29 October, 2025 12:46 PM IST | Mumbai | Sudhir Shah
પ્રતીકાત્મક તસવીર
એક વર્ષની અંદર ૮૫,૦૦૦ H-1B વીઝા આપવામાં આવે છે. આને માટે ત્રણથી ચાર લાખ અરજીઓ આવે છે. ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના બીજી વાર પ્રેસિડન્ટ બન્યા અને તેમને એવું લાગ્યું કે આ જે H-1B વીઝા પર પરદેશીઓ અમેરિકામાં કામ કરવા આવે છે તેઓ અમેરિકનોeh જૉબ છીનવી લે છે. જોકે આ વિચારધારા ખોટી છે. જે કોઈ અમેરિકન માલિકને પરદેશથી સ્પેશ્યલિટી ઑક્યુપેશન વર્કરો H-1B વીઝા પર બોલાવવા હોય તેમણે પોતાને ત્યાં જે અમેરિકનો કામ કરતા હોય તેમને નોકરીમાંથી કાઢીને પરદેશીઓને બોલાવી ન શકાય. તેમણે લેબર ડિપાર્ટમેન્ટને દેખાડી આપવાનું રહે કે તેમણે પ્રયત્ન કર્યો છે પણ તેમને જે પ્રકારના કાર્યકરો જોઈએ છે એવા અમેરિકામાં ઉપલબ્ધ નથી. એવું પણ જણાવવાનું રહે છે કે એ પરદેશી H-1B વીઝાધારકોને અમેરિકાના ધારાધોરણ મુજબ જ પગાર આપવામાં આવશે. બધી સગવડો પણ અમેરિકનોને જેવી આપવામાં આવે છે એવી જ આપવામાં આવશે અને કોઈ કંપનીમાં હડતાળ પડી હોય તો એ તોડવા માટે પરદેશથી H-1B વીઝા પર કોઈને બોલાવી નહીં શકાય.
H-1B વીઝાધારકો હકીકતમાં તો અમેરિકન માલિકોની જે ભણેલા-ગણેલા, હોશિયાર લોકોની ખોટ છે એ પૂરી કરે છે. એ લોકો અમેરિકનોની નોકરી છીનવી નથી લેતા. આમ છતાં ટ્રમ્પને એવું લાગ્યું આથી તેમણે અચાનક જ સપ્ટેમ્બરમાં એવું જાહેર કર્યું કે હવેથી જે કોઈ અમેરિકન કંપનીને પરદેશથી કોઈને H-1B વીઝા પર બોલાવવા હોય તેમણે એ H-1B પિટિશનની ફી જે અત્યાર સુધી લગભગ બસો ડૉલરની આસપાસ હતી એના બદલે એક લાખ ડૉલર આપવાની રહેશે!
ત્યાર બાદ જ હમણાં ડોનલ્ડ ટ્રમ્પે એવું જાહેર કર્યું છે કે બધા જ H-1B વીઝાધારકોને એક લાખ ડૉલર ફી આપવી નહીં પડે. જે H-1B વીઝાધારકો ક્વોટાની લિમિટમાં આવતા નથી અને જેઓ અમેરિકન ટ્રસ્ટમાં, ચૅરિટીમાં, ગવર્નમેન્ટ ખાતામાં કામ કરતા હોય છે, જે લોકો અમેરિકામાં ભણતા હોય સ્ટુડન્ટ વીઝા પર અને સ્ટેટસ ચેન્જ કરીને H-1B વીઝા મેળવવા ઇચ્છતા હોય, L-1 વીઝા પર કામ કરતા હોય તેમને જો H-1B વીઝા જોઈતા હોય, સ્ટેટસ ચેન્જ કરવું હોય L-1માંથી H-1B કરવું હોય તો એમણે પણ આ એક લાખ ડૉલર ફી આપવાની નથી રહેતી.