28 May, 2026 10:55 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર
ડિજિટલ અરેસ્ટના નામે ડરાવી-ધમકાવીને લોકો પાસેથી ભરપૂર નાણાં પડાવવાના કિસ્સા અનેક જાહેર ચેતવણી પછી પણ બહાર આવતા રહે છે. ટોટલી બોગસ અને ગેરકાનૂની એવી આ જાળમાં હોશિયાર-શિક્ષિત લોકો પણ ફસાઈ જવા બદલ ભોગ બનનારાઓની માનવસહજ ભયની સાઇકોલૉજી વધુ જવાબદાર લાગે છે. પોતે કોઈ ગુનો કર્યો નથી છતાં માણસ કેમ ડરી જાય છે? આવા લોકોનાં નામ ગુપ્ત રાખી તેમના માઇન્ડના રિયલ કિસ્સાઓનો અભ્યાસ કરીને બહાર પાડવો જોઈએ, જેથી સમગ્ર સમાજને ચોક્કસ સમજણ મળી શકે અને તેઓ આવા સાઇકોલૉજિકલ ભયથી મુક્ત થઈ શકે. આ વિષયની કેટલીક ઝલક જોઈએ.
આમ તો આ અપરાધોની કાર્યપદ્ધતિ જગજાહેર છે. એમાં સ્કૅમસ્ટર્સ પોતાને પોલીસ, CBI ઑફિસર, કસ્ટમ્સ ઑફિસર, નાર્કોટિક્સ અધિકારી, રિઝર્વ બૅન્કનો અધિકારી, સાઇબર ક્રાઇમના ઇન્વેસ્ટિગેટર્સ વગેરે ઑથોરિટીઝ તરીકે દર્શાવે છે. આ લોકો યુનિફૉર્મમાં હોય એવો અથવા ઑફિસનો માહોલ ઊભો કરી લોકોને વિડિયોકૉલ કરીને બતાવે છે, જે જબરદસ્ત અસર અને ભય ઊભાં કરવામાં સફળ રહે છે. તેઓ જેમને બકરા બનાવવા માગે છે તેમને એવું ઠસાવે છે કે તેમના નામે અથવા તેમના આધાર કાર્ડ વગેરે જેવા માધ્યમથી અપરાધ થયા છે, જેમાં તેઓ પોતે અજાણ હોવા છતાં જવાબદાર બને છે; હવે જો આમાંથી બચવું હોય તો અમે કહીએ એ કરો. આ એક પ્રકારનું સાઇકોલૉજિકલ અને ઇમોશનલ પ્રેશર હોય છે જેને લોકો સમાજના ભયથી છુપાવે છે અને માની લે છે. પોલીસકેસ, કોર્ટનાં ચક્કર, ધરપકડ જેવા શબ્દોથી જ અડધા લોકો પ્રેશરમાં-ટેન્શનમાં આવી જાય છે. જેમને ફસાવવામાં આવ્યા હોય છે તેમની સામે એ મુજબના પેપર્સ પણ રજૂ કરવામાં આવે છે. આમ કરનારા એવી ઑથોરિટીથી વાતને મૂકે છે કે સામેની વ્યક્તિ બાઘી બની જાય. આ સ્કૅમસ્ટર્સ સિફતથી આ કામ કરીને સામેવાળી વ્યક્તિને વિચારવાનો સમય જ આપતા નથી. તેઓ તમે અમારી દેખરેખમાં-સર્વેલન્સમાં છો, તમારો ફોન રેકૉર્ડ થાય છે, પરિવારને પણ જણાવશો નહીં, તમારું બૅન્ક-ખાતું બંધ થઈ જશે એવી ધમકીઓ આપે છે. આ કૌભાંડીઓ મોટા ભાગે સિનિયર સિટિઝનો અને બિઝનેસમેનોને જાળમાં ફસાવે છે.
ડિજિટલ અરેસ્ટ જેવો કોઈ કાનૂન જ નથી. આ એક ઉઘાડું અને જગજાહેર સત્ય હોવા છતાં લોકો આમાં કેમ ફસાઈ જાય છે? દર થોડા દિવસે ડિજિટલ અરેસ્ટનો ભોગ બનનારા લોકોના કિસ્સા બહાર આવતા રહે છે. આવી બનાવટી ધરપકડનો ભોગ બનનારાના, જાળમાં આવીને સાઇબર અપરાધીઓને લાખો રૂપિયા આપી દેનારાઓના શું ક્યાંક છૂપા અપરાધ હશે? અન્યથા તેમને શેનો ભય લાગતો હશે કે આવી બનાવટી ધરપકડની ધમકીને સાચી માની લઈને ગભરાઈ જાય અને પોતાની જાતને ઘેરબેઠાં કોઈને સરેન્ડર કરી દે તેમ જ સામેની વ્યક્તિને માગે એટલાં નાણાં ટ્રાન્સફર કરી દે? બીજું એ હોઈ શકે કે આ ડિજિટલ અરેસ્ટનો ભોગ બનનાર વ્યક્તિ સાવ ડોબી હોવી જોઈએ. આ વિષય મનોવિશ્લેષણ માગી લે છે. માણસજાત ડર અને લાલચ એ બે બાબતોનો સતત કાયમ શિકાર થતી હોય છે.
