19 February, 2026 01:22 PM IST | Mumbai | Ruchita Shah
રમણલાલ અને રજની ઉદેશી
ડોમ્બિવલીમાં રહેતાં રમણલાલ અને રજની ઉદેશી બે મહિનામાં લગ્નનાં ૬૦ વર્ષ પૂરાં કરશે. પૈસાની અગવડ અને પારાવાર ગરીબીના સમયે ઉધારીમાં લાવેલા ૫૦૦ રૂપિયામાં લગ્ન કરનારા આ પીઢ કપલ વચ્ચે લગ્નજીવનમાં સંઘર્ષ થયા, પણ વાતને લાંબી ખેંચવાની નહીં અને બધું ચલાવી લેવાનું એ બે મંત્ર તેમના લગ્નજીવનને ટકાવી ગયા.
ડોમ્બિવલીમાં રહેતા ૮૨ વર્ષના રમણલાલ ઉદેશી આજે પણ ઍક્ટિવ છે. અઠવાડિયામાં ત્રણ દિવસ ટ્રેનમાં ટ્રાવેલ કરીને વિક્રોલી ઑફિસ જાય અને ઘરનાં કામમાં પણ પત્નીને મદદ કરે. બીજી બાજુ તેમનાથી ઉંમરમાં પંદરેક દિવસ મોટાં તેમનાં ધર્મપત્ની રજનીબહેન ઘર સાચવે, રસોઈ બનાવે અને બન્ને મળીને રાજા અને રાણીની જેમ પ્રફુલ્લિત જીવન જીવે છે. ૨૩ વર્ષની ઉંમરે બે ટંકનું ખાવાનું મળે એટલી જ આવક અને પારાવાર ગરીબી વચ્ચે આજથી ૬૦ વર્ષ પહેલાં એકબીજા સાથે પ્રેમલગ્ન કરનારા આ કપલે લગ્નજીવનને નિભાવવામાં અઢળક તડકા-છાંયા જોયા છે પણ સંબંધને તોડ્યો નથી. આજે જ્યારે લગ્ન વ્યવસ્થા ટકશે કે કેમ એ મોડ પર આવીને આપણે ઊભા છીએ અને લગ્નો તૂટવાનું સામાન્ય બનતું જાય છે ત્યારે આ કપલ પાસેથી જાણીએ લાંબી હૅપી મૅરિડ લાઇફનો ફંડા.
૧૯૬૬માં રમણભાઈ એક ફૅક્ટરીમાં કામ કરતા હતા જેની બાજુમાં એ જ ફૅક્ટરીના માલિકની એક રીટેલ દુકાન હતી જ્યાં રજનીબહેન કામ કરતાં. એ સમયગાળાને યાદ કરતાં રમણીકભાઈ કહે છે, ‘એ સમયે મારો પગાર હતો ૧૩૦ રૂપિયા. થોડાક મહિના ફોઈના ઘરે રહ્યા પછી લૉજમાં રહેતો. એ દરમ્યાન રજનીને જોઈ અને અમે બન્ને એકબીજાને પસંદ કરવા માંડ્યાં. લગભગ છ મહિનાના પરિચયમાં હવે એકબીજા સાથે જ લગ્ન કરીશું એવું નક્કી થઈ ગયું. બન્ને એક જ જ્ઞાતિનાં હતાં એટલે પરિવાર તરફથી બીજો તો કોઈ વિરોધ ન થયો પણ નબળી આર્થિક સ્થિતિને કારણે અમે સહિયારું જીવન કેવી રીતે નિભાવીશું એની ચિંતા ફૅમિલીને થતી. બેશક, એ સમયે મારા ફુઆજીએ મારી પાસે બળજબરી કરીને થોડાક પૈસા ભેગા કરાવ્યા હતા. લગ્નનું નક્કી થયું એટલે કલવા સ્ટેશન પાસે હજાર રૂપિયા ડિપોઝિટ અને ચાલીસ રૂપિયાના ભાડામાં એક રૂમ-રસોડું ધરાવતું એક મકાન લીધું. લગ્ન માટે પૈસા નહોતા એટલે એ સમયે મારા બીજા એક રિલેટિવ જેઓ પોતે પણ ઘરે-ઘરે રસોઈ બનાવવા જતા તેમણે મને પાંચસો રૂપિયાની મદદ કરી હતી, જેના થકી અમારાં લગ્ન થયાં. મારી પત્ની માટે અમે ૬૪ રૂપિયાની સાડી લગ્નમાં પહેરવા માટે લીધી હતી. માત્ર ઘર-ઘરના જ લોકો હતા અને જમણવારમાં જલેબી-ફાફડા રાખેલાં.’
એક દીકરી અને બે દીકરા અને હવે તો તેમના ઘરે પણ સંતાનો છે. બન્ને દીકરા પિતાના ઘરની નજીકમાં જ રહે છે અને અમે બન્ને ઘરમાં એકલાં અમારી મરજી મુજબ રાજારાણીની જેમ જીવીએ છીએ એમ જણાવીને રમણભાઈ કહે છે, ‘જ્યારે આર્થિક તંગી હોય ત્યારે કપલ વચ્ચેના સંઘર્ષ પણ જુદા હોય. બહાર પહેરવા માટે કપડાં ન હોય, કોઈ વસ્તુ લાવવી છે પણ પૈસા નથી એ મુદ્દે ક્યારેક સંઘર્ષ થતો. શરૂઆતનાં પંદર વર્ષમાં એવું વધારે થયું. જોકે લગ્ન વખતે જ અમે બન્ને જાણતાં હતાં કે કઈ આર્થિક સ્થિતિ વચ્ચે અમે છીએ એટલે જાતે જ સમજી પણ જતાં. જોકે ઝઘડો લાંબો નહીં ચલાવવાનો અને જમવાના સમયે તો ભેગાં થઈ જ જવાનું આ નિયમ અમે રાખ્યો. બાકી એક સમજણ બન્નેમાં હતી કે સમાધાન સિવાય લગ્ન નહીં ટકે. ત્યારે પણ અને આજે પણ લગ્નજીવનને ટકાવવાનું એક જ સીક્રેટ છે અને એ છે ઍડ્જસ્ટમેન્ટ. તમે જતું કરો અને કેમ જોડાયાં એ વાતને કેન્દ્રમાં રાખો તો સંસાર ટકી જાય છે. એ જ ફંડા દરેક લગ્નજીવનનો પાયો છે એવું હું મારા અનુભવ પરથી કહું છું.’