જાગ્યા ત્યારથી સવાર : શિંદેની માગણીમાં ક્યાંક ને ક્યાંક બાળાસાહેબનો સ્વર કાન સુધી પહોંચે છે

23 June, 2022 11:03 AM IST  |  Mumbai | Manoj Joshi

જે શિવસેના પવાર અને ગાંધી સાથે બેસી ગઈ હતી એ શિવસેના દૂર-દૂર સુધી કૉન્ગ્રેસની માનસિકતા પર કામ કરનારી નહોતી અને એવું બને એવું એક પણ શિવસૈનિક ઇચ્છતો નહોતો

પ્રતીકાત્મક તસવીર

એકનાથ શિંદેએ જે પ્રકારનું વાતાવરણ ઊભું કરી દીધું છે એ ખરેખર એક શિવસૈનિકનો સૂર છે, બાળાસાહેબનો અવાજ છે અને એ સ્વર હિન્દુત્વની નીતિમાં માનનારા દરેકેદરેકને સંભળાઈ રહ્યો છે. જે શિવસેના પવાર અને ગાંધી સાથે બેસી ગઈ હતી એ શિવસેના દૂર-દૂર સુધી કૉન્ગ્રેસની માનસિકતા પર કામ કરનારી નહોતી અને એવું બને એવું એક પણ શિવસૈનિક ઇચ્છતો નહોતો. જોકે એવું બન્યું અને કચવાતા મને શિવસૈનિકોએ એને સ્વીકારી પણ લીધું, પણ નક્કી થયેલી શરત મુજબ. જેમ-જેમ સમય પસાર થતો ગયો અને જેમ-જેમ ઉદ્ધવ ઠાકરેની ટર્મ પૂરી થવા માંડી એમ-એમ તેમની અંદરનો પેલો હિન્દુત્વની માનસિકતાનો આત્મા જાગવો શરૂ થયો અને જાગી રહેલા એ આત્માએ ક્યાંક ને ક્યાંક, કોઈ ને કોઈ રીતે કનડગત કરવાની શરૂ કરી. અત્યારે જે અવસ્થા ઊભી થઈ છે એ અવસ્થા એ જ કહી રહી છે કે શિવસેના પોતાના મૂળ રૂપમાં ફરી આવવા માગે છે.

બહુ સ્પષ્ટતા સાથે એકનાથ શિંદેએ માગણી કરી છે અને કહ્યું છે કે અમને શિવસેના સામે કોઈ વિરોધ નથી; બસ, અમે એટલું ઇચ્છીએ છીએ કે શિવસેના સ્વીકારે કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાનપદ પર આવે અને અમે તેમને ટેકો જાહેર કરીએ છીએ.

શિંદેસાહેબને પક્ષ છોડવો નથી, ઉદ્ધવ ઠાકરે સામે તેમનો કે પછી શિંદે સાથે ગયેલા એક પણ વિધાનસભ્યનો વિરોધ નથી કે પછી નથી વિરોધ શિવસેનાની સરકારનો અને એ પછી પણ તેઓ શિવસેના સાથે રહેવા તૈયાર નથી. શું સૂચવે છે આ વાત?

સૂચવે છે કે તેમનો વિરોધ શરદ પવાર આણિ મંડળી સામે છે અને એ વિરોધ પણ કાર્યદક્ષતા કે કાર્યક્ષમતાનો નથી. એ વિરોધ સંપૂર્ણપણે માનસિકતાનો છે અને હિન્દુત્વ સાથે જોડાયેલો રાજકીય પક્ષ કોઈ રીતે કૉન્ગ્રેસનું સેક્યુલરિઝમ અપનાવી જ ન શકે અને એવું જ બનતું દેખાય છે. શિંદેસાહેબ સાથે રહેલા એક પણ વિધાનસભ્યની માગણી એવી નથી કે તેને પ્રધાનપદ આપવામાં આવે. એવી પણ માગણી નથી કે તેમને સત્તા પર લેવામાં આવે અને એવી પણ માગણી નથી કે એક્સ કે વાયની સામે કોઈ પગલાં લેવામાં આવે. તેમની માગણી સિમ્પલ છે કે પછી હવે જે સરકાર બને એમાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે. અહીં મારે એક વાત કહેવી છે કે દેવેન્દ્ર ફડણવીસ એક નામ છે. શિંદેસાહેબની માગણી છે કે હિન્દુત્વ સાથે જોડાયેલી પાર્ટીના નેતાને સત્તા સોંપવામાં આવે. હું કહીશ કે મરાઠી માણૂસે જે સોગઠી પાથરી છે એમાં વાણિયાબુદ્ધિ ભારોભાર ઝળકે છે. અત્યાર સુધી બધું ક્ષેમકુશળ રીતે ચાલ્યું, ચાલવા દીધું અને જેવો ઉદ્ધવ ઠાકરેની ટર્મ પૂરી થવાનો સમય આવ્યો કે તરત જ હિન્દુત્વના સિંહે પોતાની તલવાર ખેંચી લીધી અને જે કોઈ તેમની સાથે સહમત હતું એ બધાની સાથે મુંબઈ છોડીને બહાર નીકળી ગયો.

દૂર-દૂર સુધી કોઈએ આવી ધારણા નહોતી રાખી, પણ એકનાથભાઉએ એ રસ્તો અપનાવીને સૌકોઈની બોલતી બંધ કરી દીધી. અત્યારના તબક્કે જે વાતાવરણ છે એમાં એક જ વાત કહેવી પડે કે સાપે છછુંદર ગળી લીધું છે અને હવે વિધાનસભા ભંગ સિવાયનો કોઈ રસ્તો દેખાતો નથી. લેટ્સ સી, શું થાય છે?

columnists manoj joshi