હિંમત રાખીને આ ડૉક્ટરે જે ઝિંદાદિલી દેખાડી, કહેવું પડે

23 April, 2024 11:02 AM IST  |  Mumbai | Laxmi Vanita

ઑર્ગન-ડોનેશનની જાગૃતિનો ભારતમાં અભાવ છે એટલે ઘણા દરદીઓ ઑર્ગનની રાહ જોતાં મૃત્યુ પામે છે. પોતાની પર્સનલ પ્રૅક્ટિસની સાથે ઑર્ગન-ડોનેશન વિશે લોકજાગૃતિ લાવવાના કામમાં આ ડૉક્ટર મચી પડ્યાં છે.

શિલ્પા ભાટિયાની તસવીર

ફેફસાંની એવી બીમારી થઈ જેનું ડૉક્ટર હોવા છતાં નામ પણ નહોતું સાંભળ્યું, કબૂતરની ચરકને લીધે થયેલા આ રોગને કારણે વર્ષો સુધી ઑક્સિજન-સપોર્ટ પર રહેવું પડ્યું, પણ...કાંદિવલીમાં રહેતાં ડૉ. શિલ્પા ભાટિયાનું હજી એક વર્ષ પહેલાં જ લંગ-ટ્રાન્સપ્લાન્ટ થયું છે.  જોકે એ પહેલાંના બે દાયકામાં તેઓ જે રીતે જીવ્યાં છે એની જર્ની દાદ માગી લે એવી છે

કાંદિવલીમાં રહેતાં ૫૮ વર્ષનાં ડૉ. શિલ્પા ભાટિયા અને તેમના હસબન્ડ બન્ને મેડિકલ ફીલ્ડમાં છે. ૧૯૯૩માં ચારકોપમાં શકુંતલા હૉસ્પિટલ શરૂ કરનારાં ડૉ. શિલ્પા છેલ્લાં ૩૧ વર્ષથી સ્ત્રીરોગ તજજ્ઞ તરીકે પ્રૅક્ટિસ કરી રહ્યાં છે. તેમની બે દીકરીઓ જાનવી અને સોનિયા તેમના સૌથી મોટા પ્રેરણાસ્રોત છે. તેમનું જીવન સૂરજ બડજાત્યાની પારિવારિક ફિલ્મની જેમ મસ્તમજાનું વીતી રહ્યું હતું કે ડૉ. શિલ્પાને એકાએક લંગ ઇન્ફેક્શન ડિટેક્ટ થયું. તેમને એક એવો રોગ પકડાયો જેનું નામ તેમણે ડૉક્ટર હોવા છતાં ક્યારેય સાંભળ્યું નહોતું. માણસ કલ્પના ન કરી શકે એવી અસહ્ય તકલીફો વેઠી. લંગ-ટ્રાન્સપ્લાન્ટની એક વર્ષ પહેલાં સર્જરી કરાવી અને સંઘર્ષના એ  દિવસોમાં પણ પોતાના પ્રોફેશનથી લઈને પર્સનલ હૉબીઝમાં પણ શિલ્પાબહેન સુપર ઍક્ટિવ રહ્યાં. જેમની પાસેથી પારાવાર શીખી શકાય એવાં આ ડૉક્ટરે પોતાને બેઠાં કરવા કેવો સંઘર્ષ વેઠ્યો અને કેવી હિંમત દાખવી એની વાતો કરીએ. 

