અમદાવાદીઓએ તો આઝાદી પહેલાં ચૂંટણીની ડિમાન્ડ કરેલી

27 November, 2022 10:46 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

અને ખરેખર ચૂંટણી થઈ પણ હતી...

ગુજરાતમાં વિધાનસભાની પહેલી વાર ૧૯૬૨માં યોજાયેલી ચૂંટણીની અમદાવાદમાં ચાલી રહેલી મતગણતરી અને ચૂંટણી પરિણામની રાહ જોઈને મોડી રાત સુધી બેઠેલા લોકો (તસવીર સૌજન્યઃ વરિષ્ઠ ફોટોગ્રાફર સ્વ. શુકદેવ ભચેચ)

ગુજરાતમાં વિધાનસભા ઇલેક્શનનો માહોલ બની રહ્યો છે ત્યારે જાણીએ ગુજરાતના સૌથી મોટા શહેરમાં પહેલી વાર ૧૮૮૫માં ચૂંટણી કેમ થયેલી અને કેવાં પરિણામો આવ્યાં હતાં. સરદાર પટેલ અને ગાંધીબાપુ આ ચૂંટણી સાથે કઈ રીતે સંકળાયેલા એ પણ રસપ્રદ છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે હજી સુધી ચૂંટણીનો માહોલ શિયાળામાં ગરમાટો લાવી શક્યો નથી. જોકે દરેક પક્ષ પોતપોતાની રીતે પ્રચાર કરી રહ્યો છે, તેમના નેતાઓ ચૂંટણીસભાઓ ગજવી રહ્યા છે, પણ મતદારો તેમનો મત કળવા દેતા નથી.

આ મતદારોની વાત પણ ન્યારી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વર્ષો અગાઉ ૧૮૭૪ની સાલમાં અમદાવાદના લોકોએ અંગ્રેજ સલ્તનતના સત્તાધીશોને આવેદનપત્ર આપીને ખુમારી સાથે કહ્યું હતું કે ‘સરકારી નિયુક્ત સભ્યો બરાબર વહીવટ નથી કરતા એટલે અમારે ચૂંટણી જોઈએ છે! શહેરમાં ચૂંટણી કરાવો.’ અંગ્રેજોની પહેલાંથી નીતિ રહી છે કે હાલમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે એક જમાનામાં ચૂંટણીના રણમેદાનમાં બાહોશ, કાબેલ, વિદ્વાન અને સેવાભાવી લોકોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મહીપતરામ રૂપરામ સહિતના આગેવાનો, સમાજશ્રેષ્ઠીઓ, સામાજિક કાર્યકરો ચૂંટણીના મેદાનમાં ઊભા હતા. 

૧૯૬૨માં અમદાવાદમાં મતદાન કરી રહેલા મતદારો

ગુજરાતમાં પહેલવહેલી ચૂંટણી ક્યારે યોજાઈ અને અમદાવાદના લોકોએ કઈ માગણી કરી હતી એ વિશે વાત કરતાં ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરી કહે છે, ‘૧૮૭૪માં અમદાવાદના નાગરિકોએ સત્તાધીશોને આવેદનપત્ર આપ્યું હતું કે અમારે ચૂંટણી જોઈએ છે. સરકારી નિયુક્ત સભ્યો છે તેઓ વહીવટ બરાબર નથી કરતા. અમારે અમારા પ્રતિનિધિઓ જોઈએ છે, અમે તેમને પસંદ કરીશું. એ જમાનામાં ચૂંટણી યોજવા માટે અંદાજે અઢી હજાર લોકોની સહી સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જોકે સત્તાવાળાઓએ અમદાવાદના લોકોની માગણીને નકારી કાઢી હતી. એ દરમ્યાન લૉર્ડ રીપન વાઇસરૉય તરીકે દેશમાં આવ્યા. તેમને લાગ્યું હતું કે સ્થાનિક સ્વશાસનનું તંત્ર લોકોને આપીએ તો એ લોકો લોકલ પૉલિટિક્સમાં ઇન્વૉલ્ડ રહે. એટલે ૧૮૮૪ના કાયદામાં ચૂંટણીતત્ત્વ દાખલ થયું અને ૧૮૮૫ની ૧૫ ઑગસ્ટે આગામી ચૂંટણી યોજવાની જાહેરાત થઈ અને ગુજરાતમાં સૌપ્રથમ વખત અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચૂંટણી આ તારીખે યોજાઈ હતી.’ 