કેટલાક કિસ્સાઓ પર નજર કર્યા બાદ પ્રથમદર્શી તારણ જોઈએ તો આનો ભોગ બનનારી વ્યક્તિ પૈસાદાર બિઝનેસમેનો કે સિનિયર સિટિઝનો હોય છે. તેમની પાસેથી સાઇબર ગઠિયાઓને મોટી રકમ મળવાની ખાતરી હોવી જોઈએ, કેમ કે કોઈ ગરીબ-સામાન્ય વ્યક્તિને ડિજિટલ અરેસ્ટની ધમકી મળતી નથી. સાઇબર કૌભાંડીઓની હિંમત કે સાહસ તો જુઓ કે તેઓ ઍડ્વોકેટ, ડૉક્ટર, બિઝનેસમૅન જેવા શિક્ષિત, હોશિયાર અને વગદાર વર્ગને પોતાની જાળમાં ફસાવે છે. એક મહત્ત્વનું તારણ એ ખરું કે દરેક કિસ્સામાં ભોગ બનનારી વ્યક્તિની પોતાની ભૂલો, ભય અને ઉતાવળ જ છેતરપિંડી કરનારને સફળ બનાવે છે.
જેમને પણ ડિજિટલ અરેસ્ટની કૉલ મારફત ધમકી-નોટિસ આવે છે તેમણે સૌપ્રથમ એ વિચારવું જોઈએ કે શું તેણે કોઈ ગુપ્ત અપરાધ કર્યો છે? કોઈ કાળાં કામ કર્યાં છે? જો કર્યાં પણ છે તો તેની સીધી ધરપકડ કરવા કેમ કોઈ આવતું નથી? કોઈ પણ વ્યક્તિ કે ઑથોરિટી આપણા પર કેટલા પણ ગંભીર આરોપ નાખે, જો આપણે આવું કંઈ કર્યું જ નથી તો ગભરાવાનું શા માટે? આવા લોકો (ડિજિટલ ડાકુઓ) આપણને કોઈ હોટેલમાં ઊતરવાની સલાહ આપે અને આપણને એકલા પાડી દઈને ડરાવે અને નાણાં પડાવતા રહે ત્યારે આપણે આપણા પરિવારના લોકોને કેમ કંઈ જણાવતા નથી? આપણે સામેવાળાની બધી જ વાતોમાં કેમ આવી જઈએ છીએ? એક કિસ્સામાં એક ડૉક્ટરે પોતાના પરિવારને ૧૦ દિવસ સુધી તેની સાથે આવું થયું એ કંઈ જણાવ્યું જ નહોતું અને ગઠિયાઓને નાણાં ટ્રાન્સફર કરતા રહ્યા હતા. તાજેતરમાં એક ઍડ્વોકેટ પણ આવી ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા, જેમાં તેમની સામે સુપ્રીમ કોર્ટનો આદેશ અને જજને રજૂ કરવામાં આવ્યા હતા. જોકે એ વકીલસાહેબ પણ ભાન ભૂલી ગયા. માની લઈએ કે ભોગ બનનાર વ્યક્તિ હોશિયાર છે, મૂરખ નથી; પરંતુ તે દબાણ, આઘાત, ઇમોશનલ પ્રેશરમાં આવી જાય છે. વાસ્તવમાં આવી ધમકીઓનો સામનો કરવામાં કોઈ અસાધારણ બુદ્ધિની જરૂર નથી, કૉમન સેન્સ કાફી છે.
સાચી પોલીસ કે તપાસ-એજન્સીઓ કોઈ દિવસ વિડિયોકૉલથી (ડિજિટલ) અરેસ્ટ કરતી નથી. સરકારી એજન્સી ક્યારેય પરિવારથી આ વિષયને છુપાવવાનું કહેતી નથી. કોઈ પણ ઇન્વેસ્ટિગેશનમાં નાણાં ટ્રાન્સફર કરવાનું કહેવાતું નથી. ખરેખર તો આવા કેસનો સામનો કરવાનો આવે તો તરત જ કૉલ ડિસકનેક્ટ કરી દેવો જોઈએ અને ઝડપથી પરિવાર અને મિત્રોને જણાવવું જોઈએ. જે-તે સંબંધિત એજન્સીના ઑફિશ્યલ નંબર પર કૉલ કરવો જોઈએ અને હા, શાંતિથી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને આવા સ્કૅમસ્ટર્સના કૉલને જવાબ આપતા પહેલાં વિચારવું જોઈએ. કમસે કમ બીજાઓની ભૂલોથી તો શીખીએ. આપણને સાચો જવાબ પોતાની પાસેથી જ મળી જશે.