15 April, 2026 04:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘરને જંતુમુક્ત કરવા તમે ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રે વાપરો છો?
હાઇજીનના નામે અને જાહેરખબરોના ઓવર-એક્સપોઝરને કારણે હવે આપણા સૌના ઘરમાં ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રેનો વપરાશ વધ્યો છે. અત્યાર સુધી એવું મનાતું હતું કે કોઈ આવું સફાઈનું લિક્વિડ ભૂલથી પી જાય તો એ ઝેરી સાબિત થઈ શકે છે, પરંતુ તાજેતરમાં યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાના સંશોધકોએ કરેલું એક સર્વેક્ષણ કહે છે કે સફાઈ માટે વપરાતા ડિસઇન્ફેક્ટન્ટ સ્પ્રેમાં ક્વૉટર્નરી અમોનિયમ કમ્પાઉન્ડ્સ (QAC) નામનું કેમિકલ ફૉર્મ્યુલેશન હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમો ઊભાં શકે છે. ૧૯૪૦થી સફાઈ-ઉત્પાદનોમાં વપરાતું આ એક સામાન્ય તત્ત્વ છે. અત્યાર સુધી એને પી જવાથી કે મોં વાટે એ પેટમાં જાય તો એની ઝેરી અસર વિશે જાણકારી હતી, પરંતુ નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શ્વાસ દ્વારા શરીરમાં જતા આ કણો ફેફસાંને ગંભીર ઈજા પહોંચાડે છે. ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગોમાં આ કણો શ્વાસમાં જવાથી ફેફસાંને ૧૦૦ ગણી વધુ ઈજા થઈ હતી. એટલે કે આ સ્પ્રેના કણો શ્વાસમાં લેવાથી થતું નુકસાન એને ભૂલથી પીવા કરતાં ૧૦૦ ગણું વધારે જીવલેણ અને ફેફસાંને નુકસાન પહોંચાડનારું હોય છે.
જે લોકોના લોહીમાં આ કેમિકલનું પ્રમાણ વધુ હોય તેમના કોષોમાં ઊર્જા બનવાનું ઘટી જાય છે અને પરિણામે વ્યક્તિને સતત થાક, સ્નાયુઓની નબળાઈ અને બ્રેઇન-ફૉગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત QACના સંપર્કમાં આવવાથી ત્વચા અને આંખમાં બળતરા, સોજા, અસ્થમા અને ક્રોનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ જેવી ફેફસાંની બીમારીઓ થવાનું જોખમ રહેલું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે લગભગ ૮૦ ટકા લોકોના લોહીમાં આ કેમિકલના અંશ જોવા મળ્યા છે જે આપણા ઘરમાં એના અતિ ઉપયોગનું પ્રમાણ દર્શાવે છે.
ઘરની સફાઈ કરતી વખતે આ સ્પ્રેનો છંટકાવ કરતી વખતે સાવચેતી રાખવી અને શક્ય હોય ત્યાં સુધી કુદરતી વિકલ્પો પસંદ કરવા જોઈએ.
શું કરવું?
આવી વસ્તુનો વપરાશ મર્યાદિત રાખવો અને ઉપયોગ કરતી વખતે માસ્ક પહેરવો અથવા ઘરને સારી રીતે વેન્ટિલેટેડ રાખવું આવશ્યક છે.