‘જોધા અકબર’માં પણ દાસી, ‘મંગલ પાંડે’માં પણ દાસી

11 October, 2021 10:59 AM IST  |  Mumbai | Sanjay Goradia

‘જોધા અકબર’માં દિશા ઐશ્વર્યા રાયની દાસી બની તો ‘મંગલ પાંડે’માં તે રાની મુખરજીની દાસી બની. બન્ને ફિલ્મમાં દાસી એટલે અમે મજાકમાં દિશા વાકાણીનું નામ બદલીને દાસી વાકાણી રાખી દીધું હતું એ પછી પણ દિશા જરાય અપસેટ થયા વિના પોતાનું કામ કરતી જતી હતી.

‘પલ્લવી બની પાર્વતી’ના એક સીનમાં કૃતિકા દેસાઈ અને સૌનીલ દરુ.

એકધારી, થાક્યા અને હાર્યા વિના ઑડિશન આપતી દિશા વાકાણીને બે ફિલ્મો મળી, પણ એ બન્ને ફિલ્મોમાં મળેલા રોલને લીધે તે અમારે માટે મજાકનું સાધન બની ગઈ, પણ તેને કોઈ જ ફરક નહોતો પડતો આપણે વાત કરીએ છીએ મારા ૨૯મા નાટક ‘પલ્લવી બની પાર્વતી’ની. તમને કહ્યું એમ, નાટકમાં ડાન્સબાર અને બારગર્લની વાત હતી, જે ઑડિયન્સ પચાવી શક્યું નહીં અને શુભારંભ પ્રયોગમાં જ હું સમજી ગયો કે નાટક ફ્લૉપ છે અને બન્યું પણ એવું જ. ‘પલ્લવી બની પાર્વતી’ ૩૪ શોમાં જ બંધ થઈ ગયું, પણ મિત્રો, આ નાટકને કારણે મને નવી જનરેશનનો એક એવો ઍક્ટર મળ્યો જેની સાથે મેં ત્યાર પછી અનેક નાટકો કર્યાં. બન્યું એમાં એવું કે ‘પલ્લવી બની પાર્વતી’ નાટકમાંથી છેલ્લી ઘડીએ મેં એક છોકરાને કાઢી મૂક્યો હતો. એ રોલ કોઈ કરી શકે એવા છોકરા માટે મેં કમલેશ મોતાને ફોન કર્યો. 
સૌનીલ દરુ.
કમલેશ દરુનો દીકરો. આજે તો બન્ને કમલેશની હયાતી નથી. કમલેશ દરુનું અવસાન હજુ હમણાં દસેક દિવસ પહેલાં થયું અને કમલેશ મોતાના અવસાનને એકાદ વર્ષ થયું. સૌનીલે અગાઉ કાન્ત મડિયાનાં બેત્રણ નાટકમાં કામ કર્યું હતું. અમે સાથે પહેલી વાર કામ કરતા હતા, પણ ‘પલ્લવી બની પાર્વતી’ પછી અમે ઘણાં નાટકોમાં કામ કર્યું. નવી જનરેશનમાં મને ડેડિકેશનનો અભાવ લાગતો આવ્યો છે, પણ સૌનીલને આ વાત લાગુ નથી પડતી. તે પૂરી નિષ્ઠાથી કામ કરે અને તેનું કામ જોઈને તમે ખુશ પણ થઈ જાઓ. સાથે કરેલાં અમારાં નાટકોની વાતો અને એ સમયના પ્રસંગો આગળ જતાં આવશે ત્યારે આપણે કરીશું પણ અત્યારે આપણે આપણી નાટકયાત્રાને આગળ વધારીએ.
‘લાઇફ પાર્ટનર’ અને એના પછી ‘પલ્લવી બની પાર્વતી’ એમ બે નાટકો ઉપરાછાપરી ફ્લૉપ ગયાં, પણ હવે હું લાઇફના એ તબક્કામાં હતો જ્યાં સર્જન એકધારાં અને સતત ચાલુ રહેવાં જરૂરી હતાં. એકસાથે ત્રણ-ચાર નાટકો ચાલતાં હોય એટલે પૈસાનું રોટેશન પણ એકધારું ફર્યા કરતું હોય, જેને લીધે નુકસાનીમાં પણ અમારે ઘરમાંથી પૈસા કાઢવા પડતા નહોતા. એક નાટકનો પ્રૉફિટ બીજા નાટકના નુકસાનને સરભર કરી દે અને આર્થિક ઘસરકા વધારે પીડાદાયક બને નહીં. જોકે મિત્રો, આ બધી મન