06 July, 2026 01:50 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
આજે આપણી પાસે સોશ્યલ મીડિયા છે અને એના પર ફિલ્મો પર ટિપ્પણી કરતા અઢળક લોકો ફુટી નીકળ્યા છે. અહીં સુધી વાંધો નહોતો, પણ આ સોશ્યલ મીડિયા પર ફિલ્મોનો રિવ્યુ કરતા રૅન્ડમ લોકોને જોનારા મિલ્યન લોકો પણ છે અને તેઓ તેમના ઇન્ફ્લુઅન્સમાં પણ આવી જાય છે એ મોટો પ્રૉબ્લેમ છે. હાલમાં આવેલી યશરાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘આલ્ફા’નું જ ઉદાહરણ લઈએ. આ ફિલ્મ સાથે સોશ્યલ મીડિયા પર લાખોનું ફૉલોઇંગ ધરાવતા કહેવાતા સમીક્ષકોએ શું કર્યું? આ ફિલ્મ ત્રીજી તારીખે રિલીઝ થઈ. એ દિવસે મુંબઈમાં ભારે વરસાદ હતો જ્યાં કોઈ કામ પર નીકળી શકે એ પણ શક્ય નહોતું ત્યારે એક વ્યક્તિએ સવારના શોમાં જઈને આખા થિયેટરનો વિડિયો ઉતારીને રીલ બનાવી કે જુઓ, ‘આલ્ફા’ જોવા કોઈ આવ્યું નથી. તેઓ એવું કહેવા માગતા હતા કે હું તો આવ્યો છું પણ તમે ન આવતા. દુઃખની વાત એ છે કે તેમની આ વાત સાંભળીને ઘણા લોકોએ પોતાના પ્લાન ચેન્જ કરી નાખ્યા જે તેમના કમેન્ટ સેક્શનમાં દેખાય છે.
બીજાં એક સમીક્ષક બહેને કહ્યું કે ફિલ્મમાં આલ્ફા નામનું એક સિરમ બનાવવામાં આવ્યું છે જે લેવાથી હ્યુમન સુપરસોલ્જર બની જાય છે. તેમણે રાડો પાડીને લોકોને પૂછ્યું, ‘આવું તો ક્યાંય હોતું હશે?’ હા બહેન, આવું હોય અને એને સાયન્સ કહેવાય. કદાચ તમારે સ્કૂલમાં ભણવાનું રહી ગયું હશે! એક બીજા બહેને કહ્યું કે ‘આલ્ફા’ પછી અયાન મુખરજીને નારિયેળ, ફૂલ અને મોગરા ચડાવવાની જરૂર છે. તે બહેનને એ નહોતી ખબર કે અયાન મુખરજી એક ડિરેક્ટર છે અને આ તેની ફિલ્મ છે જ નહીં. થિયેટરમાંથી બહાર નીકળતા લોકો પાસે પરાણે માઇક ઘસડી જતા સોશ્યલ મીડિયા રીલ્સમેકરને અવગણીને આગળ ચાલતા પ્રેક્ષકોની રીલમાં તેમણે કહ્યું કે પ્રેક્ષકો ‘આલ્ફા’થી મોઢું ફેરવીને જઈ રહ્યા છે. બેન, એ ફિલ્મથી તો ખબર નહીં, પણ તમારાથી મોઢું ફેરવી રહ્યા છે એ અમને દેખાય છે.
મેં પણ આ ફિલ્મ જોઈ. એમાં છે અમુક ભૂલો, પણ હિન્દી સિનેમામાં ખૂબ ઓછી ફિલ્મો એવી બની છે જેમાં હિરોઇન આટલી સુપર્બ રીતે લડતી હોય, વિલનથી હીરોને બચાવતી હોય! એ જોવાની જુદી જ મજા પડશે એવું કોઈએ કહ્યું જ નહીં. એક નવજાત બાળકને લૅબ રૅટ એટલે કે જેના પર લૅબોરેટરીમાં પ્રયોગ થતા હોય એવા એક ઉંદરની કક્ષા પર મૂકીને તેનો ઉછેર કરવામાં આવ્યો હોય તો તે બાળક પર શું વીતે એ વાર્તા પણ મને ઘણી સારી લાગી. અહીં હું એ વાત નથી કરવા માગતી કે ‘આલ્ફા’ સારી છે કે ખરાબ છે. એ તમે ખુદ જુઓ અને નક્કી કરો, પરંતુ હું ફક્ત એ કહેવા માગું છું કે ક્યાં સુધી કોઈ પણ ઐરાગૈરા લોકોની વાત સાંભળીને નક્કી કરશો કે તમારે ફિલ્મ જોવી કે નહીં? જ્યારે તમે આંખ બંધ કરીને માની લો છો કે ફિલ્મ જોવા જવું જ નથી ત્યારે તમે એ શક્યતાને જ નકારી કાઢો છો કે જે ફિલ્મ તેને ન ગમી એ કદાચ તમને જુદો અનુભવ આપી શકે. એવું પણ બને કે તમને એ ખૂબ ગમી શકે.
