કોરોનાકાળની આજકાલ:જાણો છો, બે ડોઝ લીધા હોય તેની ટકાવારી તમારા દેશમાં કેટલી છે?

31 July, 2021 11:22 AM IST  |  Mumbai | Manoj Joshi

સતત એવી દલીલ થતી રહી છે કે આપણે શું કામ ફૉરેનની વૅક્સિન માટે દરવાજા નથી ખોલતા? શું કામ સરકાર એ બાબતમાં વિચારણા નથી કરતી? ભલા માણસ, જેટલી જાણકારી હોય એટલું જ બોલવું જોઈએ.

કોરોનાકાળની આજકાલ : જાણો છો, બે ડોઝ લીધા હોય તેની ટકાવારી તમારા દેશમાં કેટલી છે?

૬.૭ ટકા.
હા, સીધો જ જવાબ છે આ. આ દેશમાં ૧૦૦ વ્યક્તિએ હજી સુધીમાં માત્ર પોણાસાત લોકોએ વૅક્સિનના બે ડોઝ લીધા છે. બીજો અર્થ એનો એવો પણ થાય કે આ દેશમાં હજી ૯૩.૩ ટકા લોકો એવા છે જેના વૅક્સિનના બે ડોઝ બાકી છે. જો પહેલા ડોઝની વાત કરીએ તો દેશની પા ભાગની વસ્તી એટલે કે ૨પ ટકા વસ્તીએ વૅક્સિનનો એક ડોઝ લીધો છે. જેનો અર્થ એ પણ થાય કે દેશમાં હજી પણ ૭પ ટકા લોકો એવા છે જેના સુધી વૅક્સિનનો પહેલો ડોઝ પહોંચ્યો નથી. આ વાત કરીને આપણે સરકારની નુક્તેચીની નથી કરી રહ્યા. ના, જરાય નહીં. દેશ વિશાળ છે તો સ્વાભાવિક રીતે જે વાર લાગવાની છે એ લાગશે જ. બીજું એ કે તમારા દેશમાં નિઃશુલ્ક વૅક્સિન આપવાની છે એટલે એ રીતે પણ નૅચરલી વાર લાગવાની છે. ત્રીજી વાત, તમારા દેશમાં નિઃશુલ્ક આપવામાં આવતી વૅક્સિન ભારતીય બનાવટની છે એટલે ઉત્પાદનનો પ્રશ્ન પણ દેશની સામે છે અને એને લીધે પણ વૅક્સિનમાં વાર લાગે એ સંભવ છે, પણ મુદ્દો એ છે કે આ જે આંકડાવારી છે એ દર્શાવે છે કે આપણે જોખમની લાઇન પર હજી પણ અકબંધ છીએ.
જોખમની આ લાઇન પાર કરવા માટે તમારી પાસે વૅક્સિનનું હથિયાર છે, પણ એ હથિયાર તમારા હાથમાં આવે ત્યાં સુધી તમારે સાવચેતી અને સલામતીને વળગી રહેવાનું છે. જગતમાં અનેક દેશો એવા છે જ્યાં ૫૦ ટકાથી વધારે વૅક્સિનેશન થઈ ગયું છે અને ૯૦ ટકાથી વધારે લોકોને વૅક્સિનનો એક ડોઝ મળી ગયો છે. સતત એવી દલીલ થતી રહી છે કે આપણે શું કામ ફૉરેનની વૅક્સિન માટે દરવાજા નથી ખોલતા? શું કામ સરકાર એ બાબતમાં વિચારણા નથી કરતી? ભલા માણસ, જેટલી જાણકારી હોય એટલું જ બોલવું જોઈએ.
આજે દેશની તિજોરી ખાલી થઈ ગઈ છે. છેલ્લા દોઢ વર્ષમાં તમારી પોતાની ઇન્કમ ઘટી હોય તો નૅચરલી દેશની ઇન્કમ પણ ઘટી જ છે અને એવા તબક્કે તમારું હૂંડિયામણ બહાર જાય એ ગેરવાજબી જ કહેવાય. બહેતર છે કે દેશની વૅક્સિન બનાવતી કંપનીને ચાન્સ મળે અને એ પૈસો દેશમાં ટકી રહે. આ જ નીતિ રાખવામાં આવી છે અને આ નીતિના આધારે જ અત્યારે ચાલવામાં આવી રહ્યું છે. વિદેશી વૅક્સિન પણ આવી જ છે. રશિયન વૅક્સિન તમને મળે છે, પણ તમારે એ ચાર્જ ચૂકવીને લેવાની છે. કહો જોઈએ કેટલા લોકો એવા હશે જેમણે પૈસા ચૂકવીને વૅક્સિન લેવાનું પસંદ કર્યું હશે? બહુ નાની માત્રામાં આ આંકડો છે અને એ જે આંકડો છે એની સામે પણ વિરોધ નથી. આર્થિક મંદી સૌકોઈ સુધી પહોંચી છે તો નૅચરલી દરેકના મનમાં એમ હોય કે સરકાર દ્વારા ચલાવવામાં આવતા વૅક્સિનેશન પ્રોગ્રામનો લાભ લઈએ. વાત લાભ લેવાની છે તો સાથોસાથ સરકાર તમારી પાસેથી પણ એવી અપેક્ષા તો રાખે એ વાજબી છે. એ બહુ અપેક્ષા રાખતી પણ નથી. સરકાર માત્ર એટલું કહે છે કે વગર કારણે બહાર નહીં નીકળો અને થર્ડ વેવને એની ચેઇન બનાવવા નહીં દો. બસ, આટલું જ કરવાનું છે આપણે પણ.

columnists manoj joshi