12 November, 2026 04:26 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
નવું વર્ષ હંમેશાં ઉન્નત હોય એવું આપણે ઇચ્છીએ છીએ. સુખ અને સમૃદ્ધિ વધે એવી કામના આપણે કરતા હોઈએ છીએ. તન, મન અને ધન ત્રણેય દૃષ્ટિએ આપણે ઉન્નત થઈએ એવી શુભકામના માત્ર કરી લેવાનું પૂરતું નથી. આ ત્રણેય દિશામાં ઉત્કર્ષ મેળવવા માટે શું કરવું અને કયા પ્રકારના પ્રયાસો આપણને નૂતન વર્ષમાં ખરી સમૃદ્ધિ અપાવશે એ વિશે થોડુંક ચિંતન કરીએ.
તનની દૃષ્ટિએ સમૃદ્ધિ
પહેલું સુખ તે જાતે નર્યા એવું વર્ષો પહેલાં વડવાઓ કહી ગયા. આજે પણ લોકો સમજે છે કે સ્વાસ્થ્યથી મોટી કોઈ સંપત્તિ છે જ નહીં. તમારું શરીર સ્વસ્થ છે તો એના જેવું કોઈ મોટું સુખ જ નથી. આ સુખ પામવું છે તો એના માટે કુદરત સાથે એકાત્મતા જાળવવી પડશે, ઈશ્વરે જે શરીર આપ્યું છે એની કદર કરવી પડશે. આ શરીરનું ધ્યાન રાખવા માટે સૌથી મહત્ત્વની વસ્તુ જણાવતાં ગ્લોબલ હૉલિસ્ટિક હેલ્થ-ગુરુ મિકી મહેતા કહે છે, ‘આજની તારીખે આપણે શરીરને ઘણું ખરાબ રીતે વાપરીએ છીએ. ખાસ કરીને આજકાલ લોકો રાત્રે એક-દોઢ વાગ્યે સૂએ છે. એ નૉર્મલ થતું જાય છે. ઊંઘ સ્વાસ્થ્યનું સૌથી જરૂરી પાસું છે. રાતની ૮ કલાકની ઊંઘ અત્યંત જરૂરી હોય છે. આપણે એ વાત ક્યારે સમજીશું? આપણે ઊંઘીએ છીએ ત્યારે શરીરમાં રિપેરકામ ચાલે છે. આજના સમયમાં જે લોકો ખરેખર હેલ્થ સુધારવા માગતા હોય તેમણે તેમની ઊંઘ પર પહેલાં કામ કરવું જોઈએ. રાત્રે નવ-દસ વાગ્યે ઊંઘવું અને સવારે પાંચ-છ વાગ્યે ઊઠવું ખૂબ જ મહત્ત્વનું છે.’
શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે જીવનશૈલીમાં સંતુલન રાખવું અત્યંત જરૂરી છે. રોજિંદા જીવનમાં પૂરતી ઊંઘ, પોષક તત્ત્વોથી ભરપૂર આહાર અને નિયમિત કસરત કે યોગને અપનાવવાં જોઈએ. આ સિવાય તમારો આહાર અને વિહાર પણ એટલા જ મહત્ત્વના છે. એ વિશે આપણે શું ભૂલ કરીએ છીએ એ સમજાવતાં મિકી મહેતા કહે છે, ‘આપણે જરૂર કરતાં ઘણું વધારે ખાઈએ છીએ. આપણે પોષણ માટે નહીં, સ્વાદ માટે ખાઈએ છીએ. આ બન્ને ભૂલો સુધારી લઈએ તો ઘણો મોટો ફાયદો થઈ જાય. ફાસ્ટ-ફૂડ અને જન્ક-ફૂડથી દૂર રહીને તાજાં ફળો, લીલાં શાકભાજી અને પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન શરીરને હાઇડ્રેટ અને ઊર્જાવાન રાખે છે.’
વાત રહી વિહારની તો એક્સરસાઇઝ જરૂરી છે, પણ એ માટે આળસ જેટલી નુકસાનકારક છે એટલી જ વધુ પડતી એક્સરસાઇઝ પણ શરીર બગાડે છે. આ કોઈ પનિશમેન્ટ નથી. તમને મજા આવે એ રીતે અને શરીરથી શક્ય હોય એ રીતે એક્સરસાઇઝ કરવાની છે. વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢીને નિયમિત ચાલવાથી અથવા વ્યાયામ કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે. આપણે દુનિયાને યોગની ભેટ આપી છતાં આપણે ત્યાં બધા લોકો યોગ કરતા નથી. યોગ એક્સરસાઇઝ નથી, લાઇફ-સ્ટાઇલ છે. એને અપનાવવી જોઈએ. જે જ્ઞાન આપણું છે એ જ્ઞાનનો ઉપયોગ આપણે નહીં કરીએ તો એમાં નુકસાન આપણું છે. આ મૂળભૂત સિદ્ધાંતો છે જેના પર ચાલીને તમે તમારું સ્વાસ્થ્ય ચમકાવી શકો છો, સુધારી શકો છો અને એનાથી ઘણો ફાયદો થશે.’
