દિવાળી અને મોટી ફિલ્મો

28 October, 2021 01:50 PM IST  |  Mumbai | JD Majethia

આ બન્ને એકમેકના પર્યાય હતા અને એ દિશા હવે ધીમે-ધીમે ખૂલવાની છે, પણ એ તો જ ખૂલશે જો આપણે ચીવટ રાખીશું. સૌકોઈને એક રિક્વેસ્ટ, જો ક્યાંય સહેજ પણ સિમ્પ્ટમ્સ દેખાતા હોય તો પ્લીઝ ઘરે રહેજો

દિવાળી અને મોટી ફિલ્મો

ફાઇનલી, શુક્રવારથી સિનેમા-હૉલ પાછા ખૂલ્યા અને ઑડિટોરિયમ પણ ખૂલ્યાં. ઑડિટોરિયમ મારો પહેલો પ્રેમ રહ્યો છે અને એને લીધે જ આજે હું જે છું એ સ્થાન પામી શક્યો છું એવું મેં અગાઉ કહ્યું પણ છે એટલે તમારો વધુ સમય નહીં લઉં. પણ હા, એટલું ચોક્કસ કહીશ કે સિનેમા-હૉલને આપણે જરાય ભૂલવાના નથી. કબૂલ કે અત્યારે નીતિનિયમો હોય. એ પણ એટલું જ સાચું છે કે સમય જતાં મોટા સિનેમા-હૉલનો દોર પાછો આવશે, ધીમી-ધીમે આવશે અને એ જ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ એટલે ચીવટ સાથે, સાવચેતી સાથે પણ સિનેમા-હૉલમાં પિક્ચર જોવા જવાનું ચૂકતા નહીં. દિવાળીના દિવસો આવી ગયા છે અને તહેવારોમાં આપણે ત્યાં મોટી ફિલ્મો રિલીઝ થવાની પરંપરા રહી છે. આ વખતે પણ એ પરંપરા પળાશે, ઓછી પળાશે, થોડી પળાશે પણ પળાશે. ફરીથી મોટાં પિક્ચર રજૂ થશે અને એ પછી ફરી પાછા સિનેમા-હૉલ ભરાયેલા રહેવા માંડશે. આપણે ફરી પાછા એ જ આનંદમાં આવી જઈશું અને આ ઉદ્યોગ ફરી પાછો રિવાઇવ થશે. તમને ગયા ગુરુવારે કહ્યું હતુંને કે કોવિડના સમયમાં સૌથી વધારે હેરાનગતિ સહન જો કોઈએ કરી હોય તો એ આ ઉદ્યોગે કરી છે. બંધ સૌથી પહેલાં અને ચાલુ થવાની પ્રક્રિયા સૌથી છેલ્લે. અમુક શાળાઓ હવે ખૂલી છે, પણ એ તો ઘરેથી પણ ઑપરેટ થતી હતી એટલે સિનેમાની સાથે સીધી સરખામણી થઈ શકે એમ નથી. 
હા, સિનેમા-હૉલ શરૂ થઈ ગયા છે ત્યારે બાળકો સાથે લઈને પિક્ચર જોવા જવું કે ન જવું એ વિચારવાનું છે. બાળકોને પિક્ચર ગમે જ છે એટલે આમ તો તેમને સાથે લઈને જવાનું, પણ એ નૉર્મલ વાતાવરણમાં, અત્યારે હજી આપણું વાતાવરણ નૉર્મલ નથી થયું અને બાળકોએ તો હજી વૅક્સિન નથી લીધી, તો શું કરવું, શું ન કરવું એ માટે બધા પોતપોતાની રીતે વિચાર જરૂર કરજો. મારી વાત કહું તો, હું તો સિનેમાનો જીવ છું એટલે સ્વાભાવિક રીતે હું તો બહુ ઇચ્છીશ કે બધા જાય, પણ મારે મારા બાળકને લઈ જવાનું હોય તો આ વૅક્સિનવાળી વાતનો વિચાર એક વાર જરૂર આવે. આ વિચાર ખોટો પણ નથી.
સરકારની વાત સાવ ખોટી નથી કે પછી સરકારી ગાઇડલાઇન પણ સાવ ખોટી નથી. એણે પણ આપણા જાનમાલનું રક્ષણ કરવાનું છે. સિનેમા-હૉલ બંધ વાતાવરણમાં હોય છે. આ બંધ વાતાવરણમાં ઍરકન્ડિશન ચાલુ હોય અને જો ઍરકન્ડિશન વાતાવરણમાં બે-અઢી કલાક બેસીને ફિલ્મ જોવાની હોય તો તકલીફ થઈ શકે અને એવું ન બને એનું ધ્યાન રાખવાની જરૂર પેરન્ટ્સની છે. માટે વિચારજો. માત્ર બાળકો પૂરતું જ નહીં, તમારે માટે પણ વિચારજો અને જો તમને જરા પણ એવા કોઈ સિમ્પ્ટમ્સ લાગે, દેખાય કે પછી નૉર્મલી પણ તબિયત ઠીક ન લાગે તો તમે જવાનું અવૉઇડ કરજો. 
