કચ્છમાં ૧૦ વર્ષ પછી જન્મેલું ઘોરાડનું બચ્ચું VIP કેમ છે?

05 April, 2026 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના રાષ્ટ્રીય પક્ષીની પસંદગી કરવાની હતી ત્યારે તત્કાલીન સરકારે પક્ષીનિષ્ણાતોની એક ખાસ કમિટી રચી. મોર, બ્રાહ્મણી સમડી, રાજહંસ, સારસ અને ઘોરાડ એમ પાંચ પંખીઓ રાષ્ટ્રીય પક્ષી બનવાની હોડમાં ઊડી રહ્યાં હતાં.

દસ વર્ષ પછી કચ્છમાં જન્મેલું આશાનું કિરણ જગાવતું ઘોરાડ પંખીનું બચ્ચું. રાજસ્થાનમાં મુકાયેલા ફલિત ઈંડાને કચ્છમાં લાવવામાં આવ્યું હતું, જેને કચ્છની માદા ઘોરાડે પોતાનું સમજીને સેવ્યું અને એમાંથી બચ્ચું પેદા થયું. પક્ષીસંવર્ધનની આ પ્રક્રિયાને જમ્પસ્ટાર્ટ અભિગમ કહેવાય છે.

જ્યાં માત્ર ૩ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્યાં હતાં એવા કચ્છના નલિયા નજીકના ઘાસિયા મેદાનમાં રાજસ્થાનથી લાવવામાં આવેલા ઈંડામાંથી બચ્ચાનો જન્મ થયો છે ત્યારે વનવિભાગના ૫૦થી વધુ અધિકારીઓ એની સુરક્ષામાં લાગ્યા છે. એક સમયે ભારતનું રાષ્ટ્રીય પંખી બનતાં-બનતાં રહી ગયેલા અને નામશેષ થવાના આરે આવેલા કચ્છના આ ઘરેણાને જાળવવા અને સંવર્ધિત કરવા માટે ફરી કેવા પ્રયત્નો શરૂ થયા છે એ જાણીએ

સમય : ૧૯૬૦નો દાયકો.

ભારતના રાષ્ટ્રીય પક્ષીની પસંદગી કરવાની હતી ત્યારે તત્કાલીન સરકારે પક્ષીનિષ્ણાતોની એક ખાસ કમિટી રચી. મોર, બ્રાહ્મણી સમડી, રાજહંસ, સારસ અને ઘોરાડ એમ પાંચ પંખીઓ રાષ્ટ્રીય પક્ષી બનવાની હોડમાં ઊડી રહ્યાં હતાં.

એક પછી એક નામ પર ચર્ચાવિચારણા શરૂ થઈ. રાજહંસ દેખાવે સુંદર અને રાષ્ટ્રીય પક્ષી તરીકે સૌથી વધુ દાવેદાર હતું, પણ કેટલાક નિષ્ણાતોએ એને વિદેશી ગણાવીને રાષ્ટ્રીય પક્ષીના પદ માટે અયોગ્ય ઘોષિત કર્યું. સારસનું સ્થાન અન્ય દેશોની રાજમુદ્રામાં હોવાને કારણે એ પસંદ ન થયું તો બ્રાહ્મણી સમડીનું વળી એના વિચિત્ર અવાજ તથા ખોરાકને ચૂંથી-ચૂંથીને ખાવાની ‘કુટેવ’ને કારણે પત્તું કપાયું.

