તમે ઘરના ઇલેક્ટ્રૉનિક કચરા સાથે શું કરો છો?

21 September, 2026 06:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈ-વેસ્ટનો યોગ્ય નિકાલ ન થાય તો લેડ, મર્ક્યુરી અને કેડમિયમ જેવી ઝેરી હેવી મેટલ્સથી જમીન અને ભૂગર્ભજળ પ્રદૂષિત થઈ શકે છે. રીસાઇક્લિંગથી પર્યાવરણનું રક્ષણ થાય છે, ઉપયોગી દ્રવ્યો ફરીથી વાપરી શકાય છે અને સર્ક્યુલર ઇકૉનૉમીને વેગ મળે છે.

કરણ ઠક્કર

આજના આધુનિક અને ટેક્નૉલૉજીથી ઘેરાયેલા યુગમાં દરરોજ અસંખ્ય નવાં-નવાં ઇલેક્ટ્રૉનિક સાધનો માર્કેટમાં આવી રહ્યાં છે. સ્માર્ટફોન અને લૅપટૉપથી લઈને હવે તો ઇલેક્ટ્રિક ટૂથબ્રશ જેવાં નાનાં સાધનો પણ આપણા રોજિંદી જીવનનો હિસ્સો બની ગયાં છે. જોકે આ સુવિધાની પાછળ એક બહુ મોટો અને ગંભીર ખતરો છુપાયેલો છે જેને આપણે ઈ-વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રૉનિક કચરા તરીકે ઓળખીએ છીએ. આજે સામાન્ય લોકોમાં ઈ-વેસ્ટ વિશે સાચી જાગૃતિનો ભારે અભાવ જોવા મળે છે. મોટા ભાગના લોકોને એ ખ્યાલ જ નથી હોતો કે ઘરમાં પડેલી જૂની ટ્યુબલાઇટ, પેન્સિલ સેલ, નકામા વાયરો કે કેબલ ટીવીના વાયર પણ ઈ-વેસ્ટની શ્રેણીમાં આવે છે. દર વર્ષે દેશમાં અંદાજે ૩ મિલ્યન ટનથી પણ વધુ ઈ-વેસ્ટ ઉત્પન્ન થાય છે, જેમાંથી માત્ર ૧૦ ટકા કચરો જ પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એ રીતે યોગ્ય રીતે પ્રોસેસ કે રીસાઇકલ થાય છે. બાકીનો મોટા ભાગનો કચરો ગેરકાયદે રીતે સળગાવી દેવામાં આવે છે અથવા કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવે છે.
જો ઇલેક્ટ્રૉનિક કચરાનું યોગ્ય રીતે રીસાઇક્લિંગ કરવામાં ન આવે તો એ પર્યાવરણ માટે ભારે જોખમી છે. ઇલેક્ટ્રૉનિક ઉપકરણો બનાવવામાં વિવિધ પ્રકારની કેમિકલ્સ અને કેડમિયમ, લેડ, મર્ક્યુરી જેવી અત્યંત ઝેરી હેવી મેટલ્સનો ઉપયોગ થાય છે. આ કચરો જ્યારે જમીનમાં ફેંકાય છે ત્યારે આ ઝેરી તત્ત્વો 
ધીમે-ધીમે જમીનમાં ભળી જાય છે અને ભૂર્ગભ જળને પણ પ્રદૂષિત કરે છે. આ પ્રદૂષિત પાણી અને જમીન માનવશરીર અને પ્રકૃતિ માટે અત્યંત ઘાતક સાબિત થાય છે. 
સરકાર દ્વારા પણ ઈ-વેસ્ટ અને જોખમી કચરા વિશે કડક કાનૂન બનાવવામાં આવ્યા છે. આ કાનૂન મુજબ જટિલ અને જોખમી કમ્પોનન્ટ્સને અલગ કરીને એમાંથી નીકળતાં પ્લાસ્ટિક અને મેટલ જેવાં ઉપયોગી દ્રવ્યોને પુનઃ ઉપયોગમાં લઈ શકાય એ માટે પ્રોસેસ કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી સર્ક્યુલર ઇકૉનૉમીને પ્રોત્સાહન મળે છે, જેને કારણે નવી ખાણો ખોદવાની કે કુદરતી સંપત્તિનો બેફામ ઉપયોગ કરવાની જરૂરિયાત ઘટે છે.
મારો ઈ-વેસ્ટ રીસાઇક્લિંગ કંપની શરૂ કરવાનો પર્પઝ પણ એ જ હતો કે લોકો ઘેરબેઠાં જ પોતાના ઈ-વેસ્ટનો નિકાલ કરી શકે એ માટે એક વિશેષ પિક-અપ સર્વિસ શરૂ કરીને તેમને સગવડ આપવી. અમને માત્ર એક ફોનકૉલ કરીને કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરેથી જ નકામો ઈ-વેસ્ટ આપી શકે છે અને અમારી ટીમ તેમના અનુકૂળ સમયે ઘરે આવીને આ કચરો એકત્રિત કરી જાય છે. આ સેવા અંતર્ગત મોબાઇલ, લૅપટૉપ, તમામ પ્રકારનાં ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રૉનિક સાધનો સ્વીકારવામાં આવે છે. અહીં એક મહત્ત્વની બાબત એ છે કે જે સાધનો હજી ચાલુ પરિસ્થિતિમાં છે કે ઉપયોગી છે એમને ફરીથી વાપરવા માટે આપવાનો પ્રયાસ કરાય છે; પરંતુ જે સાધનો સાવ બિનઉપયોગી થઈ ચૂક્યાં છે એમનું વૈજ્ઞાનિક ઢબે રીસાઇક્લિંગ કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયા મિનિસ્ટ્રી ઑફ એન્વાયર્નમેન્ટ દ્વારા ઑથોરાઇઝ્ડ રીસાઇક્લિંગ પ્લાન્ટમાં પર્યાવરણ-અનુકૂળ ટેક્નૉલૉજી દ્વારા કરવામાં આવે છે.

-કરણ ઠક્કર

columnists environment air pollution exclusive gujarati mid day