ફક્ત ત્રણ અઠવાડિયાં માટે અમેરિકા જવા માટેના વિઝિટર્સ વીઝા મને નહોતા મળ્યા

18 April, 2024 07:23 AM IST  |  Mumbai | Sudhir Shah

જ્યારે કોઈ પણ વ્યક્તિ અમેરિકાના નૉન-ઇમિગ્રન્ટ શ્રેણીના ટૂરિસ્ટ વીઝાની અરજી કરે છે ત્યારે કૉન્સ્યુલર ઑફિસરોએ ધારી લેવું પડે છે કે એ અરજદાર વ્યક્તિ ટૂરિસ્ટ નથી પણ ટૂરિસ્ટ છે

પ્રતીકાત્મક તસવીર

વર્ષ ૧૯૭૯માં બાર કાઉન્સિલ ઑફ મહારાષ્ટ્ર ઍન્ડ ગોવાએ ચાલીસ ઍડ્વોકેટનું એક ડેલિગેશન સોવિયેટ રશિયા પાઠવ્યું હતું એમાં હું પણ હતો. પછી મને અમેરિકાની કોર્ટો અને ત્યાંના ઍટર્નીઓની ઑફિસો જોવાની ઇચ્છા જાગી. મેં પચીસ-ત્રીસ ઍટર્નીની ફર્મને ‘મારે તમારી ઑફિસ જોવી છે, કોર્ટો જોવી છે’ એવું જણાવતા પત્રો લખ્યા. એક ઍટર્નીની ફર્મ એવું સમજી કે હું એમને ત્યાં નોકરીની અરજી કરું છું. આથી એમણે જણાવ્યું કે ‘સૉરી, નો પોઝિશન અવેલેબલ વિથ અસ.’ મેં બધા જ પત્રોની એક ફાઇલ બનાવી અને વીઝા લેવા ગયો. 

ઑફિસરે પહેલો સવાલ કર્યો, ‘તમારે અમેરિકા શા માટે જવું છે?’ મેં કહ્યું, ‘સર, ગયા વર્ષે હું અડધી દુનિયા ફરી આવ્યો છું. હવે મને તમારો દેશ જોવો છે, વ્યવસાયે હું ઍડ્વોકેટ છું. આથી તમારી કોર્ટો જોવી છે અને ઍટર્નીઓને મળવું છે.’ ‘પુરાવાઓ શું છે?’ મેં પેલી ફાઇલ આપી. તેણે એ ખોલી અને પહેલો જ પેલો કાગળ હતો, ‘સૉરી, નો પોઝિશન અવેલેબલ વિથ અસ.’ ઑફિસરે કહ્યું કે ‘તમારી વીઝાની અરજી હું નકારું છું.’ મને સમજ ન પડી કે શા માટે તેણે મારી ફક્ત ત્રણ અઠવાડિયાં માટે જ અમેરિકામાં ફરવા જવા માટેના વિઝિટર્સ વીઝાની અરજી નકારી. 

મેં અમેરિકાનાં ઇમિગ્રેશનને લગતાં પુસ્તકો અમેરિકાથી મગાવ્યાં, એ વાંચ્યાં અને મને મારી ભૂલ સમજાઈ! જ્યારે કોઈ પણ વ્યક્તિ અમેરિકાના નૉન-ઇમિગ્રન્ટ શ્રેણીના ટૂરિસ્ટ વીઝાની અરજી કરે છે ત્યારે કૉન્સ્યુલર ઑફિસરોએ ધારી લેવું પડે છે કે એ અરજદાર વ્યક્તિ ટૂરિસ્ટ નથી પણ ટૂરિસ્ટ છે એવું જણાવીને તે અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે. અરજદારે આથી ખાતરી કરાવી આપવી પડે છે કે તે ખરેખર અમેરિકામાં ફરવા માટે જ જઈ રહ્યો છે, તેનો ત્યાં કાયમ રહેવાનો કે ગેરકાયદેસર કામ કરવાનો ઇરાદો નથી. તેની પાસે પૈસાનો પૂરતો બંદોબસ્ત છે અને તેના સ્વદેશમાં, નાણાકીય તેમ જ કૌટુંબિક સંબંધો એટલા ગાઢ છે કે એ સંબંધો જ તેને અમેરિકામાં રહેવા માટે જેટલો સમય આપ્યો હોય એ પૂરો થતાં તેના પોતાના દેશમાં પાછા ખેંચી લાવશે.
કૉન્સ્યુલર ઑફિસરે જ્યારે પેલા અમેરિકન ઍટર્નીનો કાગળ વાંચ્યો ત્યારે તેમને લાગ્યું કે હું અમેરિકામાં નોકરી કરવા ઇચ્છું છું અને આથી જ મેં ૨૦-૨૫ અમેરિકન ઍટર્નીઓને કાગળો લખ્યા છે. આથી તેણે મારી ટૂરિસ્ટ વીઝાની અરજી નકારી. 

columnists life and style united states of america