18 September, 2026 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડૉ. સ્નેહા પોકાર
ઝડપથી બદલાતી દુનિયામાં શિક્ષણ માત્ર પુસ્તકો અને પરીક્ષાઓ પૂરતું સીમિત નથી રહ્યું. હવે સ્કૂલની પરંપરાગત છબિને બદલવાનો સમય આવી ગયો છે. સ્કૂલને જીવંત પ્રયોગશાળા બનાવો જ્યાં વિદ્યાર્થીઓ હૅન્ડ્સ-ઑન અનુભવ, સર્જનાત્મક અભિવ્યક્તિ અને વાસ્તવિક જીવનનાં ઉદાહરણો દ્વારા શીખે. સ્કૂલનો ઉદ્દેશ વિદ્યાર્થીને માત્ર ઍકૅડેમિક્સ ભણાવવાનો ન હોવો જોઈએ. આજકાલનાં સ્માર્ટ બાળકો ઘરેથી ABCD શીખીને જ આવે છે. શિક્ષકોએ તેમને કંઈક નવું અને જીવનલક્ષી શીખવવાનું છે. અમારી સ્કૂલ સફાળે જેવા રૂરલ એરિયામાં હોવા છતાં આ દિશામાં સફળ પ્રયાસો કર્યા છે. નર્સરીથી બીજા ધોરણમાં અભ્યાસ કરતાં બાળકોના ફિઝિકલ અને મેન્ટલ ગ્રોથ માટે અમે હેલ્થ ઍન્ડ ન્યુટ્રિશન વિષય દાખલ કર્યો છે. આજે બજારમાં મળતું ૯૦ ટકા ફૂડ ભેળસેળયુક્ત છે. અમે બાળકોને પૅકેજ્ડ ફૂડનાં લેબલ વાંચતાં અને હાનિકારક ફૂડ-કલર્સ ઓળખતાં શીખવીએ છીએ. જો આપણે નાનપણથી જ બાળકને કૅડબરી જેવી વસ્તુઓથી દૂર રાખીને યોગ્ય ટેસ્ટ-પૅલેટ ડેવલપ કરીએ તો તેઓ બદામને જ ચૉકલેટ સમજીને હોંશે-હોંશે ખાતું થઈ જશે. બાળકની ફૂડ-હૅબિટ્સ તેના વર્તન અને એકાગ્રતાને નક્કી કરે છે. સોમાંથી ૨૦ વાલીઓ પણ આ વાત સમજશે તો અમારા માટે આ ગ્રેજ્યુઅલ પ્રોસેસ સફળ ગણાશે. આ વિષયને વધુ સચોટ બનાવવા ડૉક્ટરો અને ડાયટિશ્યન્સ સાથે ટાઇ-અપ કર્યું છે. તેઓ વાલીઓને માર્ગદર્શન આપે છે કે જો તેમનું બાળક પૌષ્ટિક આહાર ન ખાતું હોય તો એનો તંદુરસ્ત વિકલ્પ શું હોઈ શકે અને દર બે મહિને બાળકની ઉંમર, વજન અને હાઇટનું ચોક્કસ મૉનિટરિંગ પણ કરીએ છીએ.
શિક્ષણ માત્ર અક્ષરજ્ઞાન નથી, વિદ્યાર્થીના સ્વસ્થ જીવન અને ઘડતરનો પાયો છે. મૅનેજમેન્ટ, ટીમવર્ક, લીડરશિપ, પ્રૉબ્લેમ-સૉલ્વિંગ, સંવાદ અને સામાજિક જવાબદારી જેવી કુશળતાઓ પણ અભ્યાસક્રમમાં સામેલ હોવી જોઈએ. આજનો વિદ્યાર્થી આવતી કાલનો લીડર છે. આથી માર્ક્સ-આધારિત માળખાને બદલવું પડશે. સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે મારું કામ વ્યવસ્થાપન પૂરતું મર્યાદિત નથી, પરિવર્તનાત્મક છે. સ્કૂલનું ઍકૅડેમિક અને કો-કરિક્યુલર કૅલેન્ડર હું જાતે ડિઝાઇન કરું છું. વિદ્યાર્થીઓ માટે શિક્ષણ એક રસપ્રદ પ્રવાસ બને એનો ખ્યાલ દરેક શિક્ષકે રાખવો જોઈએ એવું હું દૃઢપણે માનું છું. આવતી કાલના આ લીડરોને માનસિક અને શારીરિક રીતે સજ્જ રાખવા ખેલકૂદને પણ પ્રાધાન્ય આપવું જોઈએ. તહેવારોની ઉજવણીની સાથે વૃક્ષારોપણ અને સફાઈ-અભિયાન જેવા વિશેષ કાર્યક્રમોના આયોજનથી વિદ્યાર્થીઓમાં સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના વિકસે છે. પોતાના વિઝનમાં ક્લિયર રહેવા શિક્ષકે પોતાની સ્કિલને સતત અપગ્રેડ કરતા રહેવું જોઈએ.
- ડૉ. સ્નેહા પોકાર
(ડૉ. સ્નેહા પોકાર સફાળેની એમ. એસ. પોકાર કિડ્સ અને એમ. એસ. પોકાર હાઈ સ્કૂલ ઍન્ડ જુનિયર કૉલેજનાં પ્રિન્સિપાલ છે. ૨૦૨૧ અને ૨૦૨૫માં તેમને પાલઘર જિલ્લાનાં યંગેસ્ટ પ્રિન્સિપાલ ઑફ ધ યરનો અવૉર્ડ મળ્યો છે. તેઓ મુંબઈ ક્રિકેટ અસોસિએશનમાં વસઈ ક્લબથી ક્રિકેટ રમી ચૂક્યાં છે. લગાતાર ૩ વર્ષ સનાતન પાટીદાર યુવક મંડળની ઉમિયા ક્રિકેટ ટુર્નામેન્ટની વિમેન્સ ટ્રોફી જીતી છે.)