સપનાંને સાકાર કરવા મહેનત, સંસાધનો, યોગ્ય ટીમ અને નિષ્ઠાનું સાતત્ય જરૂરી છે. જીવનમાં સુખ કરતાં સંતોષનું મહત્ત્વ સમજાવતો આ લેખ નિષ્ફળતા, આફત, સફળતા, સેવા અને જીવનના સાચા અર્થ પર વિચાર કરાવે છે.
પ્રતીકાત્મક તસવીર
આપણી નિષ્ફળતાનાં અનેક કારણો હોઈ શકે. સપનાંઓ જોવાથી એક અદૃશ્ય પાયો નખાય છે, પણ દૃશ્યમાન પાયો ખોડવા અનેક પરિબળો ઉમેરવાં પડે. ગણતરીઓ કરવી પડે, સંસાધનો ક્યાંથી મળશે એનો ક્યાસ કાઢવો પડે, એ સંસાધનો પરવડે એવા દરે મેળવવાં પડે, કર્મનિષ્ઠ ટીમ બનાવવી પડે, યોગ્ય પ્રતિભાને સાંકળવી પડે, પુરુષાર્થ કરવો પડે અને મુખ્ય તો નિષ્ઠાનું સાતત્ય જાળવવું પડે. ટૂંકમાં, કોઈ વાતમાં જાન ઉમેરીએ તો જાતને દીપાવી શકીએ. અમિત વ્યાસ આની પ્રતીતિ કરાવે છે...
કોણ ધીમા અવાજે બોલે છે?
કોણ આ રાતને ડ્હોળે છે?
ખળભળી જાય કેટલાં વિશ્વો
ત્યારે તરણું જરાક કોળે છે
વિશ્વ તો છેલ્લાં ચાર-પાંચ વર્ષથી ખળભળી રહ્યું છે. બે દેશો વચ્ચેના યુદ્ધમાં આખા વિશ્વમાં મોંઘવારી હરક્યુલસની જેમ વધતી જાય છે. ટ્રમ્પ સરકારે અમેરિકાનું શાસન સંભાળ્યું એ પછી ઊર્જા ક્ષેત્રમાં ૧૬.૩ ટકા અને ગૅસોલિનમાં ૨૭.૪ ટકા જેટલો તોતિંગ વધારો થયો છે. ઓછેવત્તે બધા જ દેશોમાં આની અસર પડી છે. બળતણ બળે એની સાથે જ વાહનધારકનું પાકીટ પણ આગ અનુભવતું થઈ ગયું છે. મનીષ પરમાર કહે છે એમ દેણું તો ચૂકવવું પડે...
કેટલા જનમોજૂના થર નીકળે
એક ટીંબો ખોદતાં ઘર નીકળે
આંસુનો હિસાબ પૂરો થાય ક્યાં?
લેણું એનું જિંદગીભર નીકળે
નેપાલમાં આવેલા મહાવિનાશક પૂરમાં સેંકડો ઘરો ટીંબો બની ગયાં. ૧૩૮૫ મૃત્યુ નોંધાયાં છે અને પાંચેક હજાર લોકો મિસિંગ છે. સ્કૂલ સહિત અનેક મકાનો કાટમાળ બની ગયાં. ૧૩ હાઇડ્રોપાવર પ્રોજેક્ટને પારાવાર નુકસાન થયું. નવેસરથી બધું ઊભું કરવા કમસે કમ પાંચેક અબજ ડૉલરનું ફન્ડ આવશ્યક છે. દરેક દેશે આવી અણધારી આફત માટે આકસ્મિક ફન્ડ રાખવું જોઈએ. ઇસરોએ આગામી મહિનામાં અત્યંત શક્તિશાળી એવા ૩ ચક્રવાતની આગોતરી ચેતવણી આપી છે. ખુદા ખેર કરે. દિલીપ વ્યાસ અનોખી મૂંઝવણ વ્યક્ત કરે છે...
વધારે નથી કોઈ શણગાર સજવા
હવે ઊતરી જાવ હે રંગ ભગવા
લિપિબદ્ધ થાતી રહી મૂંઝવણ પણ
કહે, કેટલા પ્રશ્ન મારે ખડકવા?
