તમારા બાળકને રાતોરાત કોડિંગ માસ્ટર બનાવવાની રેસમાં ન ઊતરો

20 May, 2022 05:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્ષ ૨૦૨૦થી ભારત સરકારે શિક્ષણપદ્ધતિમાં છઠ્ઠા ધોરણના અભ્યાસક્રમમાં કોડિંગ કોર્સનો ઉમેરો કર્યો છે

પ્રતીકાત્મક તસવીર

મારું બાળક સ્માર્ટ બનવું જોઈએ એવી ઇચ્છા દરેક મા-બાપને હોય છે. કૉમ્પિટિશનના વર્લ્ડમાં બાળક બધાથી પાછળ ન રહી જાય એ માટે દરેક પ્રયાસ કરવા તત્પર એવા આજના પેરન્ટ્સ આંધળું અનુકરણ કરવા માંડ્યા છે. દેખાદેખીમાં તેઓ બાળકોના નિર્દોષ બાળપણને છીનવી રહ્યા છે. શિક્ષણના ભાર સાથે બાળકમાં દરેક સ્કિલ હોવી જ જોઈએ એવી જીદ વધવા લાગી છે, જેને કારણે બાળકનું બાળપણ તો છીનવાઈ રહ્યું છે, પરંતુ આવનાર ભવિષ્ય માટે પણ હાનિકારક થઈ રહ્યું છે. 
વર્ષ ૨૦૨૦થી ભારત સરકારે શિક્ષણપદ્ધતિમાં છઠ્ઠા ધોરણના અભ્યાસક્રમમાં કોડિંગ કોર્સનો ઉમેરો કર્યો છે. કોડિંગ એટલે રાઇટિંગ લૅન્ગ્વેજ સૉફ્ટવેરનો કમ્પ્યુટર પ્રોગ્રામ, જેનું ચલણ થોડા સમયથી બહુ જોરશોરથી વધી રહ્યું છે. અનેક એજ્યુકેશનલ ઍપ્સની બૉલીવુડ સેલિબ્રિટીઝ દ્વારા આ કોર્સની ભરપૂર જાહેરાત થઈ રહી છે. મારું બાળક રાતોરાત આ કોર્સ શીખીને ઍપ્લિકેશન ડિઝાઇનર બની જાય એવી ઘેલછા વધવા લાગી છે. પેરન્ટ્સ એટલા પ્રભાવિત થયા છે કે તેઓ ચાર, પાંચ અને છ વર્ષનાં નાનાં બાળકોને પણ આ કોર્સ શીખવવા લાગ્યા છે.
કોડિંગ કંપનીઓ તેમની જાહેરાતમાં એવું બતાવે છે કે તમારું બાળક કોડિંગ ચૅમ્પિયન થઈ જશે તો તે બિલ ગેટ્સ બની શકે છે. એક કંપનીએ તો ૯ વર્ષના એક છોકરાની ઍડમાં એવું બતાવ્યું હતું કે આ બાળક કોડિંગ શીખીને કરોડો રૂપિયા કમાવાનું શરૂ કરી ચૂક્યું છે. આવી જાહેરાતો જોઈને દરેક પેરન્ટ્સ પોતાનાં બાળકોને કોડિંગ શીખવાનું પ્રેશરાઇઝ કરવા લાગ્યા છે, પરંતુ મોટા ભાગે પેરન્ટ્સને એ ખબર પણ નથી કે આવું કોઈ બાળક અસ્તિત્વમાં જ નથી. આપણને બતાવવામાં આવેલું એ બાળક એક કાલ્પનિક પાત્ર છે.
દરેક પેરન્ટ્સને કહીશ કે તમારાં બાળકોને બધું શીખવાડો, પરંતુ તેને તેની વધતી ઉંમરના સમય પ્રમાણે શીખવાડો, રાતોરાત સ્માર્ટ બનાવવાની ઘેલછામાં તેમને માનસિક પ્રેશર ન આપો. જાહેરાતોમાં જે લોભામણી બાબતો બતાવવામાં આવે છે એના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન મૂકો.
ઝડપી પરિવર્તનના યુગમાં જ્યારે તમારું બાળક સ્કૂલથી કૉલેજમાં પ્રવેશ કરશે ત્યાં સુધી કંઈક નવું આવી જશે, માટે આજે ખૂબ જરૂરી લાગતા ક્રૅશ કોર્સ કદાચ આવતી કાલે નકામા બની શકે છે. જરૂરી જ્ઞાન તેમને તેમના ભણતરનાં ધોરણોના માધ્યમ દ્વારા મળે જ છે તો નવા ખૂબ ખર્ચાળ એવા કોર્સમાં પૈસા ખર્ચીને બાળકોને ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશનમાં શા માટે ધકેલવાનાં? માટે બાળકોને બાળપણ માણવા દો. રમવા, હસવા, ગાવા દો. આપસમાં હળવા-મળવા દો, જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધશે.

વિચાર : ક્રિશા પીયૂષ લોડાયા, સ્ટુડન્ટ, ૧૭ વર્ષ - મુલુંડ

શબ્દાંકન : ભાવિની લોડાયા

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists