તમે ઇચ્છો છો કે તમારું સંતાન મોટું થઈને ખરેખર ‘મોટો માણસ’ જ બને?

24 June, 2022 12:15 PM IST  |  Mumbai | Ruchita Shah

આજે પેરન્ટ્સ માટે જ્યારે બાળઉછેર વધુને વધુ પડકારજનક બની રહ્યો છે ત્યારે એક અમેરિકન કાઉન્સેલરે ૭૦ જેટલા એવા પેરન્ટ્સના ઇન્ટરવ્યુ કર્યા જેમનાં સંતાનો અત્યારે સુપર સક્સેસફુલ છે. તેમણે શું ખાસ કર્યું છે બાળઉછેરમાં એ વિશે વાત કરીએ

તમે ઇચ્છો છો કે તમારું સંતાન મોટું થઈને ખરેખર ‘મોટો માણસ’ જ બને?

હજી એક વાર લોઢાના ચણા ચાવવા સરળ પણ આજનાં બાળકોને ઉછેરવાં અઘરાં છે એવું આજના સુપર સ્માર્ટ કિડને ઉછેરી રહેલાં ઘણાં મમ્મી-પપ્પા સ્વીકારશે. પેરન્ટિંગ સાથે સંકળાયેલા પડકારોને પહોંચી વળવા બાળનિષ્ણાતો અવારનવાર અમુક અનુભવો અને સર્વેક્ષણો શૅર કરતા હોય છે. તમામ મા-બાપ ઇચ્છતાં હોય છે કે તેમનું સંતાન જીવનમાં આગળ વધે અને સફળતાનાં શિખરો સર કરે. જોકે જે પ્રકારનું એક્સપોઝર આજનાં બાળકોને મળી રહ્યું છે એ જોતાં હવેની જનરેશન સાથે ડીલ કેવી રીતે કરવું એ જ ઘણા પેરન્ટ્સની સમજની બહાર હોય છે ત્યારે એક અમેરિકન ઓથરે પોતાના અનુભવોને આધારે કેટલીક મહત્ત્વની ટિપ્સ શૅર કરી છે જે ખરેખર ઉપયોગી સાબિત થઈ શકે છે. માર્ગોટ મેકોલ બિસ્નો નામના અમેરિકન ઓથરે ખૂબ સફળ થયા હોય એવા ૭૦ લોકોના પેરન્ટ્સના ઇન્ટરવ્યુ કર્યા પછી એક પુસ્તક લખ્યું છે ‘રેઇઝિંગ ઍન ઑન્ટ્રપ્રનર’. જે બાળકો મોટા થયા પછી પોતાના જીવનમાં સફળ થયા એ માટે તેના ઉછેરમાં તેનાં મા-બાપે શું ધ્યાન રાખ્યું હતું એવી ચાર મુખ્ય ક્વૉલિટી આ લેખકે પોતાના પુસ્તકમાં શૅર કરી છે એના વિશે પહેલા જાણી લઈએ.
પહેલી ક્વૉલિટીમાં તેઓ લખે છે, ‘બાળકોને સંપૂર્ણ સ્વતંત્રતા આપો. વિવિધ પેરન્ટ્સ સાથે વાત કર્યા પછીનો તેમનો અનુભવ કહે છે કે તમે આપેલી સ્વતંત્રતા બાળકોને જવાબદાર અને આત્મવિશ્વાસુ બનાવે છે. તેમનામાં નિર્ણય લેવાની ક્ષમતા ખીલે છે.’ 
બીજા નંબરે તેઓ કહે છે, ‘સક્રિયતા સાથે તેમની અંદર સંવેદનશીલતા અને સહાનુભૂતિના ગુણને વિકસાવો.’ એટલે કે નાનપણથી જ કોઈકને મદદ કરવાની આદત તેમને પાડો, અન્યની સમસ્યાને તેઓ કેવી રીતે ઓછી કરી શકે છે એ હૅબિટ તેમનામાં કલ્ટિવેટ કરો જે તેમને જીવનભર માટે કામ લાગશે.’ 
ત્રીજી બાબત જે સફળ લોકોના જીવનમાં સહજ હતી તે એ કે બાળકોની નિષ્ફળતાનો પણ સહજ સ્વીકાર કરીને નિષ્ફળતા જીવનનો હિસ્સો છે એ વાત તેમને કહો અને નિષ્ફળતામાં જ સફળતાની ચાવી રહેલી છે એ પણ દાખલા-દલીલ સાથે સમજાવો. નિષ્ફળતાની પણ ચર્ચા અવારનવાર તમારા અને તમારા સંતાન વચ્ચે થવી જોઈએ. આ લાઇફ લૉન્ગ લેસન તમારા બાળકને જીવનના તમામ પડકારોને ફેસ કરવા માટે સજ્જ કરે છે. 
બાળ ઉછેરની ચોથી ટિપમાં આ ઓથર બાળક પર નિયંત્રણ રાખવાને બદલે બાળકને તમારા ઉદાહરણથી મોટિવેટ કરો. બાળકને શીખવા દો અને એ શીખવાની દિશામાં આગળ વધે એવા પ્રયાસો કરો. તેમના માટે એવી તક ઊભી કરો જ્યાં બાળક પોતાનો રસ્તો જાતે શોધે અને એ તમારી સાથે ડિસ્કસ કરી શકે. 