લંગ્સ નકામાં થઈ ગયાં
વર્ષ ૨૦૦૫માં મારા ફેફસાંના રોગનું નિદાન થયું એમ જણાવીને છેલ્લાં ૩૧ વર્ષથી ગાયનેકોલૉજિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરી રહેલાં ડૉ. શિલ્પા કહે છે, ‘એ પછી એકધારો સંઘર્ષ રહ્યો છે. એક વર્ષ પહેલાં જ મને ફેફસાંનો ડોનર મળ્યો અને ટ્રાન્સપ્લાન્ટ થયું. નસીબ સારાં કે લગભગ સત્તર-અઢાર વર્ષના એ સમયગાળામાં હું સર્વાઇવ કરી શકી. હિંમત હતી, લડવાની તૈયારી હતી. પરિવારનો સાથ હતો અને કંઈક કરી છૂટવાની અદમ્ય જિજીવિષા હતી.’ ડૉ. શિલ્પાને લંગ્સમાં હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ ડિટેક્ટ થયું હતું, જેને ક્રૉનિક ઍલર્જિક ઑલ્વિઓલાઇટિસ તરીકે પણ ઓળખાય છે. તેઓ કહે છે, ‘અમે હસબન્ડ-વાઇફ બન્ને મેડિકલ ફીલ્ડનાં હોવા છતાં આ રોગ વિશે અમે  ક્યારેય સાંભળ્યું નહોતું. જે રોગ હતો એનો સાદી ભાષામાં અર્થ એટલો જ હતો કે હું સહજ રીતે શ્વાસ નહોતી લઈ શકતી. આ થયું કેવી રીતે એના નિદાનમાં કબૂતરની ચરક વિલન હતી. ટ્રીટમેન્ટ શરૂ થઈ. ૬ મહિના હું સિવિયર સ્ટેરૉઇડ્સ પર હતી જે ધીમે-ધીમે ઓછી કરવામાં આવી. મારું ૧૫ કિલો વજન વધી ગયું હતું અને સાથે ઍન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓ પણ શરૂ કરવામાં આવી. કુલ ૧૦ વર્ષ હું સ્ટેરૉઇડ પર રહી. જોકે આ બીમારીને મેં મારા પરિવાર, મારી પ્રૅક્ટિસ કે મારી દીકરીઓ પર હાવી ન થવા દીધી. ત્યાર બાદનાં ૧૦ વર્ષમાં મારી મેડિકલ પ્રૅક્ટિસ, ફૅમિલી-ટ્રિપ્સ અને ગુજરાતી થિયેટરને ૧૦૦ ટકા આપ્યા. એ સમય દરમિયાન મેં કાંદિવલી મેડિકલ અસોસિએશનની પહેલી ફીમેલ સેક્રેટરી તરીકેની જવાબદારી પણ સંભાળી, મૅગેઝિનનું સંપાદન પણ કર્યું.’ 

ઑક્સિજન-સપોર્ટ લઈને શિલ્પા ભાટિયા ખરીદી કરવા અને ફરવા પણ જતા.

હું અને ઑક્સિજન
લાંબા સમય સુધી ઑક્સિજન સિલિન્ડર સાથે ડૉ. શિલ્પા જીવ્યાં છે. તેઓ કહે છે, ‘મારે જ્યાં જવું હોય ત્યાં ઑક્સિજન સિલિન્ડર કમ્પલ્સરી હતું. જોકે એને મેં મારા રસ્તાનો કાંટો તો ન જ બનવા દીધું. તમે માનશો નહીં પણ ૨૦૧૯માં ગુજરાતી નાટક ‘અહમ્ બ્રહ્માસ્મિ’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હું સ્ટેજ પર ઑક્સિજન સપોર્ટ પર પર્ફોર્મ કરી રહી હતી. લોકોને તાજ્જુબ હતું. હું જ્યાં જતી ત્યાં લોકો મારી સામે જોયા કરતા. જોકે એનો મને ફરક નહોતો પડતો. મેં આ જ ઑક્સિજન-સપોર્ટ સાથે હાઇકિંગ ટ્રિપ પણ કરી અને ફૅમિલી સાથે ઇન્ટરનૅશનલ ટૂર્સ પણ કરી, દરેક તહેવાર પણ ઊજવ્યા. મેં નક્કી કર્યું હતું કે જીવન જ્યાં સુધી છે ત્યાં સુધી જીવવું છે.’

ઑક્સિજન-સપોર્ટ વચ્ચે શિલ્પા ભાટિયાએ ૨૦૧૯માં ગુજરાતી નાટક ‘અહમ્ બ્રહ્માસ્મિ’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