માત્ર સિનેમા-હૉલની જ વાત નથી કરતો, સામાન્ય બાબતોમાં પણ તમે પોતે પ્રિકોશન રાખજો. ઑફિસ શરૂ થવા માંડી છે ત્યારે પણ જો કોઈ એવા સિમ્પ્ટમ્સ દેખાય તો જવાનું અવૉઇડ કરજો. આપણે બહુ નજીક છીએ આ પૂરો ફેઝ પૂરો કરવાની બાબતમાં. હવે થોડી વધારે કાળજી રાખવાની છે, ધ્યાન રાખવાનું છે. આ થોડું વધારે ધ્યાન અને થોડી વધારે કાળજી આપણા જ હિતમાં છે. આજે ધ્યાન રાખીશું તો આવતી કાલ માટે આપણે એવું વાતાવરણ ઊભું કરી શકીશું જેમાં આખા સિનેમા-હૉલમાં આપણે એક સીટ પણ ન છોડીએ અને ફૅમિલી સાથે પૂરેપૂરા આનંદ સાથે આપણે ફિલ્મનો આનંદ લઈએ. આનંદ લેવાની વાત છે ત્યારે મારે એક વાત ખાસ કહેવી છે. ગુજરાતી ઑડિયન્સ ગુજરાતી સિનેમાને સપોર્ટ જરૂર કરજો. 
માંડ ઊભો થતો હતો આ ગુજરાતી ફિલ્મોનો ઉદ્યોગ, બધું પાછું સરસ રીતે બેઠું થતું હતું અને ઘણી સારી ફિલ્મો બનવા માંડી હતી. ‘હેલ્લારો’ અને ‘રેવા’ જેવી ફિલ્મો નૅશનલ અવૉર્ડ પણ લાવવા માંડી હતી, તો ‘ગુજ્જુભાઈ’ સિરીઝ પેટ ભરીને હસાવવાનું કામ કરવા માંડી હતી. આપણા ગુજરાતીના મોટા અને સારા ઍક્ટરો જે હિન્દી ફિલ્મો તરફ વળી ગયા હતા તેઓ પણ ગુજરાતી ફિલ્મ કરવા રાજી થવા માંડ્યા હતા. વચ્ચે મેં વાંચ્યું પણ હતું કે શર્મન જોષી ગુજરાતી ફિલ્મ કરવાનો હતો, મેં પણ પ્લાન બનાવ્યો હતો એક ગુજરાતી ફિલ્મ માટે. ગુજરાતી મારી માતૃભાષા છે અને એને કારણે જ મેં આ કૉલમ લખવાનું પસંદ કર્યું હતું. એ વિશે ફરી ક્યારેક વાત કરીશું, પણ અત્યારે આપણે ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની વાતને કન્ટિન્યુ કરીએ.
ગુજરાતી ઇન્ડસ્ટ્રી માંડ ઊભી થતી હતી ત્યાં જ કોવિડના નામનો મોટો સેડ-બૅક આવ્યો. હજી તો નવા યુગની શરૂઆત થતી હતી એટલે બહુ મોટી પણ નહોતી બની આ ઇન્ડસ્ટ્રી. એમાં લગાવેલાં નાણાંનું વળતર મળે નહીં, થિયેટરો મળવામાં પ્રૉબ્લેમ થાય અને એવા અનેક પ્રશ્નોનો સામનો આ ઇન્ડસ્ટ્રી કરતી હતી. કાચી ઉંમરે આ ઉદ્યોગ તાપ સહન કરવા પર આવી ગયો કે પછી કહો કે કાચી ઉંમરે એને કારમા ઘા સહન કરવાનો વારો આવી ગયો. આપણે સૌએ એને પાછો ઊભો કરવાનો છે. તમને સૌને મારી બહુ, બહુ, બહુ વિનંતી છે કે ગુજરાતી સિનેમાને જરૂર સપોર્ટ કરજો અને ગુજરાતી ફિલ્મો ખાસ જોવા જજો. ફિલ્મ જોવા ઉપરાંત બીજી પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પ્રકારની પાઇરસીને ક્યારેય સપોર્ટ ન કરતા. આ વાત તમામ પ્રકારની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને લાગુ પડે છે. ઉદ્યોગે બેઠા થવાની બહુ જરૂર છે. બને કે આજે તમે આ ઉદ્યોગમાં ન હો, પણ એ પણ શક્ય છે કે આવતી કાલે તમારી નેક્સ્ટ જનરેશન આ ઇન્ડસ્ટ્રીમાં હોય. તમારો દીકરો, દીકરી, ગ્રૅન્ડ ચાઇલ્ડ કે પછી તેનાં સંતાનો આ ઉદ્યોગમાં આવે અને તેનું ભવિષ્ય પાઇરસીને કારણે ડામાડોળ બને. એવું ન બને એને માટે પણ પાઇરસીને કમ્પ્લીટલી બાકાત કરીને ફિલ્મ સિનેમા-હૉલમાં જોવા જવાનો નિયમ બનાવો. જુઓ તો ખરા, કેટકેટલી મોટી ફિલ્મો આપણી રાહ જુએ છે. 

