✕

આપણે સંપત્તિના પૂજન સાથે સમૃદ્ધિનું સર્જન પણ કરવાનું છે

10 November, 2026 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુટુંબ માટે સંપત્તિ વાપરીશું નહીં તો આપણે તિજોરીના ચોકીદાર બનીને રહી જઈશું, પૂજા પૂરી થતાં જ કોઈનો મોબાઇલ રણકી ઊઠ્યો હશે. કોઈ નવી કારની ઑફર કે કોઈ ઑનલાઇન શૉપિંગ સાઇટ પર દિવાળી ડિસ્કાઉન્ટની જાહેરાત.

આપણે સંપત્તિના પૂજન સાથે સમૃદ્ધિનું સર્જન પણ કરવાનું છે

આજે નવા સંવત્સરના પ્રથમ દિવસની અનેકાનેક શુભકામનાઓ. દિવાળીની સાંજે દરેક પરિવારમાં લક્ષ્મીપૂજન અને ચોપડાપૂજન થયું. મા લક્ષ્મી-સરસ્વતી-ગણેશની સુંદર છબી કે મૂર્તિઓ, ચાંદીના સિક્કા, નવા ચોપડા, લાલ પેન, કિત્તો, મીઠાઈ, રંગોળી અને દીવડાઓની સજાવટ થઈ. પરિવારના સભ્યોએ આરતી કરીને પ્રાર્થના કરી હશે કે ઘરમાં સુખ, શાંતિ અને ધનસંપત્તિની વૃદ્ધિ થાય. 

પૂજા પૂરી થતાં જ કોઈનો મોબાઇલ રણકી ઊઠ્યો હશે. કોઈ નવી કારની ઑફર કે કોઈ ઑનલાઇન શૉપિંગ સાઇટ પર દિવાળી ડિસ્કાઉન્ટની જાહેરાત. લક્ષ્મીજીનું સ્વાગત હજી પૂરું થયું નથી ત્યાં તો ક્રેડિટ કાર્ડ મહારાજ મંત્રોચ્ચાર કરવા લાગશે. દિવાળી અને સંપત્તિનો સંબંધ બહુ જૂનો છે. ધનતેરસે સોનું કે ચાંદી ખરીદવાની પરંપરા હોય કે દિવાળીના દિવસે નવા હિસાબી ચોપડા શરૂ કરવાની રીત, દરેકમાં સંપત્તિવૃદ્ધિની આશા જોડાયેલી હોય છે જ. આજે પણ ધનતેરસ આવે એટલે ઝવેરીબજારમાં ભીડ જોવા મળે છે. જોકે હવે રોકાણના નવા વિકલ્પો પણ ઉપલબ્ધ છે. Gold ETF, કલ્પવૃક્ષ, અને અન્ય નાણાકીય સાધનો દ્વારા સોનામાં રોકાણ શક્ય બન્યું છે. એટલે પરંપરા તો યથાવત્ છે, પણ એને ખરીદવાની રીત બદલાઈ રહી છે.

સોનાની ખરીદીમાં એક રસપ્રદ માનસિકતા પણ છે. સોનાના ભાવ વધે ત્યારે ખરીદવું મોંઘું લાગે છે. અને ભાવ ઘટે ત્યારે હજી વધુ ઘટશે એવી આશા રહે છે. પરિણામે ખરીદીનો નિર્ણય ઘણી વાર જરૂરિયાત કરતાં બજારના મૂડ પર આધારિત બની જાય છે. ધનતેરસના શુભ મુહૂર્તમાં ખરીદેલું સોનું શુભ જ હોય છે, પરંતુ દરેક ખરીદી ઉત્તમ રોકાણ બની જાય એવું જરૂરી નથી.
દિવાળીમાં હવે ખરીદીની રીત પણ બદલાઈ છે. પહેલાં બજારમાં જઈને ખરીદી થતી હતી. હવે મોબાઇલની એક ક્લિકથી આખું બજાર ઘરમાં આવી જાય છે. ડિસ્કાઉન્ટ, કૅશબૅક, ક્રેડિટ કાર્ડ પૉઇન્ટ્સ અને Buy Now Pay Later જેવી સુવિધાઓ ખરીદીને સરળ બનાવે છે. તેથી ખરીદી કરતી વખતે એવું લાગે કે જાણે પૈસા બચાવી રહ્યા છીએ, પણ ક્યારેક ડિસ્કાઉન્ટ મેળવવા માટે બિનજરૂરી વસ્તુ ખરીદી લઈએ છીએ. વિવિધ સ્કીમોને કારણે આજે ખરીદીનો આનંદ તો તરત મળે છે અને બિલ પણ થોડાં અઠવાડિયાં પછી આવે છે, પરંતુ દિવાળી પછીના EMIના 
હપ્તા દર મહિને યાદ અપાવતા રહે છે કે દિવાળી કેવી સરસ ઊજવી હતી.

