ચૅરમૅનને બદલે ચૅરપર્સન નહીં બોલાય ત્યાં સુધી જેન્ડરભેદ અકબંધ રહેશે

25 April, 2024 08:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાયામાંથી જ્યારે ભાષા બદલાશે ત્યારે સમાનતા આવશે. છેલ્લાં વર્ષોમાં ઘણુંબધું બાહ્ય રીતે બદલાયું છે અને આમ જોઈએ તો એની કોરમાં કોઈ બદલાવ નથી.

પ્રતીકાત્મક તસવીર

સમાજ, સાહિત્ય, સ્ત્રીસંવેદના અને સંગીત જેવા વિષયોની ઇર્દગિર્દ જ હું સંકળાયેલી રહી છું. સાહિત્ય અને સંગીત મારો શોખ છે અને એટલે ભાષાની પ્રભાવકતા પર મારું ધ્યાન હંમેશાં રહ્યું છે. ભાષાનો સમાજ પર પ્રભાવ પડતો હોય છે અને સમાજની માનસિકતા પણ ભાષામાં ઝળકતી હોય છે. મને યાદ છે કે નાનપણમાં માતાની પીડા કે સ્ત્રીની પીડા વાંચીને હું ખળભળી ઊઠતી. એ ભાષાની દેન હતી.

સમાજનું પ્રતિબિંબ ભાષામાં પડે છે. એક દાખલો આપું, હમણાં જ મારી એક મિત્રનાં લગ્ન થયાં. તેના હસબન્ડ મહારાષ્ટ્રિયન બ્રાહ્મણ છે. તેના હસબન્ડને રસોઈનો ભારે શોખ પણ નાનપણથી તેને રસોડામાં પ્રવેશ-નિષેધ હતો. મારી ફ્રેન્ડને કરીઅર બનાવવી હતી પણ આજે પણ સામાજિક ઢાંચામાં સ્ત્રીઓ માટે એ મુશ્કેલ હતું. હવે જ્યારે એ કપલ સ્વતંત્ર રહે છે તો તેનો હસબન્ડ રસોઈમાં એક્સપરિમેન્ટ કરે છે અને મારી મિત્ર પોતાની કરીઅર બનાવી રહી છે. આને ઘણા લોકો રોલ-રિવર્સલ કહેશે, જે ખોટું છે. ખાવાનું બનાવવાનું કામ સ્ત્રીનું અને કરીઅર પર પુરુષનો ઇજારો આવું માનીએ તો તેમનો રોલ રિવર્સ થયો ગણાયને? પણ જવાબ આપો કે આ રોલ નિશ્ચિત કોણે કર્યો? ખાવાનું બનાવવાનો રોલ સ્ત્રીનો જ છે એવું કન્ડિશનિંગ કોણે કર્યું? મારી દૃષ્ટિએ આમાં પણ ક્યાંક ને ક્યાંક ભાષા બહુ જ મોટો ભાગ ભજવે છે.

આપણે સ્કૂલ કે કૉલેજના પાઠ્યપુસ્તક કે પ્રશ્નપત્રો જોઈએ તો એમાં વર્ષોથી ‘મૅન ઇઝ અ સોશ્યલ ઍનિમલ’, ‘રૅશનલ ઍનિમલ’ અને કૉન્સ્ટિટ્યુશનમાં પણ ‘મૅન’ જ હતું. એમાં ‘હ્યુમન’ નહોતું. યુનિવર્સિટી અને ડિગ્રીના નિયમોમાં ‘હી’ હતું, ‘શી’ નહોતું. આ ભાષાને કારણે આપણને એમ થયું કે એ તો પુરુષો જ હોય. આજની તારીખમાં રાષ્ટ્રપતિનું બિરુદ જ વપરાય છે, રાષ્ટ્રપ્રમુખ નહીં. જ્યાં સુધી ચૅરમૅનમાંથી ચૅરપર્સન નૅચરલી આપણા શબ્દકોષમાં નહીં આવે ત્યાં સુધી પુરુષની જગ્યાએ સ્ત્રી બેઠી છે તેમ જ કહીશું. ભાષાનો અને જેન્ડરનો આવો ઘનિષ્ઠ નાતો છે એ વાત આપણને જલદી સમજાવી જોઈએ. બીજું ઉદાહરણ એ કે છોકરો છોકરી જોવા જવાનો છે. એવું બોલાય છે. બેમાંથી કોઈ જોવા નથી જવાનું, પણ મળવાનાં છે. મૅથ્સ અને અકાઉન્ટ્સનાં પેપરમાં વર્ષોથી મિસ્ટર એક્સનો પ્રૉફિટ અને લૉસ, મિસિસ એક્સ ગોઇંગ ટુ માર્કેટ પુછાઈ રહ્યું છે. તો પાયામાંથી જ્યારે ભાષા બદલાશે ત્યારે સમાનતા આવશે. છેલ્લાં વર્ષોમાં ઘણુંબધું બાહ્ય રીતે બદલાયું છે અને આમ જોઈએ તો એની કોરમાં કોઈ બદલાવ નથી.

અહેવાલ : ડૉ. ખેવના દેસાઈ

columnists life and style