અફસોસ એક વાતનો
કોવિડમાં એક ડૉક્ટર તરીકે લોકોની સેવા નહીં કરી શક્યાનો વસવસો આજે પણ આ ડૉક્ટરને છે. ડૉ. શિલ્પા કહે છે, ‘મારી ઑક્સિજનની જરૂરિયાત ૨૦૨૦થી ૨૦૨૨માં બે લીટરથી પાંચ લીટરની થઈ ગઈ અને પછી હું ચોવીસે કલાક ઑક્સિજન સિલિન્ડર પર હતી. અમેરિકામાં મારી સારવારનો મેળ ન પડ્યો. ત્યાર બાદ ૨૦૨૨ના જુલાઈમાં હું ચેન્નઈ હૉસ્પિટલમાં દાખલ થઈ. ત્યાં દેશના સર્વશ્રેષ્ઠ ડૉક્ટર્સની ટીમ છે. મારો પરિવાર ટેમ્પરરી ચેન્નઈમાં શિફ્ટ થયો. એમાં પણ લંગ-ટ્રાન્સપ્લાન્ટ માટે ૯ મહિનાનું લાંબું વેઇટિંગ હતું. એ મારા જીવનનો સૌથી ખરાબ તબક્કો હતો. મારાં મમ્મીનું ડેથ થયું અને હું ચેન્નઈથી મુંબઈ ટ્રાવેલ ન કરી શકી. એવી ઘણી ક્ષણો હતી જ્યારે મને આ ટ્રાન્સપ્લાન્ટ પર ગિવ-અપ કરવાનું મન થયું અને મુંબઈ ભાગી આવવાનું મન પણ થયું. જોકે એ લકી દિવસ આવ્યો. ૨૦૨૩ના માર્ચના ગુઢી પાડવાના દિવસે મને ઑર્ગન મળી શકે એવો કૉલ આવ્યો. બધાં પૅરામીટર્સ મૅચ થયાં અને મારું લંગ-ટ્રાન્સપ્લાન્ટ થયું. ૧૨ કલાક મારી સર્જરી ચાલી. સર્જરીના બે મહિના પછી હું મુંબઈ આવી. જોકે એમાં પણ એકદમ આઇસોલેશનમાં રહેવાનું હતું. જોકે એ સમય પણ નીકળી ગયો.’

ડૉ. શિલ્પા ભાટિયા હજી પણ રિકવર થઈ રહ્યાં છે. તેઓ કહે છે, ‘હું પહેલાં કરતાં સ્ટ્રૉન્ગ અને હેલ્ધી છું. સૌથી સારી વાત એ છે કે હવે હું ઑક્સિજન સિલિન્ડર પર નથી. હું આટલું સહન કરી શકી અને આ સ્તરે પહોંચી શકી તો એનું શ્રેય પરિવાર અને મિત્રોને જાય છે.’

હાથ જોડીને કહું છું, ઑર્ગન-ડોનેશનનું મહત્ત્વ સમજો પ્લીઝ
એક ડૉક્ટર તરીકે પણ ઑર્ગનની રાહ જોવા માટે ડૉ. શિલ્પા ભાટિયાએ ટળવળવું પડ્યું છે. ઑર્ગન-ડોનેશનની જાગૃતિનો ભારતમાં અભાવ છે એટલે ઘણા દરદીઓ ઑર્ગનની રાહ જોતાં મૃત્યુ પામે છે. પોતાની પર્સનલ પ્રૅક્ટિસની સાથે ઑર્ગન-ડોનેશન વિશે લોકજાગૃતિ લાવવાના કામમાં આ ડૉક્ટર મચી પડ્યાં છે. તેઓ કહે છે, ‘આજે હું મારી સ્ટોરી દુનિયા સાથે માત્ર એટલે શૅર કરી રહી છું કારણ કે મેડિકલ ફીલ્ડમાં હોવા છતાં કે આર્થિક રીતે સધ્ધર હોવા છતાં મારે લંગ્સ માટે ખૂબ રાહ જોવી પડી. કેટલાય લોકો છે જે વેઇટિંગ લિસ્ટમાં હોવાને કારણે કાં તો ઑર્ગન ન હોવાને કારણે જીવ ગુમાવે છે. ઑર્ગન-ડોનેશન માટે વધુ ને વધુ લોકો પ્રેરિત થવા જોઈએ. ભારતમાં લાઇફ આફ્ટર ડેથ જેવી માન્યતાને કારણે લોકો ઑર્ગન ડોનેટ કરવામાં પાછા પડી રહ્યા છે. જ્યારે પોતાનું સ્વજન રિકવર નથી થવાનું એની સમજણ પડે ત્યારે કોઈક બીજાના સ્વજનને નવજીવન મળી શકે એવી સંભાવના દેખાય એને પુણ્યની તક સમજીને પણ લોકોએ ઝડપી લેવી જોઈએ. ઑર્ગન ડોનેટ કરવા માટેની પ્રક્રિયા પણ બહુ જ સરળ છે. એક ઑર્ગન ડોનર ૮ જણના જીવ બચાવી શકે છે.’

ઑક્સિજન સપોર્ટ સાથે રનિંગ પણ‍

 

columnists life and style