તાજેતરમાં ‘હનુમાન અંશ’ ફિલ્મે ધૂમ મચાવી છે. બે કરોડ રૂપિયામાં બનેલી ફિલ્મે ૩૯ દિવસમાં ૨૨૨ કરોડનો વકરો કર્યો છે અને હજી ઉમેરો અપેક્ષિત છે. જે ફિલ્મને સ્ક્રિપ્ટના સ્તરે જ હડહડતો જાકારો મળ્યો હતો એ ફિલ્મ રિલીઝ થયાના થોડા દિવસ પછી એવી ઊંચકાઈ કે ભલભલા ફિલ્મી પંડિતો ચકરાવે ચડી ગયા. ફિલ્મ બનાવનાર ટીમની નિષ્ઠા અને શ્રદ્ધા સાથે માટીની સુગંધ અને પરમ પ્રત્યેના સમર્પણભાવે આ વિજય મેળવ્યો છે. નીવડેલી કમર્શિયલ ફૉર્મ્યુલા વગર જ્યારે ભીતરની આરતથી કામ થાય ત્યારે આવું પરિણામ મળતું હોય છે. પ્રફુલ્લા વોરા આવો ભાવ વ્યક્ત કરે છે...
ના કશી ફરિયાદ છે ને મસ્ત આતમરામ છે
સામટું સુખ ના ચહું, સંતોષ છે બે-ચારમાં
નામ લેતા હે પ્રભુ! ચારે દિશાઓ ઝળહળે
કેટલા દીવા થયા દિલ તણા દરબારમાં
આપણે સુખની વ્યાખ્યા સમજવામાં જિંદગી વેડફી નાખીએ છીએ એટલે સંતોષની વ્યાખ્યા કરવાનો સમય બચતો નથી. સુખ વિશેષ કરીને સગવડો તરફ નિર્દેશ કરે છે, જ્યારે સંતોષ સાર્થકતા તરફ નિર્દેશ કરે છે. તમે વિમાનના બિઝનેસ ક્લાસમાં ત્રણથી-પાંચ લાખ રૂપિયાની મોંઘી ટિકિટ ખર્ચીને જાઓ એ સુખ છે, જ્યારે તમે કોઈ ગરીબ બાળકની ત્રણથી પાંચ હજારની સ્કૂલ-ફી ભરો છો એ સંતોષ છે. તમે ઘરમાં નોકરચાકર રાખીને બધું કામ કરાવી શકો એ સુખ છે, જ્યારે તમે કોઈ ભંડારામાં ભોજન પીરસવાની સેવા આપો એ સંતોષ છે. સંપત્તિની હોશિયારી હોય છે, જ્યારે તૃપ્તિનો હાશકારો હોય છે. હરિશ્ચંદ્ર જોશી આપણી અંદર છુપાયેલો ચહેરો પ્રગટ કરે છે...
ગણવું જ કાંઈ હોય તો થડકા ગણી બતાવ
તેં ફેરવેલા શ્વાસના મણકા ગણી બતાવ
વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ
રાખ્યા છે કિંતુ કેટલા પડદા? ગણી બતાવ
લાસ્ટ લાઇન
આંખોની સામે હોય છે સપનાંઓ કેટલાં?
એક પળમાં સંભવી શકે કિસ્સાઓ કેટલા?
સામે જ હોય તેમને પણ પામવા કદી
તરવા પડે છે દોસ્તો! દરિયાઓ કેટલા?
શેરીની સ્તબ્ધતાને પૂછો તો ખબર પડે
ઉંબર સુધી ન પહોંચ્યા ઇરાદાઓ કેટલા?
ગણવા જો બેસો પાર તમે પામશો નહીં
બે ક્ષણની વચ્ચે હોય છે પર્દાઓ કેટલા?
આ પ્રશ્ન તો અનાદિથી સાહિલ ઊભો જ છે
એક આદમીને હોય છે ચહેરાઓ કેટલા?
- સાહિલ (સમગ્ર કવિતા : નીસા)
સં. પ્રદીપ રાવલ સુમિરન, દિનેશ કાનાણી