આ પાંચ ક્વૉલિટી ડેવલપ કરો તમારામાં. 

બાળકના વર્તનને કેન્દ્રમાં રાખો: તમારું બાળક ધારો કે કોઈ ભૂલ કરે તો તમારી કમેન્ટ એ ભૂલ પર હોવી જોઈએ, નહીં કે તું તો છે જ એવો જેવા શબ્દોથી તેને ઉતારી પાડો. સાઇકોલૉજિસ્ટ કહે છે, ‘ધારો કે તમારો દીકરો તેના ફ્રેન્ડને મારીને આવે ત્યારે તેં આ વર્તન ખૂબ ખરાબ કર્યું એવું કહેવાવું જોઈએ નહીં કે આખેઆખા તેના વ્યક્તિત્ત્વને જ તમે કોસ્યા કરો, ધારો કે તમારું બાળક રેસમાં નંબર વન આવે ત્યારે તું સૌથી શ્રેષ્ઠ છે એવી કમેન્ટ આપવાને બદલે રેસમાં તારો પર્ફોર્મન્સ ખરેખર કાબિલેદાદ હતો એવું કહેવું વધુ યોગ્ય રહેશે. ક્વૉલિટી અને વ્યક્તિ વચ્ચેનો ભેદ બાળક સમજે એ જરૂરી છે.
ઇમોશન્સને ડિસ્કસ કરો : દરેક ઇમોશન મહત્ત્વપૂર્ણ છે. બાળક ઇમોશનલ થઈને મિસબિહેવ કરે ત્યારે સામેવાળાને કેવું ફીલ થયું હશે એ વિશે તમારા બાળક સાથે ડિસ્કસ કરો. ધીમે-ધીમે પોતાની સાથે બીજાની લાગણીઓને પણ સમજવાનું તે શીખી જશે. 
લાલચ આપવાનું બંધ કરો : તું ફલાણું કરીશ તો હું તને ઢીંકણું લઈ દઈશ જેવી લાલચમાં એક સમય પછી બાળક પર કોઈ અસર નથી થતી. એના કરતાં સારું બિહેવિયર બાળકની જીવનશૈલીનો હિસ્સો બની જાય એવા પ્રયાસો કરો.
પસ્તાવાની તક આપો : બાળક ક્યારેક ભૂલ કરી બેસે ત્યારે તેને શરમજનક સ્થિતિમાં મૂકવાને બદલે તેને સમજાવો કે એ વર્તન કેટલું ખોટું હતું. આમ ન કર્યું હોત તો સ્થિતિ જુદી હોત. બાળક તેના પર ફરી વિચાર કરીને પોતે પસ્તાવો ફીલ કરશે તો તે ભવિષ્યમાં એ વાતનું રિપીટેશન નહીં કરે. 
તેની મહત્તા તેને સમજાવો : નાનકડું બાળક પણ તમને હેલ્પ કરી શકે એવી આદત તેનામાં બાળપણથી જ કેળવો. જેમ કે પાણીનો ગ્લાસ મમ્માને લાવી આપ અથવા તો શૂઝ ગોઠવી નાખ જેવી સાવ નાની બાબતો તે કરતો થાય એવી આદત કેળવો અને સાથે જ દરેક વખતે તેના કામને ઍપ્રિશિએટ કરો. યાદ રહે, તમારે તેની નહીં પણ તેણે કરેલા કામની તારીફ કરવાની છે. એનાથી તેને પોતે પણ મહત્ત્વપૂર્ણ કામ કરી શકે છે એ ફીલ થશે.

