થાઇરૉઇડ માનસિક સ્વાસ્થ્ય પણ બગાડે છે એ જાણો છો?

24 May, 2022 06:48 PM IST  |  Mumbai | Jigisha Jain

ચીડચીડું બનવું, અતિ ગુસ્સો, ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી, લો સેલ્ફ-એસ્ટીમ જેવી ઘણી માનસિક સમસ્યાઓ પણ થાઇરૉઇડના દરદીઓમાં આવી શકે છે. મહત્ત્વનું એ છે કે આ બાબતે દરદીએ જાગૃત રહેવું અને જો આવાં કોઈ પણ ચિહનો જોવા મળે તો ઇલાજ ચોક્કસ કરાવવો

થાઇરૉઇડ માનસિક સ્વાસ્થ્ય પણ બગાડે છે એ જાણો છો?

૩૮ વર્ષની શ્વેતા ડિપ્રેશનનો શિકાર બની અને સાઇકોલૉજિકલ ટ્રીટમેન્ટ લેવાનું શરૂ કર્યું. છેલ્લા એક વર્ષથી તે કાઉન્સલિંગ લઈ રહી હતી અને અમુક જરૂરી મેડિકેશન પણ ચાલુ હતાં, પરંતુ ખાસ ફાયદો થઈ રહ્યો નહોતો. જરૂરી ટેસ્ટ કરાવી ત્યારે એક વર્ષ પછી ખબર પડી કે શ્વેતાને તો થાઇરૉઇડનો પ્રૉબ્લેમ હતો. હવે એની ટ્રીટમેન્ટ ચાલે છે. 
૪૨ વર્ષની માયાને છેલ્લા પાંચ વર્ષથી હાઇપરથાઇરૉડીઝમનો પ્રૉબ્લેમ છે. એની દવાઓ ચાલે છે અને તેનું થાઇરૉઇડ એકદમ કન્ટ્રોલમાં છે, પરંતુ તે સતત ચીડચીડી જ રહે છે. શારીરિક અને માનસિક રીતે તે થાકેલી જ હોય છે. પોતાના વધેલા વજનને લીધે જાતને બિચારી સમજે છે અને ક્યારેક વગર કારણે એટલી ગુસ્સે થઈ જાય છે કે ઘરના લોકો તેનાથી ત્રાસવા લાગ્યા છે. 
થાઇરૉઇડ એક ગ્રંથિ છે અને એને લગતી તકલીફો સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. જો આ ગ્રંથિ વધુ પડતી ઍક્ટિવ હોય તો એને હાઇપરથાઇરૉડીઝમ કહે છે અને ઓછી ઍક્ટિવ હોય તો એને હાઇપોથાઇરૉડીઝમ કહે છે. મુખ્યત્વે આ બન્ને પ્રકાર જોવા મળે છે. આ સિવાય થાઇરૉડાઇટિસ અને હાશીમોતો થાઇરૉડાઇટિસ પણ મહત્ત્વના પ્રકાર છે. 
લક્ષણો 
આ રોગમાં સ્ત્રીઓને થાક લાગવો, વારંવાર શરદી થવી, કબજિયાત, ડ્રાય સ્કિન, વજન વધવું, ચહેરો ફૂલી જવો, સ્નાયુઓ નબળા પાડવા, સ્નાયુઓમાં દુખાવો થવો અને કડક થઈ જવા, કૉલેસ્ટરોલ વધી જવું, વાળ પાતળા થઈ જવા, મૅન્સ્ટ્રુઅલ સાઇકલ અનિયમિત થઈ જવી, ધબકારા ધીમે થવા જેવાં ઘણાં ચિહનો જોવા મળે છે. આ ચિહનો બાબતે મોટા ભાગે સ્ત્રીઓ જાણે છે. જોકે થાઇરૉઇડને કારણે માનસિક અવસ્થા પર પણ અસર થાય છે એ બાબતે સ્ત્રીઓ અજાણ છે. થાઇરૉઇડ હોવાને લીધે મૂડ-સ્વિન્ગ્સ, યાદશક્તિ પર અસર, અતિશય ગુસ્સો, બિનજરૂરી ગિલ્ટ, નર્વસનેસ અને બીજી ઘણી તકલીફો આવી શકે છે એ લોકો જાણતા નથી અને એને કારણે જ્યારે આવું થાય ત્યારે એ સમજી શકતા નથી કે એને મૅનેજ કેમ કરવું. મહત્ત્વનું એ છે કે થાઇરૉઇડ જો એકદમ કાબૂમાં હોય તો પણ માનસિક તકલીફો આવી શકે છે.
અસર
