15 November, 2025 07:45 PM IST | Mumbai | Jigisha Jain
પુરાતન કથાઓ આ જગ્યાએ પથ્થર પર કોતરાઈને જીવંત બની જાય છે
આ જગ્યા એટલે મહારાષ્ટ્રનું ગૌરવ એવી એલિફન્ટા ગુફાઓ. ગુપ્તવંશ દરમ્યાન બનેલી અને પૌરાણિક હિન્દુ અને બૌદ્ધ ગુફાઓ તરીકે જાણીતી આ જગ્યા આજે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાણીતી છે. પર્યટન માટે, કંઈક જૂનું જાણવા માટે, પૌરાણિક સ્થાપત્ય અને કળાને નિહાળવા માટે લાખો લોકો દર વર્ષે અહીં જાય છે. જો તમને પૌરાણિક કથાઓમાં રસ હોય તો આ જગ્યા તમારા માટે અદ્વિતીય અનુભવ સાબિત થઈ શકે છે, કારણ કે અહીં આપણી ઘણી જાણીતી શિવકથાઓ પથ્થરો પર એ રીતે કંડારેલી છે કે બેજાન પથ્થરોમાં પણ પ્રાણ પુરાયા હોય અને એ જીવંત થઈ ઊઠે
મહારાષ્ટ્ર ટૂરિઝમનું એમ્બલમ ધ્યાનથી જોયું છે? પથ્થરથી કોતરેલી ત્રિમૂર્તિનો ફોટો છે એમાં. આ સ્કલ્પ્ચર એટલે કે મૂર્તિ કઈ જગ્યાની છે એ તમને ખબર ન હોય તો એના માટે જવું પડશે મુંબઈના અરબી સમુદ્રના એક સુંદર ટાપુ ઘરાપુરી પર. નામ વાંચીને મૂંઝાઈ ન જાઓ. આપણે વાત કરી રહ્યા છીએ મુંબઈથી ૧૧ કિલોમીટરના અંતરે આવેલા એલિફન્ટા ટાપુની. આ ટાપુ પર આવેલી ગુફાઓમાં આ ત્રિમૂર્તિની ૨૦ ફુટ જેટલી લાંબી અને ભવ્ય કોતરણી છે. એમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રણેયનું સર્જક, પાલનહાર અને વિનાશક તરીકે ચિત્રણ કરવામાં આવ્યું છે. આ ત્રણેયનું સ્થાન સનાતનનો આધાર છે. ૨૦૧૭માં મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશન દ્વારા આ સ્કલ્પ્ચરને એના લોગોમાં સમાવવામાં આવ્યું અને આ રીતે મહારાષ્ટ્ર ટૂરિઝમની એ ઓળખ બની ગયું. ૨૦૨૪નો આંકડો કહે છે કે ૪,૭૬,૫૩૨ લોકો એ વર્ષે એલિફન્ટા જોવા ટૂરિસ્ટ બનીને આવ્યા હતા. મુંબઈકરો માટે એ જાણીતું પિકનિક સ્પૉટ છે. જો તમે ત્યાં ન ગયા હો અથવા તો તમારાં બાળકોને ત્યાં ન લઈ ગયા હો તો અંદાજે છઠ્ઠી શતાબ્દીમાં બનેલી આ ગુફાઓની એક મુલાકાત ચોક્કસ લો. ત્યાંથી તમે ઘણુંબધું પામીને આવશો એની ગૅરન્ટી.
ખંડિત છતાં અડીખમ
ગુપ્ત રાજવંશના કાળમાં બનેલી આ ગુફાઓને જ્યારે પોર્ટુગીઝ લોકોએ જોઈ ત્યારે તેમણે પ્રવેશની જગ્યાએ એક મોટા હાથીનું સ્ટૅચ્યુ જોયું જે તેમને ખૂબ ગમી ગયું અને ત્યારથી તેઓ આ જગ્યાને એલિફન્ટા ગુફા બોલાવવા લાગ્યા. દુખદ વાત એ છે કે આ એ જ લોકો છે જેમણે ત્યાં જઈને મૂર્તિઓને ખંડિત કરી, ગુફાની સુંદરતાને ખરાબ કરી, લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી અને દેશ પર રાજ કર્યું. આ ગુફાઓ ભારતીય સ્થાપત્ય અને કળાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, કારણ કે પોર્ટુગીઝ લોકોના અઢળક પ્રયાસો છતાં એ પૂરી રીતે ભાંગી પડી નથી કે ધ્વંસ થઈ નથી; હજી પણ અડીખમ છે, જાણે કહેતી હોય કે તમે મને ખંડિત કરી છે પણ મારું અસ્તિત્વ મિટાવી શકવાની તાકાત તમારામાં નથી.
