✕

મોટિવેશનની પણ એક્સપાયરી ડેટ હોય ?

28 October, 2026 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિયો અને વાઇરલ ભાષણોથી આગળ વધીને આજની પેઢીને જોઈએ છે નક્કર રોડમૅપ.

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ મીડિયા પર આજકાલ એક સવાલ બહુ ચર્ચામાં છે. સંદીપ માહેશ્વરી, વિવેક બિન્દ્રા અને સોનુ શર્મા જેવા લોકપ્રિય મોટિવેશનલ સ્પીકર્સ હવે કેમ દેખાતા નથી? એક સમયે જેમની વાતો સાંભળીને યુવાનો પોતાના જીવનમાં મોટાં પરિવર્તનો લાવવાની કોશિશ કરતા એ જ નામો આજે કેમ બહુ સંભળાતાં નથી? શું તેમના ફૉલોઅર્સ ઘટી ગયા છે? શું તેઓ પોતે જ ડી-મોટિવેટ થઈ ગયાં છે?

કોઈ વ્યક્તિ સોશ્યલ મીડિયા પર ઓછી દેખાય એટલે તેનું કામ બંધ થઈ ગયું એવું માની તો ન જ લેવાય. કદાચ તેઓ બીજા પ્રોજેક્ટમાં વ્યસ્ત હશે, કદાચ નવી યોજનાઓ લાવી રહ્યા હશે એમ‌ માનીએ. ગમે એ હોય, આ ચર્ચાએ એક પ્રશ્ન તો જરૂર ઊભો કર્યો છે. મોટિવેશનલ સ્પીકર્સનો યુગ શું પૂરો થઈ ગયો કે પછી તેમની હવે જરૂર નથી રહી કે માર્કેટિંગની ભાષામાં કહીએ તો નવા પૅકેજિંગની જરૂર છે?

અમેરિકાના જાણીતા લેખક ડેલ કાર્નેગીએ ૧૯૧૨માં ન્યુ યૉર્કના YMCAમાં પબ્લિક સ્પીકિંગની ટ્રેઇનિંગ આપવાનું શરૂ કર્યું હતું. ધીમે-ધીમે તેમના કામમાં આત્મવિશ્વાસ અને માનવીય સંબંધો જેવા વિષયો પણ વણાવા લાગ્યા. ૧૯૩૬માં પ્રકાશિત થયેલું તેમનું પુસ્તક How to Win Friends And Influence People આજે પણ સેલ્ફ-ડેવલપમેન્ટનાં પુસ્તકોમાંનું લોકપ્રિય પુસ્તક છે. 

એક જમાનામાં પ્રેરણા માટે આવાં પુસ્તકો વાંચવાં પડતાં કે વર્કશૉપ અટેન્ડ કરવી પડતી. આજે તો મોબાઇલ ખોલતાં જ પ્રેરણાની આખી દુનિયા હાજર. એક મિનિટનો વિડિયો, પાંચ મિનિટનું ભાષણ, સફળ વ્યક્તિની વાર્તા કે આંખમાં આંસુ લાવી દે એવા જીવનસંઘર્ષની વાત. 

Ted-X પણ એવું જ પ્લૅટફૉર્મ છે જ્યાં સંઘર્ષ કરીને સફળતા મેળવેલી વ્યક્તિઓ તેમના જીવનમાં સાચી બનેલી વાતો કરીને આપણામાં દુઃખ, આનંદ અને આશ્ચર્યથી મિશ્રિત લાગણીઓ જન્માવે છે. બે હાથ અને બે પગ વગરના ઑસ્ટ્રેલિયાના નિક વુજિસિકના વિડિયોએ કેટલાય લોકોને પોતાનાં દુઃખો ભુલાવી દીધાં હશે.

મોટિવેશનલ સ્પીકર્સની લોકપ્રિયતાનું એક કારણ આપણી માનસિક જરૂરિયાત પણ છે. પરીક્ષામાં નિષ્ફળતા, પ્રેમમાં નિષ્ફળતા, નોકરીમાં અસંતોષ, ધંધામાં નુકસાન, સંબંધોમાં તનાવ કે ભવિષ્યની ચિંતા હોય - જીવનના કોઈ ને કોઈ તબક્કે આપણને સહારાની જરૂર પડે છે. જીવનમાં નાસીપાસ થઈને બેઠા હોઈએ ત્યારે કોઈ કહે કે ‘ચિંતા ન કર, આ નિષ્ફળતા કંઈ અંત નથી’ કે ‘તું કરી શકે એમ છે, અટક નહીં’ કે ‘તારી અંદર અપાર શક્તિ છે, ગભરા નહીં, નવા દરવાજા ખૂલી રહ્યા છે’ એવું સાંભળીને મનમાં આશાનાં કિરણો જાગે છે. સમસ્યાઓ તરત તો ઉકેલાતી નથી, પરંતુ એનો સામનો કરવાનું બળ મળે છે. વ્યક્તિ ફરી ઊભા થવાની હિંમત કેળવે છે. આ નાની વાત નથી.