મનની દૃષ્ટિએ સમૃદ્ધ
આ દિવાળીએ તમારા મનને પણ પ્રકાશિત કરો એવું આપણે ઘણી વખત બોલીએ છીએ, સાંભળીએ છીએ; પણ કઈ રીતે એ શક્ય બનશે એના પર ઊંડો વિચાર કરતા નથી. દિવાળીમાં ઘરને દીપાવ્યું, પણ મનનો ખૂણો અંધકારમાં ડૂબેલો હોય એ નહીં ચાલે. નવા વર્ષે આસપાસના વાતાવરણને ઉજ્જવળ બનાવવાનો અને નવી શરૂઆત કરવાનો સમય છે. મનને સમૃદ્ધ કરવા માટે આપણે વ્યક્ત ન થયેલી લાગણીઓ, અવાસ્તવિક અપેક્ષાઓ, અપરાધભાવ કે ગિલ્ટ અને અઢળક નિરાશાઓ પર કામ કરવું પડશે એમ સમજાવતાં અને સ્વસ્થ મન માટેનાં ૭ નાનાં પગલાં જણાવતાં સાઇકોલૉજિસ્ટ નેહા મોદી કહે છે, ‘માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે દરેક લાગણીનું કે ભાવનું એક નામ છે એ નામ આપતાં શીખો. લાગણીને દબાવી ન રાખો. જ્યારે હેરાન થઈ રહ્યા હો ત્યારે તરત જ પ્રતિક્રિયા આપવાને બદલે થોભો અને એ લાગણીને ઓળખો, નામ આપો. લાગણીને નામ આપવાથી એને સમજવામાં મદદ મળે છે. બીજું એ કે ‘ના’ પાડવાનો અભ્યાસ કરો. જે વચનો કે જવાબદારીઓ તમને થકવી નાખે છે એનો અસ્વીકાર કરો. તમારી ભાવનાત્મક ઊર્જાનું રક્ષણ કરવું એ સ્વાર્થ નથી. આ સિવાય સમજવા માટે સાંભળવાની આદત કેળવો. કોઈ પણ પ્રકારના સુધારા વગર, બચાવ કર્યા વગર અથવા તમારી જાતને સાચી સાબિત કર્યા વગર બસ વાતચીત કરો. જીતવા કરતાં સમજવું વધુ મહત્ત્વપૂર્ણ છે એ યાદ રાખો.’
આ યુગમાં માનસિક સ્વાસ્થ્યને ઠીક રાખવા માટે મહત્ત્વની વાતો સમજાવતાં નેહા મોદી કહે છે, ‘ઉજવણીની સરખામણી ન કરો. કોઈ બીજાની ખુશી તમારી ખુશીને ઓછી કરતી નથી એ યાદ રાખો. દરરોજ તમારા પોતાના જીવનની એક બાબતની પ્રશંસા કરો. તમારી જાત સાથે એક વચન પાળો. એક નાનો દૈનિક સંકલ્પ પસંદ કરો અને એને પૂરો કરો. એ ખુદ પરનો વિશ્વાસ વધારે છે. બીજું એ કે અપૂર્ણતાને સ્વીકારો. દરેક સંબંધ, ઉજવણી કે અપેક્ષા પરિપૂર્ણ નહીં હોય. તમે જેના પર પ્રભાવ પાડી શકો એના પર ધ્યાન કેન્દ્રિત કરો. આ ઉપરાંત તમારી જાત પ્રત્યે દયા રાખો. તમે જે રીતે બીજાઓ સમક્ષ સરળતાથી ધીરજ અને સમજણ દાખવો છો એવી જ ધીરજ અને સમજણ તમારી જાતને પણ આપો. ચાલો, આ નવા વર્ષે ફક્ત આપણાં ઘરો જ નહીં; આપણા વિચારો, સંબંધો અને ભાવનાત્મક સ્વાસ્થ્યને પણ પ્રકાશિત કરીએ. યાદ રાખો, જ્યારે જરૂર પડે ત્યારે પ્રોફેશનલ મદદ લેવી એ શક્તિની નિશાની છે.’
