ કે શ્રવણે દબાવી-દબાવીને ખાધું. શ્રવણને ખાતો જોઈને નદીમનાં અમ્મીથી ન રહેવાયું. શ્રવણ આમ પણ તેમના માટે દીકરા જેવો એટલે બોલવામાં સંકોચ રાખ્યા વિના જ અમ્મીએ તેને કહ્યું, ‘પેટ પારકું નથી, પોતાનું છે. સંભાળીને જમો, ક્યાંક માંદા ન પડો.’ 
શ્રવણે પેટ પર હાથ ફેરવીને જવાબ આપ્યો...
‘બાત તો બરાબર હૈ. પેટ તો કહ રહા હૈ બસ, પર દિલ હૈ કિ માનતા નહીં...’
દિલ હૈ કિ માનતા નહીં...
પાંચ શબ્દનું આ એક વાક્ય એ પછી તો રોમૅન્સની પરિભાષા બની ગઈ અને મહેશ ભટ્ટ, આમિર ખાન, પૂજા ભટ્ટ, કુમાર શાનુ, અનુરાધા પૌડવાલ અને લિરિક્સ રાઇટરે કમાલ કરી દેખાડી. શબ્દો જુઓ તમે ગીતના...
તેરી વફાએં, તેરી મોહબ્બત
 સબકુછ હૈ મેરે લિયે,
તૂને દિયા હૈ, નઝરાના દિલ કા 
હમ તો હૈ તેરે લિયે,
યે બાત સચ હૈ, સબ જાનતે હૈ,
તુમ કો ભી હૈ યે યકીન
દિલ હૈ કિ માનતા નહીં...
આ ગીતનો બીજો અંતરો છે. જૅકેટ આપીને આમિર જતો હોય છે ત્યારે તેને નીચે પડેલું એક તરબૂચ દેખાય છે અને આમિર એ તરબૂચ ઉપાડી લે છે. સામે જ પગથિયાં છે. એ પગથિયાં પર જઈને આમિર બેસે છે અને તરબૂચને મુક્કો મારીને એ તોડી બે ફાડિયાં કરે છે. આમિર હવે તરબૂચના વચ્ચેના ભાગમાં હાથ નાખીને તરબૂચનો પેલો લાલ રંગનો ગર્ભ કાઢીને ખાવા જાય છે, પણ એ જ વખતે તેનું ધ્યાન પૂજા પર જાય એટલે તે ઇશારાથી તેને પૂછે છે અને પૂજા ના પાડી દે છે.
ના ખાવું હોય તો તેલ પીવા જા... કંઈક આવા જ ભાવ સાથે આમિર તરબૂચ ખાવાનું ચાલુ કરી દે છે અને તરબૂચ ખાતાં-ખાતાં એક બી આમિરના ગાલ પર ચોંટી જાય છે. ગીત ચાલુ છે અને ડ્રીમ-સીક્વન્સ પણ અહીંથી શરૂ થાય છે. ડ્રીમ-સીક્વન્સમાં તરબૂચ ખાતા આમિરનું ધ્યાન અચાનક પૂજા પર જાય અને મોઢામાં મૂકવા માટે લંબાવેલો હાથ પાછો લઈને તે એ જ ટુકડો લઈને પૂજા પાસે જાય અને તેને ખવડાવવા જાય, પણ પૂજા તેને રોકી દે અને તેના હાથમાંથી તરબૂચ લઈને એ તરબૂચ આમિરને ખવડાવી પોતે અત્યંત સાહજિક ભાવથી આમિરના ગાલ પર ચોંટેલું પેલું બી હોઠથી ચૂમી લે છે. 
વેરી ડેલિકેટ મોમેન્ટ ઑન સ્ક્રીન અને એટલો જ ડેલિકેટ મેસેજ. તારી પાસેથી મળેલા એક નાનકડા બીથી પણ મારું પેટ ભરાઈ જાય. કેવો સરસ સંદેશ, કેવો સરસ ભાવ, કેવી સરસ લાગણી.
અસરદાર સ્ક્રીનપ્લે કોને કહેવાય એ વાત આ ગીત જોતાં સમજાય છે. એક્ઝૅક્ટ પાંચ મિનિટ અને પપ સેકન્ડનું આ ગીત છે, પણ એ જોતાં લેશમાત્ર થાક નથી લાગતો. ઊલટું એ જોયા પછી બીજી વખત જોવાનું મન થઈ આવે અને બીજી વાર પણ આંખના પલકારામાં એ પૂરું થઈ જાય. હૅટ્સ ઑફ. 
સિમ્પ્લી હૅટ્સ ઑફ.

‘દિલ હૈ કી માનતા નહીં’નું ટાઇટલ-સૉન્ગ હકીકતમાં આ ફિલ્મ માટે લખાયું જ નહોતું. આ ગીત ‘આશિકી’ માટે લખાયું હતું, પણ મહેશ ભટ્ટને ફિલ્મમાં આ સૉન્ગ માટે કોઈ સિચુએશન મળતી નહોતી એટલે તેમણે નાછૂટકે આ ગીત પડતું મુકાવ્યું.

columnists