થાઇરૉઇડની અસર માનસિક હેલ્થ પર કેવી રહે છે એ બાબતે વાત કરતાં ઍન્ડોક્રાઇનોલૉજિસ્ટ ડૉ. તન્વી પટેલ કહે છે, ‘ખૂબ ઓછા દરદીઓ આ સંબંધ સમજી શકે છે અને આમ પણ આ બાબતે જાગૃતિ ઓછી જ છે. થાઇરૉઇડના રોગની અસર માનસિક હેલ્થ પર સો ટકા પડે જ છે એ દરેક દરદીએ સમજવું જરૂરી છે. થાઇરૉઇડને કારણે આ દરદીઓમાં પોતાના શરીર પરનો વિશ્વાસ હટી જાય છે જેને લીધે તેઓ આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. વધેલું વજન, સતત લાગતો થાક અને એને કારણે ઊંઘની તકલીફો જે આવે છે એ દરદીની માનસિક હાલતને નાજુક બનાવે છે. એને લીધે તેઓ મોટા ભાગે પોતાના માટે ખૂબ લો ફીલ કરે છે. આમ માનસિક તકલીફો જન્મ લે છે.’ 
શું થાય? 
અલગ-અલગ પ્રકારના થાઇરૉઇડમાં એની માનસિક અસર પણ જુદી-જુદી હોય છે એ વિશે જણાવતાં ડૉ. તન્વી પટેલ કહે છે, ‘જો તમને હાઇપરથાઇરૉડીઝમ હોય તો એવું બને કે તમે અસામાન્ય રીતે નર્વસ થઈ જાઓ, રેસ્ટલેસનેસ લાગે એટલે કે ઉચાપત થાય, ઍન્ગ્ઝાયટી એટલે કે ગભરાહટ કે ડર પણ લાગે. વાત-વાતમાં તમે ચિડાઈ જાઓ એવું પણ બને. જો તમને હાઇપોથાઇરૉડીઝમ હોય તો એવું બને કે તમને થાક લાગતો હોય અને ડિપ્રેશન પણ આવી શકે.’
દરેક દરદી અલગ 
જો સ્ત્રીઓ આ બાબતે પહેલેથી જાણતી હોય તો તેમને આ તકલીફોને મૅનેજ કરવાનું સરળ પડે. જેમ કે તમને આજે ખૂબ ગુસ્સો આવી રહ્યો છે, પરંતુ તમને સમજાય કે આ થાઇરૉઇડને લીધે છે તો તમે વાતને વધુ સારી રીતે સંભાળી શકો. ઘણી વખત એવું થતું હોય છે કે માનસિક હાલત પાછળ બાહ્ય કારણને બદલે આપણને અંતરિક કારણ ખબર હોય તો એ પરિસ્થિતિને હૅન્ડલ કરવી સરળ બને. એના ઇલાજ વિશે જણાવતાં ડૉ. તન્વી પટેલ કહે છે, ‘દરેક દરદીએ આ અસર જુદી-જુદી હોય છે એટલા જ માટે એનો ઇલાજ પણ જુદો-જુદો હોય છે. દરેકને એકસરખી દવાઓ આપી ન શકાય, કારણ કે કોઈ સ્ત્રીને ડિપ્રેશન આવે તો કોઈ સ્ત્રીને ફક્ત લો ફીલ થતું હોય તો કોઈને વારંવાર ગુસ્સો આવતો હોય. આ પરિસ્થિતિમાં સ્ત્રીએ તેના ડૉક્ટર સાથે ખૂલીને વાત કરવી જોઈએ. તેને કયા પ્રકારની તકલીફો થાય છે એ ડૉક્ટરને કહેશે તો એ મુજબનો ઇલાજ શક્ય બનશે.’ 
ઇલાજ 
થાઇરૉઇડમાં માનસિક તકલીફો સામે આવે તો ઘણા ડૉક્ટરો દરદીને ઝિન્ક અને સિલેનિયમ જેવાં જરૂરી મિનરલ્સની દવાઓ આપે છે એ વિશે વાત કરતાં ડૉ. તન્વી પટેલ કહે છે, ‘થાય છે એવું કે થાઇરૉઇડની તકલીફમાં દરદીના શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની અછત વર્તાય છે. એ ઘટી જવાને લીધે પણ માનસિક હેલ્થ પર અસર થતી હોય છે. કોઈ પણ માનસિક રોગના દરદીઓને મલ્ટિ-વિટામિન્સ કે મિનરલ્સની દવાઓ આપો તો એમાં સુધાર થાય છે, પરંતુ એનો અતિરેક ઘણો ભારે પડી શકે છે. એટલે કોઈ પણ દરદીએ ડૉકટરની સલાહ મુજબ જ સપ્લિમેન્ટ્સ લેવાં. 
બાકી એના ઇલાજ માટે કાઉન્સેલિંગ કે દવાઓ પણ જરૂરી લાગે તો આપી શકાય છે.’

columnists Jigisha Jain