✕

દિવાળીના દિવસોમાં ટ્રેનમાં થતી ભીડ સમજાવે છે દિવાળીનો સાચો અર્થ

16 November, 2026 12:18 PM IST  |  Mumbai | Jigisha Jain

પોતાના ઘરથી કરીઅર માટે કે ભણતર માટે દૂર રહેતી દરેક વ્યક્તિ કોઈ પણ ભોગે, પૂરી કોશિશો કરીને દિવાળીએ તો ઘરે જાય જ છે કારણ કે દિવાળી એટલે ઘર અને ઘર એટલે જ દિવાળી

પ્રતીકાત્મક તસવીર

ભારતીય રેલવેના આંકડા અનુસાર દિવાળીના તહેવાર દરમ્યાન દેશનાં પાંચ મુખ્ય રેલવે-હબ — દિલ્હી, મુંબઈ, બૅન્ગલોર, હૈદરાબાદ અને સુરતમાંથી મુસાફરોની ભારે અવરજવર જોવા મળી હતી. ૧થી ૬ નવેમ્બર દરમ્યાન આ પાંચ પ્રદેશોનાં ૧૬ મુખ્ય સ્ટેશનો પરથી ૫૬.૬૮ લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી, જે સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિનાની સરખામણીમાં આશરે ૨૦ લાખ વધારે હતા. ધનતેરસના દિવસે ૬ નવેમ્બરે સૌથી વધુ ભીડ જોવા મળી હતી. કુલ મુસાફરોમાંથી ૬૧% એટલે કે ૩૪.૭૭ લાખ મુસાફરો માત્ર દિલ્હી (૨૦.૪૨ લાખ) અને મુંબઈ (૧૪.૩૩ લાખ)થી રવાના થયા હતા. આ દિવસો દરમ્યાન આ બન્ને શહેરોમાંથી દરરોજ સરેરાશ ૫.૮ લાખ મુસાફરોએ ટ્રેન પકડી હતી. કુલ મુસાફરોમાંથી ૫૨.૫% એટલે કે લગભગ ૩૦ લાખ લોકોએ રિઝર્વેશન સાથે મુસાફરી કરી, જ્યારે ૪૭.૫% એટલે કે લગભગ ૨૭ લાખ લોકોએ જનરલ કે અનરિઝર્વ્ડ કોચમાં મુસાફરી કરી. આ લાખોની ભીડમાં એક હું પણ હતી. 
મારું સાસરું ભોપાલ છે. મારા પતિ વિવેક નાના હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું. સંયુક્ત પરિવારની છત હેઠળ ચાચા-ચાચીઓએ તેમનો ઉછેર કર્યો. મારાં સાસુ સાથે વર્ષોથી અમે મુંબઈમાં રહીએ છીએ, પરંતુ દર દિવાળીએ ભોપાલના મોટા ઘરે જવાનો રિવાજ અકબંધ છે. ગમે તેટલાં વ્યસ્ત હોઈએ, ગમે તે થાય પણ અમારા માટે દિવાળી તો ભોપાલની જ. તકલીફ એ છે કે મોંઘવારી સાથે ફ્લાઇટના ભાવ ખાસ કરીને દિવાળીએ આસમાને જતા રહે છે. આ વખતે તો ઍરલાઇન્સે હદ જ કરી નાખી. મુંબઈથી ભોપાલ જવાની ટિકિટ શરૂઆતમાં ૧૭ હજાર હતી જે પાછળથી ૨૪ હજાર રૂપિયા થઈ ગઈ હતી. અમે ઘરમાં ૭ વ્યક્તિ છીએ એટલે ફક્ત જવાનું કુલ ભાડું ૧ લાખ ૧૯ હજાર રૂપિયા થતું હતું. આ ગણિત તમે ગમે તેટલાં સધ્ધર હો તો પણ ગળે ન જ ઊતરે એટલે બધાએ નક્કી કર્યું કે ટ્રેનમાં જતા રહીશું. એક એજન્ટ થકી ફાસ્ટેસ્ટ ટ્રેન રાજધાનીમાં ટિકિટ મળી ગઈ, પણ થર્ડ ACની. એ પણ વળી બધાંની અલગ-અલગ અને અમુક સ્ટેશન પછી તમારે બર્થ ચેન્જ કરવી પડે એમ હતું. 