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીની એ જમાનાની વોટર-સ્લિપ

ગુજરાતમાં પહેલી વાર અમદાવાદમાં યોજાયેલી ચૂંટણી વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘એ જમાનામાં અમદાવાદ મ્યુનિસિપાલિટીની ૭ વૉર્ડની ૧૪ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ૫૪ ઉમેદવારો નોંધાયા હતા. જેવી જાહેરાત થઈ કે ચૂંટણી યોજાવાની છે એટલે બધા ઉત્સાહમાં આવી ગયા, ઉમેદવારી માટે સ્પર્ધા શરૂ થઈ, તેમના ટેકેદારો એકઠા થયા. એ જમાનામાં આચારસંહિતા નહોતી એટલે પ્રલોભનો, ખાવા-પીવાનું પણ આપે એવું બધું પણ બન્યું. મહીપતરામ રૂપરામ ત્રણ વૉર્ડની ચાર બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે તેઓ ત્રણ બેઠક પર હારી ગયા હતા અને એક બેઠક પર જીત્યા હતા. ૬ ઉમેદવાર એવા હતા કે તેમને એક પણ વોટ મળ્યો નહોતો એટલે કે આ ઉમેદવારોએ ખુદે, ખુદને વોટ પણ આપ્યો નહોતો. ૮ ઉમેદવારોને માત્ર એક વોટ મળ્યો હતો. મ્યુનિસિપાલિટીનું ૧૯૫૦માં રૂપાંતર કૉર્પોરેશનમાં થયું એ પછી પહેલી ચૂંટણી ૧૯૫૨ની ૨૮ માર્ચે યોજાઈ હતી. આ ચૂંટણીની વિશેષતા એ હતી કે મતદાનનો સમય સવારે ૮થી ૧૨ અને બપોરે ૧થી ૬નો હતો અને વચ્ચે એક કલાક બ્રેક રહેતો હતો. આ એક યુનિક બાબત હતી. આજે ચૂંટણીમાં મતદાન સમયે વચ્ચે એક કલાકનો બ્રેક નથી હોતો, પણ એ જમાનામાં હતો.’ 
સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સંકળાયેલી ચૂંટણીની રસપ્રદ બાબતની વાત છેડતાં ડૉ. રિઝવાન કાદરી કહે છે, ‘અમદાવાદમાં દરિયાપુર વૉર્ડની પેટાચૂંટણીમાં સરદાર વલ્લભભાઈ પટેલ ૧૯૭૧ન ી પાંચમી જાન્યુઆરીએ ફક્ત એક મતે જીત્યા હતા. ચૂંટણીમાં એક મત કેટલો નિર્યાણક હોય છે એ સરદાર પટેલના જીવનના આ સૌપ્રથમ ઇલેક્શને સાબિત કર્યું. અલબત્ત, આ ચૂંટણીને કોર્ટમાં પડકારવામાં આવી હતી અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા ૧૯૭૧ની ૨૬ માર્ચે ચૂંટણી રદ કરવામાં આવી. ફરીથી દરિયાપુર વૉર્ડની પેટાચૂંટણી યોજાઈ જેમાં અગાઉની ચૂંટણી રદ કરાવનાર હરીફ ઉમેદવાર બૅરિસ્ટર ગુલામ મોહીયુદ્દીન નરમાવાલાએ ઉમેદવારી કરવાનું ટાળ્યું હતું અને સરદાર વલ્લભભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા. સરદારસાહેબના જીવનની આ બીજી ચૂંટણી હતી.’ 

ડૉ. રિઝવાન કાદરી

મહાત્મા ગાંધી સાથે જોડાયેલા ચૂંટણીના રોચક કિસ્સાને યાદ કરતાં ડૉ. રિઝવાન કાદરી કહે છે, ‘ગાંધીજી અમદાવાદ મ્યુનિસિપાલિટીનું ઇલેક્શન લડવા માગતા હતા અને એ માધ્યમથી તેઓ શહેરની સાફસફાઈ કરાવવા માગતા હતા. આ આખો પ્રસંગ ખુદ ગાંધીજીએ ૧૯૨૪માં અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા તેમનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો એ પ્રસંગે કહ્યો હતો. ગાંધીજી ચૂંટણી લડવા માગતા હતા, પણ લડી નહોતા શક્યા.’ 

 

shailesh nayak gujarat gujarat news gujarat elections columnists