મનાવવાની વાતો છે. કબૂલ કે આર્થિક નુકસાની તમને વધારે ડિસ્ટર્બ ન કરે, પણ એની માનસિક અસર તો થતી જ હોય અને મને પણ એવું જ થતું હતું. બે ફ્લૉપ પછી મને થતું હતું કે હવે એકાદ સુપરહિટ આવે તો સારું. નાટકની સ્ક્રિપ્ટ સાંભળવાનું અને મરાઠી નાટકો જોવાનું કામ એકધારું ચાલતું હતું, એવામાં અમે એક નાટક મરાઠી જોયું. ટાઇટલ એનું ‘લાલી લીલા.’ 
નાટકના લેખક-દિગ્દર્શક દેવેન્દ્ર પેમ. હું અને વિપુલ મહેતા નાટક જોવા ગયા. નાટકનો વિષય સારો પણ ઘણીબધી ત્રુટિઓને કારણે નાટક ખરાબ બન્યું હતું. હું તમને એક વાત અહીં કહીશ. સાથે ચાર-પાંચ નાટકો કરી લીધાં હતાં એટલે ‘લાલી લીલા’ જોવા ગયા ત્યાં સુધીમાં મારો અને વિપુલનો રેપો બહુ સરસ બંધાઈ ગયો હતો. બોલ્યા વિના જ અમે એકબીજાના મનની વાત સમજી જઈએ. 
મરાઠી નાટક જોઈને અમે બહાર આવ્યા અને અડધા કલાકમાં તો અમે નાટકની જે ખામીઓ હતી એને કેવી રીતે ખૂબીઓમાં ફેરવી શકાય એનો તોડ કાઢી લીધો. ગુજરાતીમાં જો નાટક કરવું હોય તો એને કેવી રીતે લઈ આવવું જોઈએ એની ચર્ચાઓના અંતે અમે એક મત પર આવ્યા કે નાટક ભલે મરાઠીમાં સુપરફ્લૉપ ગયું, પણ ગુજરાતીમાં સારું ચાલશે. બીજા દિવસે નાટકના રાઇટ્સ માટે રાઇટર દેવેન્દ્ર સાથે વાત થઈ, પણ ધ્રુજારી ચડી જાય એવી રૉયલ્ટી તેણે માગી. તમને સાદી ભાષામાં સમજાવું તો એ સમયે નૉર્મલી રાઇટ્સના જે ભાવ ચાલતા હતા એના કરતાં ત્રણ ગણું પેમેન્ટ દેવેન્દ્રએ માગ્યું હતું.
રૉયલ્ટી સાંભળીને મારા પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદી અને વિનય પરબે મને કહ્યું કે આ પ્રાઇસ સાથે કોઈ હિસાબે ઇકૉનૉમી સેટ ન થાય. જો દેવેન્દ્ર આટલું પેમેન્ટ લઈ જાય તો આપણી પાસે પાછળ કંઈ બચે નહીં. જોકે મારો કૉન્ફ િડન્સ જુદો હતો. મેં તેમને સ્પષ્ટતા સાથે કહી દીધું કે એ જે પૈસા માગે છે એ આપીને પણ નાટકના રાઇટ્સ લઈ લો. નવી ટીમ સાથે ઇકૉનૉમીને બૅલૅન્સ હું કરી આપીશ. નૅચરલી તેમને સહેજ ખચકાટ હતો, પણ એ ખચકાટ વચ્ચે તેમને મારા પર વિશ્વાસ પણ એટલો જ એટલે મોંઘી કિંમતે નાટકના રાઇટ્સ લઈ લેવામાં આવ્યા અને જેવા રાઇટ્સ આવ્યા કે તરત જ અમે બે લીડ ઍક્ટ્રેસની શોધખોળ શરૂ કરી.
બે લીડ ઍક્ટ્રેસ શું કામ એ કહું તમને.
‘લાલી લીલા’માં લાલી અને લીલા નામની બે બહેનોની વાત છે, જે સિયામીઝ ટ્વિન્સ  છે. સિયામીઝ ટ્વિન્સ એટલે શરીરથી જોડાયેલી વ્યક્તિ. આ રેર પ્રૉબ્લેમ છે, પણ સાઉથ-વેસ્ટ એશિયા અને આફ્રિકામાં આ પ્રકારનાં બાળકો વધારે જોવા મળે છે. સિયામીઝ ટ્વિન્સમાંથી બાળકો એક અંગથી જોડાયેલાં હોય. 