ટ્રેનમાં ધાર્યું હતું એના કરતાં ઘણી વધુ ભીડ હતી. બેસવાની નીચેની બર્થ પર જ્યાં ૩ જણ બેસે છે ત્યાં પાંચ-પાંચ જણ બેઠા હતા. સતત દરેક સ્ટેશન પર લોકો આવતા જ જતા હતા. રાજધાની એક્સપ્રેસ મુંબઈથી દિલ્હી જઈ રહી હતી જેમાં અમારે વચ્ચે ભોપાલ ઊતરવાનું હતું. ટ્રેનની મજા એ છે કે અજાણ્યા લોકો સાથે પણ તમે કલાકો વાતો કરી શકો છો. મજાની વાત એ હતી કે લગભગ બધા જ પૅસેન્જર્સ દિવાળી માટે ઘરે જઈ રહ્યા હતા. કોઈ કમાવા માટે બીજા શહેરમાં રહેતું હતું તો કોઈ ભણવા માટે, કોઈનો વેપાર વ્યાપક હતો એટલે તે એક જગ્યાએ સ્થિર નહોતા તો કેટલાક ટ્રેઇનિંગ માટે બીજા શહેરમાં હતા. ઘણા લોકોને ટિકિટ મળી નહોતી, છતાં રિસ્ક લઈને તેઓ ટ્રેનમાં ચડ્યા હતા. ઘણા પાસે અડધી ટિકિટ હતી તો ઘણા પાસે વેઇટિંગની ટિકિટ હતી. આ સિવાય RACવાળા તો ખરા જ. બધા મળીને TCની આજુબાજુ બર્થ માટે ચક્કર લગાવી રહ્યા હતા. બધા કોઈ ને કોઈ જુગાડ કરીને પણ સીટ ઇચ્છતા હતા, કારણ કે બધાને ઘરે જવું હતું. દિવાળી ઊજવવા. 
દિલ્હી અને મુંબઈના લોકોમાં એક ફરક તમે જોઈ શકો છો. દિલ્હીના લોકો પાસે વિસ્તારની સરખામણીમાં ઓછી આબાદીની અમીરાત છે. મુંબઈ ખચાખચ છે. આપણી લોકલ ટ્રેને આપણને ઇન્ક્લુઝિવ બનતાં શીખવ્યું છે. ડબ્બામાં પગ મૂકવાની જગ્યા ન હોય તો પણ ભીડને કોઈ પણ રીતે અંદર સમેટી લેતી જનતા સમજે છે કે જેમ મારે ઘરે જલદી પહોંચવું છે એમ બીજી વ્યક્તિને પણ ઘરે જલદી જવું છે. આ જ વાત એ દિવસે હતી. અમને દિવાળીએ ઘરે જવું છે અને આ લોકોને પણ. ફરક શું છે? સદ્નસીબે અમારી પાસે ટિકિટ છે અને તેમની પાસે નથી, પરંતુ એનાથી ખરેખર કંઈ બદલાતું નથી. દિલ્હીના લોકો રેલવે પર બળાપો કાઢી રહ્યા હતા. કોઈ જગ્યા માગે તો ફેલાયેલા પગને સંકોરવામાં ઘણો સંકોચ કરી રહ્યા હતા, પરંતુ મુંબઈના લોકો ઍડ‍્જેસ્ટ કરીને કહેતા કે અહીં જગ્યા છે, બેસી જાઓ. 