એક જ પથ્થરમાંથી થયું હતું નિર્માણ
ગુપ્ત રાજાઓ શૈવ વંશના હતા એટલે તેમણે ભગવાન શિવ અને તેમનાં અલગ-અલગ રૂપોને સમર્પિત એક મંદિર બનાવ્યું હતું. એમાં વચ્ચે મુખ્ય શિવલિંગ અને આજુબાજુ ભગવાન શિવની કથાઓનું પથ્થરો પર ચિત્રણ કરવામાં આવ્યું હતું. એ પછીના કાળમાં ઘણા બૌદ્ધધર્મીઓ અહીં આવીને સાધના કરતા એટલે ઘણા લોકો આ જગ્યાએ આવેલી ગુફાઓને હિન્દુ અને બૌદ્ધ ગુફાઓ તરીકે ઓળખે છે. આ ગુફાઓની વિશેષતા એ છે કે એલિફન્ટા પર આવેલા મુખ્ય બે પર્વતોમાંથી એક પર્વતને પૂરેપૂરો કોતરીને આ ગુફા બનાવવામાં આવી છે. એટલે કે અહીં એક જ પથ્થરમાંથી આખી ગુફાનું નિર્માણ થયું છે જેને અંગ્રેજીમાં મૉનોલિથિક સ્ટ્રક્ચર કહે છે. અહીં તમે જશો ત્યારે મોટા-મોટા પિલર્સ જોઈ શકશો. જેમણે એમને ખંડિત કરી તેમને હતું કે પિલરની નીચેની બાજુ તોડીશું તો પિલર આખો તૂટી પડશે અને ગુફા ધ્વંસ થઈ જશે. જોકે એવું થયું નહીં, કારણ કે આ આખું સ્ટ્રક્ચર એક જ પથ્થરમાંથી બન્યું છે. એ તૂટેલા સ્તંભોનું રિપેરકામ પણ પાછળથી સ્ટીલ અને સિમેન્ટથી કરેલું તમને દેખાશે. આ ગુફાઓ બેસાલ્ટ પથ્થરમાંથી બની છે. એટલે કે જ્વાળામુખીથી બનેલો પથ્થર. આ પથ્થરની ઓળખ એ હોય છે કે એમાં લાલ લાઇન દેખાય છે જે જ્વાળામુખીની લેયર હોય છે. જેમ-જેમ એ ઠંડું પડતું જાય એમ એની લેયર બનતી જાય છે. જ્વાળામુખીથી બનેલા પર્વતોની વિશેષતા એ છે કે ઉપર એ પોલા હોય છે અને નીચે એકદમ સખત હોય છે. કોતરણી જેવું નાજુક કામ એટલે જ ટોચ પર કરવાનું શક્ય બને છે.
પ્રાચીન કથાઓ થઈ ઊઠશે જીવંત
એલિફન્ટા પર પાંચ ગુફા છે. એમાં પહેલી ગુફા મુખ્ય છે. ભગવાન શિવની અનેક કથાઓ તમે વાંચી કે સાંભળી હશે, પણ જડ પથ્થરો પર કોતરેલી જોઈ નહીં હોય. અહીં આવીને એક લોકલ ગાઇડનો ખર્ચ ચોક્કસ કરવો, કારણ કે આ લોકલ ગાઇડ એક પછી એક કથાઓ જે રીતે તમને જણાવશે એ તમારા જીવનનો યાદગાર અનુભવ બની જશે. આ ગુફાઓને એમ ને એમ જોઈને નીકળી જવા કરતાં લોકલ ગાઇડના સ્ટોરી-ટેલિંગનો અનુભવ આહલાદક હોય છે. અહીં શિવ-પાર્વતીના વિવાહ અને શિવ અને પાર્વતીને ચોસર રમતાં તમે નિહાળી શકો છો. અહીં અર્ધનારીશ્વરની કલ્પનાને પથ્થરો પર ઉતારીને શિવ અને શક્તિ એકબીજાનાં કેવાં પૂરક છે એનું વર્ણન થયું છે. રાવણ જ્યારે પોતાના અહંકારમાં કૈલાશને ઉઠાવે છે અને શિવ ભગવાન પોતાના અંગૂઠાના બળે કૈલાશની નીચે રાવણને દબાવે છે એ કથાનું ચિત્રણ પણ અહીં છે. શિવનું રૌદ્ર રૂપ અને તાંડવ કરતા નટરાજ પણ અહીં પ્રસ્તુત છે. ગંગાને પોતાની જટાઓમાં સમાવનાર શિવની બાજુમાં તપસ્યા કરી રહેલા ભગીરથ રાજાવાળી કથાને પથ્થરોમાં કોતરાયેલી જોવી અદ્ભુત છે. અહીં જ ત્રિમૂર્તિવાળું શિલ્પ છે. આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જ છે એ દર્શાવવા માટે તેમનાં પ્રતીક કમળ, શંખ અને નાગ પણ આ શિલ્પનો જ એક ભાગ છે. આ બધી જ કથાઓ પથ્થરમાં એ રીતે કંડારેલી છે કે જાણે તમારી સામે જીવંત થઈ ઊઠે છે. અહીં જલદી કરતા નહીં. એક-એક નાની-નાની ડીટેલને જોવાની, સમજવાની અને આ વાર્તાઓને જીવવાની એક જુદી મજા છે.