ધનની દૃષ્ટિએ સમૃદ્ધિ
તમે પૈસા કમાઓ એટલે તમારી પાસે લક્ષ્મી છે એવું માની લેવું ભૂલભરેલું છે; પૈસા તો ઘણા લોકો પાસે હોય, પરંતુ લક્ષ્મી દરેક વ્યક્તિ પાસે નથી હોતી. આ ધારદાર વાક્યથી પોતાનો મત સ્પષ્ટ કરતાં ફાઇનૅન્સ ઍડ્વાઇઝર ગૌરવ મશરૂવાલા કહે છે, ‘દિવાળીનો સમગ્ર તહેવાર જો તમે સમજી શકો તો ખરા અર્થમાં ધન અને સમૃદ્ધિ શું છે એ સમજી શકાય. વાક્બારસના દિવસે વાણીની એટલે કે સરસ્વતીપૂજા કરવી જરૂરી છે. ફાઇનૅન્સના ક્ષેત્રમાં અમે એને જ્ઞાનના સ્વરૂપે જોઈએ છીએ. ફાઇનૅન્શિયલ લિટરસી ખૂબ જ મહત્ત્વની છે. ધનતેરસના દિવસે આપણે ધન્વંતરિદેવની પૂજા કરી, કારણ કે સ્વાસ્થ્ય જ ખરી સમૃદ્ધિ છે. કાળીચૌદસના દિવસે ઈર્ષા, લોભ અને લાલચ જેવી નકારાત્મક લાગણીઓ દૂર કરીને આપણે બિહેવિયરલ ફાઇનૅન્સ સમજીએ છીએ. પૈસા પ્રત્યેનું તમારું વર્તન કેવું હોવું જોઈએ એ સમજવું પણ ખૂબ જ જરૂરી છે. આ સમજ્યા પછી આપણે દિવાળીના દિવસે પરિવાર સાથે મળીને લક્ષ્મીનું પૂજન કર્યું. જેવી રીતે લક્ષ્મીપૂજન બધા સાથે મળીને કરવામાં આવે છે એમ ફાઇનૅન્સ પણ બધા સાથે ભેગા થઈને મૅનેજ કરવું જોઈએ. એના પછી નવ વર્ષે આપણે આપણા કર્મચારીઓને બોનસ અથવા ગિફ્ટ આપી, કારણ કે જે પૈસા આપણે કમાઈએ છીએ એ કર્મચારીઓ થકી આપણે કમાઈ રહ્યા છીએ એ ભાવ સાથે તેમનો આભાર વ્યક્ત કરવો જરૂરી છે. ભાઈબીજની જો વાત કરું તો એવું છે કે પૈસામાં સ્ત્રીનો હક આપણી સંસ્કૃતિમાં હંમેશાંથી હતો. આ દિવસે ભાઈ પોતાની બહેનને હક આપે. આ બધા જ પડાવ તમે યોગ્ય રીતે પાર કરો તો લાભપાંચમે લાભ થાય એ સમજજો. આપણે ત્યાં કહેવાયું છે કે લક્ષ્મી હંમેશાં વિષ્ણુ પાસે રહે. વિષ્ણુ એ નૈતિકતા છે. જો તમે ખરા અર્થમાં સમૃદ્ધિ ઇચ્છતા હો તો આપણી સંસ્કૃતિમાં સમાયેલા આ ગૂઢ અર્થોને સમજો. એ સમજીને અનુસરશો તો લક્ષ્મી તમારી પાસે આવશે પણ અને સ્થાયી થઈને ટકશે પણ.’
પ્રૅક્ટિસમાં ફાઇનૅન્સ બાબતે ધ્યાન રાખવાની જરૂરી સલાહ આપતાં ગૌરવ મશરુવાલા કહે છે, ‘ફાઇનૅન્સની બાબતમાં તમારા ગોલ્સ એકદમ સ્પષ્ટ હોવા જોઈએ. તમારે ક્યાં પહોંચવું છે અને ક્યાં જઈને અટકવું છે એ તમને સ્પષ્ટ રીતે ખબર હોવી જોઈએ. બીજી મહત્ત્વની વાત એ છે કે તમારું ફૅમિલી બજેટ નિશ્ચિત હોવું જોઈએ. ઘણાં ઘરોમાં આજે પણ જોવા મળે છે કે પૈસા ક્યાં ગયા એ ખબર જ નથી હોતી. ખર્ચ થઈ ગયા બસ. એવું ન હોવું જોઈએ. વળી દર મહિને બચત અનિવાર્ય છે જે કરવી જ જોઈએ. આ સિવાય ઇન્શ્યૉરન્સ લેવો જરૂરી છે. લોન જલદી ચૂકવી નાખવી. આજકાલ લોકો લોન પર લોન લે છે અને સમજે છે કે ચૂકવ્યા કરીશું જીવનભર, પણ આ અપ્રોચ યોગ્ય નથી. આ સિવાય દરેક વ્યક્તિએ પોતાનું વિલ બનાવવું જ જોઈએ એ ધ્યાન રાખવું. હું માનું છું કે દરેક વ્યક્તિ ૩ મહિનામાં એક વાર ફાઇનૅન્સ ડેટ ઊજવે. પાર્ટનર સાથે રોમૅન્ટિક ડેટ જેટલી જરૂરી છે એટલી જ જરૂરી ફાઇનૅન્સ ડેટ પણ છે. પાર્ટનરને તમારા પૈસા બાબતે બધી જ ખબર હોવી જોઈએ. પરિવારને પણ જાણકારી આપો અને સમજ કેળવો એ જરૂરી છે. આ રીતે ધન-સંબંધિત સમૃદ્ધિ તમે પામી શકશો.’
- જિગીષા જૈન