હવે વધ્યાં માત્ર બે પક્ષી - મોર તથા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડ. બર્ડમૅન ઑફ ઇન્ડિયા ડૉ. સલીમ અલીએ બહુ જ ભારપૂર્વક ઘોરાડના નામ પર પસંદગીની મહોર મારવાનું સૂચવ્યું. આની પાછળ મુખ્ય બે કારણો હતાં : એક, ભારતનાં ૧૪૦૦ જાતનાં પંખીડાંમાં ઘોરાડ ખૂબ જ પ્રભાવશાળી લાગે છે. ભારતીય પક્ષીઓમાં સૌથી વજનદાર ફ્લાઇંગ બર્ડ હોય તો એ લગભગ અઢારથી ૨૦ કિલોનું ઘોરાડ છે. બીજું કારણ ઘોરાડની સતત ઘટતી સંખ્યા વિશે સરકારી ઉદાસીનતાને ઢંઢોળીને જાગ્રત કરવાનું હતું. જો ઘોરાડ રાષ્ટ્રીય પંખી જાહેર થાય તો તંત્ર આપોઆપ એની રક્ષા માટે જાગે એ બનવાજોગ હતું.

જોકે એની કમનસીબી કે એક નાનીઅમથી વાતને કારણે ઘોરાડને રાષ્ટ્રીય પંખીનો દરજ્જો મળતાં-મળતાં રહી ગયો. વાત એવી હતી કે રોજિંદા વ્યવહારમાં ઘોરાડનો અંગ્રેજી સ્પેલિંગ Bustard ખોટી રીતે થાય એવી સંભાવના હતી. મૂળાક્ષર uના સ્થાને a લખાય તો અર્થનો અનર્થ થઈ જાય. આ ભીતિને કારણે આખરે નૅશનલ બર્ડની રેસમાં ઘોરાડ હારી ગયું અને આપણા રાષ્ટ્રીય પક્ષીની યશકલગી મોરના મુગટે આવી.

ઇતિહાસ હંમેશાં ‘જો અને તો’ની વચ્ચે રચાતો હોય છે. જો ઘોરાડ રાષ્ટ્રીય પક્ષી તરીકે પસંદ પામ્યું હોત તો કદાચ એની સાંપ્રત સ્થિતિનું ચિત્ર જુદું હોત.

એક ઘોરાડને કારણે

સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં એક તેતરના રક્ષણાર્થે ૧૪૦ સોઢા પરમારો અને સતી જોમબાઈ માએ આપેલા બલિદાનની કથા છે. ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારમાં આ કથા ‘એક તેતરને કારણે’ નામથી આલેખી છે. એક નાના જીવનું રક્ષણ કરવાનું હાર્દ આ કથામાં સમાયેલું છે. નાનામાં નાના જીવનું રક્ષણ કરવાનો ભારતીય મંત્ર સાકાર કરતી હોય એમ ઘોરાડ જેવા પક્ષીના રક્ષણ માટે વનવિભાગની ટીમ તહેનાત છે. ઘોરાડ જેવી વિલુપ્ત થઈ રહેલી પ્રજાતિના રક્ષણ માટે તો વધુ સાવધાની, સાચવણી અને સાવચેતી દાખવવી જરૂરી બની જાય છે.

આજે અસ્તિત્વ જોખમમાં

રાષ્ટ્રીય પક્ષીની હોડમાં કમનસીબ સાબિત થયેલા આ પક્ષીના અસ્તિત્વની પાછળ એક મસમોટો પ્રશ્નાર્થ જોડાયેલો છે, કારણ કે આ પક્ષીની પ્રજાતિ નાશ થવાના આરે આવીને ઊભી છે અને એની વૈશ્વિક વસ્તી માનવીય પરિબળોને કારણે પાછલા કેટલાક દાયકાઓમાં ઘણી ઘટી ગઈ છે.

ગુજરાત સરકારના આંકડા અનુસાર રાજ્યમાં ૧૯૯૨માં ઘોરાડની વસ્તી ૩૦ હતી એ ૨૦૦૪માં વધીને ૪૫ થઈ હતી. ૨૦૦૭માં એ ૪૮ થઈ હતી અને મોટા ભાગનાં પક્ષી કચ્છના અબડાસા અને બાજુના માંડવી તાલુકામાં નોંધાયાં હતાં. જોકે ત્યાર બાદ વસ્તી ઘટવા લાગી. વન્યજીવન સંરક્ષણ કાયદા ૧૯૭૨ અંતર્ગત ‘નાશ થવાના આરે આવેલી અતિશય સંવેદનશીલ પ્રજાતિ’નાં પક્ષીઓની શેડ્યુલ 1ની યાદીમાં એને સ્થાન અપાયું છે.