ટોચની મજા
આમ તો ખંડિત મૂર્તિની પૂજા થાય નહીં, પરંતુ પહેલી ગુફામાં આવેલા શિવલિંગની આજે પણ શિવરાત્રિના દિવસે પૂજા થાય છે. પહેલી ગુફાની બાજુના ભાગમાં ગણેશ, કાર્તિકેય, આઠ દેવીઓ અને વીરભદ્ર દેવનાં શિલ્પો છે. બૌદ્ધપંથીઓ અહીં આવીને સાધના કરતા હતા. બાકીની ગુફાઓમાં તેમના રહેવાની અને સૂવાની વ્યવસ્થા તથા સાધના માટે તૈયાર કરેલા ખંડ જોઈ શકાય છે. ત્રીજી ગુફામાં એક જગ્યાએ એવી કોતરણી છે જ્યાંથી ચોથી ગુફા દેખાય છે અને ત્યાંથી રાડ પાડો તો અવાજ ચોથી ગુફા સુધી પહોંચી શકે છે. આમ ત્રીજી અને ચોથી ગુફા વચ્ચે કમ્યુનિકેશન માટે એનો ઉપયોગ થતો હોય એમ સમજી શકાય છે જેનો અનુભવ ઘણો જ યુનિક છે. પાંચમી ગુફા પર્યટકો માટે બંધ છે. એમાં જવાનું રિસ્ક ન લેવું. પથ્થર ગમે ત્યારે પડી શકે એવી અવસ્થામાં છે. મોટા ભાગે લોકો અહીં સુધી આવીને જતા રહે છે, પરંતુ અહીં આવેલી કૅનન હિલ ચોક્કસ જોવી. ગુફાઓથી આગળ ૨૦-૩૦ સીડીઓ ચડીને અને ૧૦ મિનિટ જેવું ટ્રેકિંગ કરીને કૅનન હિલ પહોંચી શકાય જ્યાં એક ટનથી વધુ વજનની તોપ જોવા મળશે. પોર્ટુગીઝ લોકો અહીંથી બંદરગાહ પર નજર રાખતા. અહીં એક ભોંયરા જેવી જગ્યા છે જ્યાં દારૂગોળો રહેતો. ત્યાંથી આગળ પાંચ મિનિટના રસ્તે તમે એલિફન્ટાની ટોચ પર પહોંચી શકો છો જ્યાં એક બીજી મોટી તોપ જોઈ શકાય છે.
કઈ રીતે પહોંચશો?
ગેટવે ઑફ ઇન્ડિયાથી ફેરી મળે છે જે તમને એલિફન્ટા લઈ જાય છે. આદર્શ રીતે સવારે ૮-૯ વાગ્યાની ફેરી પકડવી જે તમને દોઢ કલાકે એલિફન્ટા ઉતારશે. ત્યાં પર્યટકોની સુવિધા અને બાળકોની મજા માટે એક ટૉય ટ્રેન રાખવામાં આવી છે. ૧૨૦ પગથિયાં ચડીને ગુફાઓ સુધી પહોંચવાનું હોય છે. જો કોઈ સિનિયર સિટિઝન હોય તો તેણે થોડું સમજીને જવું. મહત્ત્વનું એ છે કે સાંજે ૫.૩૦-૬ વાગ્યે છેલ્લી ફેરી હોય છે જે તમને એલિફન્ટાથી મુંબઈ પહોંચાડે છે. એ તમે મિસ ન કરતા. ગુફા સુધી પહોંચવાના આખા રસ્તામાં બજાર ભરાયેલી છે. બધું જોતાં-જોતાં અને ખરીદતાં-ખરીદતાં તમે ક્યારે ઉપર પહોંચી જશો એ ખબર નહીં પડે. રસ્તામાં ખૂબ ખાવા-પીવાના સ્ટૉલ્સ પણ છે. ગેટવેથી લીધેલી ટિકિટ પર જ તમે રિટર્ન જર્ની કરી શકશો. આશરે ૫૦૦થી ૧૦૦૦ રૂપિયામાં આ જગ્યા તમે માણી શકશો
મંદિર જ્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પરિણમે
એક સમયનું મંદિર અને આત્મસાધનાનું કેન્દ્ર જ્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટ બને ત્યારે શ્રદ્ધાળુઓને બદલે પર્યટકોથી ભરાઈ જાય છે. અહીં બધા શૂઝ પહેરીને અંદર ફરતા હોય છે. મૂર્તિઓ ખંડિત થઈ ગઈ છે એટલે પૂજા અહીં થતી નથી એ વાત સાચી, પરંતુ જ્યારે તમે ગુફામાં અંદર જશો ત્યારે આ જગ્યાનાં વાઇબ્રેશન અનુભવશો. દૈવી ફીલ હજી પણ અહીં અકબંધ છે. અહીં ગુફાઓમાં અવાજ પડઘાય છે એટલે ધ્યાન માટે એ શ્રેષ્ઠ જગ્યા છે, પણ ટૂરિસ્ટનો કોલાહલ એટલો છે કે એ પરમ શાંતિ જે અહીં મેળવી શકાય એમ છે એ નહીં મળવાનો વસવસો તમને થઈ શકે છે.