‘લાલી લીલા’માં સિયામીઝ સિસ્ટર્સની વાત હતી. જન્મથી બન્ને બહેનોનું શરીર કમરથી જોડાયેલું, પણ બન્નેની આઇડેન્ટિટી જુદી. અમારા નાટકની લાલી અને લીલા એમ બે બહેનો એકબીજા સાથે કમરથી જોડાયેલી હતી. આ બે છોકરીઓનો જે રોલ કરે એવી છોકરીઓ અમારે શોધવાની હતી. બન્નેની હાઇટ-બૉડી લગભગ સરખી 
હોવી જોઈએ. 
લાલીના રોલ માટે મારા મનમાં એક છોકરી ફિક્સ હતી, દિશા વાકાણી. અગાઉ આપણે વાત થઈ છે કે દિશા મારાં બે નાટકમાં કામ કરી ચૂકી હતી. નાટક પછી દિશાએ હિન્દી સિરિયલ અને ફિલ્મોમાં સ્ટ્રગલ શરૂ કરી હતી, પણ કોઈ મેજર બ્રેક મળ્યો નહોતો. દિશા બધી જગ્યાએ ઑડિશન આપવા જાય, રિજેક્ટ થાય અને નવેસરથી ઑડિશનની તૈયારી કરે. દિશાની એ વાત સૌકોઈએ અપનાવવા જેવી છે. તે હિંમત હાર્યા વિના સતત મહેનત કરતી જતી હતી. સાચું કહું તો એ સમયે અમે બધા તેની આ સ્ટ્રગલ જોઈને મજાક પણ ઉડાડતા. કહેતા કે તને ફિલ્મ ને ટીવીનું ઘેલું લાગ્યું છે, મૂક એ બધું અને તું નાટક કર, એ જ તારા માટે બેસ્ટ છે. 
કોઈની આવી વાત દિશાએ કાને ધરી નહીં અને ક્યારેય કોઈની મજાક-મસ્તીથી સહેજ પણ નાસીપાસ થઈ નહીં. સતત કામ કરતી રહેતી હોવાને લીધે એ દિવસોમાં તેને ‘જોધા અકબર’ અને ૧૮પ૭ના બળવા પર આધારિત ‘મંગલ પાંડે’ એમ બે ફિલ્મો મળી હતી, પણ આ બન્ને ફિલ્મોના તેના રોલ જોવા જેવા હતા. ‘જોધા અકબર’માં તે ઐશ્વર્યા રાયની દાસી બની હતી, તો ‘મંગલ પાંડે’માં તે રાની મુખરજીની દાસી બની હતી. અમે મજાકમાં તેનું નામ દિશા વાકાણીને બદલે દાસી વાકાણી રાખી દીધું હતું અને તેને આ ખબર હતી, પણ તે જરાય અપસેટ થયા વિના, કોઈની પણ મજાક ગણકાર્યા વિના પોતાનું કામ કરતી જતી. આ બધી વાત એટલે તમને કહું છું કે મહેનત કરનારાઓને કોઈની દરકાર હોતી નથી અને મહેનત કરે તેને સફળતા મળ્યા વિના રહેતી નથી. જુઓ તમે આજે. આજે પણ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની દયાની વાત નીકળે એટલે લોકોની આંખ સામે દિશા જ આવે. સિરિયલ છોડ્યાને આજે ઑલમોસ્ટ સાતેક વર્ષ થઈ ગયાં અને એ પછી પણ કૅરૅક્ટર સાથે પોતાનો ફેસ જોડાયેલો રહે એવું કામ કરવું એ કંઈ નાનીસૂની વાત નથી. ઍનીવેઝ, વાત કરીએ ‘લાલી લીલા’ની.
મેં દિશાને ફોન કર્યો કે નાટકમાં બહુ સરસ રોલ છે, હું ઇચ્છું કે તું એ કરે, પણ દિશાએ મને કહ્યું કે હું અત્યારે ટીવી અને ફિલ્મ પર ધ્યાન આપું છું એટલે નાટક કરવાની બહુ ઇચ્છા નથી.

‘જોધા અકબર’માં દિશા ઐશ્વર્યા રાયની દાસી બની તો ‘મંગલ પાંડે’માં તે રાની મુખરજીની દાસી બની. બન્ને ફિલ્મમાં દાસી એટલે અમે મજાકમાં દિશા વાકાણીનું નામ બદલીને દાસી વાકાણી રાખી દીધું હતું એ પછી પણ દિશા જરાય અપસેટ થયા વિના પોતાનું કામ કરતી જતી હતી.

columnists Sanjay Goradia