ઇન્ટેલિજન્સ ક્વૉશન્ટ કરતાં ઇમોશનલ ક્વૉશન્ટ વધુ જરૂરી

11 June, 2021 01:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટરનેટ અને ડિજિટલ યુગમાં જન્મેલી યુવાપેઢીની હેલ્પ લેવામાં વાંધો ક્યાં પડે છે એ નથી સમજાતું

ક્રિશા કારાણી

રોગચાળા દરમિયાન બધાએ પોતાની ફિઝિકલ હેલ્થ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પણ મેન્ટલ હેલ્થ વિશે માત્ર વાતો જ કરી છે. આવું કેમ? વાત માત્ર મહામારીના સમયની નથી. મેન્ટલ ડિસઑર્ડર એટલે ગાંડી વ્યક્તિ એવું જ લોકો માને છે. ખાસ કરીને યુવા પેઢી અને પેરન્ટ્સ વચ્ચે કમ્યુનિકેશનનો જે ગૅપ છે એ મેન્ટલ હેલ્થ વિશેની સમજણનો અભાવ છે. ઘરની અંદર ટીનેજ દીકરા કે દીકરીનું વર્તન બદલાઈ જાય, મૂડસ્વિંગ્સ હોય ત્યારે પેરન્ટ્સને લાગે છે કે સંતાનો તોછડાઈથી વર્તે છે. અરે, તેમના બિહેવિયર, ઍક્શન અને હતાશા પાછળ કારણો છે. હૉર્મોન ઇમ્બૅલૅન્સ અને પ્યુબર્ટી એજને પણ સામાન્ય રીતે પેરન્ટ્સ અવગણે છે. અમને સલાહકાર અને માર્ગદર્શકની જરૂર છે. દર વખતે પેરન્ટ્સ બનીને બાંયો ચડાવવાથી પ્રૉબ્લેમ સૉલ્વ ન થાય.  ક્યારેક અમારા મિત્ર અને સલાહકાર બનીને તો જુઓ.

વાસ્તવમાં અમને માનસિક સ્વાસ્થ્ય વિશે સચોટ માહિતી આપી શકે એવો કોઈ જરિયો નથી. ઘરમાં પેરન્ટ્સ નથી સમજી શકતા અને સ્કૂલ-કૉલેજોમાં કાઉન્સેલર નિયુક્ત કરવામાં આવે છે એમાં પણ મોટા ભાગે પરીક્ષા સંબંધિત કાઉન્સેલિંગની વાતો થાય છે. કેટલીક કૉલેજોમાં તો એ પણ નથી હોતા. જવું કોની પાસે? કેટલાક કેસમાં ફ્રેન્ડ્સનું ગાઇડન્સ લઈએ એમાં પણ વાંધો પડે છે. ઘણા પેરન્ટ્સ તો બોલે પણ છે કે અમે બેઠા છીએને સલાહ આપવાવાળા. ચોક્કસ સલાહ-સૂચનો આપો અને જરૂર પડે ત્યારે અમારી લેવામાં સંકોચ ન રાખો. ઇન્ટરનેટના જમાનામાં ઇક્યુ આઇક્યુ કરતાં વધારે જરૂરી છે.

ક્યારેક લાગે છે કે કાઉન્સેલિંગની યુવાનોને નહીં, પેરન્ટ્સને સખત જરૂર છે. શારીરિક આરોગ્ય જેટલું મહત્ત્વ તેઓ માનસિક આરોગ્યને આપતા નથી. આજ સુધી તમે ક્યારેય પેરન્ટ્સને પોતાની ચિંતા, ભાવનાઓ, માનસિક રોગ વિશે સંતાનો સાથે વાત કરતા જોયા? ઇન્ટરનેટ અને ડિજિટલ યુગમાં જન્મેલી યુવાપેઢીની હેલ્પ લેવામાં વાંધો ક્યાં પડે છે એ નથી સમજાતું. આજથી થોડાં વર્ષો પહેલાં લોકોમાં સભાનતા નહોતી, હવે સમય બદલાયો છે. મનોચિકિત્સકને કન્સલ્ટ કરવાથી તમે ગાંડામાં નથી ખપવાના. આ રોગ છે અને એનો ઇલાજ છે એટલું સ્વીકારી લેવાથી બન્ને પેઢી વચ્ચેનો સંઘર્ષ ઓછો થઈ શકે છે. સાઇકોલૉજી કંઈ સાયન્સનો સબ્જેક્ટ નથી. એ દરેક ઉંમરની વ્યક્તિને લાગુ પડે છે. સ્કૂલ-કૉલેજો બંધ હોવાથી અત્યારે બેસ્ટ સમય છે જ્યારે પેરન્ટ્સ અને સંતાનો વચ્ચેનાં મંતવ્યોમાં તફાવતને કમ્યુનિકેશનથી સૉલ્વ કરીને મેન્ટલી સ્ટ્રૉન્ગ બૉન્ડિંગ બને.

શબ્દાંકન : વર્ષા ચિતલિયા

બિન્દાસ બોલ

ક્રિશા કારાણી - ૧૯ વર્ષ, ઘાટકોપર

columnists