22 January, 2025 07:30 AM IST | Mumbai | Dr. Sudhir Shah
ડોનાલ્ડ ટ્રમ્પ
આંકડાઓ એવું દર્શાવે છે કે અમેરિકામાં જે એકાદ કરોડ જેટલા ઇલ્લીગલ ઇમિગ્રન્ટો વસેલા છે એમાંના દસ લાખથી વધુ ભારતીયો છે. એ દસ લાખમાંથી પાંચ લાખ ગુજરાતીઓ છે.
આ લેખક પાસે દર મહિને સુરત અને અમદાવાદ અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાની જાણકારી આપવા અને એને લગતા એ બે શહેરોના વતનીઓના મૂંઝવતા પ્રશ્નો હલ કરવા છેલ્લાં પચીસ વર્ષથી નિયમિત આવે છે. એમાંના મોટા ભાગના અમેરિકામાં ગેરકાયદેસર કેવી રીતે પ્રવેશી શકાય? કાયદેસર પ્રવેશ્યા પછી ત્યાં ગેરકાયદેસર કેમ રહી શકાય? જો ગેરકાયદેસર રહેતાં પકડાય તો બચવા માટે, તેમનો અમેરિકાનો વસવાટ કાયમનો કરવા માટે, તેઓ કયા ઉપાયો લઈ શકે? આ બધી બાબતો જાણવા માગે છે.
અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવાનો અને ત્યાં ગેરકાયદેસર રહેવાનો ઇરાદો ધરાવતા બધામાં હવે ભયની લાગણી પ્રવેશી ગઈ છે. જ્યારથી ડોનલ્ડ ટ્રમ્પે તેમના ઇલેક્શનના ઢંઢેરાઓમાં જણાવ્યું હતું કે તેઓ જેવા પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવશે કે તરત જ ઇલ્લીગલ ઇમિગ્રન્ટોને અમેરિકાની બહાર મોકલી આપશે અને હવે અમેરિકામાં કોઈ પણ પરદેશી ગેરકાયદેસર પ્રવેશે નહીં એના માટે ઇમિગ્રેશન ઑફિસરોને પુષ્કળ સત્તા આપશે તેમ જ કે ઝીરો ટૉલરન્સ પદ્ધતિ અપનાવવાનું જણાવશે.
ડોનલ્ડ ટ્રમ્પે તેમના પ્રથમ પ્રેસિડન્ટ કાળમાં ઇમિગ્રન્ટોને ખાળવા જાતજાતના પ્રયત્નો આદર્યા હતા. ૧૩ જેટલા મુસ્લિમ દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ જ ન આપવો એવા એક્ઝિક્યુટિવ ઑર્ડરો બહાર પાડ્યા હતા. આથી બીજી વાર ચૂંટાઈ આવેલા ડોનલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટ પદ ધારણ કર્યા બાદ ઇલ્લીગલ ઇમિગ્રન્ટો પ્રત્યે કેવું વલણ દાખવશે અને કાયદેસર અમેરિકામાં પ્રવેશતા ઇમિગ્રન્ટો માટે કેવી-કેવી મુશ્કેલીઓ ઊભી કરશે એની કલ્પના કરતાં અમેરિકન સપનું ધરાવતા અસંખ્ય ગુજરાતીઓ ભયભીત થઈ ગયા છે.
ડોનલ્ડ ટ્રમ્પ ભલે ઇમિગ્રન્ટો પ્રત્યે ગમેતેવા વિચારો ધરાવતા હોય, પણ અમેરિકાને ઇમિગ્રન્ટોની, એમાં પણ ભણેલાગણેલા સ્પેશ્યલિટી ઑક્યુપેશન પ્રોફેશનલોની ખૂબ જ જરૂર છે. આ મુજબ જ તેમનાં ખેતરોમાં કામ કરવા માટે નીચલી કક્ષાની મજૂરી કરવા માટે પણ અમેરિકાને ઇમિગ્રન્ટોની જરૂર છે. આથી જેઓ અમેરિકામાં કાયદેસર પ્રવેશવાનો વિચાર કરતા હશે તેમણે ભયભીત થવાની જરૂર નથી પણ જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રહેતા હશે અને જેઓ અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવાનો ઇરાદો ધરાવતા હશે તેમણે જરૂરથી ગભરાવું જોઈએ. તેમના અમેરિકામાં ઇલ્લીગલી પ્રવેશવાના યા ઇલ્લીગલી રહેવાના પ્રયત્નો ડોનલ્ડ ટ્રમ્પ સફળ થવા નહીં દે.