હું એક સિનેમાપ્રેમી જીવ છું અને એક સમયે હું પણ નામી રિવ્યુઅરના રિવ્યુઝ ખૂબ વાંચતી, સાંભળતી, એના દ્વારા ફિલ્મને સમજવાની કોશિશ કરતી. એના થકી ડિરેક્શન, સિનેમૅટોગ્રાફી, સ્ક્રીન-પ્લે, પ્લૉટ, પાત્રો, એડિટિંગ, ઘણુંબધું વધુ સારી રીતે સમજાવા લાગ્યું. એ પછી સ્ક્રીન-રાઇટિંગની વર્કશૉપ કરી તો એ સમજ વધુ વિકસી. જોકે એક સમય પછી મેં રિવ્યુઝ વાંચવાનું જ બંધ કરી દીધું, કારણ કે પછી એક મોટી વાત એ સમજાઈ કે આ રિવ્યુ જેણે લખ્યો છે તે પોતાની દૃષ્ટિની વાત કરે છે જે ઘણી જ અંગત છે, તેના અનુભવને આધારિત છે. આર્ટ એક એટલી ભવ્ય બાબત છે કે એ જોઈને દરેક વ્યક્તિને પોતાની પાત્રતા મુજબ, તેની પસંદગી મુજબ કંઈક ને કંઈક મળી જ રહેવાનું.
આ વાતને એક ઉદાહરણથી સમજીએ. એક ચિત્રકાર જ્યારે ચિત્ર દોરે છે ત્યારે તેણે કરેલા બ્લુ રંગમાં કોઈને આકાશની વિશાળતા દેખાય તો કોઈને સમુદ્રનું ઊંડાણ. (એમાં એવું બને કે તે ચિત્રકારે તો એ બ્લુ રંગ એટલે કર્યો હોય કે તેની પાસે એ જ રંગ હોય.) હવે આમાં તમે સત્ય કોને માનશો? હકીકતે બધું જ સત્ય છે. આ ચિત્ર જે આર્ટ ગૅલરીમાં છે એ આર્ટ ગૅલરીની બહાર ઊભા રહીને જો કોઈ લોકોને કહેશે કે અંદર આવો, અહીં એક ચિત્ર છે જે જોઈને તમને આકાશનો અનુભવ થશે. તો આ સાંભળીને મોટા ભાગના લોકોએ અંદર જવાનું જ માંડી વાળ્યું હોત કે અંદર જઈને શું કરીએ? અમે તો આકાશ હજાર વાર જોયું છે. ઘણા મોઢા પર ના પાડી દેશે કે મને આકાશ જોવાની ઇચ્છા જ નથી. ઘણા તો પણ આદતવશ અંદર ગયા તો એવું બને કે તેમને આ ચિત્રમાં ફક્ત આકાશ જ દેખાય અને એવું પણ બને કે અમુક લોકોને સમુદ્ર દેખાવા લાગે, પણ તેઓ ખુદને કહે કે ના... ના... આપણે તો આકાશ જ જોવા આવ્યા છીએ એટલે જે થોડો સમુદ્ર દેખાતો હતો એ પણ બંધ થઈ જાય. આવું જ દરેક ફિલ્મ સાથે અને એના રિવ્યુ સાથે થઈ રહ્યું છે.
ફિલ્મ ખરાબ છે... ફિલ્મ ખરાબ છે... એવી સોશ્યલ મીડિયા પર રાડો પાડતા લોકોને કોઈ અંદાજ નથી કે માત્ર થોડી લાઇક્સ મેળવવાના ચક્કરમાં તેઓ પ્રોડ્યુસરના કરોડો રૂપિયા ડુબાડે છે, કલાકારોની મહિનાઓ કે વર્ષોની મહેનત પર પાણીઢોળ કરે છે અને ફિલ્મમેકર્સની રિસ્ક લેવાની હિંમતના લીરેલીરા ઉડાવી દે છે. ફિલ્મમેકિંગ અત્યંત મુશ્કેલ આર્ટ ફૉર્મ છે અને સાથે-સાથે અત્યંત મોંઘું આર્ટ ફૉર્મ છે. એક ગુજરાતી તરીકે એટલું કહીશ કે કોઈના બિઝનેસ પર વગર કારણે પડતી આ લાતનો હિસાબ તમારે ક્યાંક ને ક્યાંક તો આપવો જ પડશે. હવે તકલીફ એ છે કે પોતાને પબ્લિકનો અવાજ સમજતા ઇન્ફ્લુઅન્સર્સ તો નથી બદલાવાના, પણ શું પબ્લિક પાસેથી એ બદલાવની અપેક્ષા રાખી શકાય ખરી? શું આપણે બધા કઈ ફિલ્મ જોવી કે કઈ ન જોવી એનો નિર્ણય સ્વયં ન લઈ શકીએ?
આ લખતી વખતે લાગે છે કે સારું છે રામાયણના સમયમાં સોશ્યલ મીડિયા નહોતું. નહીંતર આજના સમય મુજબ અમુક રિવ્યુ કહેતા હોત કે આમાં તો હમ્બગ વાતો કરી છે કે એક વાનર ઊડે છે અને એ પણ પહાડ લઈને? આવું કશે થતું હશે? કેટલાક નારીવાદીઓ સીતાની અગ્નિપરીક્ષા થવા જ ન દેત અને કેટલાક માનવતાવાદીઓ રાવણસંહારને અનએથિકલ ઘોષિત કરી દેત. જે વસ્તુથી રામાયણ બચી ગયું એ વસ્તુઓથી આપણી આધુનિક ફિલ્મોને પણ બચાવી લઈએ તો સારું.