આ માન્યતાઓ ખોટી છે તમારી

બાળકોને મોટા અવાજે વઢો તો જ સાંભળે તમારું : એક લાફો ચોડી દો કે બરાડા પાડીને બાળકની બોલતી બંધ કરો તો જ આજનાં બાળકો સમજે એ માન્યતા બદલવાનો આજનો સમય છે. હવેની જનરેશન તમારી આવી અગ્રેસિવનેસનો બમણી આક્રમકતા સાથે રિસ્પૉન્સ આપશે અથવા તો ડરથી અંદરોઅંદર કરમાઈ જશે.
જોઈતી વસ્તુ ન અપાવો તો જ તે સુધરે : નાનાં બાળકો પોતાને ગમતી વસ્તુઓ માટે મોટા ભાગે પેરન્ટ્સ પર નિર્ભર હોય છે. બાળકોને જોઈતી વસ્તુઓ સદંતર નહીં અપાવવાની અથવા તો તેમની તમામ માગને પૂરી કરવી એ બન્ને જ ખોટું છે. પનિશમેન્ટમાં હવે હું તને ફલાણું નહીં અપાવું એવું જો કહી દેશો તો એવું બને કે બાળકો પોતાની રીતે એ વસ્તુ મેળવવાના રસ્તાઓ શોધી લે અને ખોટા માર્ગે પણ વળી જાય. એના બદલે માગે એ મળેવાળો ઘાટ સર્જશો તો તેમને પોતાને મળી રહેલી બાબતોની સાચી વૅલ્યુ નહીં સમજાય. એને બદલે બાળકને જોઈતી વસ્તુઓ અમુક પ્રકારના બિહેવિયર ઇમ્પ્રૂવમેન્ટ પછી અથવા તો અમુક ટાસ્ક અચીવ કર્યા પછી મળશે એવી આદત પાડો તેમને. 
સ્ટ્રૉન્ગ બચ્ચા રડે નહીં : રડવું એ પણ એક ઇમોશન છે અને તમારા રડતા બાળકને રડતાં રોકવાં અથવા તો રડવું એ ખરાબ છે એ વાત તેમના મગજમાં ઠસાવવી એ તેમની ઇમોશનલ હેલ્થને નબળી કરવા જેવું થશે. રડવું સામાન્ય છે પરંતુ રડવા પાછળનાં કારણો માટે યોગ્ય સમજણ કેળવાતી જાય એ પ્રયાસો પેરન્ટ કરી શકે છે.
ધીમે-ધીમે સુધરી જશે : અત્યારે તમારું બાળક અમુક-તમુક બાબતોમાં ખોટી જીદ કરે છે કે ટૅન્ટ્રમ શો કરે છે અને આગળ જતાં એ સુધરી જશે તમે પ્રૉપર સમજણ તેનામાં ડેવલપ કર્યા વિના તો એ તમારી ભૂલ છે. ધારો કે ક્યાંક તેનામાં ખોટી આદતો છે તો અત્યારે જ તેને સાચી રીતે સમજણ તરફ વાળો. તમારી સમજાવવાની પદ્ધતિથી તેના વ્યક્તિત્વને વિકસાવવાના પ્રયાસ કરો.
મૅક્સિમમ એક્સ્ટ્રા કરિક્યુલર ઍક્ટિવિટીથી બાળક સ્માર્ટ બને: અતિની નહીં ગતિ એ તમે જાણો છો. આખો દિવસ તમારું બાળક જો એક ક્લાસથી બીજા ક્લાસમાં ગોથાં જ ખાતું હશે અને તેને નિરાંતનો કોઈ સમય જ નહીં મળતો હોય અને તમે એવું ધારતા હો કે વધારે વસ્તુઓ શીખવાથી બાળક વધારે સ્માર્ટ બનશે તો ચાઇલ્ડ કાઉન્સેલર એ વાતને નકાર આપે છે. એમ કરવા કરતા બાળકને જેમાં વધુ રસ પડતો હોય એમાં તે વધુ સમય પસાર કરે તો તે વધુ સરસ રીતે એમાં ગ્રો થઈ શકશે.

columnists ruchita shah