પ્રેરણા દીવાસળી જેવી છે. એ દીવો પ્રગટાવી શકે, પણ જ્યોતને ટકાવી રાખવા ઈંધણ જોઈએ. એ ઈંધણ છે : સતત પ્રયત્ન, ધીરજ, ચોકસાઈ, યોગ્ય માર્ગદર્શન અને પોતાની ભૂલોમાંથી શીખવાની તૈયારી.

મોટિવેશનલ ભાષણમાં ક્યારેક સફળતાની વાત એવી રીતે રજૂ થતી હોય છે કે જાણે ​​ઇચ્છાશક્તિ મજબૂત હોય તો કોઈ પણ વ્યક્તિ કંઈ પણ મેળવી શકે છે. બધું એટલું સહેલું હોય છે? મહેનતનું મહત્ત્વ ચોક્કસ છે; પરંતુ દરેક વ્યક્તિની પરિસ્થિતિ, આર્થિક સગવડ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક તકો એકસરખાં હોતાં નથી. કોઈ સફળ થાય તો તેની પ્રશંસા થવી જોઈએ, પરંતુ તે વ્યક્તિ જે સફળ થઈ નથી શકી તેણે પૂરતી મહેનત કરી નહીં હોય એવા નિષ્કર્ષ પર આવવું એ અન્યાયી છે. નિષ્ફળતા પણ દરેકના જીવનનો અનિવાર્ય હિસ્સો છે એ સ્વીકારવું જોઈએ. દરેક નિષ્ફળતા આળસનું પરિણામ નથી અને દરેક સફળતા ફક્ત મહેનતનું પરિણામ નથી એટલે જીવનની સમસ્યાનો ઉકેલ એક ભાષણમાં મળી જાય એવી અપેક્ષા રાખવી યોગ્ય નથી. કારકિર્દીની સમસ્યા માટે, ધંધાકીય-માનસિક-નાણાકીય સમસ્યા માટે જે-તે ક્ષેત્રના નિષ્ણાતની સહાય લેવી જરૂરી છે. ઉપરાંત દરેક સમસ્યાને નકારાત્મક વિચારસરણીનું પરિણામ ગણવાથી ઉકેલ મળતો નથી. અવરોધ આવે તો આંધળૂકિયાં કરીને કૂદી પડવા કરતાં પાછા ફરવામાં પણ ક્યારેક શાણપણ હોય છે. 

આજની જેન-ઝી વિશે એક વાત ખાસ નોંધવા જેવી છે. એ કોઈની સંઘર્ષકથા સાંભળીને પ્રભાવિત થતી નથી કે થવા માગતી નથી. એ પૂછે છે : તમને સફળ થવામાં કેટલો સમય લાગ્યો? કેટલી ભૂલો થઈ? કયાં પગલાં લીધાં? અને સૌથી મહત્ત્વની વાત - આજે મારી અત્યારની પરિસ્થિતિમાં આમાંનું હું શું કરી શકું? કોઈ મોટિવેશનલ સ્પીકર કહે કે ‘તમારે સફળ ઉદ્યોગપતિ બનવું હોય તો જોખમ લેતાં શીખો.’ વાત પ્રેરક છે, પરંતુ આજની પેઢીને સ્વાભાવિક સવાલ થશે કે કેવું જોખમ લેવું? મૂડી ક્યાંથી લાવવી? બજારનો અભ્યાસ કેવી રીતે કરવો? નુકસાન થાય તો શું કરું કરવું? કારણ કે તે વાસ્તવિકતાને જાણે છે. બીજાની સફળતાની વાતો પ્રેરણા આપે છે, ખાતરી નહીં. તેને મોટિવેશન નહીં, નક્કર રોડમૅપ જોઈએ છે.

બાય ધ વે

તમને ખબર છે કે મસ્જિદ બંદરની ૩૫૦ સ્ક્વેરફીટની એક ફોન, એક ટેબલ અને બે ખુરસીની ઑફિસમાં બેઠેલી વ્યક્તિ માટે કયું મોટિવેશન હતું જેણે તેને આખી દુનિયાના શ્રીમંતોની પ્રથમ પંગતમાં સ્થાન અપાવ્યું? એ તેમની માતાને વાત-વાતમાં આપી દીધેલું વચન હતું. શિક્ષક પિતાના ઘરમાં ગરીબી પલાંઠી વાળીને બેઠી હતી. માતાએ એક વાર અકળાઈને મોટેથી કહ્યું, ‘આવી રીતે ક્યાં સુધી જીવાશે?’ સતત અભાવથી પીડાયેલા ધીરુએ માતાને કહ્યું, ‘રડ્યા કેમ કરે છે? ચિંતા ન કર, એક દિવસ તારા માટે હું પૈસાનો ઢગલો કરી દઈશ.’ આ શબ્દો અંતરમાંથી ઊમટેલા હતા. આ જ તેમનું મોટિવેશન. સ્વયંના જેવો મોટિવેશનલ સ્પીકર બીજો કોઈ નથી. એનાથી જ તેમણે ‘દુનિયા આખી મુઠ્ઠી મેં’ કઈ રીતે લઈ શકાય એ કરી બતાવ્યું.

- યોગેશ શાહ

યોગેશ શાહ શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ છે અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે.

 

viral post social media austria columnists offbeat news united states of america