આજે કચ્છમાં કોઈ નર ઘોરાડ નથી, માત્ર ૩ માદા જ છે. અલબત્ત, ૨૬ માર્ચે કચ્છના અબડાસા તાલુકાના નલિયા વિસ્તારના ઘાસિયા મેદાનમાં છેલ્લા એક દાયકાના ઇન્તેજાર બાદ અત્યંત દુર્લભ એવા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ)ના બચ્ચાનો જન્મ થયો છે અને ઘોરાડના ભવિષ્યને લઈને પણ નવી આશા જન્મી છે. આ આખી પ્રક્રિયા બહુ રસપ્રદ વિષય છે.

બે અભયારણ્ય

ગુજરાત સરકારે આ પક્ષીની પ્રજાતિના સંરક્ષણ માટે બે અભ્યારણ્ય જાહેર કર્યાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩.૩૩ ચોરસ કિલોમીટર વિસ્તારમાં આવેલું ‘ગાગા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ અભયારણ્ય’ અને ‘કચ્છ બસ્ટર્ડ અભયારણ્ય’ જે કચ્છના અબડાસા તાલુકામાં બે ચોરસ કિલોમીટર વિસ્તારમાં આવેલું છે. કચ્છ બસ્ટર્ડ અભયારણ્ય અને એની આસપાસનો વિસ્તાર આ પંખીડાં માટેનું છેલ્લું આશ્રયસ્થાન બની ગયું છે.

ઑપરેશન એગ ટ્રાન્સફર

ઘોરાડના વંશવેલાના સંરક્ષણ માટે તાજેતરમાં વનવિભાગે એક નવી પહેલ કરી છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તનપ્રધાન ભૂપેન્દ્ર યાદવે શનિવારે જાહેરાત કરી હતી કે ગુજરાતના કચ્છ જિલ્લામાં ૨૬ માર્ચે ઘોરાડ પક્ષીના એક બચ્ચાનો જન્મ થયો છે. ત્યાર બાદ ગુજરાત સરકારે એક અખબારી યાદીમાં જણાવ્યું કે રાજ્યમાં આશરે એક દાયકામાં ઘોરાડ પક્ષીના જન્મનો આ પહેલો બનાવ છે.

હવે સવાલ એ થાય કે જો આ વિસ્તારમાં એકેય નર ઘોરાડ હતું જ નહીં તો અહીં બચ્ચાનો જન્મ થયો કઈ રીતે? તો વાત એમ છે કે નલિયા નજીક ઘાસિયા મેદાનમાં જે ઈંડામાંથી બચ્ચાનો જન્મ થયો એ ઈંડાને રાજસ્થાનથી લાવવામાં આવ્યું હતું. એવું કઈ રીતે થયું એ સમજીએ.

ઘોરાડના સંરક્ષણને યોગ્ય ડેસ્ટિની મળે એ જરૂરી છે. પ્રકૃતિના ચક્રમાં નર અને માદા બન્ને મજબૂત સ્તંભ છે. રાજસ્થાનથી લવાયેલા ઈંડામાંથી જન્મેલું આ બચ્ચું મેલ છે કે ફીમેલ એ હજી સુધી નક્કી નથી. હજી આપણને એક ઍડલ્ટ મેલ ઘોરાડની જરૂર છે. જો ઍડલ્ટ મેલ લાવવામાં આવે તો ઘોરાડની સંખ્યામાં વૃદ્ધિ થશે, પ્રકૃતિ રિવાઇવ થશે. - અશોક ચૌધરી, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર

જમ્પસ્ટાર્ટ અભિગમ

ગુજરાતમાં એક દાયકા બાદ ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ)ના બચ્ચાનો જન્મ થયો એની પાછળ ‘જમ્પસ્ટાર્ટ અભિગમ’ નામની આધુનિક પદ્ધતિ કારણભૂત છે. એમાં કેન્દ્રીય મંત્રાલય, રાજસ્થાન અને ગુજરાતના વનવિભાગો તથા ભારતીય વન્યજીવન સંસ્થાનો સહયોગ રહ્યો છે.

