આંદોલનની ભઠ્ઠીમાં પ્રજા હોમાય છે અને નેતાઓની કરીઅર સેટ થાય છે

27 July, 2026 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાસ્તવમાં આમાં વાંક આવા નેતાઓ કરતાં પણ વધુ જનતાનો છે. ક્ષણિક આવેશમાં કે ભુલાવામાં આવીને જનતા આવા આંદોલનકારીઓને માથે બેસાડે છે અને તેમની પેઢીઓ બેઠા-બેઠા ખાધા કરે એવી ગોઠવણ ખુદ પોતાના હાથે કરી આપે છે

હેમંત રેવર ઇન્શ્યૉરન્સ એજન્ટ છે. છેલ્લાં પચીસ વર્ષથી તેમની પોતાની એજન્સી છે. તેઓ મુંબઈ મેઘવાળ પંચાયતના સક્રિય કાર્યકર છે.

વર્ષો પહેલાં અણ્ણા હઝારેએ ભ્રષ્ટાચારવિરોધી આંદોલન કર્યું હતું. એ આંદોલનમાંથી અરવિંદ કેજરીવાલ અને કુમાર વિશ્વાસ જેવા દેશ માટે સાવ નવા જ ચહેરાઓ સામે આવ્યા હતા. એ સમયે પ્રજાને તેમનામાં એક આદર્શવાદી નેતાનાં દર્શન થતાં હતાં. સમય જતાં આંદોલન પૂરું થઈ ગયું, પણ જો આ આંદોલનથી કોઈને સૌથી મોટો આર્થિક કે રાજકીય ફાયદો થયો હોય તો એ અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમ છે.

આંદોલન વખતે તેમણે જાહેર કર્યું હતું કે તેમનો કોઈ પક્ષ સ્થાપવાનો કે રાજકારણમાં ઝંપલાવવાનો હેતુ નથી, પરંતુ અસલી હેતુ તો ત્યારે સામે આવ્યો જ્યારે અણ્ણા હઝારે જેવા વડીલ નેતા જેમની આંગળી પકડીને તેઓ આગળ આવ્યા હતા તેમને જ છોડીને આમ આદમી પાર્ટીની સ્થાપના કરી દીધી. ત્યાર બાદ દિલ્હીની જનતાને મોટાં-મોટાં દિવાસ્વપ્નો બતાવીને તેઓ મુખ્ય પ્રધાન બની ગયા. દેશમાં આવા તો ઘણા નેતાઓ આવ્યા છે જેમણે આંદોલન કરી-કરીને પોતાનો સ્વાર્થ સાધ્યો છે અને પોતાની રાજકીય રોટલી શેકી છે.

વાસ્તવમાં આમાં વાંક આવા નેતાઓ કરતાં પણ વધુ જનતાનો છે. ક્ષણિક આવેશમાં કે ભુલાવામાં આવીને જનતા આવા આંદોલનકારીઓને માથે બેસાડે છે અને તેમની પેઢીઓ બેઠા-બેઠા ખાધા કરે એવી ગોઠવણ ખુદ પોતાના હાથે કરી આપે છે. પણ અફસોસ, જ્યારે જનતાને કે આજની નવી જનરેશનને આ નેતાઓના આંદોલન પાછળની અસલી મકસદ સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે.

ચલો, એક ક્ષણ માટે માની લઈએ કે ભૂતકાળમાં સોશ્યલ મીડિયા એટલું સક્રિય નહોતું એટલે આંદોલનકારીઓએ પ્રજાની લાગણીઓનો લાભ ઉઠાવી લીધો, પણ આજે તો સ્થિતિ અલગ છે. દરેકના ખિસ્સામાં અને હાથમાં સ્માર્ટફોન હોય છે. દરેક વ્યક્તિ અને ઘટનાની સત્યતા આંગળીના ટેરવે મેળવી શકાય છે. તો પછી પ્રશ્ન એ થાય છે કે ભૂતકાળનાં આંદોલનો અને એના દ્વારા કોની કરીઅર સેટ થઈ ગઈ એ જોવા છતાં નવી જનરેશન શા માટે નવાં-નવાં આંદોલનોમાં જોડાઈને પોતાને મૂર્ખ બનાવે છે?

એક વાત સત્ય છે કે આંદોલનકારી નેતાઓએ ક્યારેય પોતાના માથે લાઠીઓ નથી ખાધી. તેઓ તો માત્ર પ્રજાને ઉશ્કેરે છે. જનતાનાં માથાં ફોડાય છે અને સામાન્ય માણસ આખી જિંદગી પોલીસ-સ્ટેશન તથા કોર્ટના ધક્કા ખાતો થઈ જાય છે. નેતાઓ સ્ટેજ પરથી ભાષણ આપીને ઘરભેગા થઈ જાય છે, જ્યારે સામાન્ય પરિવાર પોતાની રોજીરોટી અને શાંતિ ગુમાવી બેસે છે. ભૂતકાળમાં પ્રજાએ આંદોલનના નેતાઓને માથે ચડાવીને તેમની ૭ પેઢીઓને સધ્ધર કરી દેવાની જે ભૂલો કરી છે એવી ભૂલ આજની નવી જનરેશન ન કરે તો જ ભારતનું ભવિષ્ય ખરેખર ઉજ્જવળ બનશે.

columnists exclusive gujarati mid day