જીવનમાં સુધાર-બદલાવ બધાના સહયોગ અને સંગઠનથી જ આવ્યો છે

26 April, 2024 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯મી સદીનો ઇતિહાસ સાક્ષી છે કે મહિલાવિષયક સુધારામાં પુરુષોએ જ નેતૃત્વ લીધું હતું

પ્રતીકાત્મક તસવીર

એકલા કામ શરૂ કરશો તો એકલા પડી જશો. સમાજનું પરિવર્તન સાથે મળીને-સંગઠનમાં રહીને શક્ય બને છે. એકલી સ્ત્રીને કુટુંબમાં અને સમાજમાં બહુ જ સહન કરવું પડે છે, પણ એ જ સ્ત્રી જ્યારે પોતાની વાત સમૂહમાં મળીને રજૂ કરે છે ત્યારે કાયદાઓ પણ બદલાય છે, પરિવાર અને સમાજની વિચારધારા અને જૂના રીતિ-રિવાજો પણ બદલાય છે. 

સ્પર્ધા કરવાની જગ્યાએ સ્ત્રીઓએ એકબીજાને સાથ-સહારો આપવો અને સાથે મળીને લડવું. એવા ઘણા પુરુષો છે જે સમાનતામાં માને છે અને આપણી સાથે જોડાય છે. ૧૯મી સદીનો ઇતિહાસ સાક્ષી છે કે મહિલાવિષયક સુધારામાં પુરુષોએ જ નેતૃત્વ લીધું હતું; જેમ કે વિધવાવિવાહ, બાળવિવાહ, ભ્રૃણ-હત્યા જેવી બદીઓ સાથે મળીને કામ કરવાથી દૂર થઈ છે. ખુલ્લા પગે જ્યારે સ્ત્રીઓ પાણી ભરવા જતી તો તેમના પગમાં છાલાં પડે એ પુરુષોથી જોવાતું નહોતું એટલે તેમણે સ્ત્રીઓને ચંપલ પહેરવાના હક માટે સાથે અવાજ ઉઠાવ્યો છે.

સામૂહિક પ્રયાસો થકી સંગઠનની શક્તિ દ્વારા જ આ પ્રશ્નોને હલ કરવાની કોશિશ કરીએ તો એમાં પરિવર્તન આવે છે. છેલ્લાં ૪૦ વર્ષનો આપણા દેશનો ઇતિહાસ જ એ બતાવે છે : ૧૯૭૫થી ૨૦૨૪ સુધીમાં જેટલા પણ કાયદાકીય સુધારા આવ્યા છે, રાજ્ય સરકારની જુદી-જુદી પ્રવૃત્તિઓમાં સુધારા આવ્યા છે; એ બધામાં જ એકતાની તાકાત છે. શરૂઆત ભલે એક કે બે જણે કરી હોય, પણ જ્યારે અન્યોનો ટેકો મળે ત્યારે એમાં સુધારો આવ્યો છે. આજે લગ્નના કાયદાઓ, છૂટાછેડા, બાળકની પરવરિશ, ભરણપોષણના કાયદાઓ; એની શરૂઆત કદાચ એક સ્ત્રીએ 
કરી હશે, પણ તેની અરજીને સાઇન કરવામાં સેંકડો મહિલાઓ અને પુરુષોનો સાથ હતો. 

ઇતિહાસમાં એક ખાસ સમાજની વાત કરીએ તો પટેલ સમાજમાં બહેનોને જે રીતે કુટુંબમાં સ્થાન આપવામાં આવે છે કે આવતું એ જોઈને હું મોટી થઈ છું. નાનપણથી મેં મારા વડીલો પાસેથી દીકરીઓને શા માટે અને કેવી રીતે મારી નાખવામાં આવતી, સોનાના લોભને કારણે નવી વહુઓને મહેણાં મારવાની અઢળક કહાનીઓ સાંભળી છે. એ બધું જોયા પછી પ્રાથમિક શાળામાં જ સ્ત્રી વિશે મને પ્રશ્નો થતા કે સ્ત્રીઓ કેવી રીતે વધુ ગરિમાભર્યું જીવન જીવી શકે? આ સવાલો આજે પણ અસ્તિત્વ ધરાવે છે, પણ ફરક માત્ર એટલો જ છે કે આજે એ પ્રશ્નો માટે જાગૃતિ છે એટલે ધીરે-ધીરે એ સંગઠનો બની રહ્યાં છે અને પ્રશ્નો હલ થઈ રહ્યા છે.

અહેવાલ : ડૉ. વિભૂતિ પટેલ

columnists life and style Sociology