કચ્છના ફૉરેસ્ટ કન્ઝર્વેટર અને ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસ (IFS)ના અધિકારી ધીરજ મિત્તલ ‘મિડ-ડે’ને કહે છે, ‘કચ્છમાં આમેય નર ઘોરાડની ગેરહાજરી હતી. અહીંની માદા ઘોરાડ ઈંડાં તો મૂકતી હતી, પરંતુ નર વગર એ અફલિત રહેતાં હતાં. આ કારણે બચ્ચાનો જન્મ શક્ય બનતો નહોતો. આ સમસ્યાના ઉકેલ માટે ‘જમ્પસ્ટાર્ટ અપ્રોચ’ નામની આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો. વન્યજીવ પ્રેમીઓ માટે આ એક આશાસ્પદ સમાચાર છે કારણ કે એક દાયકા બાદ કચ્છમાં ફરી ઘોરાડનો વંશવેલો આગળ વધ્યો છે.’

‘જમ્પસ્ટાર્ટ અપ્રોચ’ અંતર્ગત રાજસ્થાનના જેસલમેર (સેમ) ખાતેના બ્રીડિંગ સેન્ટરમાંથી એક ફલિત ઈંડું પસંદ કરવામાં આવ્યું. આ ઈંડાને ખાસ પોર્ટેબલ ઇન્ક્યુબેટરમાં રાખીને સતત ૧૯ કલાક સુધી રોડમાર્ગે ૭૭૦ કિલોમીટરની મુસાફરી કરાવીને સુરક્ષિત રીતે કચ્છમાં લાવવામાં આવ્યું હતું. બાવીસ માર્ચના રોજ કચ્છની માદા ઘોરાડના માળામાં રહેલા અફલિત ઈંડાને હટાવીને એની જગ્યાએ રાજસ્થાનથી લાવેલું ફલિત ઈંડું મૂકવામાં આવ્યું. માદા ઘોરાડે આ નવા ઈંડાને પોતાનું માનીને સેવ્યું અને ૨૬ માર્ચના રોજ એમાંથી તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો. હાલમાં વનવિભાગની ફીલ્ડ મૉનિટરિંગ ટીમ દ્વારા માદા ઘોરાડ અને એના બચ્ચાનું ૨૪ કલાક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

IFSના ધીરજ મિત્તલ કહે છે, ‘આ બચ્ચાને સુરક્ષિત રાખવું અમારી પ્રથમ પ્રાથમિકતા છે. વનવિભાગની ટીમ આસપાસના વિસ્તારોમાં મૉનિટરિંગ કરી રહી છે અને ચાંપતી નજર રાખી રહી છે. આ રક્ષકો ટ્રાયપૉડ, સ્પૉટિંગ સ્કોપ્સ અને બાયનૉક્યુલર્સથી સજ્જ ખાસ નિર્મિત વૉચટાવર પરથી બચ્ચાનું ધ્યાન રાખે છે અને પળ-પળની વિગતો નોંધે છે. બચ્ચાને બચાવવા ગામના કૂતરાઓ અને માલધારીઓનાં ઢોરથી દૂર રાખવામાં આવી રહ્યું છે એટલે ગામના રસ્તાઓ બંધ કરીને અવરજવર પર રોક લગાવી છે.’

નવું બચ્ચું નર છે કે માદા?