આર્થિક દુનિયામાં બીજી એક નવી રસપ્રદ બાબત છે, શૅરબજાર પ્રત્યે વધતું આકર્ષણ. ખાસ કરીને Jio Platforms Ltdના IPOથી યુવાનોમાં મ્યુચ્યુઅલ ફંડ, સ્ટૉક માર્કેટ, ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ વગેરેની ચર્ચા સામાન્ય બની રહી છે. નાણાકીય જાગૃતિ વધે એ સારી બાબત છે, પરંતુ સોશ્યલ મીડિયા પર શૅરબજારમાં મોટો નફો કર્યો હોવાની પોસ્ટ કોઈ મૂકે એટલે આપણે પણ તરત રોકાણ કરવા દોડી જઈએ તો મુશ્કેલી થઈ જાય. રોકાણ અને સટ્ટા વચ્ચેની પાતળી રેખા ક્યારે ઓળંગાઈ જાય છે એની ખબર પણ પડતી નથી. 

વળી સ્ટૉક માર્કેટ અને કૉમોડિટી માર્કેટને સમજવા માટે ઑન/ઑફલાઇન ક્લાસિસ પણ ચાલે છે. ટેક્નિકલ ઍનૅલિસિસ, હેજિંગ, કૅન્ડલસ્ટિક્સ, સ્ટૉપલૉસ વગેરે શબ્દોની જાર્ગનમાં તમે અટવાઈ જાઓ. મોટી-મોટી ફી ભરીને તમે કમાઓ કે ન કમાઓ, એ લોકો તો કમાઈ જ જાય છે. છેલ્લો દાખલો અવધૂત સાઠે ટ્રેડિંગ અૅકૅડેમીનો છે. SEBIએ એ કંપનીને જનતાના ૫૪૬.૧૭ કરોડ વ્યાજ સાથે પાછા ચૂકવવાનો આદેશ આપ્યો અને ૧૦ કરોડની પેનલ્ટી કરી એ વધારામાં. આના પરથી તમે કલ્પના કરી શકો છો કે કેટલા લોકો આવા ક્લાસિસમાં જોડાયા હશે. SEBIએ આ કંપની પર પ્રતિબંધ મૂકી દીધો છે.

એક બીજી બાબત પણ વિચારવા જેવી છે. આપણે ઘણી વાર સંપત્તિ અને સમૃદ્ધિને એક જ અર્થમાં લઈએ છીએ. સંપત્તિ એટલે બૅન્કમાં જમા રકમ, થાપણ, મિલકત, જર-ઝવેરાત, જમીન અને શૅરબજારનું રોકાણ; પરંતુ સમૃદ્ધિમાં પરિવારની સુરક્ષા, સ્વાસ્થ્ય, શાંતિ અને સંબંધોની મીઠાશ તેમ જ બીજાને મદદ કરવાની ક્ષમતા પણ સામેલ છે. પૈસા કમાવાની આવડત મહત્ત્વની છે, પરંતુ પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવો એની સમજ પણ એટલી જ જરૂરી છે. 

દિવાળીમાં લક્ષ્મીપૂજન કરીએ ત્યારે એ જોવું કે આપણા ઘરમાં આવતી લક્ષ્મી સામે બારણે ટકોરાબંધ પ્રવેશે. પાછલે બારણેથી લાવવી પડે એ લક્ષ્મી સાત મણની તળાઈ આપશે, પણ ઊંઘ લઈ લેશે. પૈસા કમાવા એ આવડત છે, બચાવવા એ શિસ્ત છે, વધારવા એ આયોજન છે અને યોગ્ય રીતે વાપરવા એ સંસ્કાર છે. કુટુંબ માટે સંપત્તિ વાપરીશું નહીં તો આપણે એ તિજોરીના ચોકીદાર જ બનીને રહી જઈશું. 

બાય ધ વે 
તમને ખબર છે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા ૬.૨૦ કરોડથી વધીને ૧૧ કરોડ જેટલી થઈ ગઈ છે. મતલબ કે ૭૭%નો વધારો અને ખર્ચ ૭૨ હજાર કરોડથી વધીને ૨.૦૧ લાખ કરોડ જેટલો વધી ગયો છે. ૧૮૦%નો વધારો. ધ્યાન ન રાખીએ તો મુદ્દલ કરતાં વ્યાજ વધારે ચૂકવવાનું આવે. વળી સોનાના ભાવ વધતાં જૂના સોનાની સામે ધિરાણ લેવાની દોડ લાગી. સોનાના ભાવમાં ૧૨૨% વધારો થયો. તો Gold Loan Portfolioમાં ૫૨૮%નો વધારો થયો છે. આ બધાને પરિણામે સરેરાશ બચત જે ૧૧.૬ ટકા હતી એ ઘટીને ૭ ટકા થઈ ગઈ છે. આ આંકડા દિવાળીના ચોપડાપૂજન થયા પછી લક્ષમાં રાખવા જરૂરી છે, જેથી લક્ષ્મી ઘરમાંથી જતી અટકે. નચિકેતાએ ધન, સંપત્તિ, આયુષ્ય વગેરે લાલચો ઠુકરાવી હતી; પણ આપણે ક્યાં નચિકેતા છીએ? માટે નૂતન વર્ષે આપની સંપત્તિ અને સમૃદ્ધિ બન્નેમાં ઉત્તરોતર વૃદ્ધિ થતી રહે એવી અનેકાનેક શુભકામનાઓ.

યોગેશ શાહ શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ છે અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે.

columnists diwali festivals culture news mahalaxmi life and style lifestyle news