02 November, 2025 03:30 PM IST | Mumbai | Hiten Anandpara
હિતેન આનંદપરા
ઘણી વાર આપણને જે લાગે એવું હોતું નથી. કોઈ વ્યક્તિ અતિશય સારી લાગતી હોય, પણ એકાંતમાં તેનું ખરું રૂપ કે અરૂપ પ્રગટ થાય. બીજી તરફ કોઈ વ્યક્તિ દેખાવે સાવ સાધારણ હોય, પણ સુખદુઃખમાં પડખે ઊભા રહીને અસાધારણ સ્નેહનો પુરાવો આપે. જિંદગી સરપ્રાઇઝ એલિમેન્ટ ધરાવે છે. ગની દહીંવાલા આવું જ કોઈ મંતવ્ય ઉજાગર કરે છે...
બહુરૂપી! તમારાં નયનોનાં બે રૂપ બરાબર લાગે છે
મીંચાય તો બિડાયેલ કમળ, ઊઘડે તો પ્રભાકર લાગે છે
છે પુણ્ય પ્રતાપ મહોબ્બતના, પથ્થરમાં જવાહર લાગે છે
હું લોકને નિર્ધન લાગું છું, દિલ મુજને તવંગર લાગે છે
ઘણા ઉદ્યોગપતિઓ કે વિશાળ સંપત્તિ ધરાવતા શ્રીમંતો કોઈ દેખાડો કરતા નથી ને સાદગીને જ સાચી સંપત્તિ માને છે. રતન તાતાની જિંદગી બધા માટે પથદર્શક રહી છે. ઇન્વેસ્ટર તરીકે એવરેસ્ટ વૉરન બફેટ કે ઇન્ફોસિસના સ્થાપક કે. નારાયણમૂર્તિ વિશે વાંચો તો ખ્યાલ આવે કે લખલૂટ અમીરાઈ હોવા છતાં તેમના મનમાં કોઈ રાઈ ભરાઈ નથી. બીજી તરફ નગરસેવક કે પ્રધાનો વિશે વાત કરીએ તો મોંઘીદાટ ગાડીઓના કાફલા સાથે ‘સેવા’ કરવા નીકળે અને દરબારો ભરીને પોતાની મહત્તા સ્થાપિત કરે. એક તરફ અખૂટ હોવા છતાં અલિપ્તભાવ છે તો બીજી તરફ આંશિક હોવા છતાં અખિલાઈ છાંટવાની તમન્ના છે. હેમન્ત દેસાઈ અલગારી અવસ્થાની વાત કરે છે...
અકિંચન છું પરંતુ રાજરાજેશ્વર સમું જીવતો
નગરના લોક શું રસ્તાય સૌ સત્કારતા લાગે
ઊઠી જાઉં થતું કે મ્હેફિલેથી જામ ફોડીને
વિખૂટા સાથી જન્મોજન્મના સંભારતા લાગે
કોઈ પાર્ટી કે મહેફિલમાં હાજરી પુરાવવા જવું પડે ત્યારે માતબર મૂંઝારો થાય. પ્રત્યેક મિનિટ ભારઝલ્લી લાગે. વાતાનુકૂલિત વાતાવરણમાં પણ અકળામણ થાય. એમાંય જો એકલા હોઈએ તો ‘એક અકેલા ઇસ શહેર મેં’ ગીતનો મર્મ વધારે ચરિતાર્થ થાય. સાદિક મન્સૂરી આ અકળામણ વ્યક્ત કરે છે...
જિંદગી અર્પી છે એણે માણવા જેવી મને
તે છતાં લાગે છે એ તો ઝાંઝવા જેવી મને
કોણ જાણે દિલ ન લાગે કેમ આ દુનિયા મહીં
લાગતી દુનિયા નથી બસ લાગવા જેવી મને
મહેફિલમાં કે દુનિયામાં મિસફિટ હોવાની ભાવના ઘણી વાર આપણને હતાશ કરી મૂકે. જોકે આપણને નિરર્થક લાગતી મહેફિલ જબરદસ્ત માર્કેટિંગ મેન્ટાલિટી ધરાવતા શખ્સ માટે તક બનીને ઊભી રહે. કોઈ ઓળખાણ વગર તે અડધો-પોણો કલાકમાં એવી સ્થિતિ નિર્માણ કરી દે જે તેના માટે બિઝનેસ લાવી શકે. આવી આવડત ધરાવનાર દિવસને રાતમાં ને રાતને દિવસમાં ખપાવી શકે એટલા સક્ષમ હોય છે. હરીશ ઠક્કર લખે છે...
ચાલ જ્યારે ઉડાન લાગે છે
પગ તળે આસમાન લાગે છે
સાંજ પડતાં દિવસ થયો ઘરડો
રાત આખી જવાન લાગે છે
પગ તળે આસમાન આવી જાય એવા ડિજિટલ અરેસ્ટના થોકબંધ કિસ્સા બની રહ્યા છે. રંજની વાત એ છે કે ભણેલા-ગણેલા લોકો પણ આ જાળમાં ફસાઈ રહ્યા છે. ઍર-હૉસ્ટેસ, બિઝનેસમૅન, બૅન્કર વગેરે જાગૃત લોકો પણ સપડાય એની નવાઈ લાગે. જિંદગીભરની બચત કોઈ અજાણ્યું ઓહિયાં કરી જાય. કેટલીક વાર લાગે છે કે આ પ્રકારના કામમાં સંડોવાયેલા કૌભાંડીઓ મેસ્મેરિઝમ જાણતા હશે ને સામેવાળાના મન પર કબજો કરી લેતા હશે. અન્યથા ઘરમાંથી ૧૦ રૂપિયાની નોટ પણ આમથી તેમ ન થાય એની કાળજી રાખતા લોકો કેમ ફસાઈ જાય? ચિનુ મોદી ડર વ્યક્ત કરે છે...
લાગણીની બીક લાગે છે મને
વાત એ પણ ઠીક લાગે છે મને
પાણીમાં ચહેરાને જોયો એ પછી
દર્પણો દાંભિક લાગે છે મને
લાસ્ટ લાઇન
ગુમાવી જે ક્ષણો એનો ન કોઈ સાર લાગે છે
ફકીરી હાલ જીવનનો હવે આધાર લાગે છે
પછી થાકી અને મૂકી બધી સમજણ પછીતે મેં
કદી જીવન, કદી લોકો, સમજની પાર લાગે છે
સફર કાપી ઘણી લાંબી તમારે દ્વાર તો આવ્યો
હવે મળવા થયાં આતુર કદમ, તો ભાર લાગે છે
ખુશી શોધી જતાં થાકી, ઘરોબો દર્દથી બાંધ્યો
ટપકતાં આંખથી આંસુ, હવે ઉપચાર લાગે છે
પરમનું રૂપ ભાળ્યું જો સકળ સંસારની ભીતર
શબદ મારા અલખ વાણી તણા આકાર લાગે છે
હજુ જ્યાં આંખ ખૂલી કે તમે દર્શન તરત દીધાં
નયનમાં ક્યાંક મિલનનું બીડેલું દ્વાર લાગે છે
ફરક જ્યારે ગયો સમજાઈ મારા ને તમારાનો
મળ્યા એના પછી જે પણ બધાયે યાર લાગે છે
- દિલીપ ધોળકિયા ‘શ્યામ’
કાવ્યસંગ્રહ : ભાંગતી રાતનું જાગરણ