કચ્છના જાણીતા પ્રકૃતિવિદ નવીન બાપટ આ ઘટનામાં ઘોરાડના ઊજળા ભવિષ્યની એક આશા રાખે છે તો વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર અને પક્ષીજગતના કાબેલ અભ્યાસી અશોક ચૌધરીનો પણ આવો જ સકારાત્મક સૂર છે. ‘ઑપરેશન એગ ટ્રાન્સફર’ વિશે સકારાત્મક અભિગમ દાખવતાં ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં નવીન બાપટ કહે છે, ‘આ પ્રયત્ન બિલકુલ સકારાત્મક અને પ્રશંસાપાત્ર છે. અત્યાર સુધી ઉત્સાહની કમી હતી. નવી પદ્ધતિથી ટ્રાન્સપ્લાન્ટ કર્યું એ માટે બધા જ પ્રશંસાને પાત્ર છે. આ એક ખૂબ આવકારદાયી વાત છે. આપણી જવાબદારી હવે અહીંથી શરૂ થાય છે.’

હવે કચ્છમાં માત્ર ૩ માદા છે અને એક બચ્ચું છે એમ જણાવતાં પક્ષીવિદ અશોક ચૌધરી આ સંદર્ભે એક મહત્ત્વપૂર્ણ વાત ઉમેરે છે, ‘આપણી જવાબદારી અહીંથી શરૂ થાય છે. આ એક પ્રયત્નથી આપણે અટકી જવાનું નથી. ઘોરાડના સંરક્ષણને યોગ્ય ડેસ્ટિની મળે એ જરૂરી છે. પ્રકૃતિના ચક્રમાં નર અને માદા બન્ને મજબૂત સ્તંભ છે. રાજસ્થાનથી લવાયેલા ઈંડામાંથી જન્મેલું આ બચ્ચું મેલ છે કે ફીમેલ એ હજી સુધી નક્કી નથી. હજી આપણને એક ઍડલ્ટ મેલ ઘોરાડની જરૂર છે. જો ઍડલ્ટ મેલ લાવવામાં આવે તો ઘોરાડની સંખ્યામાં વૃદ્ધિ થશે, પ્રકૃતિ રિવાઇવ થશે.’

ઘોરાડના જીવલેણ તાર

ભારતમાં આ પક્ષી ગુજરાતના કચ્છ, રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે જગ્યાએ જોવા મળે છે. એકાદ મીટર ઊંચાં આ પક્ષીઓ ભારે વજનવાળાં હોય છે. સાઠના દાયકામાં ભારતમાં ૧૨૦૦થી વધુ ઘોરાડ હતાં. ત્યાર પછી આ પક્ષીઓ માત્ર કચ્છના દરિયાકિનારાનાં ઘાસિયા મેદાનો પૂરતાં એટલે કે અબડાસા અને માંડવી તાલુકામાં બચ્યાં છે. કચ્છની ઓળખ સમા અને ઘરેણું મનાતા ઘોરાડના દુશ્મનો કોણ છે કે કાળક્રમે એમની સંખ્યા ઘટતી જ જઈ રહી છે? એક બાજુ સરકાર ઘોરાડને બચાવવા માટે જમ્પસ્ટાર્ટ અપ્રોચ જેવી આધુનિક પદ્ધતિઓ અમલમાં મૂકી રહી છે તો બીજી તરફ ઘોરાડને બચાવવા સામેના પડકારો પણ ચિંતાજનક છે.

ઘોરાડ આજે વિલુપ્તિના આરે છે કેમ કે એમનું સંરક્ષણ પૂરતી રીતે નથી થયું એવું કહી શકાય. એનું કારણ એ કે છેલ્લા ૩ દાયકામાં અનેક ઘોરાડ કુદરતી મૃત્યુથી વધુ વીજલાઇનો સાથે ભટકાઈને મૃત્યુ પામ્યાં હોવાનું નોંધાયું છે. ઘોરાડ ઘાસિયા પ્રદેશનું પક્ષી છે. ઘાસિયા પ્રદેશો હવે ઘટી રહ્યા છે. આ પક્ષીને બચાવવાની તાતી જરૂર હોવાનું તજજ્ઞો અને પક્ષીવિદો માને છે.

ઘોરાડમાં એવું શું ખાસ છે?