આમિર ખાનની ‘લાલસિંહ ચઢ્ઢા’, અક્ષયકુમારની ‘સૂર્યવંશી’ અને ‘રક્ષાબંધન’, રણવીર સિંહની ‘83’, રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ‘બ્રહ્માસ્ત્ર’ અને એવી અનેક ફિલ્મ જે જોવાની મજા મોટા પડદા પર જ આવે. આ ફિલ્મો પણ આપણી રાહ જુએ છે અને એ ફિલ્મો બનાવનારા, એમાં કામ કરનારાઓ પણ આપણી રાહ જુએ છે ત્યારે આપણે હજી થોડી વધારે સાવચેતી રાખીએ. આખો હાથી નીકળી ગયો છે, એક પૂંછડી બચી છે, એને પણ પ્રેમથી નીકળી જવા દઈએ. સ્વસ્થ થતી મુંબઈને જાળવી લઈએ અને પછી ખૂબ બધાં પિક્ચરો માણીએ. આ વાત કહેતી વખતે પણ હું રિપીટ કરીશ કે જેણે વૅક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે તેમણે નિશ્ચિંતપણે, કોઈ જાતની ચિંતા કર્યા વિના સિનેમા જોવા જવું જ રહ્યું, મજા કરવી જ રહી અને સિનેમાને પ્રેમથી વધાવવા જ રહ્યા. હું તો સિનેમાનો દીવાનો હતો, છું અને આજીવન રહીશ. હું તો ઘરની નાની સ્ક્રીન હવે પડતી મૂકીને ફિલ્મ જોવા જવાનો છું અને મેં તો એનો પૂરો પ્લાન પણ બનાવી લીધો છે, પણ ધારો કે તમે ન જઈ શકવાના હો, કોઈ પણ કારણસર તમારાથી સિનેમા-હૉલમાં ન જઈ શકાય તો તમે ‘ખીચડી-ધ મૂવી’ જોવાનું ચૂકતા નહીં. ડિઝની+હૉટસ્ટાર પર છે, માણજો, મજા કરજો અને બીજાને પણ મજા કરાવજો. લાઇફમાં આનંદ લેવાની એક પણ ક્ષણ જતી કરવી નહીં એ આપણને આ કોવિડે બહુ સરસ રીતે શીખવી દીધું છે, તો આ શીખને હવે લાઇફમાં ઉમેરી દેજો અને પ્રેમથી જલસા કરજો, ચીવટ સાથે. એ શરત ભુલાય નહીં.

કોરોના નામનો આખો હાથી નીકળી ગયો છે, પૂંછડી બાકી રહી છે, એને પણ નીકળી જવા દઈએ અને ચીવટ સાથે ખૂબ બધાં પિક્ચર માણીએ. જેણે વૅક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે તેમણે તો નિશ્ચિંતપણે, કોઈ જાતની ચિંતા કર્યા વિના સિનેમા જોવા જવું, ફિલ્મો જોવાની મજા કરવી જ રહી અને સિનેમાને પ્રેમથી વધાવવા જ રહ્યા.

columnists JD Majethia