ધી પૅન્ડેમિક પિરિયડ:લૉકડાઉન વિશે દૂર-દૂર સુધી વિચારતા નહીં; પણ શરત, જાતને સંયમમાં રાખજો

19 January, 2022 03:18 PM IST  |  Mumbai | Manoj Joshi

તાનાશાહીનો આ ગેરલાભ છે, પણ આપણે ત્યાં લૉકડાઉન આવવાનું નથી અને એ આવે એવું દૂર-દૂર સુધી વિચારતા પણ નહીં.

પ્રતીકાત્મક તસવીર

ચાઇનાનાં અમુક શહેરોના અમુક વિસ્તારમાં છેલ્લા ૨૦ દિવસથી લૉકડાઉન ચાલી રહ્યું છે. લોકો રીતસર તરફડે છે અને ભૂખે મરી રહ્યા છે, પણ કોઈ કશું કરી શકતું નથી. તાનાશાહીનો આ ગેરલાભ છે, પણ આપણે ત્યાં લૉકડાઉન આવવાનું નથી અને એ આવે એવું દૂર-દૂર સુધી વિચારતા પણ નહીં. હવે જો એવું બન્યું અને લૉકડાઉનના દિવસો આવ્યા તો ખરેખર અરાજકતા ફેલાશે. માણસ માણસને ખાવા દોડશે અને લૂંટફાટની તબાહી જોવાનો વારો આવશે, પણ એવું ન થાય એવું ઇચ્છતા હો તો મહેરબાની કરીને એક વાત સમજજો, જાતને સંયમમાં રાખજો અને સંયમને આંખ સામે રાખીને ચાલજો. જો સંયમશીલ રહ્યા તો આજનો આ સમય પણ પાર કરી જઈશું.
કોરોનાનો ખોફ આકરો બનતો જાય છે. મુંબઈમાં કેસ ઘટવાનું શરૂ થયયું છે એ સારી નિશાની છે, પણ સાહેબ, મુંબઈ એટલે દેશ નથીને! દેશની વાત છે અને દેશમાં કોરોનાની વિકરાળતા અકબંધ છે. બે દિવસમાં પાંચ અને છ લાખ કેસ પર હવે દેશ પહોંચવા માંડ્યો છે એવા સમયે જ્યારે તમારી સીમા ખુલ્લી હોય ત્યારે, ક્યારેય આંકડાઓ આપણા મુંબઈ અને મહારાષ્ટ્રના પણ વધવા માંડી શકે છે. કહેવાનો ભાવાર્થ એક જ છે કે સંયમથી આગળ અને એનાથી વિશેષ કશું પુરવાર થવાનું નથી અને થઈ પણ શકશે નહીં.
રૂર ન હોય તો બહાર જવું નથી. આવશ્યક ન હોય તો કોઈને મળવું નથી અને અનિવાર્ય ન હોય તો અજાણ્યાને મળવું નથી. બાયો-બબલ. આ શબ્દપ્રયોગ અત્યારના સમયમાં અમારી ઇન્ડસ્ટ્રીમાં બહુ કરવામાં આવે છે. શૂટિંગ દરમ્યાન એક બબલ બનાવી લેવામાં આવે અને એ બબલમાં એ જ લોકોને સામેલ કરવામાં આવે જે કોરોના-નેગેટિવ હોય. એક વખત અંદર આવી ગયા પછી હવે તમે ત્યારે જ બહાર નીકળશો જ્યારે કામ પૂરું થશે. આ જે બાયો-બબલ છે એ તો એટલા માટે ઊભું કરવામાં આવે છે કરોડો રૂપિયાનું આંધણ થયું હોય છે; પણ આપણે ત્યાં, મારી અને તમારી લાઇફમાં એવું નથી, ત્યાં તો અબજો રૂપિયાના સ્નેહીજનો સામેલ છે અને આપણો પરિવાર જોડાયેલો છે. બાયો-બબલ બનાવીને રહેવા માંડો અને એ બાયો-બબલમાં કોઈ અજાણ્યું ન આવે એનું ધ્યાન રાખો. કહ્યુંને, સંયમ. સંયમ જ અત્યારના આ સમયગાળાની ચાવી છે અને એ જ આ સમયને પાર કરી દેખાડશે. નથી મળવું કોઈને, નથી રહેવું કોઈ સાથે અને નથી કોઈને પ્રાધાન્ય આપવું; સિવાય તમારા પોતાના લોકો. એ લોકોને મળવાની જવાબદારી, એ લોકોને સાચવવાની જવાબદારી તમારી છે અને એમાં પાર પણ પડવાનું છે, સંયમ સાથે. જો તમારે પોતાને બહાર રહેવાનું બહુ બનતું હોય તો બહેતર છે કે તમારા લોકોને મળતાં પહેલાં પણ જે કોઈ જરૂરી પગલાં લેવાનાં હોય એ લેતા રહો અને તમારી સાથોસાથ તેમને પણ સુરક્ષિત રાખો. અત્યારનો સમય કપરો છે અને એને એ જ રીતે જોવાનું શીખજો, ભૂલ ન કરતા. આ એક એવી ચેઇન છે, જે આવતા સમયમાં વધવાની છે. મેડિકલ-એક્સપર્ટ્સ કહે છે કે આ મહિના દરમ્યાન સંક્રમણનો આંકડો તમામ રેકૉર્ડ તોડશે. ભલે તોડે, આપણે એમાં સામેલ થવું નથી એ નક્કી તમારે કરવાનું છે. નક્કી પણ કરવાનું છે અને પાલન પણ કરવાનું છે.
પૂરેપૂરા સંયમ સાથે.

columnists manoj joshi