ગુજરાતી વિશ્વકોશમાં યોગેશ મણિલાલ દલાલ અને નીતિન કોઠારીની નોંધ પ્રમાણે ઘોરાડ વંશ Gruiformesના Otididae કુળનું લગભગ લુપ્ત થવા આવેલી જાતનું એક ભારતીય પક્ષી છે. ઘોરાલ કે ઘોરાડ સૂકા વેરાન, છૂટાંછવાયાં ઊગેલાં ઝાડવાંવાળાં ઘાસનાં વિશાળ સપાટ મેદાનો, ખાડાટેકરાવાળા વિસ્તારો અને એની આસપાસ આવેલાં ખેતરોમાં મળી આવે છે. ઘોરાડનો બાંધો શાહમૃગ જેવો મજબૂત હોય છે. એની ડોક અને પગ લાંબાં હોય છે. એના શરીર પરનાં પીંછાં આછા કથ્થાઈ રંગનાં, માથા પરનાં કાળાં અને ડોક પરનાં સફેદ રંગનાં હોય છે. પગ ઘેરા પીળા હોય છે. કદમાં ગીધથી સહેજ મોટું, ઊંચાઈ આશરે એક મીટર, લંબાઈ ૧.૨૫ મીટર, જ્યારે પાંખનો વિસ્તાર બે મીટર કરતાં પણ વધારે હોય છે. ઘોરાડ ત્વરિત વેગે ઊડનારું હોવા છતાં ભારે શરીરને લીધે એ જમીનથી બહુ ઊંચે ચડતું નથી. આ પક્ષીઓ ૫૦૦ મીટર સુધી અવાજ સાંભળી શકે છે. કદમાં માદા કરતાં નર સહેજ ઊંચું હોય છે. નરની છાતી પર કાળો પટ્ટો જોવા મળે છે. માદામાં સામાન્યપણે આ પટ્ટો દેખાતો નથી. પ્રજનનકાળ સામાન્યપણે માર્ચથી સપ્ટેમ્બર સુધીનો હોય છે. નર ઘોરાડ પ્રજનનકાળ દરમ્યાન માદાને એકત્રિત કરીને પોતાના તરફ એમનું ધ્યાન કેન્દ્રિત કરે છે અને સહેજ ઊંચાણવાળા સ્થળે રહીને નૃત્યલીલા આરંભ કરે છે. બીકણ અને શરમાળ ગણાતા આ પક્ષીની વસ્તી ખૂબ ઓછી હોય છે એનું કારણ એ છે કે એ વર્ષમાં માત્ર એક જ વાર ઈંડું મૂકે છે.

બચાવવાના પ્રયાસો

થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટમાં ભૂતપૂર્વ અમલદાર અને ભારતના વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ ૧૯૭૨ના ઘડવૈયા ડૉ. એમ. કે. રણજિતસિંહ, રાજસ્થાનના સ્થાનિક પર્યાવરણ ચિંતક પીરારામ બિશ્નોઈ, ગુજરાતના જાણીતા પર્યાવરણવિદ નવીન બાપટ, કર્ણાટકના પર્યાવરણ સંરક્ષક સંતોષ માર્ટિન અને ધ કૉર્બેટ ફાઉન્ડેશન દ્વારા પક્ષીના રક્ષણ માટે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં મહત્ત્વપૂર્ણ બસ્ટર્ડનાં નિવાસસ્થાનોમાં વીજળીની લાઇનોને ભૂગર્ભમાં દાટી દેવા અને તમામ પાવર લાઇનો પર પક્ષી-ડાઇવર્ટર સ્થાપિત કરવાની માગણી કરવામાં આવી હતી.

સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે ઘોરાડનાં પૃથ્વી પરનાં એકમાત્ર કુદરતી નિવાસસ્થાનોને સુરક્ષિત રાખવા હાઈ ટેન્શન વાયરો ભૂગર્ભમાંથી જવા જોઈએ.