વાતો કરી ત્યારે ખબર પડી કે કોઈ બૅન્કમાં મૅનેજર હતું તો કોઈ કૉર્પોરેટ ઑ‌ફિસમાં સારા સ્કેલ પર કામ કરી રહ્યું હતું. એક ઇન્કમ-ટૅક્સ ઑફિસરનો પરિવાર હતો તો એક કૉલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતા હતા. બોગીમાં યુવાન આર્મીના જવાનોનું એક ગ્રુપ પણ હતું. એક આન્ટી પોતાના દુબઈ વેકેશનની વાતો કરતાં થાકી નહોતાં રહ્યાં તો એક મેડિકલ સ્ટુડન્ટ આટલા અવાજમાં પણ પોતાની ચોપડીમાં જ ઘૂસેલી હતી. બધા જ સક્ષમ ઘરના લાગતા હતા. ટીસી જેટલા લોકોને બર્થ આપી શકે એમ હતા તેટલા લોકોને તેમણે બર્થ કરી આપી. જોત-જોતાંમાં રાત પડી ગઈ. ડબ્બો ધીમે-ધીમે શાંત થઈ ગયો. સીટ પર બેઠેલા પાંચ-પાંચ જણમાંથી ત્રણ-ત્રણ જણે પોતપોતાની બર્થ પકડી. મને લાગ્યું કે બાકીના લોકો આઘા-પાછા થઈ ગયા. રાત્રે બે વાગ્યે ભોપાલ આવવાનું હતું. દોઢ વાગ્યાનો અલાર્મ સેટ કરીને મેં નીચે પગ મૂક્યો તો ધીમી ચીસ પાડી ઊઠી. મારા પગ પાસે પેલા બૅન્ક-મૅનેજર સૂતા હતા. મેં તેમને તરત સૉરી કહ્યું. તેમણે કહ્યું, ‘અરે! તમને ક્યાં ખબર હતી. કંઈ વાંધો નહીં.’ મેં નજર કરી તો આખા રસ્તામાં નીચે બધા છાપાં પાથરીને કે ચાદર નાખીને સૂઈ ગયાં હતા. દરવાજા પાસે જ્યાં અટેન્ડન્ટ સૂએ ત્યાં તો ટૉઇલેટ પાસે ચાર જણ સૂતા હતા. પેલી મેડિકલ સ્ટુડન્ટ બેઠાં-બેઠાં ઝોકાં ખાઈ રહી હતી, તેને બર્થ મળી નહીં. પેલો કૉર્પોરેટ જૉબવાળો છોકરો પોતાની લૅપટૉપ બૅગને માથા નીચે રાખીને આડો પડ્યો હતો. 
ગરીબ લોકોને આવી આદત હોય છે. જીવન તેમનું કપરું હોય એટલે આવી ટ્રેન-જર્ની તેમને હલાવી ન શકે, પરંતુ થોડાક સધ્ધર પરિવારોના લોકો માટે ટ્રેનમાં નીચે સૂવું કે ટૉઇલેટ પાસે બેસી રહેવું આપણે ધારીએ એટલું સહેલું તો નથી. તેમને જોઈને અડધી રાત્રે મારા મનમાં પ્રશ્ન જાગ્યો કે આવી હાડમારી એ લોકો શું કામ વેઠી રહ્યા હતા? ક્યાં રહી જવાના હતા દિવાળી મનાવ્યા વગરના. પરંતુ ઠંડીમાં ટૂંટિયું વાળીને, જેમ-તેમ રાત પસાર કરતા લોકોના મનમાં જાણે કે દૃઢ હતું કે દિવાળી છે. ઘરે તો જાવું જ છે. 
રામ ૧૪ વર્ષે વનવાસમાંથી ઘરે આવ્યા ત્યારે અયોધ્યાવાસીઓએ દિવાળી ઊજવી હતી. રામની જેમ કોઈ પણ કારણોસર અઢળક લોકો ઘરથી દૂર જીવન જીવતા હોય છે. રામનો તો વનવાસ ૧૪ વર્ષે પતી ગયેલો, પણ અમુક બાળકોનો તો વનવાસ પતતો જ નથી. કરીઅર અને કામની લાહ્યમાં ઘરથી દૂર રહેતા દરેક બાળકને દિવાળી પોકારતી હોય છે. રામને કારણે ઊજવાયેલી દિવાળીને હજારો વર્ષો ભલે થયાં, છતાં આજે પણ તહેવાર તો એ જ છે. ઘરનું બાળક એક સમય પછી ઘરે આવે ત્યારે ઊજવાતો તહેવાર એટલે જ દિવાળી. બરાબરને?

columnists indian railways diwali festivals gujarati mid day