ઘોરાડના સંરક્ષણ માટે જાગ્રત નવીન બાપટ ઘોરાડના અસ્તિત્વ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહે છે, ‘માણસજાત પર્યાવરણના નાશ માટે જન્મી હોય એવું લાગે છે. ઘોરાડના નાશ માટે આપણે સૌ જવાબદાર છીએ.’

અશોક ચૌધરી કહે છે, ‘ઘોરાડના વિનાશમાં ઔદ્યોગિક વિકાસ અને ઇલેક્ટ્રૉનિક તારની સમસ્યા જવાબદાર છે. ઘોરાડને વિકાસની ખબર નથી. એમનું વિઝન નબળું હોવાને કારણે તેઓ તાર સાથે અથડાઈને મોતને ભેટે છે.’

ઘોરાડના ઘરની ખોદાતી ઘોર

અશોક ચૌધરી ઘોરાડનાં ખતમ થઈ રહેલાં રહેઠાણો માટે પણ ચિંતા વ્યક્ત કરે છે. ઘોરાડનાં ઘર એવાં ઘાસિયા મેદાનોનો વિનાશ આ પક્ષીના અસ્તિત્વ માટે ખતરો હોવાનું નિષ્ણાતો માને છે.

નવીન બાપટ કહે છે, ‘ઘોરાડને રહેવા માટે જે પ્રકારનું ઘાસ જોઈએ છે એ કચ્છમાં છે. ઘોરાડને જરૂરી ઇયળ, કીટકો વગેરે જીવોનો ખોરાક પણ એમાંથી મળી જાય છે એટલે ઘાસિયા મેદાનો ઘોરાડ માટે સૌથી અનુકૂળ છે. જો ઘોરાડ (બસ્ટર્ડ) ન હોય તો એનો અર્થ એ કે એ પ્રદેશની ઇકોસિસ્ટમ પૂરી થઈ ગઈ છે. જો તેઓ લુપ્ત થઈ જાય તો એનો અર્થ એ કે આપણી ઘાસના મેદાનની ઇકોસિસ્ટમ ભાંગી જશે.’

અશોક ચૌધરી આ વાતના અનુસંધાનમાં કહે છે, ‘ગ્રાસ લૅન્ડ એ એશિયાનાં બીજા નંબરનાં ઘાસનાં મેદાનો છે. શું આપણે આ ગ્રાસ લૅન્ડને પ્રોટેક્ટેડ રાખ્યાં છે ખરાં? શું આપણે એન્ક્રોચમેન્ટ અટકાવી શકીએ છીએ? આપણે ગ્રાસ લૅન્ડને વેસ્ટ લૅન્ડ સમજીએ છીએ? એક આખી ઇકોસિસ્ટમ અને અદ્ભુત બાયોડાઇવર્સિટી એની સાથે જોડાયેલી છે. જો ઘોરાડને બચાવવાં હશે તો ઘાસિયા મેદાનોનું મહત્ત્વ સમજવું પડશે.’

બસ્ટર્ડ અને બાબર

એક સમયે ઘોરાડનું માંસ સ્વાદિષ્ટ હોવાની માન્યતાએ પણ ઘોરાડના શિકારને વેગ આપ્યો હતો. ઢંકાયેલાં બળદગાડાંઓ અને પછી સમયાંતરે ખુલ્લી જીપ પાછળ દોડાવીને ઘોરાડનો શિકાર થતો હોવાની પણ નોંધ છે. ભારતમાં મોગલ અને અંગ્રેજકાળમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ઘોરાડ પક્ષીઓનો શિકાર થયો હોવાની ઇતિહાસમાં નોંધ છે. મોગલ રાજા બાબરે પોતાની આત્મકથામાં નોંધ્યું હતું કે ‘કેટલાંક પક્ષીઓના પગનું માંસ ઉત્તમ હોય છે. ખારચલ (ઘોરાડ)ના દરેક ભાગનું માંસ સ્વાદિષ્ટ હોય છે.’

- વિક્રમ મહેતા

columnists wildlife kutch gujarati mid day lifestyle news life and style